|| શ્રી ગોપાલો જયતે ||

જન મેઘાજી જાન, રત ગોપાલસું રસકી,
ધરત અહોનિશ ધ્યાન, અનંતલગી ગુન અસકી;
શુભ બદુ ઘોરી સોય, ભેટ કરન મન ભાવે,
કહેન લગી અબ કોય, પ્રભુકું ઇહાં પધરાવે;
ભુવન સીહોર તે પત્ર ભન્ય, વહે ગોકુલ મનુહાર,
કોષ પાંચસેં સપ્તદિન મધ્ય, પહોંચે દાસ મોરાર.

સીહોરના ક્ષત્રિય રાવળ રાજા અખેરાજને મેઘાજી નામે મહાપતિવૃતા પત્નિ હતા. તેમની પાસે શ્રીગોપાલલાલનાં સેવક સેંદરડાના રહીશ અગ્યાસણા મોઢ બ્રાહ્મણ મોરારદાસ ભગવદ ગુષ્ટ કરતા. તેમના સંગે કરી સંવત 1666 માં શ્રીગોપાલલાલ પ્રદેશ પધાર્યા ત્યારે તેમના સેવક થયા. મેઘાજીને રત્ન સમાન રતન રાવળ નામે પુત્ર હતો. જે ઘણા જ લાડથી ઉછર્યો હતો.

મરાઠી સાખી.

અશ્વની સુંદર એક વછેરી, રાયે વહાલે ઉછેરી,
ખાન પાન આપીને ભારે નવ એને કદી છેડી,
થઇ યોગ્ય હવે… હાં… સવારી કરવા જેવી…અશ્વની.
કુટુંબનું મંડળ સહુ બેઠું, પુત્રે વાત ત્યાં છેડી,
સવારી લાયક થઇ વછેરી છે સુંદર એ કેવી,
મનહર એવી… હાં… નહીં હોય કો સ્થળે એવી…અશ્વની.

રતન રાવળે અશ્વની બદું જાતની એક સુંદર વછેરી ઉછેરીને મોટી કરી, તે સવારી કરવાને યોગ્ય થઇ. એક વખત માતાજી સર્વ કુટુંબ સહીત બેઠાં હતાં, ત્યારે રાવળે વાત કરી માતા જુઓ આ વછેરી કેવી સુંદર અને મનહર છે. આવી મનહર ઘોડી તો કોઇ સ્થળે નહીં હોય. એ સાંભળી પ્રેમઘેલાં મેઘાજી હર્ષમાં આવી ગયા, મહાન ભગવદી કે જેમને પ્રભુ કરતાં કોઇ અધિક નથી- સારામાં સારી ઉત્તમ વસ્તુ શ્રીઠાકોરજીને અર્પણ થાય એવી જેમને દ્રઢ ભાવના છે, તે હર્ષમાં બોલી ઉઠ્યા બેટા ! એ ઘોડી તો પ્રભુશ્રી ગોપાલલાલને જ લાયક છે. એ હવે તમારાથી ન રખાય.

એ નવ તમથી રખાય, બાળરાજા… એ નવ તમથી રખાય,
કહે છે મેઘાજી માય, બાળરાજા.
ગોકુળપતિ શ્રીગોપાલ પ્રભુને, ચઢવા યોગ્ય જણાય… બાળા.
સુંદર એવી શ્રી પ્રભુ લાયક, તમથી નવ વપરાય… બાળા.
જેવી ઘોડી સ્વારે તેવા ગોકુળ પતિજ ગણાય… બાળા.

તે ઘોડી તો પ્રભુને અર્પણ થઇ ચુકી, એ હવે તમારાથી વપરાય નહીં. રતન રાવળને મેઘાજીના એવા શબ્દો સાંભળી પગની જ્વાળા માથા સુધી પહોંચી ગઇ અને રીસ ચડાવી કહેવા લાગ્યો, માતા આવી વગર વિચારી વાત શું કરો છો. આજ સુધી આટલો ખર્ચ કરી અનહદ શ્રમ વેઠી, પાળી પોષી મોટી કરી તે ઘોડી શું આપી દેવી, તે કેમ બને ? એ ઘોડી મને અતિશય પ્રિય છે છતાં પણ શાસ્ત્ર મુજબ માતાનું વચન પાળવું જ જોઇએ માટે કહું છું જો આપને એ પ્રભુ ઉપર પૂર્ણ સ્નેહ હોય તો સાત દિવસમાં એ પ્રભુને અહીં બોલાવી એ ઘોડી ભેટ કરો. પણ જો તે દરમિયાન પ્રભુ અહીં આવી અંગીકાર નહીં કરે તો હું તેના પર સવારી કરીશ.

મેઘાજી ઘણા જ વિચારમાં પડી ગયા, ચારસો ગાઉ દૂર જઇને શ્રીઠાકોરજીને સાત દિવસમાં પધરાવી લાવવા એ ક્યાંથી બની શકે ! તે ઘણાં જ મુંઝવણમાં ગુંચવાયા. ત્યારે તેને યાદ આવ્યું કે પ્રભુને ભક્ત અતિ પ્યારા છે, તેઓ મહાન ભયવાળાં કામ પણ વિના પરિશ્રમે કરી શકે છે. વળી ભગવદ્દીની કાની સિવાય પ્રભુ પધારતા નથી તેમ કાંઇ અંગીકાર પણ કરતા નથી. તે પ્યારા પ્રભુ ભગવદ્દીના હ્રદયનાવાસી છે. માટે મારા વ્હાલા ભગવદ્દી કૃપા કરે તો જ એ કાર્ય નિર્વિઘ્ને થાય, તે સિવાય બીજો ઉપાય જ નથી.

તેથી વૈશ્નવોને ભેળાં કરી તેની પાસે વીનંતી કરી, સર્વ આશ્ચર્ય પામ્યા અને શાતવાર સર્વો મૌન રહ્યા. પછે સેંદરડાના મોરારદાસે વિચાર્યું. પ્રભુજી જરૂર કસોટી કરે છે. ભલે જેમ રાજની ઇચ્છા હશે તેમ થશે. તેમ વિચારી કહ્યું. મેઘાજી, પ્રભુજીને પધરાવી લાવવા માટેનો મનુહાર વિનતી પત્ર લખી આપો હું ગોકુલ જઈ તે પત્ર પહોંચાડું પછી જેવી રાજની ઇચ્છા હશે તેમ થશે. મોરારદાસને વિનતીપત્ર લખીને આપ્યો અને સર્વોએ મળીને શ્રીમદ્ ગોકુલ પ્રયાણ કરવા કહ્યું.

વ્હાલા રાખો આવી મારી લાજ તમારો આધાર છે,
મને આપ તણો છે વિશ્વાસ, વિલંબ ના કરો હવે.
દાસી દુ:ખમાં લેવાણી અમાપ, અરે કાર્ય શે સરે;
મારા મનની બધીએ હુલાસ, આવ્યા વિના ક્યાં ફળે.

છોડી સકળ વ્હાલા ગૃહ કાજ, સંભાળ લીઓ હવે,
પળ પણ ન ખોટી થાઓ નાથ દાસી ભાવથી સ્તવે,
થાવા બેઠી ફજેતી અમાપ, રાજા કેમ માનશે;
થાશે વ્હાલા તમારી પતરાજ, નહીં આવો જો આ સમે.

તવારે મોરારદાસ બોલ્યા. શ્રીજી જરૂર નિરધારિત સમયે પધારશે. એવો મને દૃઢ વિશ્વાસ છે. જેથી તમો શ્રીજીના પધારવાની વધાઈ સર્વત્ર સેવકજનોને અને તેના અંગ કૃત ભગવદીઓને પત્ર દ્વારા આપશો. અને શ્રીજીને પધરાવવાની સર્વ તૈયારી રાખશો. મોટા ધામધુમ સાથે, શ્રીજીને રાજમહેલમાં પધરાવશું. જેથી સર્વ જૂથ એક સામટું મળે અને શ્રીજીના દરશનનો વિરહતાપ સર્વનો શીતળ થાય.

આ વાત સાંભળી સર્વ ભગવદીઓ તથા મેઘાજી અને કુંવર રતન ઘણું પુલકિત થઈ રહ્યા અને કહ્યું મોરારદાસ! અહિયાની ચિંતા તમો ન કરશો. સર્વ સાજ સામગ્રીની તૈયારી આજથી જ કરી રાખશું. તમો શ્રીજીને આનંદથી પધરાવી લાવો. શ્રીજીને જરાપણ પરિશ્રમ પડે તેવું નહિ હોય. આમ સર્વની સાથે વાતચીત કરીને મોરારદાસે શ્રીજીનો જયજયકાર બોલાવીને મોરારદાસે ગોકુલ જવા પ્રયાણ કર્યું. અને સર્વોએ મળીને મોરારદાસને ભાવભરી વિદાય આપી.

મોરારદાસ રસ્તે ચાલતા. ભગવદ્લીલાનું ધ્યાન કરતા તનમય બની ગયા છે. મુખથી અષ્ટાક્ષર મંત્રનું સતત રટણ કરતાં, રસ્તે ચાલતા કોઈ વાટઘોટનું ધ્યાન રહ્યું નથી. મોરારદાસને પોતાનું દેહાનું સંધાન પણ રહ્યું નથી.તેઓ તો રસ્તે ચાલતા ચાલતા, એક જ ધ્યાન ધરે છે. “શ્રીમદ્ ગોકુલ સર્વસ્વ.” એમ કરતાં મજલ દરમજલ કાપતા જાય છે. મોરારદાસને રસ્તે ચાલતા જરાપણ શ્રમ જણાતો નથી. આનંદમોદ વધતો જાય છે આમ કરતા છ દિવસ વતીત થઈ ગયા. અને એક રાત્રે સુંદર સ્થળ જોઈને વિશ્રામ કરવા વિચાર્યું. અને રાત્રે ભગવદ્ સ્મરણ કરતા નિદ્રાધીન થઈ ગયા. ગાઢ નિદ્રામાં પણ તેનું મન શ્રીમદ્ ગોકુલમાં રમી રહ્યું હતું. શ્રીજીનું દરશન રવપ્ન દ્વારા થયું.

શ્રીજીએ પોતાનું પ્રતાપ બળ પ્રગટ દેખાડ્યું. પ્રભાતના પ્રથમ પ્રહરમાં પંખીના મીઠા કલરવ શબ્દો સાંભળતાં મોરારદાસના નેત્રો ખુલી ગયા. નેત્ર ખુલતાની સાથે શ્રીઠકરાણી ઘાટના પ્રથમ દરશન થયા. શીતલ મંદ મંદ સમીરની લહેર સાથે ધીર, ગંભીર શ્યામ સ્વરૂપે શ્રીયમુના મહારાણી વહી રહ્યા છે. તેવા દરશન થયા. રોમાંચ ખડા થઈ ગયા. મનોમન ઉદ્ગાર સરી પડ્યા. ધન્ય હો પ્રભુ! ધન્ય! શ્રી યમુનાજીને દંડવત પ્રણામ કરી ને પેપાન કર્યું અને પછે સત્વર નિજ મંદિર તરફ જવા લાગ્યા.

પ્રભુશ્રી ગોપાલલાલજી, મંગલા સમયે મંગલરૂપે નિજદાસને દર્શન સુખ આપતા બિરાજી રહ્યા છે. તેવા દર્શન મોરારદાસને પ્રથમ થયા. સષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી શ્રીજીના શ્રીચરણમાં મનુહાર પત્ર ધરી દીધો અને બન્ને કર જોડી નત મસ્તકે સનમુખ ઉભા રહ્યા.

મોરારદાસને જોતા શ્રીજી અતિ પ્રસન્ન થયા. મોરાર, શું સમાચાર લાવ્યો છે. શ્રીમુખે મૃદુ વાણી ઉચ્ચારતા કહ્યું.તવારે મોરારદાસ, શ્રીજીની સનમુખ નિરખતા મધુર વાણીથી બોલ્યા મહારાજાધિરાજ, પ્રાણવલ્લભ, આપ તો અંતરયામી છો. ઘટઘટની જાણનારા છો. અશક્યને સુશક્ય કરનારા છો પ્રભુ! સર્વ આપના ચરણમાં નિવેદન કર્યું છે. આપની ઇચ્છા હોય તેમ થાય.

શ્રીજીએ મનુહાર પત્ર લઈ દૃષ્ટિ કરતા કહ્યું અરે! મોરારદાસ, આજેજ સિહોર તાકીદે પોંચવું જોઈએ એવું પત્ર દ્વારા માલુમ પડે છે.

મોરારદાસે વિનતી કરતા કહ્યું હા મહારાજ કૃપા નિધાન આપની જેવી ઇચ્છા. આપ તો સેવકના મનમનોરથ પુરણ કરતા છો, ભક્ત વત્સલ છો. શરણાગતની પ્રતિપાલ કરવાવાળા છો. ધન્ય प्रभु !

શ્રીજીએ મંદમંદ મુસ્કાતા આજ્ઞા કરી. ભલે. મોરાર તું સ્નાનાદિકથી પરવારી તૈયાર થઈ જા. રાજભોગ પછી સિહોર જવા પ્રયાણ કરશું.

મોરારદાસે કહ્યું જેરાજ, જેવી આપની આજ્ઞા, પછે મોરારદાસ, નિત્ય કર્મ કરવા ગયા અને નિત્ય કર્મમાંથી પરવારી શ્રીજી સમીપ આવીને બેઠા. રાજભોગ સમયના દરશન ખુલ્યા. દરશન કરીને મોરારદાસ અતિ આનંદ પામ્યા. શ્રીજીએ ભોજન પાન કર્યું અને મોરારદાસને પોતાના ઉચિષ્ટની પાતળ ધરી. મોરારદાસને કહ્યું પ્રસાદ લઈ લે. પછે સિહોર પ્રયાણ થાય.શ્રીજીએ ખવાસને આજ્ઞા કરી, સુંદર અશ્વો સાથે સુસજ્જ કરી રથ તૈયાર કરી. અને મોહન ખવાસ તથા શંકર ભંડારીને સાથે ચાલવા આજ્ઞા કરી.

મોરારદાસ સર્વ કાર્ય પરવારીને શ્રીજીના ચરણ સ્પર્શ કરી આનંદિત થયા. રાજ આપની શું આજ્ઞા છે. શ્રીજીએ કહ્યું ચાલ રથ તૈયાર છે. સિહોરની વાટે સત્વર વિચરવાનું છે. મોરારદાસે કહ્યું ભલે રાજ, આપ પધારો એટલો જ વિલંબ છે. મોરારદાસ મનમાં ઘણું મોદ પામી રહ્યા શ્રીજીએ તેને તાંબુલનો ઓગાલ આપ્યો. તે લેતા મોરારદાસ તનમય બની ગયા અને પ્રભુજીનો જયજયકાર બોલવા લાગ્યા.

પ્રભુશ્રી ગોપાલલાલજી રથમાં બિરાજ્યા સાથે મોહનવ્રજવાસી તથા શંકર ભંડારીને પોતાની સાથે ખવાસીમાં લીધા. મોરારદાસ અશ્વની લગામ હાથમાં લઈ સારથિ બન્યા. લગામ હાથમાં ગ્રહણ કરી અને અશ્વો ચાલવા લાગ્યા. ગોકુળની બહાર રથ નિસર્યો અને અશ્વો વાયુની ગતિથી અધિક ગતિથી ચાલવા લાગ્યા. મોરારદાસ મનમાં વિચારે છે કે, રથ ભૂમિને અડીને ઝૂલે છે કે ભૂમિને સ્પર્શ કર્યા વગર? તેમ વિચારતા હતા ત્યાં થોડી ક્ષણમાં શ્રીજીએ કહ્યું : અરે મોરારદાસ! આ કયું સ્થળ છે. રથ અટક્યો. અને મોરારદાસે કહ્યું : પ્રભુ આ તો સુરકાનું વન છે. કેશોદાસ સુતારનું ગામ છે આપણે સિહોરના પાદર સુધી પોંચી ગયા પ્રભુ! મોરારદાસના આનંદનો પાર રહ્યો નહિ અને રથને લઈને સિહોરના પાદરમાં આવી પહોંચ્યા અને શ્રીજીએ કહ્યું જાવ! મોરારદાસ વેગે જઈ વધાઈ મેઘાજીને આપો. સાથે મોહન ખવાસ પણ ગયો.

“અઠોતેરે આનંદ અપરમિત, શ્રીજી આપ સિધારે” મેઘાજીને અટલ શ્રદ્ધા પોતાના પ્રાણ પ્રિય પ્રભુમાં છે. જેથી સર્વ કાર્ય ગોપાલદાસ અને કેશોદાસની આગેવાની નીચે શહેરમાં સત્ય સામૈયાની તૈયારી થઈ રહી છે. શહેરમાં અને રાજભવનમાં ધજા પતાકા આશોપાલવના બંદનવારથી નગર શણગારવામાં આવ્યું છે. રાજમહેલમાં વિવિધ રંગબેરંગી બિછાના બીછાવી મખમલના ગાદી તકીયાથી બેઠક સુંદર સજાવી છે. કુમકુમના સ્વતિક રંગબેરંગી સદનમાં શોભી રહ્યા છે. પડદા પટોલા રાજભવનમાં લટકતા દીસે છે. બદુ ઘોડીને મખમલનો સાજ સજાવી શણગારી છે. સુગંધિત જળથી સુવર્ણનો કળશ તૈયાર કર્યો છે. કંચનના થાળ કચોળામાં કુમકુમ અક્ષત સુવાસિત અત્તર ફુલેલ તથા વિવિધ પુષ્પોના હારથી સાજી રાખ્યો છે. સાકરીયા જળના ગગરા ભર્યા છે. ગુલાબદાની ગુલાબ જળની ભરીને સાથે રાખી છે. વૈષ્ણવ સમાજ આજે વેલી સવારથી રાજભવનમાં વિશાળ રંગ મંડપમાં આવી કિર્તનાદિક કરતા પ્રભુજીના ગુણગાન કરી રહ્યા છે.

મેઘાજી તથા દાસ દાસીઓ સોળ સિંગાર સજી તૈયાર થઈ રહ્યા છે. ઝાંઝ મૃદંગના તાલ સાથે નગારાના ગગનભેદી નાદ સંભળાય રહ્યા છે નટવા નૃત્ય કરવાના સ્વાંગને સજી અવનવા તાલ મિલાવી રહ્યા છે. કામદેવ એ શોભા નિરખીને લજ્જા પામે તેઓ રાજભવનનો ઠાઠ દીપી રહ્યો છે. આ રીતે સામૈયાની સર્વ તૈયારી કરી મેઘાજી ચાતૃકની દૃષ્ટિએ રાજભવનની અટારી ઉપર ઉભા રહી રાહ ઉપરના પથિકને નિહાળી રહ્યા છે. તેવામાં મોરારદાસને દૂરથી ચપલ ગતિથી આવતા જોઈ મેઘાજીના તન-મનમાં ભગવદાવેશ સાથે અંગોઅંગ પુલકિત થઈ ગયા. વિપ્રયોગ રસના સ્થાને સંયોગ રસના હર્ષાશ્રુ વહેવા લાગ્યા. ઉપરોક્ત પ્રસંગની વાત ગામોગામ પહોંચતા સર્વ વૈષ્ણવ વૃંદ આવી પહોંચ્યું હતું.

મોરારદાસ રાજભવનમાં આવી પહોંચ્યા. ત્યાં રાઘોદાસ, કેશોદાસ, માધવદાસ, કસીયા રાજગર, લક્ષ્મીદાસ, જીવનદાસ, નરસી ભટ્ટ, ગોપાલદાસ, કુંભોજી ગોહિલ, ભાણ જેઠવા, વિભાજી વિગેરે મહાનુભાવ ભગવદીઓ તથા રાજવીઓને રાજભવનમાં જોઈ આભા બની ગયા. પ્રેમની સરિતા સ્નેહ સિંધુમાં ભળી ગઈ. ગદ્ગદિત થતા અંગોઅંગ આલિંગન લેતા ભુજ ભરી ભેટી રહ્યા. મેઘાજીને ગદ્ગદ્ કંઠે ભેટી પડ્યા. વાણી રૂધાતા બોલ બોલ્યા. વેગે ચાલો રાજ પધાર્યા! બસ આટલી વાત થતા હર્ષનાદ સાથે વૈષ્ણવો પ્રભુજીનો જે જેકાર બોલવા લાગ્યા. અપરમિત આનંદ છવાઈ ગયો.મોરારદાસ સામૈયાની સર્વ તૈયારી જોતા આશ્ચર્યચકિત થઈ ગયા. અને સર્વ જૂથને સાથે લઈને શ્રીજીને પધરાવવા મેઘાજીને કહ્યું.

પ્રથમ મેઘાજીએ સુવર્ણનો કળશ મસ્તક ઉપર ધર્યો. નવોઢા, પ્રીતમને મળવા જાય તેમ અપાર જૂથ વૈષ્ણવનું સાથે લઈને પગપાળા ચાલ્યા. રતન રાવળ વૈષ્ણવી પોષાકમાં કેસરી ધોતી ઉપરણો શીર ઉપર કેસરી ફટકો ગુચ્છાદાર શોભતો બાંધ્યો હતો. હાથમાં ચાંદીની છડી, મુઠવાળી તેમજ ચમ્મર લઈને પગપાળા ચાલ્યા નારી વૃંદ શીર પર કળશ ધરીને ધવલ મંગલ ગાતી મદમસ્ત હાથણીની ચાલે ચાલી રહી છે. વૈષ્ણવ સમાજ પ્રભુજીના સુયશનો ઉચ્ચાર કીર્તન દ્વારા કરતા ભાવવિભોર બની રહ્યા છે. નગારાના નાદ તથા જામગરીના ધુમ અવાજ સાથે સામૈયું લઈને પાદરમાં પોંચ્યા.

શ્રીજી અતિ પ્રસન્નતાથી રથમાં બિરાજી રહ્યા છે. મેઘાજી શ્રીજીના દર્શન માટે અતિ આતુર હતા. શ્રીજીના દર્શન કરતા સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી શ્રીચરણમાં ઝુકી પડયા. હર્ષાશ્રુ વડે શ્રીજીના ચરણ પ્રક્ષાલન થઈ ગયું. દેહાનુંસંધાન ભુલાય જતા શ્રીજીએ પોતાના કરકમલથી મેઘાજીને બેઠા કર્યા. મેઘાજી શ્રીજીનાશ્રીમુખને એકી નજરે નિહાળી રહ્યા છે. અને મૃદુ વાણી વદતા બોલ્યા. રાજામહારાજાધિરાજ, કૃપાનિધાન, દયાનિધાન, કરૂણાના સાગર ઘણી કરૂણા કરી આપનું બિરદ આપે પાળ્યું. આપ તો બિરદધારી છો એવી મનુહાર વિનંતી કરી. સુવર્ણના કળશ દ્વારા શ્રીજીના ચરણકમલ પ્રક્ષાલન કીધા. તિલક કરી ઓવારણા લીધા. અત્તર ફુલેલ સમર્પી શ્રીકંઠમાં સુગંધી પુષ્પની માળા ધારણ કરાવી. આરતી કરી ન્યોચ્છાવર કરી. શ્રીજીના ચરણસ્પર્શ કરી દંડવત્ પ્રણામ કરતા નેત્ર સજલ થઈ ગયા અને બોલ્યા રાજને ઘણું શ્રમ કરાવ્યું છે. આમ કહેતા મેઘાજીની દશમી અવસ્થા થઈ ગઈ.

શ્રીજીએ તેનો કર સ્પર્શ કરી સ્વસ્થ કરતા કોમળ વચન દ્વારા સંબોધન કર્યું. મેઘાજી, તું તો હમારી હો, કુછ બાતકી ચિંતામતી કરે. હમ તેરે લીએ હૈ. તું મેરે લીયે હૈ. પીછે ન્યુન્યતા કહા બાતકી હૈ ?પછે સર્વ સમાજે તથા અંગીકૃત ભગવદીઓએ ચરણ સ્પર્શ શ્રીજીના કર્યા. શ્રીજીએ સર્વનું સમાધાન કર્યું. મેઘાજીએ શ્રીજીને રાજભવનમાં પધારવાની વિનંતી કરી. કવિ પ્રત્યક્ષ થયેલો અનુભવ લખે છે.

શ્રીજી રથમાં બિરાજી રહ્યા છે. મોટા ધામધુમ સાથે વાજતે ગાજતે અપૂર્વ ઠાઠમાઠ સાથે સામૈયું આગળ ચાલ્યું. આગળ અશ્વ સવારો ચાલ્યા. હાથમાં કેસરી ઘજાપતાકા શોભી રહ્યા છે. નગારાના નાદ દુદંભિઓના ઘોર સંભળાવા લાગ્યા. અનેક પ્રકારના વાજિંત્રોના સુસ્વરનાદ થવા લાગ્યા. નટવા રંગબેરંગી પોષાકમાં તાલ મીલાવી નૃત્ય કરતા હીડે છે મહિલાઓ કળશ સાથે કોકિલ કંઠથી ધવલ મંગલ ગાતા ગજગવનીની પેઠે ચાલી રહી છે. અને મનમાં ઘણું મોદ પામી રહી છે. મેઘાજીનું હૈયું હેમત જેવું દરશન કરતાં થઈ રહ્યું છે.

ઝાંજ મૃદંગના ઝણકાર સાથે વૈષ્ણવ સમાજ કીર્તન કરે છે. ઘણાંક હાસ વિલાસ કતોહલ કરી રહ્યા છે. રતન રાવળ શ્રીજીને રથમાં ચમ્મર ઢોળતા મુખ મલકાવી રહ્યા છે, અબીલ, ગુલાલથી ધન છવાઈ રહ્યું છે સર્વ સમાજ પ્રભુનો જયજયકાર બોલી રહ્યા છે. સર્વ અલૌકિક શોભા આપો આપ આવીને ખડી થઈ ગઈ છે. કામદેવ તે શોભા નિરખતા મદભરી રીતે નૃત્ય કરી રહ્યો છે. ત્યાં રંગની રેલ એવી ચાલી છે. જેનું વર્ણન થઈ શકે તેમ નથી. ગ્રામજનો સર્વ નેત્ર દ્વારા તે રસપાન કરતા નિરખી રહ્યા છે. આનંદનું સ્વરૂપ એવું ખડું થયું છે તે કવિ લખે છે. તે સમયે મીશ્રીના—સાકરના કરાનો વરસાદ વરસી રહ્યો છે. એટલા સાકરીયા જળપાન સર્વને કરાવે છે. “દૂધન મેહા બરખે.” અમૃતનો વરસાદ વરસી રહ્યો છે. એવો અલૌકિક અપાર અપરમિત આનંદ થઈ રહ્યો છે. આવા ભવ્ય વૈભવ સાથે સામૈયું કરીને મેઘાજીએ શ્રીજીને રાજમહેલમાં પધરાવ્યા.

શ્રીજી નિજ બેઠકે બિરાજ્યા. અપરમિત આનંદ થઈ રહ્યો છે. જ્યાં અખિલાનંદ, આનંદકંદ બિરાજે ત્યાં આનંદની પરિસીમા હોય જ નહિ! શ્રીજીને મેઘાજીએ વિવિધ પ્રકારે બહુ જ લાર્ડલડાવી સર્વ સમર્પણ કર્યું. સુવર્ણની ભેટ સાથે પોતાના મનનો મનોરથ હતો તે ‘બધું’ ઘોડી કુંવર રતન રાવળના હાથે અર્પણ કરી. મેઘાજી તથા રતન રાવળ કૃતાર્થ થયા.

શ્રીજીના ચરણ સ્પર્શ કરી ધન્ય ભાગ્ય માનવા લાગ્યા. મેઘાજીએ શ્રીજીને ભાલપ્રદેશ પર વિજય તિલક કરી આરતી કરી. ઘણી ન્યોચ્છાવર કરીને પુષ્પથી વધાવ્યા અને મીઠા વાલપના વચન બોલ્યા. રાજ તમો પધારે અમારો મનમનોરથ સર્વ સિદ્ધ થયો. અપરમિત આનંદનું દાન આપે કર્યું.

મેઘાજીની બન્ને કુંવરીને શ્રીજીએ શરણદાન આપ્યું. જોમાજી તથા દેવકીને સેવક કીધા. બીજા ઘણા જન સેવક થયા. આ પ્રસંગની વાત સાંભળી સર્વ સેવક સમાજ અવિરતપણે આવી રહ્યો છે. સર્વો શ્રીજીના ચરણસ્પર્શ કરી ભેટ ધરી પોતાના ચિત્તમાં પ્રસન્ન થતા હતા. સર્વને મનગમતો સુખાનંદ પ્રાપ્ત થતા. સર્વ રસ મગ્ન બની ગયા. પ્રાણપતિની છત્ર છાયામાં સર્વ અપરમિત આનંદ લઈ રહ્યા છે. અલૌકિક દરશનનું સુખ શ્રીજી મેઘાજીના રાજમહેલમાં બિરાજી આપી રહ્યા છે.

મેઘાજીએ શ્રીજીને ભોજન કરવા વિનંતી કરી. શંકર ભંડારી તથા વ્રજવાસી મોહને સુંદર રસીલી સામગ્રી શ્રીજીને આરોગાવા માટે મેઘાજીના અતિ ઉત્તમભાવ સાથેની તૈયાર કરી હતી. શ્રીજી ભોજન કરવા પધાર્યા અને આપશ્રીએ ભોજન કર્યા બાદ બરાસયુક્ત પાન બીડા આરોગ્યા. અને ગોપાલદાસ તથા કેશોદાસને આજ્ઞા કરતા કહ્યું તમો અમારા ઉષિટ પ્રસાદ લેવરાવવાની વ્યવસ્થા કરો અને સર્વ જૂથને પંગતે પ્રસાદની પાતળ ઘરો.

ગોપાલદાસ તથા કેશોદાસે શ્રીજીની આજ્ઞા અનુસાર વૈષ્ણવોને પંગત કરવા વિનંતી કરી વૈષ્ણવો. ખૂબ જ હર્ષ ઘેલા થયા. અને પ્રસાદ લેવાની પંગત થઈ રહી. શ્રીજી વિવિધ પ્રકારની જે સામગ્રી આરોગ્યા તે પ્રસાદ પંગતે ધરવામાં આવ્યો અને પંગત ઉપર જે બોલાવા કસીયા રાજગર આવ્યા. અને શ્રીજીએ કસીયા રાજગરને આજ્ઞા કરતા કહ્યું કે જે બોલાવ્યા પછી તું આવ્યા મોરારદાસ વૈષ્ણવો લ્યો પ્રસાદ તેમ ઉચ્ચાર કરજે.

શ્રીજીએ મોરારદાસ ઉપર અસીમ કૃપા કરતા કહ્યું મોરાર, વૈષ્ણવો પંગત ઉપર પ્રસાદ લેતા પહેલા અમારી જે બોલાવ્યા પછી આ અલૌકિક પ્રસંગની યાદમાં સર્વ વૈષ્ણવ જુથ તારી કાનીથી મહાપ્રસાદ લેશે. કસીયા રાજગરે શ્રીજીની જે બોલાવ્યા પછી ગગનભેદી સ્વરે બોલ્યા “આવ્યા મોરારદાસ વૈષ્ણવો લ્યો પ્રસાદ.” એવી અલૌકિક પદવી મોરારદાસને શ્રીજીએ આપી.

મોરારદાસ શ્રીજીના ચરણમાં પડી ગયા અને ગદ્ગદ્ કંઠે વિનતી કરતા કહ્યું. રાજામહારાજાધિરાજ, આટલો ભરભાર આ દીન સેવકથી સહ્યો નહિ જાય! રાજ જીવને આટલી ઉપમા શું ખપે ?

તવારે શ્રીજીએ અતિ પ્રસન્ન થતા કહ્યું કે, મોરાર તું મારો છે તું અમારો અંગીકૃત કૃપાપાત્ર નિર્જલીલાનો અંતરંગ જીવ છો. જેથી આ પદવી સદા સેવક સમાજમાં અવિચલ રહેશે. તારી કાનીથી પ્રસાદ, મહાપ્રસાદ બની જશે. તું ચિંતા મતી કરે. એ અમારું વાયક નિશ્વે છે.

(“શ્રી પુષ્ટિ સંહિતાઃ ” માંથી )

|| સર્વે ભગવદ્દી વૈશ્નવોને ‘જય ગોપાલ’ ||


Comments

  1. SanJay solanki Avatar
    SanJay solanki

    Jay jamunesh

    1. જય ગોપાલ

  2. […] ‘મેઘાજીબાની વાર્તા (ભાગ-1)’ વાંચવા મ… […]

  3. […] ‘મેઘાજીબાની વાર્તા (ભાગ-1)’ વાંચવા મ… […]

Leave a Reply to SanJay solanki Cancel reply

Your email address will not be published. Required fields are marked *