|| શ્રી ગોપાલો જયતે ||
જન મેઘાજી જાન, રત ગોપાલસું રસકી,
ધરત અહોનિશ ધ્યાન, અનંતલગી ગુન અસકી;
શુભ બદુ ઘોરી સોય, ભેટ કરન મન ભાવે,
કહેન લગી અબ કોય, પ્રભુકું ઇહાં પધરાવે;
ભુવન સીહોર તે પત્ર ભન્ય, વહે ગોકુલ મનુહાર,
કોષ પાંચસેં સપ્તદિન મધ્ય, પહોંચે દાસ મોરાર.
સીહોરના ક્ષત્રિય રાવળ રાજા અખેરાજને મેઘાજી નામે મહાપતિવૃતા પત્નિ હતા. તેમની પાસે શ્રીગોપાલલાલનાં સેવક સેંદરડાના રહીશ અગ્યાસણા મોઢ બ્રાહ્મણ મોરારદાસ ભગવદ ગુષ્ટ કરતા. તેમના સંગે કરી સંવત 1666 માં શ્રીગોપાલલાલ પ્રદેશ પધાર્યા ત્યારે તેમના સેવક થયા. મેઘાજીને રત્ન સમાન રતન રાવળ નામે પુત્ર હતો. જે ઘણા જ લાડથી ઉછર્યો હતો.
મરાઠી સાખી.
અશ્વની સુંદર એક વછેરી, રાયે વહાલે ઉછેરી,
ખાન પાન આપીને ભારે નવ એને કદી છેડી,
થઇ યોગ્ય હવે… હાં… સવારી કરવા જેવી…અશ્વની.
કુટુંબનું મંડળ સહુ બેઠું, પુત્રે વાત ત્યાં છેડી,
સવારી લાયક થઇ વછેરી છે સુંદર એ કેવી,
મનહર એવી… હાં… નહીં હોય કો સ્થળે એવી…અશ્વની.
રતન રાવળે અશ્વની બદું જાતની એક સુંદર વછેરી ઉછેરીને મોટી કરી, તે સવારી કરવાને યોગ્ય થઇ. એક વખત માતાજી સર્વ કુટુંબ સહીત બેઠાં હતાં, ત્યારે રાવળે વાત કરી માતા જુઓ આ વછેરી કેવી સુંદર અને મનહર છે. આવી મનહર ઘોડી તો કોઇ સ્થળે નહીં હોય. એ સાંભળી પ્રેમઘેલાં મેઘાજી હર્ષમાં આવી ગયા, મહાન ભગવદી કે જેમને પ્રભુ કરતાં કોઇ અધિક નથી- સારામાં સારી ઉત્તમ વસ્તુ શ્રીઠાકોરજીને અર્પણ થાય એવી જેમને દ્રઢ ભાવના છે, તે હર્ષમાં બોલી ઉઠ્યા બેટા ! એ ઘોડી તો પ્રભુશ્રી ગોપાલલાલને જ લાયક છે. એ હવે તમારાથી ન રખાય.
એ નવ તમથી રખાય, બાળરાજા… એ નવ તમથી રખાય,
કહે છે મેઘાજી માય, બાળરાજા.
ગોકુળપતિ શ્રીગોપાલ પ્રભુને, ચઢવા યોગ્ય જણાય… બાળા.
સુંદર એવી શ્રી પ્રભુ લાયક, તમથી નવ વપરાય… બાળા.
જેવી ઘોડી સ્વારે તેવા ગોકુળ પતિજ ગણાય… બાળા.
તે ઘોડી તો પ્રભુને અર્પણ થઇ ચુકી, એ હવે તમારાથી વપરાય નહીં. રતન રાવળને મેઘાજીના એવા શબ્દો સાંભળી પગની જ્વાળા માથા સુધી પહોંચી ગઇ અને રીસ ચડાવી કહેવા લાગ્યો, માતા આવી વગર વિચારી વાત શું કરો છો. આજ સુધી આટલો ખર્ચ કરી અનહદ શ્રમ વેઠી, પાળી પોષી મોટી કરી તે ઘોડી શું આપી દેવી, તે કેમ બને ? એ ઘોડી મને અતિશય પ્રિય છે છતાં પણ શાસ્ત્ર મુજબ માતાનું વચન પાળવું જ જોઇએ માટે કહું છું જો આપને એ પ્રભુ ઉપર પૂર્ણ સ્નેહ હોય તો સાત દિવસમાં એ પ્રભુને અહીં બોલાવી એ ઘોડી ભેટ કરો. પણ જો તે દરમિયાન પ્રભુ અહીં આવી અંગીકાર નહીં કરે તો હું તેના પર સવારી કરીશ.
મેઘાજી ઘણા જ વિચારમાં પડી ગયા, ચારસો ગાઉ દૂર જઇને શ્રીઠાકોરજીને સાત દિવસમાં પધરાવી લાવવા એ ક્યાંથી બની શકે ! તે ઘણાં જ મુંઝવણમાં ગુંચવાયા. ત્યારે તેને યાદ આવ્યું કે પ્રભુને ભક્ત અતિ પ્યારા છે, તેઓ મહાન ભયવાળાં કામ પણ વિના પરિશ્રમે કરી શકે છે. વળી ભગવદ્દીની કાની સિવાય પ્રભુ પધારતા નથી તેમ કાંઇ અંગીકાર પણ કરતા નથી. તે પ્યારા પ્રભુ ભગવદ્દીના હ્રદયનાવાસી છે. માટે મારા વ્હાલા ભગવદ્દી કૃપા કરે તો જ એ કાર્ય નિર્વિઘ્ને થાય, તે સિવાય બીજો ઉપાય જ નથી. તેથી વૈશ્નવોને ભેળાં કરી તેની પાસે વીનંતી કરી અને તે સાથે જ ટેક લીધી કે સાત દિવસમાં પ્રભુ અહીં પધારી ઘોડી અંગીકાર ન કરે તો નદી કીનારે ચીતા ખડકી બળી મરવું અને ત્યાં સુધી અન્નજળ ન લેવાં. આવા વચન સાંભળી વૈશ્નવો ઘણા જ દીલગીર થયા અને વિચારમાં પડી ગયા પણ પ્રભુમાં જેને અડગ શ્રદ્ધા છે, તે દુ:ખની વખતે વિશ્વાસ અને ધીરજ કેમ ચુકે ? તેથી પ્રભુકૃપાથી મોરારદાસજી એ જાવાનું કબુલ કર્યું અને મંડળીમાં કહ્યું હું પ્રભુને બોલાવવા માટે જાવ છું અને જરૂર તે દયાસીંધુને તેડીને જ આવીશ. મોરારદાસનાં એવા અડગતાના વચન સાંભળી વૈશ્નવો ગળગળા થઇ ગયા અને ઉમંગમાં આવી તેમને જવા માટે આજ્ઞા આપી.
મોરારદાસજી વ્રજ ગોકુળની વાટે રવાના થયા. મનમાં અનેક પ્રકારનાં વિચાર આવજા કરે છે. પ્રભુની અનેક પ્રકારની લીલાનું સ્મરણ કરતાં પંથ કાપે જાય છે. મનમાં કોઇ જાતનો ડર નથી, હરખ નથી તેમ શોક પણ નથી અને પ્રભુને વિનંતી કરતાં કરતાં ચાલ્યા જાય છે.
વ્હાલા રાખો આવી મારી લાજ તમારો આધાર છે,
મને આપ તણો છે વિશ્વાસ, વિલંબ ના કરો હવે.
દાસી દુ:ખમાં લેવાણી અમાપ, અરે કાર્ય શે સરે;
મારા મનની બધીએ હુલાસ, આવ્યા વિના ક્યાં ફળે.
છોડી સકળ વ્હાલા ગૃહ કાજ, સંભાળ લીઓ હવે,
પળ પણ ન ખોટી થાઓ નાથ દાસી ભાવથી સ્તવે,
થાવા બેઠી ફજેતી અમાપ, રાજા કેમ માનશે;
થાશે વ્હાલા તમારી પતરાજ, નહીં આવો જો આ સમે.
હે પ્રભુ, તમારો જ આધાર છે, તમે આવી મારી લાજ રાખજો, મને આપમાં જ વિશ્વાસ છે. હવે વિલંબ કરશો નહીં. દાસી મહાસંકટમાં આવી પડી છે. અરેરે ! આ કામ કેવી રીતે બનશે ? મારા મનનો બધો ઉત્સાહ આપના આવ્યા વીના ક્યાંથી સફળ થાય ? નાથ ! ત્યાંના બધા કામકાજ છોડી મારી સંભાળ લ્યો વાલા ! આપની નિષ્કંચન દાસીની વિનંતી ધ્યાનમાં લઇ એક પળ પણ ખોટી થશો નહીં, મહાન ફજેતી થશે. રાજા પણ કેમ માનશે ? વળી આ સમયે નહીં આવો તો તમારી પણ અપકીર્તિ થશે. વિશેષ તેનાથી બોલી શકાયું નહીં. મોઢેથી સ્મરણ કરતાં આંખ માંથી દડદડ આંસુ ચાલ્યા જાય છે. પ્રભુમાં તન- મન પરોવી તદ્રુપ બની જાય છે. એમ દિવસો પસાર થવા લાગ્યા. ઝરુખામાં બેસી દુર દુર સુધી નજર કરે છે.
એ મુજબ છ દિવસ વીતી ગયા ત્યારે તેના અંતરમાં બીક પેસી ગઇ અરેરે ! મારી વિનતી સ્વિકારી પ્રભુ હજી ન આવ્યા. કોઇ સેવક બહાર જાય તેને કહેતા કે તમને જો પ્રભુના દર્શન થાય તો તુરંત મને ખબર આપજો. એ મુજબ આંતર્નાદથી વારંવાર વિલાપ કરે છે અને પ્રભુશ્રી ગોપાલલાલની રાહ જુએ છે. અહીં મોરારદાસજી પણ થાકીને લોથપોથ થઇ ગયા છે, ચાલવાની શક્તિ પણ હવે રહી નથી. ગોકુલ પહોંચવાની આશા તો વમળમાં પડવા લાગી છે. નદી કિનારે એક સુંદર વૃક્ષ જોઇ રાત્રે ત્યાં આરામ લેવા નિશ્ચય કરી બેઠા. પ્રભુને વિનવતાં અને સ્મરણ કરતાં નિંદ્રાને આધીન થઇ ગયા.
ક્રમશ:…
(“શ્રી ગુણમાલ ભક્તમાલ” માંથી )
|| સર્વે ભગવદ્દી વૈશ્નવોને ‘જય ગોપાલ’ ||
Jay jamunesh
જય ગોપાલ
[…] ‘મેઘાજીબાની વાર્તા (ભાગ-1)’ વાંચવા મ… […]
[…] ‘મેઘાજીબાની વાર્તા (ભાગ-1)’ વાંચવા મ… […]