|| શ્રી ગોપાલો જયતે ||
ખષ્ટિજ ચલુ ખેલ, લીલુ ગુન ચિત્ત લાઇ,
પ્રગટ પુર રંગ રેલ, સુંદર અંગ સુહાઈ;
અબુધ ધની ઘેર આય, પથ નાયો બેપાર,
બસ્યો બખા જીત જાય, લીયે ચલ્યો તીત લાર;
બહે ગયો કોષ હજા૨ બટ, બગદ્યો ઝાઝ બીશાલ,
ઘર આયે ફીર અષ્ટ ઘટી, પેખો પ્રીત ગોપાલ…
પોરબંદરમાં વાણીયા વૈષ્ણવ દર વરસે છઠનો ઓચ્છવ મનાવતા. તેની પુત્રી લીલુબાઈ પણ રંગમાં પુરી રંગાયેલ હતી. તેનો ધણી બખાથી તેડવા આવ્યો. તે ઓચ્છવ ઉપર ન રોકાતાં ઉતાવળથી તે લીલુને તેડી ગયો. એક હજાર ગાઉ નીકળી ગયા. લીલુને વિરહભાવ ઉત્પન્ન થયો એકાએક ઓચીંતા તોફાન ઉપડયું અને આઠ ઘડીમાં વહાણ પાછું પોરબંદર આવ્યું.
ભેરવી – ભાવ વડે વશ થાય, કૃપાનિધિ, ભાવ વડે વશ થાય,
જે એના ગુણ ગાય, કૃપાનિધિ, એની વારે ધાય.
કૃપાનિધિ એવા શ્રી ગોપાલલાલજી ભાવથી વશ થાય છે, જે એના ગુણ ગાય છે અને એ પ્રમાણે વરતે છે તેની વારે કૃપાનિધિ જરૂર પધારે છે.
કહ્યું છે કે : સત યુગે જે ફળ ધ્યાનથી મળતું, મળતું બેતામાં યજ્ઞથી તેહ, દ્વાપરે પુજને પામતાં સહુ, કળી હરી કીર્તને તેહ.
સતયુગમાં ધ્યાનથી જે ફળ મળતું, તે જ ફળ ત્રેતાયુગમાં યજ્ઞથી મળતું, તે જ ફળ દ્વાપરયુગમાં પુજનથી મળતું, અને તે જ ફળ કળીકાળમાં પ્રભુના ગુણ જશનાં કીર્તનથી મળી શકે છે.
મહાન પવિત્ર સુદામાપુરી (પોરબંદર)માં શ્રી ગોપાલલાલના સેવક વાણીયા વૈષ્ણવ રહેતા તે મહાન ભગવદી અને પ્રભુના પૂર્ણ દયાપાત્ર હતા. તેમની સ્ત્રી પણ મહાસાધ્વી અને ધર્મની પૂર્ણ ભાવનાવાળી હતી.
તેમને લીલુબાઈ નામની એક પુત્રી હતી. તે પણ સત્સંગના રંગથી રંગાએલ હતી. તેમાં કોઈ પણ જાતની ઉણપ નહોતી તે સર્વનો શ્રી ગોપાલલાલ ઉપર પૂર્ણ ભાવ હતો. બખામાં કોઈ મહા શ્રીમંત માણસને ત્યાં પુત્રીને પરણાવી હતી પણ જમાઈ તથા તેના કુટુંબી વિધર્મી હતાં શ્રાવણ વદી છઠનો ખેલ શેઠને ત્યાં દર સાલ થાય. ઘણા વૈષ્ણવો ત્યાં આવે અને આનંદ ઉત્સવ બહુ જ થાય. વૈશ્નવોની સેવા કરી શેઠ શેઠાણી ઘણા જ ખુશ હતા.
લાવણી – હતી પીતાને ઘેર પુત્રી લીલુબાઈ
ખષ્ટિનો ઉત્સવ આવે નજીક જણાઈ
નિજ પતિ તેડવા અણધાર્યો ત્યાં આવ્યો
હતું વહાણ સાથ ને તુરત તકાદો કાવ્યો.
લીલુબાઈ પોતાના પિતાને ત્યાં હતી. છઠનો ઉત્સવ નજીકમાં હતો; અકસ્માત તેનો પતિ તેડવા આવ્યો. સાથે વહાણ હતું તેથી તુરત લીલુને મોક્લવા શેઠને કહ્યું. શેઠ કહેવા લાગ્યા-પ્રભુનો ઉત્સવ નજીકમાં છે માટે પાંચ દિવસ રોકાવ તો સારું. મારા મનમાં એવી ઇચ્છા છે કે મારી પુત્રી અને તમે આ ઉત્સવમાં ભાગ લ્યો. શેઠાણી પણ આગ્રહ કરવા લાગ્યા-રોકાવને ! એમાં શું ! આવો વૈષ્ણવ સમૂહના દર્શનનો લાભ ભાગ્યે જ મળે. માટે આ લાભ ઠાલો જવા ન દેવા માટે તમે રોકાવ.
નાથકેસો-
અતિ વિવેકથી ત્યાં વદ્યો જમાઈ રે,
નવ રહેવાય, હું થી આંય, કાર્ય સર્વ ખોટી થાય, ગુંચવણીએ ભારીરે. અતિ.
વહાણ છે બધાં માલથી ભરેલા રે,
કંઈ વહેચાય, નફો થાય નહીં તો ખોટ મોટી જાય, વૃષ્ટિ પડે માથે રે. અતિ.
વિલંબ નવ કરો, કાલે છે જવાનું રે,
ચિત્તની માંંહ્ય પ્રિત જરાય, મુજ પરે ન ઓછી થાય, રાખજોએ ધ્યાને રે.
અતિ.
જમાઇ વિવેકથી કહેવા લાગ્યો-મારાથી વધુ અહીં ન રોકાવાય. મારું સર્વ કાર્ય ખોટી થાય, એ મોટી મુંજવણ છે, કારણકે વહાણ બધા માલથી ભરેલાં છે. તેમાંથી કાંઈ દેખાય તો નફો મળે. પણ જો કદાચ વરસાદ થાય તો મોટી ખોટ જાય માટે વિલંબ કરશો નહીં મારે કાલે જ જવાનું છે. મારા પ્રત્યે આપનો સ્નેહભાવ ઓછો ન થાય તે ધ્યાન રાખશો. જમાઈનું એવું બોલવું સાંભળી શેઠ ને શેઠાણી સ્તબ્ધ થઈ ગયાં, મોઢેથી કાંઈ બોલી શક્યાં નહીં પોતાની લાડકવાયી પુત્રીને લાલન પાલનથી ઉછેરી મોટી કરી તેને ઓચ્છવના સમય ઉપર મોકલતાં દુ:ખ કેમ ન થાય ? પણ જમાઇની યોગ્ય વાત સાંભળી તેને ના પણ કેમ કહેવાય ? તેથી જવા માટે ખુશી થઇ આજ્ઞા આપી અને સર્વ તૈયારી કરી કુટુંબીજન તથા સગા સંબંધીઓ બંદર ઉપર વળાવવા આવ્યા.
લીલુને સારી શીખામણ સહુ યોગ્યતા પ્રમાણે આપવા લાગ્યા. શેઠાણી પણ પોતાની પ્યારી પુત્રીને કહેવા લાગ્યાં:
મારી વહાલી લીલુ અહીં આવ, વચન કહું બોધનાં
પામીશ જેથી તું સુખનો લાવ, સાસરવાસે શોકમાં;
રહેજે હળી મળી સરવથી બેહેન, કાયર કદી ના થાજે,
બોલે કોઈ અયોગ્ય જો વેણ, શાણી થઈ સાંખી જજે.
આવ્યો અવસર આપણે ઘેર, તારે નથી માણવો,
આણી હૃદયે ગોપાલશું પ્રેમ સ્મરણમાં આણવો;
રટતાં એને શાણી દિન રાત, ઉત્તમ ફળ પામશો,
રાખી મનમાં પુરો વિશ્વાસ, હવે તો વિરામશો.
પ્યારી પુત્રી લીલુ! હું તને બે વચન શીખામણનાં કહું તે ધ્યાનમાં રાખજે, જેથી સાસરીયામાં કોઈ વખત દીલગીરીમાં હોય ત્યારે તને સુખ મળે. બહેન ! તું શાણી થઈ સહુ સાથે હળી મળીને રહેજે, કાયર થતી નહીં. કદાચ કોઈ કંઈ અયોગ્ય કહે તો સાંખી રહેજે. આપણે ઘેર ઓચ્છવનો સમય આવ્યો પણ તારે તો માણવાનું નહીં હોય. હવે પ્રભુ ઉપર મનમાં પ્રેમ લાવીને તેનું સ્મરણ કરજે. એને અહર્નિશ રટતાં તું ઉત્તમ ફળને પામીશ. મનમાં પુરો વિશ્વાસ રાખજે. હવે તું વહાણમાં બેસી વિરામ પામ.
લીલું કહેવા લાગી-માતા ! મને સર્વ રીતે સુખ છે પણ પ્રભુનો વિયોગ મારાથી કેમ સહી શકાશે ? આપણે ત્યાં ઓચ્છવ ઉપર ઘણા વૈષ્ણવો આવશે. પણ મને એ જ ખેદ થાય છે કે હું તેના દર્શન નહીં કરી શકું.
એવા દુઃખી હૃદયથી અનેક વાતો કરી લીલુ પોતાની માતાને શાંતિ આપવા કહેવા લાગી. શ્રીગોપાલલાલજી મહારાજની કરૂણાથી ફરી કોઈ સમય આપણે મળીશું. માટે હવે તમો ઘેર જાઓ. મારે માટે જરી
પણ ચીંતા ન કરશો. શ્રી ગોપાલલાલજી જેની રક્ષા કરવાવાળા છે તેને તે માતાજી શું દુ:ખ હોય !
માતા અને પુત્રી જુદાં પડ્યાં, આંખોમાંથી બંનેને આંસુ ચાલ્યા જાય છે. સહુ ઘરે પાછાં આવ્યા અને વહાણ પણ રસ્તે ચાલવા લાગ્યું. પણ પતિની સાથે જવામાં લીલુંને જરી પણ ચેન પડતું નથી. પોતાના મનમાં અનેક વિચારો આવ-જા થયા કરે છે. અરે પિતાને ઘેર ઓચ્છવ છે. પણ મારે માણવાનું સરજાએલ નહીં ત્યાં તો પ્રભુના પ્રેમી અનેક વૈષ્ણવો આવશે. ઘણી જાતની સામગ્રી ત્યાં પ્રભુને ધરાવાશે. પણ મારી પાસે તો કંઇ નથી. હું પ્રભુને શું ધરું? અહીંથી ઘર પણ ઘણું જ દૂર છે. ત્યાં પહોંચાય પણ ક્યાંથી ? વળી મારી વતી સામગ્રી ધરવાનું માતાને પણ કહેતાં ભુલી ગઈ . એવા એવા અનેક વિચાર કરી પ્રભુને વીનતી કરવા લાગી-
પહાડી- વહાલા આવો આવો આવો નાથ હું તો વિનવું જોડી હાથ..વહાલા
પુર અહીંથી છે દૂર ઘણું, કાલ થશે ત્યાં ખેલ
વૈષ્ણવ તારા આવી વહાલા, કરશે બહુવિધ ગેલ…વહાલા
કીરતન ગાશે ભોગ ધરાશે, કરશે લીલા લહેર,
મુંજ રંક તણી કાંઇ સામગરી લેશો નહીં ધરી મહેર.વહાલા.
વિનતી કરૂણાળુ ઉર ધરજો, અવર નથી કો ઉપાય,
જાણ્યા સર્વોતમ તમને મે, કરજો વહેલી સહાય વહાલા.
હે વહાલા પ્રભુ આવો-આવો-હું હાથ જોડી તમોને વિનવું છું, પોરબંદર અહીંથી ઘણું દુર છે. કાલે ત્યાં ખેલ થાશે, પ્રભુ તારા વહાલા વૈષ્ણવો આવી અનેક વીધી ખેલ કરશે કીરતન ગાશે-ભોગ ધરાવશે. અને લીલાલહેર કરશે. પણ વહાલા ! મારી જેવી રંક દાસી ઉપર કરૂણા કરી પ્રભુ તારી વિનંતિ ધ્યાનમાં લેશો, બીજો કશો ઉપાય નથી. હું આપને સર્વથી ઉત્તમ જાણું છું પ્રભુ વહેલી સહાય કરજો.
લલીત : વિનવી એ રીતે, બહુ રડી પડી, નયન આંસુડાં જાય છે ખરી,
મન મુઝાય છે, ન સુજે કશું, ભ્રમીત ચિત્તમાં,શાંતિ થાય શું?
ઝાંખી દર્શનની થાય શી રીતે, સ્મરણ એ કરે, આર્તથી ચિત્તે,
નમન તો કરે વાર વાર એ, પછી કહો પ્રભુ કેમ વીસરે.
વિનવતાં બહુ રડી પડી. આંખમાંથી આંસુ ચાલ્યા જાય છે. મને બહુ મુંઝાય છે. કંઈ ચેન પડતું નથી ભમી ગયેલા ચિત્તમાં શાંતિ ક્યાંથી થાય. પ્રભુના દરશનની ઝાંખી તે કેવી રીતે થાય ? કાંઇ રસ્તો સુઝતો નથી. આર્તનાદથી સ્મરણ કરવા લાગી. વારંવાર નમસ્કાર કરે છે. પ્રભુના સ્વરૂપમાં એક ધ્યાન બની ગઈ. તદાકાર વૃત્તિ થઈ ગઈ. દેહ દશા વીસરાઈ ગઈ, તો પ્રભુ તેને કેમ વિસરે ?
લીલુએ જલ:પ્રસાદનો ત્યાગ કર્યો હતો. વહાણ એક હજાર ગાઉ નીકળી ગયું. લીલુને અપરીમિત વિરહ થયો. જે મારા પ્રભુના જન્મદિવસના ઓચ્છવ ઉપર હું રહી શકી નહીં આજે સામૈયાનો દિવસ છે. અને હું આ લોકીકમાં ફસાઈ પડી હે પ્રભુ! તમારી ઇચ્છા ! એમ કહેતાં નેત્રમાં જળ ભરાઈ આવ્યાં. ત્યારે તેનો પતિ કહેવા લાગ્યો- તમો જમતા નથી તેમજ પાણી પણ પીતા નથી અને વળી આજે તો વિશેષ ઉદ્વિગ્ન બની ગયાં છો. તો તમારા ગોપાલલાલ કાં તમારી આશા પુરી ન કરે ? ત્યારે લીલુ કહેવા લાગી- તે તો સાક્ષાત
મુનેશ્વર-પુર્ણાનંદ પુરૂષોતમ છે. તેની પાસે માગણી થાય નહીં તે પોતાના જીવને કાજે જ પ્રગટયા છે. લીલું જળ-પ્રસાદ લેતી નહીં છતાં તેની દેહને કશી પણ અસર થઈ શકી નહીં કારણકે તે તો પોતાના સ્વપ્રભુના
ધ્યાનમાં મગ્ન રહેતી, તેથી તેની દેહ પહેલાં કરતાં પણ દિવ્ય લાગવા માંડી પણ લીલુના પતિના વચન શ્રી ઠાકુરજીથી સહન થયાં નહીં. તેથી-
ગીતી :
ઉપડયો પવન અપારી, મધ દરીએ તોફાન મચ્યું ભારી,
થઇ પુરણ લાચારી, રહ્યા ઇષ્ટને સરવે સંભારી;
પણ મોજાં બહુ મારે, રહે સ્થીર નવ ઝાઝ સીધું માંહી,
હજાર કોષ થકીએ આવ્યું પાછું પોર પુરી જ્યાંહી.
અનહદ પવન ઉપડયો, મધ્ય દરીએ મહાન તોફાન જાગ્યું, સર્વ લાચાર થયા. સહુ પોત પોતાના ઇષ્ટને સંભારવા લાગ્યા. પણ દરીયો બહુ મોઝાં મારે છે. વહાણ સ્થીર રહેતું નથી એક હજાર ગાઉથી વહાણ પાછું પોરબંદર આવ્યું.
નાથ કેસો : આવ્યાં ઘડી આઠમાં પોરમાં પાછા,
અલોકિક લીલા નિહાળીને રાચ્યા આવ્યા.
સામૈયાનો સમય હજી છે વૈષ્ણવ બહાર જણાતા,
દેખી પાછી આવી પુત્રી શેઠ બહુ હરખાતા આવ્યા.
હળી મળી સહુ આનંદ પામી, અકથ અનુભવ થાતાં.
સંકટમોચનની કરૂણાથી સહુ સાથે ગુણ ગાતાં…આવ્યા.
સામયી પોતે મન ધારી, અરપી સનમુખ જાતાં.
અનહદ કરૂણા દેખી પ્રભુની, સ્મરણ કરે ન ધરાતાં….આવ્યા.
માત્ર આઠ ઘડીમાં વહાણ પોરબંદર પાછું આવી પહોંચ્યું. પ્રભુની અલોકીક લીલા જોઇ મનમાં બહુ ખુશી થયાં. સામૈયાનો હજી સમય છે. વૈષ્ણવ ગામ બહાર બેઠા છે. પુત્રી પાછી આવી એમ જાણી શેઠ-શેઠાણી બહુ જ હરખાયાં. લીલુ સહુની સાથે હળીમળી. આવો ન કહી શકાય તેવો અનુભવ થતાં આનંદ પામી, સંકટ હરતા શ્રી ગોપાલલાલની કરૂણાથી સહુની સાથે ધોળ-કીરતન ગાવા લાગી, પોતાના સેવ્ય ઠાકુરજીના દર્શન કરી પોતે મનમાં ધારી હતી તે સામગ્રી પ્રભુને ધરી. આવી અનહદ કૃપા જોઇને સ્મરણ કરતાં ધરાતા જ નથી.
લીલુબાઇનો પતિ તો આ બધું જોઈ આભો જ બની ગયો. તે પણ સર્વના ચરણમાં પડયો અને તે લીલુબાઇના સંગથી વૈષ્ણવ થયો. એવા લીલુબાઇ પુરણ કૃપાપાત્ર વૈશ્નવ થયા. માટે જ કહ્યું છે કે :
ભાવ વડે વશ થાય, કૃપાનિધિ, ભાવ વડે વશ થાય,
જે એના ગુણ ગાય, કૃપાનિધિ, એની વહારે ધાય.
( શ્રી ગુણમાલ ભક્તમાલ માંથી)
લેખન શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને પ્રદીપભાઈ ગોહેલ (જામનગર)ના જય ગોપાલ ||