|| શ્રી ગોપાલો જયતે ||


ગુન કાલાવડ ગામ, પ્રગટ ગોપાલ પાવધારે,
ઠહેરે બાહેર ઠાંઉ, નીચ જીવ વિસ્તારે,
નિકટ મયા બટનોર, ગોપાલ સુદૃષ્ટિ લગાઈ,
ઠાડે રહો કહે ઠોર, કિતનિક હોત કમાઇ,
ચાહે લીઓ જો સહાય, જાન રહે હમ જબ હીં,
પ્રાપત દરશન પાય, શરન પીયા વહે સબહીં…૧૨

શ્રી ગોપાલલાલ કાળાવડ (જામના) પધાર્યા, ગામ બહાર તંબુમાં બીરાજે છે, એ વખતે ઢીમર-મયા જાતના ભોઇ-મચ્છીમાર ત્યાંથી નીકળ્યા, તે ગોપાલલાલ સામે એક દૃષ્ટિથી જોઈ રહ્યા. તેને ઉભા રાખ્યા અને કહ્યું-આમાં તમે શું કમાણી કરો છો ? જ્યાં સુધી હું અહીં રહું, ત્યાં સુધી મારી પાસેથી લઇ જજો. દરશન કરતાં જ સહુને નેત્રદાન થયા. સદ્દબુદ્ધિ થઇ અને હિંસા કરતા મટી સરાણીયા થયા.

સોરઠ
કેવા કૃપાળુ ઠરે, હોય પાપી છતાંએ તરે,
લાલચ નવ રાખે કઈ પોતે, કૃપા આપોપી કરે કેવા
જાણ્યા નહીં જગતાત એવાને, શું થયું આ દેહ ધરે…કેવા.

પ્રભુ કેવા દયાવાળા છે. તેની કૃપાથી પાપી હોય તે પણ તરી જાય છે. એ પ્રભુ કોઈની લાલચ રાખતા નથી. પણ પોતાની મેળે જ કૃપા દરસાવે છે. એવા જક્તપતિને જો જાણ્યા નહીં તો પછી આ દેહ ધરી તેથી શું થયું? દુનિયામાં આવી પ્રભુ ભક્તિ કરી કૃપાપાત્ર ન થયા તો આ જીંદગી વૃથા ગુમાવી ગણાય.

કાળાવડ (જામના) ગામમાં ઢીમરની એક જાત વસતી હતી, તેની ઓડક મયા હતી, મયો ઢીમર પોતાના કુટુંબ સહીત ઝાળ નાખવાનો ધંધો કરતો હતો, અને તે મચ્છીમાર કહેવાતા હતા. હંમેશાં હિંસા કરી બજારમાં વેચવા માટે લઇ આવે અને તેમાં જે પૈસા ઉપજે તેમાં પોતાનો વહેવાર ચલાવતા. આવાં જે પાપો કરે તેઓને ક્યાંથી ખ્યાલ આવે કે આપણે પ્રભુ સેવા કરશું તો ન્યાલ થશું. તેમને કોઈ સારી ચાલવાળો સતસંગી પણ મળે ક્યાંથી ? કે જે પ્રભુ પ્રત્યે ભક્તિનાં અંકુરો ઉગાડી ઠાકુરજી ઉપર પ્રેમ ઉપજાવે. આવી રીતે હીંસા કરતાં
દીવસો કપાતા જાય છે અને જીંદગીનો અંત આણે છે. તેનાં છોકરાં અને તેનાં છોકરાં પણ એ જ ધંધામાં રચી પચી અનેક દોષો કરી નાશ પામે છે. ઘણો સમય એ પ્રમાણે ચાલ્યું પણ શ્રી ઠાકુરજીએ એ સર્વનું દુ:ખ મટાડયું. પોતે જાતેજ એ બધું જોયું. પછી પ્રભુ એ કેમ સહન કરી શકે ?-લાલચ નવ રાખે કંઇ પોતે, કૃપા આપોપી કરે.

સંવત ૧૬૮૯ની સાલમાં શ્રી ગોપાલજી પ્રદેશ પધાર્યા ત્યારે આ ઢીમર ઉપર કૃપા દરસાવી. પોતાની સાથે કેટલાક વૈષ્ણવો છે. ચાલતાં ચાલતાં કાળાવડમાં પધાર્યા. કેટલાક વૈષ્ણવો અહીં પ્રભુ પધાર્યા છે એમ ખબર આપવા ગામમાં ગયા અને શ્રી ઠાકુરજી ગામ બહાર ડેરા તંબુમાં બીરાજે છે.

આપશ્રીએ કાલાવડ ગામના પાદરમાં સુંદર જળાશય જોતા ત્યાં મુકામ કરવા વિચાર્યું. કાલાવડના જીવો ઉપર કરૂણા કરવા આપે પાદરમાં મુકામ કર્યો.

પાંચાભાભાએ કહ્યું : કશળદાસ, પ્રભુજીને બિરાજવા માટે પાદરમાં સુંદર ડેરા તંબુની વ્યવસ્થા કરવામાં આવી હતી. આપશ્રી લાલબાવા સહિત ત્યાં બિરાજ્યા. સર્વ વૈષ્ણવ જુથ રાજસી લોક સહિત સાથે છે. સર્વ કોઈ આપશ્રીની સેવા ટેલમાં તત્પર થઈ રહ્યા છે.

પ્રભુજી પોતાના ડેરામાં સુખરૂપ બિરાજી રહ્યા છે. પ્રાતઃકાળનો સમય છે. ખવાસ પણ આપશ્રીની આજ્ઞાની રાહ જોતા પાસે ઉભો છે. પ્રભુજી શું આજ્ઞા કરે તેની રાહ જોવે છે.

પ્રાતઃકાલના સમયે તે ગામમમાં વસતો મયા, નામનો ઢીમર (માછીમાર) પોતાના કુટુંબ સહિત પાસેના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો. સર્વ કોઈના હાથમાં જીવ હિંસાના સાધનો જાળ વિગેરે હતા. તે લોકોનું ટોળું પોતાની ગેલ મસ્તીમાં ચાલ્યું જતું હતું. ટોળાનો નાયક મયા, નામનો માછીમાર આગળ ચાલતો હતો. ટોળામાં ઢીમર જાતીના સર્વ કુટુંબીજનો સ્ત્રી બાળકો પણ સાથે હતા. કાલાવડના પાદરમાં ભજીકમાં એક મોટું જળાશય-તળાવ હતું, તે તરફ જઈ રહ્યા હતા.

પ્રાતઃકાલના સમયે આપશ્રી ખુબ જ પ્રસન્નતાથી આપના ડેરા વિષે બિરાજી રહ્યા હતા. ત્યાં અચાનક થોડો શોરબકોર સંભળાતા, આપશ્રીની સુદૅષ્ટિ પાસેથી જતા માર્ગ ઉપર પડી. ત્યાં એક લોકોના ટોળાને રસ્તે જતાં જોયું અને આપશ્રી આ લોકોને જોતા પોતાના મનમાં સર્વ સમસ્યા સમજી ગયા અને પાસે ઊભેલા ખવાસને આજ્ઞા કરતા કહ્યું : ‘રસ્તે ચાલ્યા જતા લોકોને બોલાવી લાવ, તેમને જરા પુછીએ તેઓ કોણ છે ? અને શું કાર્ય માટે જઈ રહ્યા છે ?

આપશ્રીની આજ્ઞા થતા, ખવાસ તુરત બન્ને હાથથી પ્રણામ કરતા રસ્તે ચાલતા લોકોના ટોળા તરફ ગયો અને છેટેથી જરા મોટો અવાજ કરતા કહ્યું : અરે, એ લોકો, જરા ઊભા રહો.”

કોઈ અજાણ્યા માણસનો અવાજ સાંભળતાં ટોળાનો નાયક, મયાએ જરા વાર બધાને થોભવાનું કહ્યું. ટોળું રસ્તા ઊપર ઊભું રહ્યું અને બધા વિમાસણમાં પડ્યા કે જરૂર કાંઈક સંકટ આવ્યું.

ખવાસ લોકોના ટોળા નજીક આવ્યોને કહ્યું : ‘ભાઈ, તમને મહારાજ બોલાવે છે, તમે બધા કોણ છો ? અને ક્યાં જઈ રહ્યા છો ?”

મહારાજનું નામ સાંભળતાં બધા ચમક્યાને વિચારવા લાગ્યા કે નક્કી કોઈ રાજદરબારના મોટા માણસ લાગે છે કદાચ રાજા હોય થોડીવાર બધા સ્તબ્ધ થઈ ગયા શું કરવું, તેનો વિચાર કરવા લાગ્યા.

મયા ઢીમરને ખવાસની વાત ઉપરથી થોડી ધીરજ આવી અને તે બે હાથ જોડીને નમ્રભાવે બોલ્યોઃ “ભાઈ, તમારી વાતમાં મને કાંઈ સમજણ પડતી નથી, તો મહારાજ કોણ છે, તે જરા વિગતથી સમજાવો તો સારું. તમારી વાતથી અમને થોડી શાંતિ વળી છે, તો વધુ શાંતિ થાય એવું અમને કહો. અમે તો મંદબુદ્ધિ છીએ. વળી મ્લેચ્છ જાતિ છે, તેથી કહું છું.”

ખવાસે મયા ઢીમરની વાત સાંભળીને કહ્યું: “મહારાજ, શ્રીગોકુલના ગુંસાઈ છે, સાક્ષાત્ ઈશ્વર છે. ઈશ્વર જેનો હાથ થોભે તેના ભાગ્યનું શું કહેવું. ભલા, તમારી ઉપર આજ કરૂણાના સાગરે કાંઈક કરૂણા કરવા વિચાર્યું હોય, તેમ મને લાગે છે. જેથી તમને બધાને બોલાવવા માટે મને મોકલ્યો છે. તમો આજનો સમય ગુમાવશો, તો જેવા તમારા નસીબ. કાંઈ જબરજસ્તી તો નથી. આ તો જગત નિયંતા છે, સર્વનું કલ્યાણ કરવાવાળા છે. તમારા ભાગ્યનું દ્વાર આજ ખુલી રહ્યું છે. આપના દરશન માત્રથી તમારા સમસ્ત દુતિનો નાશ થઈ જશે. ભવાટવીનો ફેરો મટી જશે.”

મયા ઢીમરને ખવાસની વાત સાંભળી ઘણી જ શાંતિ થઈ અને તેણે પોતાના માણસોને કહ્યું ચાલો, આજનો દિવસ તો કાંઈક આપણું ગેબ-નસીબ ખુલવાનું હોય, તેમ મને પણ લાગે છે. ચાલો, જરા ઉતાવળા પગે મહારાજ પણ આપણી રાહ જોતા હશે.

માયા ઢીમરની સ્ત્રીનું મન માનતું ન હતું, ઘણી આનાકાની કરી પણ છેવટે તે પણ સાથે ચાલી.

ખવાસ આગળ ચાલતો હતો અને પાછળ લોકોનું ટોળું મયા ઢીમરની સાથે ચાલતું હતું. ડેરાથી થોડે દૂર ઊભા રહ્યા. ખવાસે જ્યાં પ્રભુજી બિરાજતા હતા ત્યાં જઈને પ્રણામ કર્યાં. વિનંતી કરતાં કહ્યું: “જે જે કૃપનાથ, મહારાજ, એ બધા લોક આવી ગયા છે અને ડેરાથી થોડે દૂર ઊભા રાખ્યા છે. આપ આજ્ઞા આપો તો આગળ આવવા કહું.”

પ્રભુશ્રી ખવાસની વાત સાંભળી ખૂબ જ પ્રસન્ન થયા અને ખવાસને આજ્ઞા આપી કહ્યું: ‘ડેરા બહાર અમારી બેઠક કરો અને પછી તેને બોલાવો.’ ખવાસે આજ્ઞા અનુસાર બેઠકની સર્વ તૈયારી કરી અને આપશ્રી લાલબાવા સહિત બેઠકે બિરાજ્યા.

ખવાસે, પેલા ટોળાના નાયક મયા ઢીમર પાસે જઈને કહ્યું : કે ભાઈ, તમો જ્યાં મહારાજ બિરાજે છે, ત્યાં બધા સાથે આવો અને દૂર ઊભા રહીને પ્રણામ પ્રથમ કરજો.

મયો ઢીમર પોતાના સર્વ લોકોની સાથે, જ્યાં પ્રભુજી બિરાજતા હતા ત્યાં થોડે દૂર ઊભા રહી બન્ને હાથ જોડી પ્રણામ કરી ઊભો રહ્યો. દરશન તથા જ મયાના મનમાં અપૂર્વ શીતળતા વ્યાપી ગઈ. જેમ ચંદનનો લેપ કરતા શીતળતા થાય, તેથી અધિક શીતળતાનો અનુભવ થયો. અને સર્વોએ નત મસ્તક કરી, ભૂમિ ઉપર પડી, દૂરથી ચરણમાં પ્રણામ કર્યા અને નત મસ્તક કરી બન્ને હાથની અંજલી જોડીને સન્મુખ મૌન ભાવે ઊભા રહ્યા.

પ્રભુજીએ મયા સામું સુદૃષ્ટિ કરતા પૂછ્યું : તું કોણ છે ? અને તારી સાથે જે માણસો છે તે બધા શું કામ કરે છે ?”

પ્રભુજીની મૃદુ વાણી સાંભળતા મયાના જીવનમાં નવચેતન પ્રગટ થયું અને વિનમ્રભાવે બોલ્યોઃ “મહારાજ, આપ તો દીનદયાળ છો. પ્રભુ, અમો તો તુચ્છ, મ્લેચ્છ, જાતિના અછૂત જીવ છીએ. આ પાપી પેટ ભરવા માટે, જીવહિંસાનું નીચ કામ કરીને જીવનનો ગુજારો કરીએ છીએ. અમને જોતાં લોકોને સુંગચડે અને દૂર ખસી જાય, ત્યાં પ્રભુ અમને બીજી રોજી કોણ આપે. અમારું જીવન જીવહિંસા કરીને ગુજારવાનું લખાવીને આ ભુતલમાં આવ્યા છીએ. માલિકની મરજી એવી હશે. પ્રભુ, વધુ શું કહું. અમારું જીવન તો પશુ કરતા નપાવટ છે. મળ્યો છે, મનખ્યો દેહ, પણ કરમ તો સાચું થાતું નથી. આપ કરુણાના સાગર છો, એવું સાંભળ્યું છે. મહારાજ, આપ કરુણા દૃષ્ટિ કરો, તો અમારું જીવન સુધરે.”

પ્રભુજી જેના ઉપર કરુણા કરે, તે જીવનું દરશન માત્રથી કાજ સુધરી જાય. તેની વાણીમાં કેટલો બધો વિવેક આવી જાય છે. મન, બુદ્ધિ નિર્મળ થઈ જાય છે. મૂક, શુક બની બોલવા લાગે છે. “દરશન માત્ર સકલ આ જુગના, જીવ થયા પાવન, એમ આખ્યાનમાં જીવનદાસ વર્ણવે છે, તે આનું નામ દર્શન માત્રથી મયાની વાણીમાં વિવેક આવ્યો અને વાણી પણ વિમલ થઈ ગઈ. તેવું પ્રતાપબળ દરશન માત્રમાં દેખાડયું.

મયાની કરૂણાભરી વાણી સાંભળીને, પ્રભુજીએ તેના ઉપર દૅષ્ટિ કરતાં કહ્યું: “મયા, તને આ ધંધામાં કેટલીક કમાણી થાય છે, જેથી તું આ નીચે કર્મ કરીને પેટ ભરે છે.”

મહારાજ, ‘નીચ જાતિમાં જન્મ થયો છે, કરમ પણ તેવું જ થાય છે. તેમાં કમાણી કરવા જેવું તો કાંઈ નથી. પ્રભુ, પેટનું પુરું પણ થાતું નથી. ક્યારેક તો બાલ બચ્ચા સહિત પાણી ભર દિવસનો ગુજારો કરવો પડે છે. પ્રભુ, એવા દિવસો પણ વ્યતીત કરી રહ્યાં છીએ, કે કોઈની પાસેથી માગવા છતા મળતું નથી. લોકો અમને જુવેને મોં મચકોડતા ચાલ્યા જાય. ત્યાં અમારી રાવ, ફરિયાદ કોણ સાંભળે ? જેથી મહારાજ, મનમાં જીવન ઉપર ઘણી જ નફરત થાય છે, પણ થાય શું કોઈ ઉપાય નથી. આપ કૃપા કરીને જે ઉપાય બતાવો તે કરવા તૈયાર છું.”

મયા ઢીમરના દીન દર્દીલા વચનો સાંભળી પ્રભુજીએ તેના ઉપર કરૂણા કરતાં કહ્યું: કે, ‘મયા, આજથી તું નિર્ભય થયો છે. તારી દેહદશા સર્વ કુટુંબ સહિત પલટાઈ ગઈ સમજજે. તમો બધા શુદ્ધ સ્નાન કરીને આવો.’

મયાએ કહ્યું: ‘જેવી આપની આજ્ઞા મહારાજ’. પ્રભુશ્રીની આજ્ઞા થતા સર્વો પાસેના જળાશયમાં સ્નાન કરવા ચાલ્યા.

પ્રભુશ્રીની આજ્ઞાનું પાલન કરતાં બધાએ તળાવમાં શુદ્ધ સ્નાન કર્યું અને પ્રભુજી જ્યાં બિરાજતા હતા ત્યાં બન્ને હાથ જોડી પ્રણામ કરી સન્મુખ આવીને ઊભા રહ્યા.

મયાએ દીનવચનો દ્વારા વિનંતી કરતાં કહ્યું: ‘મહારાજ, દયાનિધાન, અમો સર્વો આપના શરણે આવ્યા છીએ. આપ કરુણા દૃષ્ટિ કરીને અમોને જે આજ્ઞા કરશો, તે કરવા જ અમો સહુ સહમત છીએ. આપ તો દીનદયાળ છો. પ્રભુ આજથી અમો અમારા ભાવિને તમારે શરણે મુકીએ છીએ. આપની ઇચ્છામાં આવે તેમ કરો. રાજ, અમો તો અનાથ છીએ, આપ કૃપા કરીને અમોને સનાથ કરો. પ્રભુ, અમો તો તુચ્છ જીવ છીએ, તે પણ નીચ જાતિને પામ્યા છીએ. આપ અમારા સર્વોનો ઉદ્ધાર કરનારા છો મહારાજ.’

પ્રભુશ્રીગોપાલલાલજીએ મયા ઢીમરની દીનતા ભરેલી વિનંતીનો સ્વીકાર કરીને તેની ઉપર સુદૃષ્ટિ કરતાં, ખવાસને આજ્ઞા કરતા કહ્યું : “સર્વોને આ પ્રસાદીમાલા આપો” અને સર્વેને ધારણ કરવા આજ્ઞા આપી. આપશ્રીએ સર્વે ઉપર કૃપા કટાક્ષ કરતા નેત્ર દાન કર્યું અને કસીયા રાજગર દ્વારા આપશ્રીના નામનો શરણ મંત્રોચ્ચાર કરાવ્યો અને પંચાક્ષર બોલાવીને શરણદાન આપી નિર્ભય કર્યા. કસીયા રાજગરે, સર્વોના લલાટમાં પ્રસાદી કુમકુમનું તિલક કર્યું અને તાંદુલ લગાવ્યા.

શરણદાન થતાં સર્વોના આનંદનો પાર રહ્યો નહીં. સર્વને કોઈ અલૌકિક દિવ્ય દેહની પ્રાપ્તિ થઈ હોય તેવો અનુભવ થવા લાગ્યો. સર્વના તન, મન પવિત્ર થયા. નેચલ બુદ્ધિનું દાન પ્રભુશ્રીએ કૃપા કરીને કર્યું અને આજ્ઞા આપતા કહ્યું : ‘મયા, આજથી તમો સરાણીયાનો ધંધો કરીને તમારું ગુજરાન ચલાવજો. જેથી સમાજને તમારી પ્રત્યેની કોઈ સુગ નહીં રહે. અને તમારું ગુજરાન સારી રીતે ચાલશે. તમારું કુળ જાતિ સરાણીયા તરીકે ઓળખાશે. તમે અમારા એક શરણનો દેઢ આશ્રય રાખજો. જેથી તમોને અમારી -સત્ય પુષ્ટિ ભકતિની પ્રાપ્તિ થશે. આજથી તમો અછૂત રહ્યા નથી.’

આ વસ્ત્ર સેવન તમને પધરાવી આપું છું, તેને તમારું સર્વસ્વ કરીને માનજો અને તેમાં અમારા સ્વરૂપનો ભર રાખીને તેની સેવા ભલી ભાતે કરજો. સર્વ વસ્તુ તેને સમપીને લેજો, દુષ્ટ ખાન-પાનનો ત્યાગ કરજે. અનાચાર, અન્ય આશ્રયને સર્વથા છોડીને, એક અમારા નામનો દૃઢ આશ્રય કરીને, સંસારમાં રહેજો. સુજાતિ વૈષ્ણવનો સંગ નિત્ય કરજો, જેથી તને સ્વમાર્ગનું સર્વ રહસ્ય સમજાય જશે. અને અમારા સ્વરૂપની સ્વરૂપ નિષ્ઠા થશે. આ માર્ગમાં ચાર વસ્તુ સદા તજીને રહેજે, અન્ય આશ્રય, અસમર્પિત વસ્તુ, અવૈષ્ણવનો સંગ, અસદાલાપ (મિથ્યાભાષણ) જેથી તારા કુળ કુટુંબનું સદા ભલું થશે.

પ્રભુશ્રી ગોપાલલાલજીની અમૃતતુલ્ય વાણી સાંભળી, મયા ઢીમરના મનમાં અપાર શાંતિ થઈ. સર્વ કુટુંબ સહિત મયાને શરણદાન મળતા પોતાનું ધન્ય ભાગ્ય માનવા લાગ્યો.

મયા ઢીમરે પ્રભુશ્રીના ચરણમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ્ પ્રણામ કરતા વિનતી કરી બોલ્યો :

‘મહારાજ, આપ તો કરૂણાના સાગર છો, અધમોધારણ છો. કૃપાનિધાન પ્રભુ, પતીત પાવન છો, આપ અનાથના નાથ છો. આપ અમારા સ્વામી આજથી બન્યા. અમો આપના શરણાગત સેવક થયા. પ્રભુ, પણ અમારી પાસે આપને સેવકભાવે આપના ચરણમાં ભેટ ધરવા માટે રાજને યોગ્ય કોઈ વસ્તુ નથી, તેમ ધન પણ નથી. તો મહારાજ, અમો કૃતાર્થ થયા, પણ મહારાજને શરણે ધરવા જેવી ભેટ કોઈ અમારી પાસે નથી, જેથી શું ધરીએ. પણ મહારાજ, આપ સકલ ગુણ સંપન્ન છો. આજથી અમો અમારો જીવહિંસાનો ધંધો સર્વથા છોડી દઈને, આપની આજ્ઞા અનુસાર જીવન નિર્વાહ કરશું. પણ હિંસાનું કરમ સર્વથા નહીં કરીએ. એ જ અમારી ભાવભેટ આપના શ્રીચરણમાં ધરીએ છીએ. આપ અમારા ઉપર એવી કૃપાનું દાન કરો, જેથી આ અમારી ટેક વંશ પરંપરા નભી રહે. અને અમો સદા તમારા થઈને રહીએ. મહારાજ, અમો તો તમારા ગોલા ભરાબર પણ નથી.’

મયા ઢીમરના દૃઢ સંકલ્પને સાંભળી, આપશ્રી તથા લાલબાવા અતિ પ્રસન્ન થયા અને કહ્યું: “મયા, આજથી તું અમારો થયો છે. કોઈ વાતની ચિંતા કરીશ નહીં. તારી ભાવ ભેટનો અમો અંગીકાર કરીએ છીએ.’ મયા તારા દૃઢ સંકલ્પથી અમો અતિ પ્રસન્ન થયા છીએ. મયા, જીવહિંસા મુષ્યને નરકની યાતના સુધી પહોંચાડી દે છે. તમોએ આજે “અહિંસા પરમોધર્મ’ની સાથે ભગવદ્ શરણાગતિ સ્વીકારીને, તમે તમારા કુળ જાતિ તથા પરિવાર સહિત કૃતાર્થ થયા છો. તમારું તન, મન અમને સોંપ્યું, એ જ તમારી ઉત્તમ ભેટ છે. તમો સર્વો આજે અહિયા જ રહો અને તમારૂ સમાધાન સર્વોનું અહિંયા જ થશે. જ્યાં સુધી અમો અહિંયા રહીએ ત્યાં સુધી તમો અહિંયા અમારી સેવા ટેલમાં રહો અને નિત્ય અમારી પ્રસાદી જુઠણ લઈને કૃતાર્થ થશો.”

મયા ઢીમરે પ્રભુશ્રીની આજ્ઞા સાંભળી, દીનતા સૂચક વાણીથી નમ્રભાવે કહ્યું : ‘રાજ જેવી આપની આજ્ઞા. પણ આપનું ઋણ અમારા ઉપર ચડશે પ્રભુ, અમો તેમાંથી પાછા ક્યારે મુક્ત થઈએ. મહારાજ, અમો તો નિષકંચન છીએ’.

પ્રભુશ્રીએ આજ્ઞા કરતાં કહ્યું : ‘મયા અમારી આજ્ઞાથી અમારી પ્રસાદી જુઠણ લેવું તે કોઈ ઋણ તમારા ઉપર નથી. છતાં વૈષ્ણવની સેવાટેલ કરવાથી તેમાંથી છુટી શકાય છે. ભગવદ્ સેવા સ્મરણ કરનાર માથે કોઈ દિવસ કોઈનું ઋણ, તેના ઉપર ચૌદ બ્રહ્માંડમાં રહેતું નથી. જે જીવ ભગવદ શરણાગતિ સ્વીકારીને ભગવદ્ દૃઢ આશ્રય કરીને રહે છે, તે તો સર્વના ઋણમાંથી મુક્ત થઈ જાય છે. તેની ચિંતા તું ન કરીશ. તું અમારે શરણે આવ્યો છે, તેથી કૃતાર્થ જ છો.’

મયો ઢીમર પોતાના કુટુંબ સહિત પ્રભુશ્રીગોપાલલાલને શરણે થઈને દરશન માત્રથી પ્રભુશ્રીના નેત્ર કટાક્ષનું દાન થવાથી કૃતાર્થ થઈ ગયો. અને પ્રભુજી જ્યાં સુધી કાલાવડમાં બિરાજ્યા ત્યાં સુધી સર્વ કોઈ તેની સેવાટેલમાં રહ્યા અને નિત્ય પ્રસાદી જુઠણ લઈને કૃતાર્થ થયા.

( શ્રી ગુણમાલ ભક્તમાલ માંથી)

લેખન શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને પ્રદીપભાઈ ગોહેલ (જામનગર)ના જય ગોપાલ ||


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *