|| શ્રી ગોપાલો જયતે ||
વહે જન પાંચ હજાર, સુમધ્ય રાજીત મહારાજ,
ગોકુલ ગંગ ગડીધાર સુ સેવક કીન સમાજ,
પંચ દિવસ પકવાન, સુ પયે સબ દાસ પ્રસાદ,
ગહેક છીકે જસ ગાન, નિર્તત સુર્ત સુનાદ;
જપે જમુનેશ રંગ રેલમો, પ્રીતમ જન પ્રતિપાલ
તબે દ્વે કુંપે તેલમો, સુ તુપ ભયો તેહી તાલ…૯૯
ગંગાધરભાઈ તથા ગોકળદાસભાઈ બંને ભાઈ જ્ઞાતે કંસારા વૈશ્નવ હતા. શ્રી ગારીયાધાર ગામે નિવાસી હતા એ બંને ભાઈએ મંડપ કરી શ્રી મહારાજ જમુનેશ પ્રભુને તથા ભગવદી જુથને પધરાવ્યા. પાંચ હજાર વૈશ્નવનું જુથ પધાર્યું હતું. મંડપ ચૈત્ર વદી ૧૦નો કર્યો હતો. અને વૈશ્નવ વૃંદ સહીત મહારાજશ્રીનું સામૈયું કર્યું. તે સામૈયામાં સમાજ તથા સરણાઈના સુર થઈ રહ્યા છે. સુંદરી જનના શીર પર સુવર્ણ કલશ ધારણ કર્યા છે. જલના વેણા ભર્યા છે.
આવી રીતે સામૈયું લઈ મહારાજશ્રી તથા વૈશ્નવનું જુથ જ્યાં બીરાજે છે ત્યાં ગયા અને ગોકલભાઈ તથા ગંગાધરભાઈ અને તેમના બાલગોપાલ મહારાજશ્રીના ચરણમાં ભેટ ધરી દંડવત્ કર્યા પછી મંડળીમાં માળાની પહેરામણી કરી મહારાજશ્રીને ખાસાનું મીઠું જલ લેવરાવ્યું અને પછી વૈશ્નવને પણ લેવરાવ્યું અને ગોકુલદાસે તેલ તથા સોંધો સર્વેને અરપ્યો. તિલક તાંદુલ પણ અરપ્યાં એવી રીતે આનંદ વરતાવી મહારાજશ્રીને અનેક પ્રકારે મનહાર કરી ગામમાં પધારવાની વિનંતી કરી. મહારાજશ્રી સુવર્ણના સુખપાલમાં બીરાજે છે અને ગોકુલદાસ તથા ગંગાધરભાઈ પંખો કરે છે. અને વૈશ્નવ વૃંદ સમાજ કરતા મહારાજશ્રીને મંડપમાં પધરાવી લાવ્યા. સુંદરી જનો ધોળ મંગળ બોલે છે. તાપી બાઈએ આરતી કરી અને સુવર્ણ કડલા તથા હાર સુવર્ણનો ભેટ કર્યો, પછી ભંડારમાં પધરાવ્યા. ત્યાં ઘણી કૃપા કરી તેલની બે કુંપી ભરી હતી, આપશ્રીએ તેના પર દ્રષ્ટિ કરી અને કહ્યું ગોકુળ આમાં શું છે? ત્યારે ગોકુલદાસે કહ્યું કે રાજ તેલ સામગ્રી છે. ત્યારે આપે કહ્યું કે નહી એમાં તો તુ૫ છે. ગોકળભાઈ જુએ તો બંને કુંપી તુંપથી ભરેલી છે ત્યારે સરવે જુથ સાષ્ટાંગ દંડવત્ કરી કહેવા લાગ્યા જે આપની ઇચ્છાથી આ તેલ સામગ્રીમાં તુ૫ સામગ્રી થઈ છે માટે ધન્ય છે, પ્રભુ આપને એ પ્રમાણે ગોકળદાસ તથા ગંગાધરભાઈ ઉપર આપે કૃપા કરી. અને પકવાન સામગ્રી પણ સુક્ષ્મ હતી અને વૈશ્નવ અસંખ્ય પધાર્યા હતા. તો પણ મહારાજશ્રીએ અઢળક કૃપા કરી પકવાન સામગ્રી પણ અત્યંત થઈ ગઈ હવે બીજે દિવસે જળની તુટ બહુ પડી, ઉષ્ણકાળ અને ગામને પાદર નદી નહોતી. તેથી કુવામાંથી જળ લાવવું પડતું, તે પણ પુરું થાતું નથી. તે આપશ્રીને ખબર પડી જે જળની બહુ ખેંચ છે. ગોકળદાસના ઘર આગળ ખારા જળની એક કુઈ હતી ત્યાં આપ સ્વઈચ્છાથી પધાર્યા અને આજ્ઞા કરી જે જળ તો ઘણું છે ત્યારે ગોકળભાઈએ કહ્યું જે રાજ ખારું છે, ત્યારે આપશ્રીનું વાયક થયું કે તુરત કુઈમાં જળ કાંઠાં સુંધી થઈ ગયું. આપે સ્વહસ્તે જળ લઈ ગોકળભાઈને લેવરાવ્યું અને આપે કહ્યું જે જળ તો મીઠું છે અને તુરત જ ગોકળભાઈએ કહ્યું કે રાજ ! કૃપાનીધી જળ તો અમૃતથી પણ અધીક મીઠું છે, અને અલોકીક સ્વાદ છે, આપની કૃપાએ જળ ખારું હતું તે મીઠું થયું તે કુઈ આજ સુધી કંસારાની કુઈના નામથી ઓળખાય છે. વળી ગમે તેવો દુષ્કાળ હોય તો પણ તેમાંથી જળ પણ ખુટતું નથી. તેમજ તેમાં કોઈ પણ જાતનો અકસ્માત થતો નથી. હજી પણ એવો સાક્ષાત પરચો દેખાય છે. પછી બંન્ને ભાઈએ બહુ ખુશીથી પાંચ રસોઈ રોક્યા. અને આ રીતે બંને ભાઈની દેહ રહી ત્યાં સુધી કુપીમાંથી તુ૫ સદા નીકળતું, આપશ્રીએ કૃપા કરી પોતાના ચરણારવીંદ પધરાવી આપ્યા તેની ભાવથી બંને ભાઈ સેવા કરાતા. તે તેમને સાનુભાવ હતા. આવી કૃપા શ્રી જમુનેશ મહાપ્રભુજીએ કરી. અને તેના વંશના આજ સુધી હજી ગોંડલ લાઠી વિગેરે સ્થળમાં છે. અને કૃપાપાત્ર છે. એવા એ બંને ભાઈ પૂર્ણ કૃપાપાત્ર ભગવદી થઈ ગયા. તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||
Leave a Reply