|| કાનજીભાઈ અને કમરીબાઈ ||

|| શ્રી ગોપાલો જયતે ||

શુભ કાન કમરી સ્નેહ, સંબંધી ખરેડ સુબાસી,
અનન્યી જન એહં, ખષ્ટિ ખેલ ઉપાસી,
નિશદિન સુત રધુનાથ, ભુવન ભલી પેર ભ્રાજે,
શોભીત ભ્રત જન સાથ, શુભ ગુન ગાન સમાજે,
પૌહોવ્ય પ્રસન્‍ન પ્રકારકે, ખટદશ મંડપ ખર્ચે,
વહે ભર સપ્ત હજારકે, રાજીત આ ઘર રાંચે ……

પ્રભુના સાચા ભક્તો છે તે તો માત્ર સેવા કરવાનું જ ચાહે છે. દેવના દેવ એવા શ્રી ઠાકુરજીમાં અનીનતા રાખે છે, અને અનંત સુખં લેવા માટે પોતાનું સર્વસ્વ શ્રી ઠાકુરજીને અર્પણ કરે છે.

ધોળકા ધંધુકા પાસે ખરેડ નામના ગામમાં કાનજીભાઈ નામે એક લુવાણા વૈશ્નવ રહેતા, જેઓ માત્ર શ્રી ગોપાલ પ્રભુનું જ સ્મરણ કરતા. બીજા કોઈ પણ દેવને માનતા નહીં, કોઈ દેશી પરદેશી વૈષ્ણવ આવે તેનું સનમાન કરી રાત્રે ભગવદ્‌ ગુષ્ટ કીરતન કરી આનંદ માનતા. શ્રી ગોપાલલાલના સેવનમાં અને ગુણગાન કરવામાં મશગુલ બની જતા. તેમના સંગી કમરીબાઈ લુવાર વૈશ્વવ હતા. કોઈ વખત કોઈ સ્થળે મંડપ થતો હોય તો કાનજીભાઈ તથા કમરીબાઈ ત્યાં ગયા સિવાય રહેતા નહીં. વૈશ્નવોની સાથે હળીમળી આનંદ કરી માળા પ્રસાદ લઈ પોતાને ઘરે આવતા. એમ અનેક મંડપમાં લાવ લેતા. પોતાના મનમાં પણ ઉમંગ થતો કે આપણે ઘરે મંડપ કરી શ્રી ઠાકુરજીને પધરાવીએ અને વૈષ્ણવોના મેળાપનું સુખ લઈએ. પ્રભુ કરૂણાળુ છે, તે પોતાના જનને કદી ઓછું આવવા દેતા નથી પણ તેની દરેક ઈચ્છાઓ પરીપૂર્ણ કરે છે.

કોઈ સ્થળે મંડપ થતો હતો ત્યાં જવા ઘણા વૈષ્ણવો તૈયાર થયા હતા. કાનજીબાઈ તથા કમરીબાઈએ પણ તેમની સાથે જવા નિરધાર કર્યો. સહુ વૈશ્નવોનો સમુહ ચાલ્યો જાતો હતો, મન માં અતિશય હર્ષ ઉભરાય છે અને શ્રી ઠાકોરજીના ધવલ-મંગળ ગાતાં ગાતાં સર્વ વૈશ્નવો આનંદથી રસ્તો પસાર કરે છે. આગળ જતાં કાનજીભાઈએ એક ચરૂ જોયો,

જેમાં ઘણીજ માયા હતી, કાનદાસ વિચાર કરે છે આ માયા કોની હશે ? એ જમીનમાંથી નીકળી છે. માટે વાજબી રીતે તેનો માલિક રાજા જ ગણાય.

ત્રોટક – લઈને સહુ માલ નૃપાળ ગ્રહે, સહુ વૈષ્ણવ સાથ તદા વીચરે,
ધન સોંપી બધું નૃપની સમીપે, કહે આ વીત્ત આપ તણું સહુ છે.
પથ માંહી જતાં મળીયું મુજને, ઉપભોગ કરો પ્રિય રાજન એ,
વસુધા પરથી કંઈ ચીજ જડે, નૃપતી હકદાર સહાય ઠરે.

એ બધો માલ લઈ વૈશ્નવના જૂથ સહીત તે ગામના રાજા પાસે આવ્યા. કાનદાસે બધો માલ રાજાની સમક્ષ મૂક્યો અને કહ્યું,

આ બધો માલ રસ્તામાં જતા મને મળ્યો છે. માટે તમો એ રાખો કારણ કે જમીનમાંથી કંઈ ચીજ નીકળે તેના હકદાર રાજા છે.

એ સાંભળી રાજા વિચારમાં પડી ગયો કે આ કોઈ વિચિત્ર ઘટના છે. આટલું બધું દ્રવ્ય જોઈ કોની વૃત્તિ ચલાયમાન થાય નહિ ? છતાં એ મને આપવા આવેલ છે, માટે આમાં કાંઈ ભેદ છે. જો એ દ્રવ્ય હું રાખીશ તો જરૂર મારૂં અનિષ્ટ જ થાશે, માટે એ મારા કામનું નથી. એમ વિચારી દીનતાથી કહેવા લાગ્યો-મારાથી એ ન જ રાખી શકાય તમે પ્રભુના કૃપાપાત્ર છો, તમારા ઉપર પ્રભુની કુપા થઈ છે, તેથી તમને એ માયા મળી જણાય છે. તમો મહાન વૈષ્ણવો જ તેના અધિકારી છો, એ સહુ આપનું જ ગણાય. તે લઈ તમે જ ઉપભોગ કરો એમ કહી તેમને સર્વ સોંપી દીધું.

બધા વૈશ્નવોએ મળી વિચાર કર્યો કે એ કાનદાસને હાથ લાગ્યું છે માટે તે જ લઈ જાય. તેના હકદાર તે જ છે, વળી રાજાએ પણ તેમને જ સોંપ્યું છે. સહુની આજ્ઞાથી કાનદાસે તે લીધું અને પ્રભુની કૃપા માની-અને કહેવા લાગ્યા.

હરીગીત – ધન આ મળ્યું પણ શું કરૂં, મહેનત કશી કીધી નથી, શ્રમવીણ કાંઈ આવી મળે, તેમાં કશી સિદ્ધિ નથી,
તે હોય કેવા જીવનું, આખર મને વ્યાધી નડે,
જેથી કહો ઉપાય એવો, સર્વ ઠેકાણે પડે.

વૈશ્નવો પ્રતિ વીનતિ કરવા લાગ્યો કે આ ધન તો મળ્યું, પણ મે કાંઈ મહેનત કરી નથી, મહેનત વિના આવી મળેલા ધનથી કાંઈ સિદ્ધિ થતી નથી. વળી તે કોણ જાણે કેવા જીવનું સંઘરેલું હશે ? કદાચ મારે આખર વ્યાધિ ભોગવવી પડે. માટે એવો ઉપાય બતાવો કે જેથી સર્વ ધન ઠેકાણે પડે અને તેનો સદઉપયોગ થાય.

વૈશ્નવો કહે તમને બહુ સારો વિચાર આવ્યો માટે તમે મોટો મંડપ બાંધો અને શ્રી ઠાકુરજીને પધરાવી વૈશ્નવોને લાવ લેવરાવો. કાનજીભાઈએ સર્વેની આજ્ઞા માની. સહુએ મંડપમાં જઈ આનંદ લીધો. પછી કાનજીભાઈ ઘરે આવી પત્રિકા લખી. ઠેકઠેકાણેથી અનેક વૈશ્નવો પધાર્યા. જે અનુપમ અનીનતા ધારણ કરવાવાળા પ્રભુના વ્હાલા છે, અનેક ગુણવત્તાવાળા પ્રભુ ક્ષણ પણ વીસરતા નથી અને અનેક ગુણરૂપી આભુક્ષન થી અલંકૃત છે એવા અનેક વૈશ્નવો મળી સાત હજાર વૈશ્નવોનો સમુહ ત્યાં ભેગો થયો. કીરતન કરતાં ક્ષણ પણ અવકાશ નથી એવી રીતે આખી રાત પ્રભુના ગુણ-કીરતન ગાઈ આનંદ કર્યો.

એવી રીતે ધામધુમથી પંદર મંડપ કર્યા, ફરીથી એક સોળમો મંડપ થવા પત્રિકા લખી, આ વખતે શ્રી જમુનેશ મહાપ્રભુજી અમદાવાદ બીરાજતા હતા.

ત્યાં પત્રીકા પહોંચી અને સહુ સમક્ષ વાંચી. વૈશ્નવોએ કહ્યું મહારાજ ! આપને તો આમંત્રણ નથી, તો આપના વિના તે મંડપ ઉપર જાશું નહીં. વૈશ્નવોની એવી વાત સાંભળીને કરૂણાથી શ્રી જમુનેશ કહેવા લાગ્યા, ખષ્ટિનો મંડપ થાય છે, એમ જાણી તમે જતા અટકશો નહીં. મારા દાદાજીનો ઉત્સવ થાય છે, મને પણ ત્યાં આવવા ઈચ્છા છે. સર્વ જૂથ એકઠું થઈ ત્યાંથી વિદાય થયું અને ખરેડથી એક ગાઉં દૂર આકરૂ ગામ છે ત્યાં ડેરા તંબુ નાખી ઉતારો કર્યો. ફરશરામે પહેલાં જઈને જાણ કર્યું, શ્રી જમુનેશ પધાર્યા છે. માટે સામૈયું લઈને ચાલો આપણા પ્રાણધારને પધરાવી લાવીએ.

સંવત ૧૭૪૧ ચૈત્રવદી પાંચમને દિવસે વૈશ્નવો મૃદંગ-ઝાંઝ વગાડતાં સામૈયું લઈને એક ગાઉ સુધી આવ્યા. વૈશ્નવોના હૃદયમાં ભાવ તરબોળ છે. ઉરમાં ઉમંગ સમાતો નથી. પછવાડે મહીલાઓ મલકાતી-જસ ગાતી ચાલી આવે છે એ લીલાનો અનુભવ જેણે માણ્યો હોય તે જ જાણી શકે. એ સમયનું વર્ણન તુચ્છ જીવ શું કરી શકે ? આનંદમાં આખી રાત વીતી. દોઢ કલાક દીવસ ચઢયો, શ્રી જમુનેશને મંડપમાં પધરાવ્યા અને બધાને આનંદ થયો. સહુએ પુરણ પ્રસાદ લીધા, સાત દિવસ રોકાયા અને સાતમે દિવસે શ્રી જમુનેશ મંડપમાં બેઠકે બીરાજ્યા છે અને વૈશ્નવો હાથ જોડે છે.

તે વખતે કાનજી-કમરીએ અચરજ ઉપજે એવું દેખ્યું શ્રી જમુનેશના સ્વરૂપમાં શ્રી ગોપાલલાલજી તથા શ્રી ગોપેન્દ્રલાલજી નું સ્વરૂપ દેખાયું. કાનજીભાઈ તથા કમરીબાઈ તેમની પાસે ગયા, અને ચરણ સ્પર્શ કર્યા તે દિવસથી ત્રણે સ્વરૂપનું ધ્યાન કરવા લાગ્યા. તે દિવસથી ત્રણે સ્વરૂપની એકયતા કરી, ત્રણે સ્વરૂપના સેવક એકત્ર થયા અને જે ગોપાલ સર્વ કહેવા લાગ્યા. એ પ્રમાણે પોતાના જીવોને આનંદ આપતા સુખમાં અધિકતા કરતા આપ ઉખરલા પધાર્યા ત્યાં કસીયાભાઈ રાજગરના દીકરા ગોપાલદાસ અને તેના દીકરા રઘા રાજગર ઉપર કૃપા કરીને દરશન આપ્યાં. તેમની કૃપાનો ક્યાં પાર છે.

( શ્રી ગુણમાલ ભક્તમાલ માંથી)

લેખન શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||


Comments

One response to “|| કાનજીભાઈ અને કમરીબાઈ ||”

  1. Poonamben Avatar
    Poonamben

    ખૂબજ સુંદર કાર્ય છે.

Leave a Reply to Poonamben Cancel reply

Your email address will not be published. Required fields are marked *