|| શ્રી ગોપાલો જયતે ||
રાજનગર ગોપેંદ્ર, પીયુ રહીયા પધરાયે,
નિજજન અતી આનંદ, પ્રગટ દરસ સબ પાએ;
પ્રોહીત સોની પાસ, દુષ્ટિ અન્ય ઉપાસી,
ધરૂની હરી મુખ આશ, પેખનકું પલ પ્યાસી,
શકિત ડર્ય કહે સોમજી, પકર્ય પ્રભુ પદ ધાઈ,
શરણ લીયો સમજાઈ, શ્રીજન કે સુખદાઈ…૮૦
રૈયા પારેખ મોઢ વાણીયા વૈષ્ણવ હતા. રાજનગર ગામે નીવાસી હતા. રૈયા પારેખ શ્રી ગોપેંદ્રજીને પોતાને ત્યાં પધરાવી નામ નિવેદન પામ્યા અને ઘણી જ ભેટ કરી હતી. તેની ઉપર આપશ્રીએ ઘણી જ કૃપા કરી વસ્ત્રસેવન પધરાવી આપ્યું હતું, તે સેવન તેમને સાનુભાવ હતા. પારેખના ઘર પાસે મહાદુષ્ટ સોની સોમજી કરીને રહેતો હતો, તે દેવીનો પરમ ઉપાસી હતો. સોમજીને ત્યાં કાયમ ચંડીપાઠ થયા કરતા. તેમજ હોમ-હવન પણ ચાલુ જ રહેતા. તેથી દેવી તેમને વશ હતી. તે એવો દુષ્ટ હતો કે જે કોઈ આચાર્ય અથવા કોઈ સતપુરૂષ આવે તો તેમની સાથે વાદ-વિવાદમાં વિખવાદ કરી શક્તિ ધર્મનું સ્થાપન કરતો. દેવી તેને પૂર્ણ સાનુકુળ હતી.
શ્રી ગોપેંદ્રજી રૈયા પારેખને ઘેર પધાર્યા છે તેથી સોમજીએ રાત્રે સુતી વખતે વિચાર કર્યો કે કાલે સવારે રૈયા પારેખના ઠાકર સાથે વિવાદ કરવો છે. એવો મનમાં વિચાર કરી સુતો. અરધી રાત્રી થતાં સોમજીને સ્વપ્ન આવ્યું જે શ્રી ગોપેંદ્રજી ગાદી તકીયા ઉપર બીરાજે છે અને સોમજીની દેવી બે હાથ જોડી સામે ઉભી છે, અને સોમજીને કહે છે કે સોમજી શ્રી ગોપેંદ્રજી પૂર્ણબ્રહ્મ પુરૂષોત્તમ સોળેકળા સંપૂરણ અખીલ રાસવિહારીનું સ્વરૂપ છે. તે અધમ જીવોનો ઉદ્ધાર કરવાને ભૂતળ ઉપર પધાર્યા છે. માટે હવે તું તેમને શરણે જા કે જેથી તારો નીસ્તાર થાય ત્યારે સોમજીએ દેવીને પૂછયું-શું ગોપેન્દ્રજી આપનાથી મોટા છે? ત્યારે દેવી ઘણી ખુશી થઈને કહેવા લાગી અરે સોમજી ! હું આ બધા દેવ સર્વે ગોપેંદ્રજીના ભગવદ ચરણની ઇચ્છા કરીએ છીએ છતાં તે પ્રાપ્ત થતા નથી માટે હે સોમજી ! તારા તો મોટા ભાગ્ય કે સાક્ષાત શ્રી ગોપેંદ્રજી પોતે અહીં પધાર્યા છે. એટલી વાતચીત થઈ ત્યાં તો સોમજીની આંખ ઉધડી ગઈ. જુએ તો કાંઈ જ દીસતું નથી. પછી સોમજીએ મનમાં વિચાર કર્યો કે આ તે સ્વપ્ન સાચું કે ખોટું? મને આ બધું આશ્ચર્ય જેવું ભાસે છે. તેની ખાત્રી કરવા હું સવારે જ પારેખને ત્યાં જઇશ અને જો સ્વપ્ન સાચું હશે તો રૈયા પારેખના ઠાકુરજી મને નામ લઈને બોલાવશે અને સ્વપ્નાની વાત પણ કરશે તો હું તુરત જ શ્રી ગોપેંદ્રજી મહારાજને શરણે જઇશ. એવો નિર્ણય કરી સવારમાં વહેલો પોતાના નિત્ય કર્મથી પરવારી પારેખને ઘેર આવ્યો તેને આવતાં જોઈને શ્રી ગોપેંદ્રજી હસ્યા અને કહ્યું સોમજી આવો-તમો તો દેવી ઉપાસી છો ને? કોઇ દિવસ દેવી સ્વપ્નામાં કાંઈ કહે છે?
આટલું જ સોમજીએ શ્રી ગોપેંદ્રજીના મુખથી સાંભળ્યું અને શ્રી ઠાકુરજીએ તેના ઉપર કૃપાકટાક્ષ ફેરવ્યા કે તુરત જ સોમજીએ ઉઠી સાષ્ટાંગ દંડવત્ કર્યા અને વીનતી કરી જે મહારાજ ! અધમ ઓધારણ મને શરણે લ્યો. હું અંધ, આપનો દોષીત છું. તેના મુખથી એવા દીનતાના વચન સાંભળી શ્રી ઠાકુરજી બહુ ખુશી થયા અને તેને આજ્ઞા કરી-સોમજી ત્યાંથી રજા લઈ ઘેર આવ્યો. દેવીના ફળાં ત્રિશૂળ લઈને સાબરમતી નદીમાં નાખી આવ્યો તથા હોમ કરવાની જગ્યા હતી તે કાઢી નાખી પોતાનું ઘર શુદ્ધ કરી શ્રી ગોપેંદ્રજીને ત્યાં પધરાવ્યા અને પોતાના કુટુંબ સહીત શરણે થયા. શ્રી ગોપેંદ્રજીને ઘણીજ ભેટ કરી, તેને સેવા કરવા માટે શ્રી ઠાકુરજીએ હસ્તાક્ષર પધરાવી આપ્યા. સોમજી તન-મન-ધનથી પ્રેમપૂર્વક સેવા કરવા લાગ્યો. અને કેટલેક સમયે તેના ભાવ જોઈ શ્રી ઠાકુરજી ઘણા જ ખુશી થયા અને સાનુભાવ બતાવવા લાગ્યા. એ એવા પરમ કૃપાપાત્ર ભગવદી થયા તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||
Leave a Reply