|| શ્રી ગોપાલો જયતે ||

લલીત લાલસુ લીલા, ગાઈ રત્ય ધર્ય ગાને,
અર્થબંધ અદ્ભૂત પદ, સમજીત જોઈ શીહાને;
પ્રગટ ભૂપેય રાસ, મુખ સબ સાચહીં માને,
માન અખેરકે મિલત, ધરત નીજજન ધ્યાને;
કેયે તાહાકી બાનકો, અપુની આપ દેખાવે,
જીવન હરી હિત સદા, છકયો ગોપેંદ્ર ગુન ગાવે…પર

હરબાઇબા જ્ઞાતે નાગર બ્રાહ્મણ વૈશ્નવ હતા અને જુનાગઢમાં રહેતા. તેમને શ્રી ગોપેંદ્રજીનું નામ-નિવેદન હતું, શ્રી ઠાકુરજી સાનુભાવ હતા અને સાક્ષાત પોતે પધારી ભગવદ્ ગુષ્ઠ કરતા. શ્રી ઠાકુરજીએ પોતે પધારી રાઘવજી જાનીનો સંગ કરાવ્યો એવા કૃપાપાત્ર હતા.

લાગી પ્રભુસંગ પ્રીત, શાની હોયે પછે બીક,
શાની હોયે પછે બીક, નાતી જાતીની ખચીત,
વિઘ્ન કરવા ધારે, છતાં પ્રભુજી ઉગારે,
પોતાના ગણીને પ્યારે, રક્ષે છે નિતનિત…લાગી.

જેને શ્રી પ્રભુ સાથે પ્રીત લાગી હોય તેને બીજી શું બીક હોય ! નાતી, જાતીની પણ તેને જરૂર રહેતી નથી એતો એના રંગમાં રંગાએલ જ રહે છે. તેને કોઈ વિધ્ન કરવા ઇચ્છા કરે તો પ્રભુ પોતાના ગણી તેને ઉગારી લીએ છે અને તેનું રક્ષણ કરે છે.

જુનાગઢની અંદર નાગર જ્ઞાતીમાં હરીબાઈ કરી પંદર વરસની બાઈ એક શ્રીમાન સાથે પરણેલ હતાં પણ ભાગ્યમાં એ સુખ નહોતું. તેના પતિનું જીવન ટૂંકું હતું, તે સ્વર્ગ સીધાવ્યા અને હરીબાઈ પંદર વરસની ઉમરમાંજ વિધવા બન્યા. દુનીયામાં અનેક પ્રકારના સુખ દુઃખ વેઠી એ સત્સંગ કરવા લાગ્યા અને શ્રી ગોપેંદ્રજીને શરણ આવ્યા. શ્રી ઠાકુરજીએ તેને સેવા પધરાવી આપી તેને સત્સંગનો રંગ લાગ્યો.

બન ગયો બેદ રાગ : સતસંગના પ્રભાવેરે, શુદ્ધ બુદ્ધિ આવે
શુદ્ધ બુદ્ધિ આવે, બધાં દોષો તજાવેરે…સતસંગના.
સકળ દિવસ સેવામાં કાઢે, બીજા ઘરના કાજે,
સાંજે રાહ જુએ સતસંગી પહેલાં પ્રભુજીને પોઢાવેરે…સતસંગના.
રહી એકલી નારી તેથી, નવ કોઇ ચઢી આવે,
કરે ઝંખના અતીશે પોતે પણ કોઈ દયા નવ લાવેરે…સતસંગના.
વૈૈષ્ણવજનને કરે વીનતી, જો કોઈ લાભ અપાવે,
પણ દુષણની બીકે સઘળાં, જાવાને ના કહેવરાવેરે…સતસંગના.
અંતરની જાણી અલબેલ, સેવક કેમ દુભાવે,
હું સતસંગ કરાવીશ નિત્ય, એવું ઉચર્યા મૃદુ સ્વભાવેરે…સતસંગના.

સત્સંગ કરવાથી બધા દોષો નાશ થાય છે અને શુદ્ધ બુદ્ધિ આવે છે. હરીબાઈને સતસંગ કરવાની ઘણી જ ઉત્કંઠા થઈ. આખો દિવસ પોતે સેવામાં વ્યતીત કરે છે, તેમજ ઘરનું કાંઈ કામકાજ હોય તે પતાવી પ્રભુને પોઢાડી કોઇ સતસંગી આવે એવી આશા રાખી રાહ જોઈ બેસે છે. ઘણાને કહે છે પણ સ્ત્રી જાત એકલી હોવાથી દુષણ લાગવાની બીકથી કોઈ તેમને ત્યાં ભગવદ્ગુષ્ટ માટે આવતું નથી. તેના અંતરની જાણી પ્રભુથી તે સહન થયું નહીં અને પોતે જાતે જ સતસંગ કરાવવા મનમાં વિચાર્યું. હંમેશા સેવ્ય સ્વરૂપે પ્રગટ થઇ હરીબાઇને ભગવદ્ગષ્ટ કરાવવા લાગ્યા.

હરીબાઇ હંમેશા રાત્રે પ્રસાદ લઈ પરવારી બીછાનું કરે એટલે શ્રી ઠાકુરજી ત્યાં બીરાજી અવનવા પ્રસંગો કાઢી હરીબાઇને ઉપદેશ આપે છે. જ્યાં કોટી બ્રહ્માંડના નાથ પોતે પધારી ઉપદેશ આપે ત્યાં અસર થતાં શું વાર લાગે? એથી કરી હરીબાઈને આ અસાર સંસાર ઉપર તદ્દન અણગમો થઈ ગયો. ઘણાંજ ભાવીક બની ગયા, હૃદય નિર્વિકારી બની ગયું. પોતે સાચું સુખ શેમાં છે તે સમજી ગયા. એવા આનંદમાં પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યા.

પણ તે બીજાથી કેમ સહન થાય ? લોકીક સંબંધીઓથી સહન થઈ શક્યું નહીં અને હરીબાઈને માથે અનેક પ્રકારના કલંક લગાડવા લાગ્યા. એવી અલોકિક વાતમાં બીચારા માયાના જીવ ક્યાંથી સમજે ? હરીબાઈની ઉપર જુલમ ગુજારવા લાગ્યા અને કહેવા લાગ્યા જો એને શ્રી ઠાકુરજી સાથે સાચું છે અને શ્રી ઠાકુરજી તેને દરશન આપે છે તો કાલે સવારે મંદીરે દરશન કરવા જાવા દેશો નહીં, શ્રી ઠાકુરજી એને અહીંજ દરશન આપે છે તો ત્યાં જવાની શું જરૂર છે.

એ મુજબ નક્કી કરી સવારે હરીને તેના સંબંધીઓએ મંદીર જાવા દીધી નહીં વળી હંમેશા શ્રી ઠાકુરજીને શૃંગાર ધરાવતા તે ફેરવી બીજા ધરાવ્યા અને હંમેશા કરતાં અધીકમાં શ્રી ઠાકુરજીના લોચન આંજ્યા એ મુજબ દરશન થઇ રહ્યા પછી સરવે સંબંધીઓ હરીબાઇ પાસે આવ્યાં કે જો તારે શ્રી ઠાકુરજી સાથે સાચું છે તો કહે આજ શ્રી ઠાકુરજી કેવી રીતે બીરાજ્યા હતા. હરીબાઈને દરશને જાવા દીધાં નહીં તેથી પોતાને વિરહ ભાવ થયો એટલે શ્રી ઠાકુરજીએ પંડે પધારી હરીને દરશન આપ્યા એ દરશન કરી હરીબાઈ ઘણા ખુશી થયા અને કહેવા લાગ્યા.

વેરાવળ: દ્વારે ગઈ હું તો દ્વારે ગઈ, આજ હું શ્રી રઘુસુત દ્વારે ગઈ.
દેખ્યો રૂપ શ્રી ગોપેંદ્રલાલકો કંદ્રપ કોટ મહી….આજ.

એ સાંભળી કેટલાક સતપુરૂષો ચકિત થઈ ગયાં, પણ પાખંડીઓને તે સાચું લાગ્યું નહીં અને કહેવા લાગ્યા કોઇએ અગાઉથી આવી હરીને ચેતાવી દીધી. તેથી એ આ વાત કરે છે. ત્યારે કેટલાક લોકો કહે નહીં એ તો કોઈ જાદુ શીખી છે, અને તેની જાદુ વિદ્યા ને લઈ એ આ વાત કરે છે, માટે તે આપણને બધાને બનાવે છે અને છેતરે છે, પણ આપણે ક્યાં મોળા છીએ કે તેનાથી છેતરાઇએ. આજથી નાત બહાર એમ કહી ત્યાંથી ચાલી નીકળ્યા અને કેટલાક વૈષ્ણવોને ઉશ્કેર્યા, ઓછી બુદ્ધિના માણસો બીજાને પજવવામાં જ પોતાને આનંદ માને છે. હરીબાઇની બાજુમાં જ કોઇ વૈશ્નવ રહેતા હતા તેમણે બરોબર ખટકો રાખવા માંડયો અને છુપી રીતે હરીબાઇની બધી તપાસ કરતા. પણ હંમેશા રાત્રી પડે એટલે શ્રી ઠાકુરજી પધારી ભગવદ્ગુષ્ટ કરે. બાજુના વૈશ્નવ વિચાર કરે છે કે આજ મેં બરોબર ખબર રાખી છે, તેથી ખડકીમાં કોઈ આવ્યું નથી ત્યારે આ પરપુરૂષ ક્યાંથી આવે છે ! તે ખબર પડતી નથી. સવારે જઈ બધા વૈશ્નવોને ભેગા કરી પૂછવા લાગ્યા રાત્રે હરીના ત્યાં કોઈ જાય છે. ત્યારે બધા વૈશ્નવો પણ ના કહેવા લાગ્યા કે ગામમાંથી તો કોઇ જતું નથી તેમ બહાર ગામના પણ કોઇ વૈષ્ણવ પધાર્યા નથી પણ હરી આ બધો ડોળ કરે છે અને તે કોઈ પરપુરૂષના ફંદામાં પડી છે, માટે આજ તો આપણે બધા ખાત્રી કરીએ એમ નક્કી કરી બધા બાજુના વૈશ્નવને ત્યાં રાત્રે સંતાઈને રહ્યા. સમય થતાં અવાજ આવવા લાગ્યો બધા વીમાસણમાં પડયા કે આ તે શું ? આમાં તો કોઇ ભેદ છે હવે સવારે એની વાત. સવારે બધા વૈશ્નવો ભેગા થયા અને હરીબાઈને ત્યાં તેડાવ્યા અને કહેવા લાગ્યા કે તારે ત્યાં હંમેશા કોઇ પરપુરૂષ આવે છે અને તે દુ:સંગ કર્યો છે એ પ્રમાણે તેને ઘણા જ કટુશબ્દો કહ્યા. હરીબાઇએ સર્વ સાંભળી રહી. વૈશ્નવોએ છેવટે તેમને મંડળી બહાર મુક્યા.

મહાન મદાંધને સારાસરનો વિચાર હોતો નથી. તે પોતાને અભીમાનમાં જ તણાઈ જાય છે. તેમાંથી એક જણ કહેવા લાગ્યો-તેં મોટો દુસંગ કર્યો છે, એવું અયોગ્ય કામ સમાજને ન પોસાય. આજથી તમને પંક્તિ બહાર મુકવામાં આવે છે. એ પ્રમાણે હુકમ કરી દીધો ત્યાં કાંઇ પણ સાચી કે ખોટી દલીલ ચાલી જ નહીં. હરીબાઈ ઘણીજ દીન બની ગઇ અને પોતાના કર્મનો દોષ માન્યો. એક તો જ્ઞાતી બહાર હતી તેમાં વળી હવે પંક્તિ બહાર થઇ. પોતાના મનને ઘણો જ ખેદ થયો ગળગળી થઇ, અને મનમાં કહેવા લાગી હે પ્રભુ ! એવો શું આપનો દોષ કર્યો કે આવી દુઃખી થાઉં છું. દુનીયામાં હવે મારે કોઇનો આધાર નથી. એ પ્રમાણે મનને કલ્પાંત કરે છે. એવામાં સમય થયો અને પ્રભુ અંતર્યામી ત્યાં પધાર્યા અને ધીરજ આપી કે તું શા માટે ગભરાય છે ? હુ જ તારી પડખે છું. તને બીજાની શું જરૂર છે એ પ્રમાણે ઘણો જ ઉપદેશ આપ્યો હરીબાઈને શાંતી થઇ અને મનમાં સંતોષ માન્યો કે હવે બધાની ઉપાધી મટી.

દોહરો : સમાજને સંતોષ ના, હજી થયો મનમાંહી;
પ્રસંગ શોધે સર્વથા, હરી ન આવે ક્યાંહી.

એટલું કર્યા છતાં સમાજને સંતોષ ન થયો, પણ વિચાર કર્યો કે ક્યારે વખત આવે કે હરીને તારવી દઇએ. આપણે બધા ભેગા થઇ આનંદ કરીએ અને હરીને એકલી રાખી દઇએ ત્યારે ઠીક, એવો વિચાર કરે છે. તેમાં વિનોદરાયે મંડપ બાંધ્યો. તેમાં હરીબાઇને બોલાવ્યા નહીં સામૈયાં કરી વૈશ્નવોને ગામમાં પધરાવી ગયા સર્વે પ્રસાદ લેવા બેઠા. હરીબાઇના મનમાં ઘણો જ ખેદ થયો, છતાં મંડપના તથા જુથના દરશન તો કરવાજ તેવા નિશ્ચયથી હરીબાઇ ત્યાં આવ્યા અને પાતળ નાખવાની ખાડ પાસે ઉભા રહી દરશન કર્યા પણ પ્રભુ ઇચ્છાએ ઓચીંતા કોઈનો ધક્કો લાગવાથી હરીબાઇ ખાડમાં પડી ગયા.

મુખથી કાંઇપણ બોલ્યા નહીં કારણ કે જે પક્ષપાતી દ્વેષી-ઇર્ષાળુ હોય તે સત્ય ક્યાંથી સમજી શકે અને તેની સાર કોણ લીએ ? હરીબાઈએ મનમાં વિચાર કર્યો કે સહુને જમવામાંજ લગની લાગી છે અને તેમાં મગ્ન છે તેવા આનંદમાં રાડ પાડી જંગ શા માટે કરૂં અને આનંદમાં ભંગ શા માટે પાડું? એક પ્રભુનું શરણજ સાચું છે. એમ મનવાળી પ્રભુનું રટણ કરવા લાગ્યાં હે પ્રભુ આ તન, મન તો મેં તમોને સોંપ્યું છે માટે આ દેહને પણ ધન્ય છે કે તે તમારો થયો, એ માટે મારે ગ્લાની શા માટે કરવી ? નાથ ! તમોને યોગ્ય લાગે તેમ કરો ? બધા પ્રસાદ લઇ રહ્યા એટલે પાતળ ઉપાડી ખાડમાં નાખવા લાગ્યા અને સહુ સહુને સ્થળે ગયા. પણ ખાડમાં કોઇને ધ્યાન ગયું જ નહીં

શાંત રીતે સ્તવતી હતી, શ્રી પ્રભુને હરબાઈ,
પડયા પર પાટુ જડયું, સ્પષ્ટ અહીં દેખાઈ.

પાતળ નીચે હરબાઈ શાંત રીતે પ્રભુનું સ્તવન કરી રહ્યાં છે. દુનીયાની કહેવત અહીં સત્ય થઇ કે ‘પડયા ઉપર પાટુ’. બધા વૈશ્નવો પ્રસાદ લઇ સુઇ ગયા, હરીબાઇ ખાડમાં પાતળ નીચે દબાયાં છે, પણ ઝાઝો વખત થવાથી તેમાં પોતે અકળાયા કારણ કે શરીર ઉપર પાતળનું વજન વિશેષ આવી ગયું તેથી હરીફરી શકાતું નથી. શરીર અકડાઈ ગયું. તેથી પોતે ધીમેથી એક હાથ ઉંચો કરવા જોર કર્યું તેથી પાતળનો ખડખડાટ થયો. કોઈ વૈષ્ણવ તે વખત જાગતા હશે તેણે એ સાંભળ્યું તેથી બીજા બે ચારને જગાડી વાત કરી કે એમાં કોઇ પણ જીવ દબાયો હોય એમ મને લાગે છે. એમ વાત કરે છે ત્યાં બીજી વખત ખડખળાટ થયો તેથી બીજાએ પણ સત્ય માન્યું અને ખાત્રી કરવા મશાલ મંગાવી તેઓ ત્યાં ગયા તો હરીબાઈનો હાથ દેખાયો તેથી હાથો હાથ પાતળ ખસેડી હરીને બહાર કાઢી.

હરીબાઇને જોઇ બધા ખેદ કરવા લાગ્યા એ વખતે બીજા કેટલાક વૈશ્નવો જાગી ગયા હરીબાઈને પ્રસાદ લેવા બેસવાનું કહ્યું તેથી હરીબાઈ કહેવા લાગ્યા. મારા માથે ખોટું ક્લંક લગાડયું છે તે કલંક દૂર ન થાય ત્યાં સુધી હું પ્રસાદ લઈ શકીશ નહીં. એ સાંભળી તેમાંથી એક શરીરે રૂષ્ટ પુષ્ટ માણસ બોલ્યો જો એવી સાચી હો તો દુષણ ધોનારો બોલાવી લે. એ સાંભળી હરીબાઈને ઘણી રીસ ચડી ને કહેવા લાગી હવે દુષણ ધોનારો આવશે ત્યારે જ પ્રસાદ લઇશ એમ કહી પોતે પ્રભુની સ્તુતી કરવા લાગી.

વાલા વેગે આવો વૃજરાજ, તમારો આધાર છે;
હું તો લાગું વળી પાય, વ્યથા પારાવાર છે;
નથી કીધું અયોગ્ય મે કાજ, છતાં શીર દોષ શું ?
મારા મનડામાં કંઈ કંઈ થાય, પ્રભુ ધાર્યો રોષ શું ?
જાણું તમ વીણ જગમાં ન નાથ, હવે ઝાલો હાથને,
દુર પ્રપંચીથી કરો આ૫, તેડી જઈ સાથને;
મેં તો જાણ્યા માયાળુ મહારાજ, માયા શીદ પાથરો,
અળગી થાઉ ક્ષણ પણ કેમ રાજ, તમારો છે આશરો;
જુએ જગજન આપણી પેડ, એવું હવે કા કરો?
ધારી વીનતી મારીરે ધ્યાન, પ્રભુ ઝટ સંચરો,
થાશે નહીંતો ફજેતી અમાપ, હુંથી ના સહેવાયરે,
છાની પ્રીત પ્રગટાવો આજ, વધુના કહેવાયરે,

વ્હાલા વૃજરાજ હવે પધારો મારે એક આપનો જ આધાર છે. પ્રભુ હવે પારાવાર દુઃખ છે મેં કાંઇ પણ અયોગ્ય કાર્ય કર્યું નથી છતાં આ શું ઉપાધી ? પ્રભુ મારે આ દુનીયામાં તમારા સીવાય કોઇનો આધાર નથી. હું તો ફક્ત તમને જ જાણું છું. તો હવે હાથ ઝાલી દીન દાસીને પ્રપંચથી દુર કરી આપની સાથે જ તેડી જાઓ નાથ ! હવે માયા શા માટે પાથરો છો. હું આપનાથી અળગી હવે શી રીતે થાઉં? હવે દુનીયાના લોકો આ વાત વિશેષ જાણે એ ઠીક નહીં માટે છાની પ્રીત આજ પ્રગટ કરો.

એવી મધુરી વાણી સાંભળી દીન જાણી દીનાનાથ તુરત જ પ્રગટ થયા. હરીબાઇ બંને હાથ જોડી સામે ઉભી રહી, શ્રી ઠાકુરજી કહેવા લાગ્યા તું મારી થઈને આવી કેમ ગભરાણી? મેં તને મારી જાણી છે, પછી તને શી બીક છે; દુષ્ટ પ્રાણી દુભવે છે એથી તું મનમાં ઓછું લાવીશમાં, તું મારી છો તારી ભક્તી સાચી છે હવે તું સર્વ સુખો ભોગવીશ. હું તારી ઉપર પ્રસન્ન થયો છું બોલ ! તારી શું ઇચ્છા છે? સહુ ઉપર માયા વીટાએલી છે એવા મુંઢ જીવ તને ઓળખી શકતા નથી માટે પ્રસાદ લઈ લીઓ.

ત્યારે હરીબાઇ કહેવા લાગ્યા કે હું પ્રસાદ લઇશ નહીં, સર્વે વૈષ્ણવોને જગાડો. તેની સન્મુખ આગ્યા કરો. તેથી તે ગોપેંદ્રજીએ સહુ વૈષ્ણવને માન લઈને ઉઠાડયા અને સહુ જૂથને દરશન આપ્યા. શ્રી મુખે આજ્ઞા કરી જે વૈષ્ણવો હરી તો મારું સર્વસ્વ છે તમો વાડ થઈને રહેજો ક્યારે પણ એને દુભવશો નહીં આજ સુધી હું પોતે જ તેને સતસંગ કરાવું છું અને હરી તમોને ભગવદી સ્વરૂપ ઉપર નેચળ બુદ્ધિ નથી તેથી આ આવરણ આવ્યું છે અને આગ્યા કરી- ‘મારું તન મન ભક્ત પાસે સદા, તાહરૂ ચિત્ત તું ત્યાં જ રાખે’; અને રાઘવજી જાનીનો સંગ તમોને આપું છું તેના વચનના વિશ્વાસે રહેજો. એમ કહી આપ ભગવદીના હૃદયમાં અંતર ધ્યાન થઇ ગયા.

ત્યારથી હરબાઇને રાઘવજી જાની ઉપર અત્યંત ભાવ ઉત્પન્ન થયો અને તેની સાથે પ્રીત વધારી. હરીબાએ લક્ષાવધી પદ પ્રગટ સ્વરૂપનાં ગાયા છે. રાઘવજી જાનીમાંથી હરીબાઈને ગોપેંદ્રજીના સ્વરૂપના દરશન થવા લાગ્યા. પ્રથમ જ્યારે દરશન થયાં ત્યારે પદ ગાયું છે.

રાગ કેદારાની પ્રભાતી
‘પ્રગટયું આનંદ મંગળ ઘેર માહ્ય રે, જકતનું જીવન હાથ આવ્યું.’

એ મુજબ હંમેશા આનંદ મંગળ વરતાવા લાગ્યો,

વાટ જુએ છે દાડી રે – રાગ
જાની આવે છે દહાડી દહાડી રે હરબાઈ પાસે જાની આવે દહાડી દહાડી,
સત્સંગમાં પ્રીત જગાડીરે …હરબાઈ.
નવી નવી પદ નીત ઉચરે ને સમજણ આપે સારી,
પૂજ્યરૂપ માની ગુરૂ એને; સુણતી સ્નેહ વધારી રે…હરબાઈ.
નિવિકાર થયું હૃદય તવ, પરચા રહે નીહાળી,
દાનીમાં ગોપેંદ્ર રૂપને, નીરખી વારી વારી રે…હરબાઈ.
એ રીતે જાની પણ દેખે, હરીમાંથી વૃજધારી,
પાએ સુખ અનુપમ નીત્યે, દુર્લભ દેવ નરનારી રે…હરબાઈ.
ભાન થયું નિજ પૂર્વ જન્મનું, સખી શ્રી કુંજવિહારી,
લલીતા રાશ તણી અધીકારી, અહીં પ્રગટી છે આવી રે…હરબાઈ.

પ્રભુ કૃપાથી શકિત ઉપજી, ગાવા ગુણ ગીરધારી,
રચી નવીન પદ સમે સમાના, બોલે પ્રભુ અગાડી રે……હરબાઈ.

હંમેશા સત્સંગ કરવા જાની આવે છે. સતસંગમાં પૂર્ણ પ્રીતી લાગી ત્યારે પરચા વારંવાર દેખાવા લાગ્યા. હૃદય નિર્વિકાર થયું. હરીબાઇ જેવી રીતે જાનીમાંથી શ્રી ગોપેંદ્રજીનું સ્વરૂપ નીહાળે છે તેમ જાની પણ હરીબાઇમાંથી શ્રી ગોપેંદ્રજીનું સ્વરૂપ નિહાળવા લાગ્યા. જે સુખ દેવ-નર કે નારીને પણ દુર્લભ તે સુખ તે બંનેને મળવા લાગ્યું. પોતાના પૂર્વ જન્મનું પણ ભાન થયું કે રાસની અધિકારી સખી લલીતા તે જ અહીં હરબાઇ પ્રગટયાં છે પછી હંમેશા સમય સમયનાં પદ નવાં રચી શ્રી ઠાકુરજી આગળ ગાવા લાગ્યા.

ભુજંગી: નથી પાર એના ગુણોનો લગારી, ગવાયે હજી સૌ પ્રસંગે સંભારી,
થયાં પ્રાપ્ત લીલા વીશે દેહ ધારી, રહે શ્રીજી સનમુખમાં નિત્ય નારી,
ધરી ભાવ એવો રટે જે મુરારી, સદાયે સ્વીકારે પ્રભુ સ્નેહ ધારી,
મળી માનવી દેહ બે મુલ ભારી, હરી ના ગુમાવો સમો આ લગારી

એવાં પૂર્ણ કૃપાપાત્ર હરીબાઈ થઈ ગયાં, હજુ સૌ પ્રસંગોમાં તેમને સંભારી ગવાય છેવટે લીલામાં પધારી શ્રી ઠાકુરજી સન્મુખ હંમેશા રહ્યા, માટે આ અમૂલ્ય મનુષ્ય દેહ મળ્યો છે તેને નકામો ન ગુમાવવો એવાં હરબાઇના ગુણોનો પાર નથી.

(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *