|| શ્રી ગોપાલો જયતે ||
બડે ભુપત વઢવાણકો, પકડયો હી પાદશાહે,
હસ્તીનાપુર મધ કેદ કીયો, દિને દુઃખ તન તાહે;
શરણદાન સંભાર, ગુન સમરે ગોપાલ,
કાટન સંકટ દાસકો, આયે પીયુ તેહી તાલ;
પ્રાણ ગ્રહ પૃથુરાજકે, લે નિકસે પ્રભુ રાય,
અસુરકો મુખ મોરકે, અપુને ઘર પોંચાય…૧૭
વઢવાણના રાજા પૃથુરાજને હસ્તીનાપુર (દીલ્હી) ના બાદશાહે કેદ કરી દુ:ખ આપ્યું, પૃથુરાજે શરણદાનનું સ્મરણ કર્યું, પણ ટેક મુકી નહીં તેથી પોતાના દાસનું દુઃખ દૂર કરવા પ્રભુ પોતે પધાર્યા અને પૃથુરાજનો હાથ
પકડી બહાર કાઢયો. અસુરને ચમત્કાર દેખાડી પૃથુને ઘેેર પહોંચાડયો.
શ્રીજીને જે સર્વસ્વ ધારે (૨) એનું પ્રભુજી સર્વ સુધારે,
પણ ધારે તેનું પણ પાળે, સંકટ સર્વ સમુળું ટાળે…શ્રીજીને.
શ્રીગોપાલજી જ સર્વસ્વ છે એમ જે કોઈ જાણે તેનું સર્વ કાર્ય ઠાકુરજી સુધારે છે, જે કોઈ ટેક રાખે તેની છેવટ સુધી નિભાવે જ છે. મૂળમાંથી જ સર્વ સંક્ટ દૂર કરે છે.
પૃથુરાજની રાણી લાડબાઈ સુતી હતી ત્યારે સ્વપ્નમાં બકી ઉઠી, રાજ ! માં ! માં ! પૃથુરાજે પૂછયું તું શું બકી? તેણે કહ્યું મને શ્રી ઠાકુરજીના દર્શન થયા ત્યારે પૃથુરાજે પૂછયું-તારા ભાગ્ય ! શ્રી ઠાકુરજી ૧૬૬૫માં
પ્રદેશ પધાર્યા ત્યારે સેવક થઈ હતી. સેવાથી રીજવી ચરણ સેવા પધરાવી હતી અને નિત્ય મહેલમાં સેવા કરતી પૃથુરાજને બીજી રાણી કુલબાઈ હતી તે પણ શ્રી ગોપાલજીની સેવક હતી. તે પણ સેવા કરતી, પણ તેનામાં ભક્તિ-ભાવ જોઇએ તેવો નહોતો. રાજા બંનેને સરખી રીતે જ રાખતો, તેમની સેવામાં કોઈને કશીપણ અડચણ આવવા દેતો નહીં પણ જેમ જેમ સમય ગયો તેમ તેમ કુલબાઇના મનમાં ઈર્ષા ઉપજી કે રાજા મારા કરતાં લાડબાઇને વધારે ચાહે છે. તેથી આડા અવળાં અનેક તોહમતો મૂકીને રાજાને ભંભેરવા લાગી. લાડબાઇના અવગુણો ગાય અને પોતે વહાલી થાય તે એટલે સુધી કે રાજાએ ગુસ્સે થઈ લાડબાઇને અળગી મહેલમાં રાખી પણ લાડબાઈ તો ધીરજથી પોતાની જીંદગી શ્રી ગોપાલજીની સેવામાં ગાળવા લાગી. પ્રભુની સેવામાં એટલી બધી નિમગ્ન બની ગઈ કે શ્રીજી સાક્ષાત પધારી રાણીના મહેલમાં આનંદ કરે, પોતાને જે કાંઇ ઇચ્છા થાય તે રાણી પાસે વહાલથી માગે.
એક દિવસ એવો પ્રસંગ બન્યો કે એક વીધવા બ્રાહ્મણી શામબાઈ વઢવાણથી ત્રણ ગાઉ છેટે સીમાર ગામમાં રહે, તે પણ શ્રી ગોપાલલાલની સેવક હતી, તે ભાવથી સેવા કરે છે, પોતાને આજીવીકાનું સાધન કાંઈ નહીં હોવાથી ગામમાંથી ભીક્ષા માગી જે કાંઈ માગ્યું મળે તેની રસોઈ કરી પ્રભુને ધરાવે છે. એક દીવસ તે બાઈને તાવ આવી ગયો તેથી ભીક્ષા માટે જઈ શકાયું નહીં ઘરમાં આગળનો પડેલો પાંચ કણકીનો લોટ હતો. તેના ઢોકળાં બનાવી શ્રી ઠાકુરજી આગળ ધર્યા. પ્રભુ તો ભક્તાધિન છે, તેથી તે ઢોકળાં પૂર્ણ સ્નેહથી આપ આરોગ્યા અને રાણીના મંદીરે પધાર્યા, સુખ શૈયા પર પોઢયા, પણ નીંદ્રા આવે નહીં. બહુ અકળાવા લાગ્યા, ત્યારે રાણીએ બહુજ વિનયથી પૂછયું-આજ કેમ નીંદ્રા આવતી નથી ? ત્યારે શ્રીજી શ્રી મુખથી કહેવા લાગ્યા કે આજ નવીન સામગ્રી આરોગી છે તેથી પેટમાં દુખે છે, માટે અજમા લાવો. આ બધી વાત ત્યાં ચોકીદાર હતો તેણે સાંભળી, કોઈ અન્ય પુરૂષ મહેલમાં ભરાયો હશે એમ જાણી રાજાની આગળ જઈને ખબર કર્યા. એ ખબર-સાંભળી રાજા બહુ જ તપી ગયો અને રાત્રીના વખતે રાણી પાસે જવા નીકળ્યો, ઓરડામાં પ્રવેશ કરી રાણીને પુછવા લાગ્યો બીજો કોણ પુરૂષ આ મહેલમાં છે મારો ડર રાખ્યા વીના તું કોની સાથે રાત્રી-દિવસ વાતો કરે છે. આજે હું ચોક્કસ તારી જીંદગીનો અંત લાવીશ. એમ કહી રાણીને પછાડી છાતી પર ચડી બે લપાટ લગાવી દીધી ત્યારે મહા નમ્રતાથી રાણી કહેવા લાગી.
સવૈયા – અન્ય પુરૂષ નહીં એ અવિનાશી, હતા પૂર્ણ પુરૂષોત્તમ આપ,
ભાવ સહીત આવી ખેલે છે, મુજ સાથે વહાલો દીનરાત;
આજ ઢોકળાં ખાધાં એણે, વિપ્ર નારી કોઈ તણે આવાસ
અજમા માગ્યા મુજની પાસે, તેથી છે સૌ આ કંકાસ;
વસે નાર ત્રણ કોષ અહીંથી, એ પણ સેવક છે નીરધાર,
પ્રભુ ભજનમાં રત રહેનારી, એ નવ જાણે શીષ્ટાચાર;
પચ્યું નહીં એ અન્ન પ્રભુને, દુઃખે પેટ માંહે વૃજધારી,
સમજયા વીણ એ વાતે વધારી, આપ કરો છો આ તકરાર.
તે બીજો કોઈ પુરૂષ નહીં પણ પુરણ પુરૂષોત્તમ અવિનાશી પ્રભુ શ્રી ગોપાલલાલજી પોતે જ હતા. એ પ્રભુ ભાવથી રાત દિવસ મારી સાથે ખેલે છે. એક બ્રાહ્મણીને ત્યાં આજ એમણે ઢોકળાં ખાધાં અને મારી પાસે અજમાં માગ્યા તેથી જ આ બધો કંકાસ ઉત્પન્ન થયો છે, તે બ્રાહ્મણી અહીંથી ત્રણ ગાઉ દૂર રહે છે. શ્રી ગોપાલલાલજીની સેવક છે. સેવામાં સંપૂર્ણ ભાવવાળી છે. આ વાત સમજ્યા પહેલાં આપ તકરાર કરો છો.
એ વાત સાંભળી રાજા વિસ્મીત થયો અને ખાત્રી કરવા તુરત જ સ્વારને તેડાવી હુકમ કર્યો કે-બ્રાહ્મણની વિધવા સ્ત્રી ત્રણ ગાઉ દૂર ગામડામાં સીમાર ગામમાં રહે છે, ત્યાં આ બાબતની બધી તપાસ કરી જલદી પાછા આવો તેથી હુકમને માથે ચડાવી વિલંબ નહીં કરતાં તુરત જ રવાના થયા, ત્યાં જઈ બ્રાહ્મણીનું ઘર શોધ્યું તે બ્રાહ્મણી તો આ બાબતે કશું જાણતી નહોતી. તેથી નિરાંતે સુતી છે. સ્વારોએ જઈને કહ્યું-રાજાની આજ્ઞા છે તેથી બારણા ઉધાડો. તે સાંભળી બાઈ બહાર આવી. ત્યારે સ્વારો વિનયથી પુછવા લાગ્યા-તમારે ઘરે શેની સેવા છે ? બ્રાહ્મણી કહે હું શ્રી ગોપાલલાલજી મહારાજની સેવીકા છું. એમાં જ મને પૂર્ણ શ્રદ્ધા છે અને એ પ્રભુ જ મારી સર્વ સંભાળ લીએ છે. સ્વારોએ કહ્યું તમોએ આજે શ્રી ઠાકુરજીને શું સામગ્રી ધરી હતી?બ્રાહ્મણીએ કહ્યું મને તાવ આવ્યો હતો તેથી ગામમાં ભીક્ષા માગવા જઇ શકી નહોતી. તેથી અગાઉની પડેલ પંચકણકીના ચુનના ઢોકળાં ધર્યા હતાં. રાણીએ કહેલી વાત મળી તેથી સ્વાર સ્તબ્ધ થઈ ગયા અને બ્રાહ્મણીને કહેવા લાગ્યા શ્રી ઠાકુરજી તો રાણીને મહેલે પધાર્યા છે. અને તેને પેટમાં દુખે છે. તેથી રાણી પાસે અજમા માગ્યા. એ સાંભળી બ્રાહ્મણી કહેવા લાગી-મારી ભુલ થઈ. રાણીજીને કહેજો કે ફરીથી એમ નહીં કરું. સ્વાર ત્યાંથી નીકળી રાજા પાસે ગયા.
વૃત્તાંત સહુ સંભળાવ્યા, નૃપતિ તવ મન માંહે હરખાયા,
ધન્ય ભક્તિ પ્રિય તારી, સાનુભાવ કીધા તે જગરાયા;
ક્ષમા દોષ કર મારા, અણસમજે મેં પીડી તુજ કાયા;
દરશન દિવ્ય પ્રભુના, કરાવ મુજને હવે મહામાયા.
રાજા સર્વ વૃત્તાંત સાંભળી બહુ જ ખુશી થયો અને કહેવા લાગ્યો પ્રીયા તારી ભક્તિ ધન્ય છે, તેં તો જગતપતિને વશ કર્યો. મારા દોષ ક્ષમા કર. અજાણ પણાથી મેં તને કષ્ટ આપ્યું એ દીવ્ય પ્રભુ શ્રી ગોપાલજીના મને દરશન કરાવ. રાણીએ દરશન આપવા માટે પ્રીતથી વહાલાને વીનતી કરી, પણ રાજાની શેખી છોડાવવા માટે તે વખતે પ્રભુ પ્રગટ થયા નહીં, તેથી રાણી વિનવવા લાગી.
પ્રગટ થાઓ રે થાઓ, વહાલા વસમી વેળા જાણી,
સત્વર ધાઓ રે ધાઓ, મુજને દાસી દીન પ્રમાણી;
વિનતી ધરજો મારી બાન, વિલંબ કરો છો વહાલા શાને,
આથી અવર જનો કયમ માને, થાશે પુરી હાની…પ્રગટજ.
નથી કશું માંગ્યું તમ પાસે, આપ અનુપમ દાની,
આજ યાચનાનો અવસર છે, જાજો વહાલા માની…પ્રગટજ.
જગજન સઘળા નીંદા કરશે, જો પત જાણે તારી,
બચવા નવ રહેશે કો આરો, થાશે પૂર્ણ ખુવારી…પ્રગટજ.
વ્હાલા ! આ અણીના વખતે પ્રગટ થાઓ. પ્રગટ થાઓ તમારી ગરીબદાસી જાણીને તુરતજ આવો. પ્રભુ મારા કાલાવાલા સ્વીકારો, શા માટે વાર લગાડો છો ! આથી બીજા જનોને શું ખબર પડે ! કે આપ મારા શીરે બીરાજો છો, મેં હજી સુધી આપની પાસે કંઈ માગ્યું નથી. વ્હાલા ! આજે આપની પાસે યાચના કરવાનો સમય છે, તો માની જજો, જો તમારી પત જાશે તો જકત જનો નિંદા કરશે. પછી બચવાનો કોઈ આરો નહીં રહે, પુરતી ખુવારી થશે.
(ત્યાં તો) ઝળહળ ઝળહળ તેજ પ્રકાશ્યો, પ્રગટયા અંતર જામી
ઉભય ચરણમાં પડયાં પ્રેમથી, ભાવ થકી શીર નામી….પ્રગટ
પણ લીધું નૃપે તે દિથી, શ્રેષ્ઠ કૃપાધાન જાણી,
નહીં નમું ગોપાલ વીના હું હોય રાય કે દાની
….પ્રગટ
ત્યાંતો ઝળળાટ કરતું ઓરડામાં મહાતેજ પ્રકાશ્યું, શ્રી ગોપાલલાલજી પ્રગટ થયા. રાજા અને રાણી બંને ચરણમાં પડી ગયા, ભાવધરી પ્રભુને શીર નમાવ્યું. તે જ દીવસથી પૃથુરાજે શ્રી ગોપાલજીને સર્વ શ્રેષ્ઠ જાણી પણ લીધું કે શ્રી ગોપાલલાલ વીના કોઈને શીશ નમાવીશ નહીં ભલે અન્ય કોઇ મહાન રાજા હોય-દાનેશ્વરી હોય અગર કોઈ દેવ હોય. પણ પાળવું હોય તો એ ઠાકુરજીના સેવક બનવું જ જોઇએ.
શબરી બડી બડભાગી-રાગ
વિચર્યા પ્રદેશ વૃજલાલ રે જયજયહો, સોળસો સીતેરની સાલરે જયજયહો.
કુલ્યા ભાગ્ય દેશ હાલારરે જયજયહો, સેવકની લીધી સારરે જયજયહો.
આવ્યા વઢવાણ પ્રતિ જોવા પ્રીત રાય સતી,
આપવાને શુભ ગતિ અહાહાહા…વીચર્યા.
અનુચરથી વાત એ જાણીને જયજયહો, સજજ થયા રાયને રાણીરે જયજયહો.
પુરમાંહે વાત ફેલાણીરે જયજયહો, મળી પ્રજા હુલ્લાસજ આણીરે જયજયહો.
વૈષ્ણવને હર્ષ ન માયરે જયજયહો, ક્યારે નીરખીએ વૃજરાયરે જયજયહો.
સામૈયાનો સાજ સજાયરે જયજયહો,મનમાં નવ મોદ માય રે જયજયહો.
થઈ સામસામી હાર, ઝાંઝ છે ઝકોરદાર,
નગારાની આવે બહાર…વાહ વાહ વાહ…વીચર્યા.
નૃપ આજ્ઞાને અનુસાર જયજયહો, આવી ઉભા સહુ અસ્વારરે જયજયહો.
પેદળનો પણ નવ પારરે જયજયહો, વાજા વાળા મનુહારરે જયજયહો.
સજ થયા સહુ છડીદારરે જયજયહો, તેડાવ્યા અમલદારરે જયજયહો.
કરી વાહનમાં સતકારરે જયજયહો, બંદીજનનો નવ પારરે જયજયહો.
ગજ પર બેઠા રાય, લેવા પ્રભુજીને જાય,
ઉર પ્રીત ઉભરાય…વાહ વાહ વાહ…વીચર્યા.
ગાયે શું મંગળ ધોળ રે જયજયહો, શણગાર સજ્યા છે સોળ રે જયજયહો,
શીર ધર્યા કળશ છે ગોળ રે જયજયહો, સરખે સરખી સખી સોળ રે જયજયહો.
ઉપર શ્રીફળ ધરી, હાથણીની ચાલ કરી,
વધાવાને જાય ફરી, વાહ વાહ વાહ…વીચર્યા.
સંવત ૧૬૭૦ માં શ્રી ગોપાલલાલ પ્રદેશમાં પધાર્યા, હાલાર દેશના ભાગ્ય ખુલ્યા, ત્યાં અનેક સેવકને કૃતાર્થ કર્યા ત્યાંથી પૃથુરાજ તથા લાડબાઇનો પ્રેમ જોવાને અને પરમગતી આપવાને પ્રભુ વઢવાણ પધાર્યા. પૃથુરાજને ખબર મળતાં રાણી સહીત પોતે તૈયાર થયો, આખા શહેરમાં પણ વાત ફેલાઈ ગઈ, બધી પ્રજા પણ આનંદમાં આવી અને ભેળી થઇ. વૈષ્ણવોના તથા સહુના મનમાં હર્ષ સમાતો નથી. અરે પ્રભુ ક્યારે નીરખશું?
સામૈયાના સાજ તૈયાર થવા લાગ્યા. વૈષ્ણવોની સામ સામી હાર થઈ ઝાંઝ વાગવા લાગ્યા, અને નગારાના સુંદર ધ્વની થવા લાગ્યા. રાજાની આજ્ઞાથી બધા સ્વારો પણ આવ્યા. પગપાળા સીપાઈઓનો પાર નથી, વાજાવાળા મનહર સુરે બજાવે છે. સર્વ છડીદાર તૈયાર થયા, અમલદારો પણ પોતાના પોશાક સજી આવવા લાગ્યા. સર્વેને અધિકાર મુજબ વાહનમાં બેસાર્યા, ભાટ ચારણનો પાર નથી. રાજા હાથી પર બેઠા, પ્રભુને પધરાવવા જાય છે. અંતરમાં અનહદ પ્રીતી ઉભરાય છે, શહેરમાં પણ બારી-ગોખ શણગારવામાં આવ્યા. પહેરવા ઓઢવાની જેને હોંસ છે એવી સરખી સખીઓએ શીર ઉપર ગોળ કળશ ધારણ કર્યા છે. તેના ઉપર ગોપાલલાલને પધરાવવા માટે જાય છે. વૈષ્ણવોના મનમાં હર્ષ સમાતો નથી. બધા નગરના માણસો જુએ છે અને ત્યાં અલોકીક આનંદ વરતાવા લાગ્યો. દૂરથી પ્રભુને નીહાળી પૃથુરાજ તો આનંદમાં ઘેલો બની ગયો. હાથી પરથી નીચે ઉતરી પ્રભુના સામો દોડયો, અને જેમ લાકડી પૃથ્વી ઉપર પડે તેમ રાજા પ્રભુના ચરણમાં પડી ગયો. ભક્તજનોને સુખ આપવાવાળા એવા શ્રી ગોપાલલાલે પૃથુને કર પકડી બેઠો કર્યો. ત્યારે પૃથુએ ગામમાં પધારવા વીનતી કરી. પ્રભુએ સ્વીકાર કર્યો, ત્યારે રાજાએ ગામમાં જવા માટે તુરતજ બધાને આજ્ઞા કરી. શ્રી ગોપાલજીને હાથીની સ્વારી પર બેસારી રાજા પૂર્ણ પ્રેમથી પ્રભુને પવન ઢોળવા લાગ્યો. સ્વારી ચાલતા ચાલતા ગામના દરવાજામાં પહોંચી. ત્યાં પણ શોભાનો પાર નથી. દુકાનો મનોહર શણગારવામાં આવી છે. અને સઘળા શ્રી ઠાકુરજીને નીરખી-નીરખીને દરશન કરે છે. અટારી ઉપરથી સ્ત્રીઓ કુસુમની વૃષ્ટી કરી પ્રભુને વધાવે છે, ફરતાં ફરતાં રાજાના દરબારમાં પ્રભુ પધાર્યા. શહેરના માણસોનો પણ પાર નથી. સુંદર પલંગ પર રેશમી તળાઈ બીછાવી પ્રભુને પધરાવ્યા. રાજાની બંને રાણીઓ પ્રભુના ચરણ દબાવે છે અને પૃથુ પ્રભુ પાછળ ઉભો રહી પંખો કરે છે. સર્વ જનો પોતપોતાની શક્તિ અનુસાર સારી ભેટ અર્પણ કરે છે. જુદી જુદી જાતની અનેક વીધ સુંદર સામગ્રી ભક્ત વત્સલ પ્રભુને ધરી. શ્રી ઠાકુરજીએ પ્રેમથી તેનો અંગીકાર કર્યો અને પૃથુને કૃતારથ બનાવ્યો.
પૃથુરાજ શ્રી ગોપાલલાલનો સેવક થયો, ત્યારે રાજ્ય તથા લક્ષ્મી તેમને અર્પણ કરી. પોતે નિષ્કામ બની ગયો, રાજાનો આવો અચળ વિશ્વાસ જોઈ શ્રી ઠાકુરજીએ તેના મનની ઇચ્છા પૂર્ણ કરી, પુરૂષોત્તમ સ્વરૂપે દરશને કર્યા. તેથી ચરણમાં પડી સ્તુતી કરવા લાગ્યા. આજે અમને કૃતાર્થ કર્યા. પ્રભુએ રાજપાટ તેને પાછું સોંપ્યું (નિવેદનનો વિધિ) અને કહ્યું તું મારું સ્મરણ કરજે. અનુપમ રાસનું દર્શન કરાવ્યું. રાજાઓના ધર્મ બતાવ્યા. તે ઉપર દ્રષ્ટાંત કૃષ્ણદેવ રાજાને શ્રી ઠાકુરજીએ ઉપદેશ આપ્યો કે રાજાઓનો શો ધર્મ છે-તમો જે આશ્રમમાં હો તે ધર્મનું પાલન કરવું, અને પ્રજાને પુત્રવત્ માની તેના રક્ષણને અર્થે યત્ન કરવો. વળી ભગવાનને જ સેવ્ય માની ભક્તિ પૂર્વક તેની સેવા કરવી તથા જેઓ ભક્ત-હરીજનો હોય તેમનો સત્સંગ કરવો. વળી જેઓ વિદ્વાન હોય તેમની આજીવીકાનું સાધન કરી આપી તેમને આશ્રય આપવો. તથા જકતના જનોને શિક્ષણ આપવાની યોજના કરવી, દીન પ્રાણીઓ ઉપર દયા દર્શાવવી, નીતિવાન અને વિનયશીલ બની સકિર્તીને અચલ કરવી એ રાજાના તેમજ અન્યના મુખ્ય ધર્મ છે. એ પ્રમાણે ઉપદેશ આપી પ્રભુ ત્યાંથી રવાના થયા ત્યારે પૃથુરાજે ચરણમાં પડી ભેટ કરી, તેમાં ઘોડા બે તથા સુખપાલ તથા રોકડા તથા વસ્ત્ર આભુષણ વગેરે ઘણી જ ભેટ કરી. પછી પૃથુરાજ શ્રી ગોપાલલાલની આજ્ઞા મુજબ જ રાજ વહીવટ કરતા અને સર્વ રાજ્યના અધિષ્ઠાતા શ્રી ગોપાલલાલજી હતા. રાજ નાનું હતું પણ પ્રભુ કૃપાએ કરી જહાંગીર બાદશાહ પાસે પૃથુરાજનું માન ઘણું હતું અને બીજા મોટા રાજા કરતાં પૃથુરાજની બેઠક બાદશાહ પાસે જમણા પડખે રહેતી. બાદશાહને કાંઈ સલાહ લેવી હોય તો પૃથુરાજની લેતા. એથી કરી બીજા રાજાઓને ઇર્ષા થાતી તેથી તેમણે ખટપટ કરવા માંડી.
જહાંગીરને સમજાવ્યો જે આ પૃથુરાજને આપે અગ્રેસર પદવી સોંપી તેથી અમારા માનનો ભંગ થાય છે તે તો આપની મરજી, પરંતુ તેથી કરી પૃથુરાજ ગર્વિષ્ટ બની ગયો છે. તે આપને સલામ પણ કરતો નથી-નમતો નથી, તેમજ આપની વાત પણ ડાબા કાનમાં સાંભળે છે. તે એવું કાઢે છે કે હું શ્રી ગોકુળના મહારાજા શ્રી ગોપાલલાલનો સેવક છું જેથી જમણા કાનમાં મારા સ્વપ્રભુ શ્રી ગોપાલલાલનું મહાવાયક છે અને બાદશાહ તો મલેચ્છ છે જેથી જમણા કાનમાં તેની વાત સંભળાય નહીં એવી રીતે બાદશાહને સમજાવી ઉશ્કેર્યો.
વઢવાણમાં કોઇ ભાટ માંગવા માટે આવ્યો. બહુજ પ્રશંસા કરી પૃથુરાજને રીજવ્યો, પૃથુરાજ પ્રસન્ન થઈ કહેવા લાગ્યો, કંઈક માગો, જમીન અથવા પૈસા કંઈક મારી પાસેથી માગી તમારી ગરીબાઇ દૂર કરો. ભાટ કહે રાજા ! જે આપ મારા પર રીજયા હો. પ્રસન્ન થયા હો તો તમારી પાઘ મારા શીર પર પહેરવા આપો. તેથી ખેદ પામી પૃથુરાજ કહેવા લાગ્યા. આ મારી પાઘ કોઈની પાસે નમે નહીં, તારે તો હંમેશા યાચકનો ધંધો કરવો બધાના વખાણ કરી માથું નમાવવું. પણ આ પાઘ ધારણ કરેથી એ ન બને એટલું જ નહીં પણ જમણા હાથથી સલામ પણ નવ થાય. તને પાઘ આપું તો મારી ટેક જળવાય નહીં ભાટ કહેવા લાગ્યો તમારું કહેવું હું પાળીશ, જ્યાં સુધી તમારી પાઘ માથા ઉપર હોય ત્યાં સુધી હું કોઈને નમીશ નહીં વચન પાળવું એ ક્ષત્રીની રીત છે માટે આપનું વચન સત્ય કરો. જેથી એવી શરત કરી કે આ પહેરીને કોઇને નમવું નહીં પાઘ હાથમાં લઈ જસ ગાવામાં અડચણ નથી. એમ કરાર કરી ત્યાંથી રજા લઈ વિદાય થયો. ફરતા ફરતા ભાટ દીલ્હી ગયો, એક દિવસ રસ્તા ઉપર જતો હતો ત્યારે બાદશાહની સ્વારી સામી મળી. ભાટના ક્રમ મુજબ તેને ઉત્સાહ આવ્યો અને રસ્તામાં જ હાથમાં પાઘ લઈ બાદશાહના ગુણ ગાવા લાગ્યો. બાદશાહ ખુશી થયો અને પોતાની પાસે બોલાવ્યો પણ હાથ જોડી માથું નમાવ્યું નહીં. તેથી તેને પૂછયું કે યાચક રીતી પ્રમાણે તે નમ્યો કેમ નહીં ત્યારે ભાટે વાત કરી આ પૃથુરાજની પાઘ છે. તેણે મારી ઉપર પ્રસન્ન થઈ મને આપી છે. તે એવી ટેક રાખે છે કે પ્રભુ સિવાય કોઈને નમવું નહીં તેમજ પ્રભુના જસ સિવાય જમણા કાનમાં કોઈની વાત સાંભળવી નહીં. એ ટેક તે કાયમ પાળે છે અને મારાથી એવો કરાર કર્યો છે કે જ્યારે મારા માથા ઉપર પાઘ હોય ત્યારે કોઈને માથું નમાવવું નહીં તેથી મેં એ ટેક પાળી છે. એ સાંભળી બાદશાહ ઘણો વિસ્મય થયો. બીજા રાજાઓએ ભંભેરી રાખ્યો હતો તેમાં વળી ભાટની વાત સાંભળી ક્રોધાયમાન થયો અને પૃથુરાજને દીલ્હી બોલાવ્યો. યોગ્ય ઉતારો આપી બીજે દીવસે દરબાર ભરવાની તજવીજ કરી, તેમાં એવી ગોઠવણ કરી કે એક નાની બારીમાંથીજ સહુ નમીને આવી શકે તે બારીની સામેજ બાદશાહનું સિંહાસન ગોઠવ્યું. સહુ દરબારમાં આવવા લાગ્યા. પૃથુરાજ પોતાના માણસો સાથે દરબારમાં આવવા નીકળ્યો પણ ત્યાં આવતા ફક્ત એક જ બારીમાંથી જવા સિવાય બીજો રસ્તો દીઠો નહીં પણ તેથી તે ડગ્યો નહીં.
રાજાએ પ્રથમ પગ મુકી ધીમેધીમે શરીર જાવા દીધું, એથી શાહ ઘણો ગુસ્સે થયો. પૃથુએ તે તરફ ધ્યાન આપ્યું જ નહીં પૃથુરાજે પોતાની બેઠક બાદશાહની બાજુમાં નહીં પણ સામી બાજુએ રાખી. એ જોઈને
બાદશાહને બહુ જ ગુસ્સો ચડયો. તેણે પૃથુરાજને કહ્યું-એક ખાનગી વાત કહેવી છે, એટલે તુરત જ પૃથુરાજે ડાબો કાન ધર્યો. બાદશાહ કહે પૃથુરાજ ! જમણા કાનમાં વાત કહેવી છે. ત્યારે પૃથુરાજે કહ્યું જે જમણા કે ડાબાનું આપને શું કામ છે. માત્ર વાત સાંભળવી એ જ કામ છે માટે ડાબા કાનમાં વાત કહો. ત્યારે જહાંગીરે ગુસ્સે થઈ કહ્યું પૃથુરાજ ! જમણા કાનમાં વાત સાંભળવી જ પડશે ત્યારે પૃથુરાજ અડગ અને ધર્મના સ્તંભ રૂપ, ધર્મ કરતાં કાંઈ અધિક છે જ નહીં, એવી ટેક જેના હૃદયમાં દ્રઢ છે તેણે નિડરતાથી કહ્યું કે હે બાદશાહ જહાંગીર ! આ દેહ તથા શીર શ્રી ગોપાલલાલજી જે અમારા સર્વેશ્વર મહારાજા છે તેમને અર્પણ કરેલ છે, તે બીજાને નમાવાય નહીં, કારણ કે અર્પણ કર્યા પછી આપણી સત્તા રહેતી નથી અને જેમ સ્ત્રી પોતાના પતિ સિવાય બીજાને નમે તો મહા પાતકી અને નરકની અધિકારી થાય છે કારણ કે સ્ત્રીએ પોતાની દેહ પોતાના પરમ પૂજ્ય પતિને અર્પણ કરેલી છે. એ જ રીતે આ દેહ મારા પ્રાણવલ્લભ શ્રી ગોપાલલાલજીને અર્પણ કરેલ છે અને અમારા સ્વધર્મને પણ અમારા પ્રભુની આજ્ઞા સિવાય ન આપી શકાય. તો હે જહાંગીર તમે તો મલેચ્છ છો, માટે કોઈ પણ રીતે સ્વપ્ન પણ માથું નમાવવા તથા જમણા કાનમાં વાત સાંભળવા હું ઇચ્છતો નથી, કદી સૂર્ય પશ્ચિમ ઉગે, સમુદ્ર મર્યાદા છોડે, મહા પ્રલય કરે, નભમંડળના તારાઓ પોતાનું સ્થાન છોડી પૃથ્વી પર પડે કે પ્રલય અગ્ની વરસાવે તો પણ પૃથુરાજનું શીર હે જહાંગીર રઘુકુલ દિનમણી શ્રી ગોપાલલાલજીના ચરણાવિંદ છોડી અન્ય ક્યાંઈ નમશે જ નહીં. વળી કદાચ તમો દેહાંત દંડની શિક્ષા આપશો તો પણ મારા ધર્મ કરતાં આ કાચી કાયા માટીથી બનેલી તેનો મને મોહ લેશ પણ નથી, કારણ કે પંચતત્વના પુતલાનો એક દીવસ નાશ થવાનો જ છે, પૃથુરાજ પણ તજશે નહીં.
આવા વાક્ય પૃથુરાજના સાંભળી બાદશાહ દીંગમૂઢ બની ગયો. મનમાં પૃથુરાજની સરાહના કરવા લાગ્યો જે ધન્ય છે તારી ધર્મ વૃત્તિને અને ધન્ય છે તારા પ્રભુજીને જે પોતાના પ્રાણ કરતાં પણ અધિક છે. પણ જહાંગીર બાદશાહની લીધેલી વાત જાય નહીં માટે હુકમ કર્યો, આને ગઢમાં ચણી લીયો. તેથી માણસો પૃથુરાજને ગઢ ચણાતો હતો ત્યાં લાવ્યા, અને તેમાં પૃથુરાજને ચણવા માંડયો, પૃથુરાજના રૂંવે રૂંવે ભગવદ્ તેજ હતું. બાદશાહના હૃદયમાં પૃથુરાજ પર પ્રીતી હતી તેથી કહેરાવ્યું કે ધડ સુધી ચણી લેજો ત્યાં હું આવું છું. તેથી પૃથુરાજનું આખું ધડ ચણી લીધું અને માથું બહાર રાખ્યું. બાદશાહે પૃથુરાજની સ્ત્રીને પત્ર લખી મોકલ્યો તેમાં લખ્યું કે પૃથુરાજે ખોટી હઠ લીધી છે માટે તમો લખી મોકલો કે હઠ છોડી મારે શરણે આવે. જો તેમ થવામાં ઢીલ થશે તો તમારૂં સોહાગ રહેશે નહીં અને તેમની દેહ બચશે નહીં રાજપાટ પણ જાશે. માટે તમો લખી મોકલો તો તેની દેહ બચે.
અહીં પૃથુરાજને જલ પ્રસાદ લીધા સિવાય હજારો માણસોના પહેરા હેઠળ ગઢમાં રાખ્યો, અને પત્રના જવાબની રાહ જોવા લાગ્યા. પૃથુરાજ પોતાના સ્વપ્રભુનું ધ્યાન ધરાય અને ધન્ય ભાગ્ય માનતા હતા કે આવો વખત અનંત જન્મે મળત નહીં કારણકે ધર્મને માટે પ્રાણ શું હીસાબમાં છે ? આવી જેનામાં દ્રઢતા-ધીરજ છે એવા પૃથુરાજની કાંતીનો પ્રભાવ દીવસે દીવસે વધવા લાગ્યો. તેની પ્રભા ઝળહળી રહી વઢવાણમાં પૃથુરાજની રાણીને પત્ર મળ્યો તે વાંચી ફુલબાઈ તથા લાડબાઈને બાદશાહ ઉપર તિરસ્કાર આવ્યો અને કહેવા લાગ્યા-
દોહરા – વાંચી પત્ર પટરાણીએ, કરતી ઉરમાં શોચ,
આજ પ્રભુ શું સાંભર્યો, સેવકનો કોઈ દોષ,
હીંમત રાખી ચિત્તમાં, વાળ્યો તુર્ત જવાબ,
સહાયક શ્રી વૃજરાજ જ્યાં કરી શકે શું નવાબ.
પત્ર વાંચી રાણીઓ મનમાં શોચ કરવા લાગી કે અરે પ્રભુ! સેવકનો કોઇ અપરાધ થયેલો આજ સાંભર્યો કે શું ! પછી હીંમત લાવી તુરતજ જવાબ લખ્યો-
પણ તારો ત્રીલોકમાં, પણ બીન કેસી પ્રીત,
કહે માધુ હરી તો મીલે, જો ચલે ભૃત્યકી રીત,
પૃથુરાજ પણ મત છોડીએ, પણમાં પડે વિજોગ,
પણ સહીત દેહી પડે, તો પુરૂષોત્તમ જોગ,
કાયા કાપે કરવત, અંગ અગ્નીમાં હોમીએ,
પૃથુરાજ પણ તમે પાળજો, લાખેણો લાવ ન મેલીએ
રાણીએ સ્વારોને કહ્યું કે જાવ તમારા બાદશાહને કહેજો કે અમારા ધર્મ કરતાં રાજપાટ કે આ દેહ અમો અધિક ગણતા નથી. વળી અમારૂં વૈધવ્ય કોઇ કાળે છે જ નહીં અમારા અલોકીક પતિ શ્રી ગોપાલલાલ સદા સર્વદા બીરાજમાન છે. પત્રમાં લખ્યું છે તે રાજેન્દ્ર પૃથુરાજ ! શ્રી ગોપાલલાલજી મહારાજના અનીન ભગવદી તમો તમારી ટેક કદી છોડશો નહીં. અમો આપને કહેવાને લાયક નથી છતાં પ્રભુ ઇચ્છાએ જે ઉપજે છે તે લખીએ છીએ. પ્રથમ તો આ દેહ ખોટો છે માટે આ દેહની દરકાર કરશો નહીં, રાજપાટ પણ સ્વપ્નવત્ છે તેનું સુખ કદી ન વીચારશો અને ધર્મને સહુ કરતાં અધિક માની સન્મુખને પગલે ધર્મ યુદ્ધમાં લડજો અને ડગશો તો તમારા વડીલો માટે નર્કના દ્વાર ખુલ્લા થશે. અને તમારા જન્મદાતા માતા પિતાને પણ ધિક્કાર વૃત્તિથી જોશે અને જો ટેકથી ધર્મ સાચવી એક વૃત્તિથી અડગ થઈ ધર્મને માટે પ્રાણ અર્પણ કરશો તો તમારા એકવીશ ગોત્રને પ્રભુપદની પ્રાપ્તિ થાશે અને તમારા જન્મદાતા માતા પિતાને ત્રિભુવનમાં જયજ્યના નાદથી વધાવશે; માટે પૃથુરાજ પણ પાળજો, લાખેણો લાવો ન મેલશો. લી. આ૫ની સદાની ચર્ણજ કીંકર-દાસીના જ્યગોપાલ અવધારજો.
એ મુજબ પત્ર લઈ સ્વાર તુરત જ દીલ્હી આવ્યા અને બાદશાહને આપ્યો. બાદશાહ પત્ર વાંચી દીંગમૂઢ બની ગયો. અને ધન્ય છે ધન્ય છે એવી ટેક છે જેનામાં એવી શુદ્ધ ક્ષત્રાણીઓને એવા ઉદ્ગાર નીકળ્યા. પણ પોતાનો જહાંગીરી હુકમ ન ફરે. તેથી બાદશાહ પૃથુરાજ પાસે ગયો અને કહેવા લાગ્યો, પૃથુરાજ હજી પણ માનીજા અને તારી શેખી છોડી મારે શરણ આવ અને તારી જાન બચાવ, માફી માગી લે.
પૃથુરાજ કહેવા લાગ્યો-હું જરી પણ ડરતો નથી. આ દેહ એકવાર પડવાની છે તેમાં વીચાર શું કરું? પૈસા-અધિકાર અને યુવાનીના શેરમાં હે શાહ પોતાનું હિત શેમાં છે તે જીવ ભુલી જાય છે. જ્યારે સત્ય સમજવામાં આવે છે ત્યારે ખરે રસ્તે જ ચાલે છે. જન્મ ધારણ કર્યો ત્યારથી જ આ શરીર પરમાત્માનું જ છે. આપણે બધા યંત્ર રૂપે બની એના ધાર્યા પ્રમાણે જ કરીએ છીએ. મનુષ્ય જે કાંઇ કરે છે તે પ્રભુ જાણે છે. માટે અંત સમયના જે સાથી તે પ્રભુનો હું ચોર કેમ બનું.
એ સાંભળી બાદશાહે તુરત હુકમ કર્યો કે આ રાજાને ચણી દીયો. હું એની ટેક જોઉં છું. સાચો હશે તો શા માટે નહીં બચે ? પૃથુરાજે કડીયાને કહ્યું-માથા ઉપર બેલાં મૂકી ચણી નાખ. બાદશાહની આજ્ઞા મુજબ પૃથુની દેહ ગઢમાં ચણી દીધી છતાં પણ કોઈ શબ્દ ઉચર્યો નહીં તે જોઈને બાદશાહ બહુજ વિસ્મય પામ્યો.
સોરઠા :નામ સ્મરણ પૃથુરાય, કરી રહ્યો વૃજરાયનું,
ઉગારશો દુઃખ માંય, એવું ન ઉચર્યો જરી,
માઢ : પડી સાંજ જે વારે, થાકી અપારે ગયાં મજુરો ઘેર,
પ્રિતમ પ્યારા, પોતે આવ્યા, લેવા સેવકની સાર,
ધીરજ આપી દઉં દુઃખ કાપી, નિરાશ થા ન લગાર…પડી.
આંચ ન આવે એમ પૃથુને, બેલાં પડયાં ભુમાંય,
મુળથી તોડી ગઢ વછોડી, સેવક કાઢયો બહાર…પડી.
હાથ જાલી હરી હેતથી પુછે, દુઃખ દીધું છે અપાર,
સેવક સાચો, તું પર રાચ્યો, હવે કરૂં બેડો પાર…પડી.
સુંદર રૂપે દરશન દીધું, માન્યો પૃથુએ આભાર,
આપની સેવા દેવના દેવા, દેજો પ્રભુ વારંવાર..……….પડી.
સાંજ પડી, મજુરો સહુ પરવારી ઘરે ગયા. તે વખતે સેવકની સહાય કરવા પ્રભુ પોતે પધાર્યા, અને ધીરજ આપી કહ્યું-હું તારું દુઃખ દૂર કરૂં છું, નિરાશ થતો નહીં પૃથુરાજને જરી પણ અડચણ ન આવે એવી રીતે બેલા પડવા માંડયા. મૂળમાંથી ગઢને તોડી વછોડી સેવકને બહાર કાઢ્યો. હાથ ઝાલી પ્રભુ પ્રેમથી કહેવા લાગ્યા. તને બહુ દુઃખ દીધું, તું સાચો સેવક છો, હું તારા પર પ્રસન્ન થયો છું, તારો બેડો પાર કરૂં, પોતાનું મુળ સ્વરૂપ પ્રકટ કરી દરશન આપ્યા. પૃથુરાજે આભાર માન્યો, હે દેવના દેવ આપની સેવા અહોનિશ આપજો.
ગામમાં બાદશાહે આ વાત જાણી તેથી પોતે ત્યાં જઇ પૃથુરાજને વિનયથી તેડી લાવ્યો, પગમાં પડી કહેવા લાગ્યો-પૃથુરાજ તારી ટેકને ધન્ય છે, તારા પ્રભુને પણ ધન્ય છે. આજથી હું-હવે તારી જેમ માફી કરું છું, મેં તમારો મોટો અપરાધ કર્યો છે. માટે માફી આપો. મારી ગેરસમજથી આ થયું છે. હું મહાપાપી છું. બાદશાહને આશ્વાસન આપી પૃથુએ રજા માગી. હંમેશનો ત્યાંનો ફેરો અળસાવી વઢવાણ આવ્યા, ફરી વખત શ્રી ગોપાલજી ૧૬૮૬માં પ્રદેશ પધાર્યા ત્યારે વઢવાણ આવ્યા, ત્યારે પૃથુરાજને સ્વરૂપ દાન દીધું. પૃથુરાજ રાજ્ય કરે છે. વસ્તીને પુરા પ્રમાણમાં સુખ આપે છે. પણ ધ્યાન તો પ્રભુજીમાં જ છે. અંતે પ્રભુના પરમપદને પ્રાપ્ત થયા તેની વારતાનો પાર નથી.
( શ્રી ગુણમાલ ભક્તમાલ માંથી)
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||