|| શ્રી ગોપાલો જયતે ||
હેતે ત્યાં હળવદ ગામ, શ્રી જન અતી સકુમાર,
પેખ ગોપાલકે પાંઉ, પાઈ પ્રેમ પ્રકાર;
ગીર ગયે જલ ઘટ ગેલ, રૂપ પીયુ લોભાણી,
મન ભુલી ગ્રહે મેલ, મહા રૂચ હરીસો માણી;
પ્રભુ પધારે શ્રવન સુન, તેજુ પરતીત તન,
ભૃત્યજન જીવન ભાત્ય ભન્ય, મધ્ય નિશ્ચો પદ મન…૧૬
હળવદમાં જીવનભાઈ વાણીયા વૈશ્નવ, શ્રીગોપાલલાલના સેવક હતા. તેમને તેજુ નામની એક દીકરી હતી. તેને શ્રી ગોપાલલાલના ચરણકમળના દર્શન થતાં પ્રેમ ઉત્પન્ન થયો. અને શ્રીગોકુળ જવા નિશ્ચય કર્યો. શ્રી ગોપાલલાલે સૃષ્ટિમાંથી ફરીને જતી વખતે સાથે તેડી જવા કહ્યું. ઓચીંતા આપને સ્વઈચ્છાએ ગોકુલ જવું પડયું. તેથી વૃજવાસીને સંદેશો કહેવા મોકલ્યો. સંદેશો સાંભળતાં તેજુને મુર્છા આવી, દેહ છોડી, પ્રાણપ્રભુને રસ્તામાં મળી ત્યાંથી ગોકુળ પહોંચ્યાં અને સોરઠના વૈષ્ણવો સાથે માળા-પ્રસાદ તથા પત્રિકા મોકલ્યાં.
મરાઠી સાખી
મોઢ વણિક હળવદમાં જીવન, હતા શ્રીજીના દાસ,
સેવે પ્રિયતમ પાદ સ્નેહથી, રહે એમાં રળીઆત;
થઇ જગખ્યાત…હાં…સેવાના પરતાપ,
તેજુ પુત્રી ભાવીક તેની, સેવે છે જેમ તાત,
સંગીના રંગે રંગાણી, પડી ચિત ઊંડી છાપ;
છઈ ભલી ભાત…હાં…ગોકુલપતિની ખાસ.
હળવદમાં જીવનદાસ કરીને મોઢ વાણીયા રહેતા હતા. તે રાજાના દીવાન હતા. શ્રી ગોપાલલાલના સેવક હતા. તેને ત્યાં પાદુકાજીનું સેવન હતું. સેવામાં બહુ આનંદ માણતા, તે સેવાના પ્રતાપે જગતમાં પ્રખ્યાત થયા. તેની તેજુ નામની દીકરી બહુ ભાવીક હતી. પોતાના પિતાની માફક તે પણ સેવા કરતી, તેને પણ ઠાકુરજીનો રંગ લાગ્યો. અને ચિત્તમાં સંપૂર્ણ શ્રદ્ધા ઉત્પન્ન થઈ, તેથીજ શ્રી ગોપાલજીની પાસે તેની અનન્ય સેવક થઈને રહી.
સંવત ૧૬૭૦માં શ્રી ગોપાલલાલજી પ્રદેશમાં પધાર્યા. હાલારમાં ફરી હળવદ આવ્યા. વિશ્રાંતી લેવા ગામ બહાર બેઠા છે. ત્યાં આગળ એક કુવો હતો, કેટલીક સ્ત્રીઓ પાણી ભરવા આવેલી, તેણે પ્રભુને જોયા. તેજુની કોઈક સખી ત્યાં પાણી ભરવા આવેલી હશે તેણે તેજુને ખબર આપ્યા અને સાથે પાણી ભરવા તેડી ગઈ. તેજુએ પ્રભુના દર્શન કર્યા ત્યાં તો અત્યંત પ્રેમ ઉભરાણો, અને પ્રભુ પધાર્યા છે તે ખબર આપવા પિતા પાસે દોડી ગઈ અને કહ્યું-પિતાજી ! આજે પ્રભુ પધાર્યા છે. ચાલો તેને તેડવા જઇએ.
ગીતિ :
થઈ વૈભવ સહુ ભેળા, કીરતન કરતા ચાલ્યા પધરાવા,
મંગલ ગુણ રસાળા, ગાયે પાછળ મલકાતી બાળા.
લાલણી : વીશ વરસનું સ્વરૂપ સુંદર, કોટીક સુર્ય સમી કાન્તિ,
ઝળહળ રૂપ પ્રકાશે એવું, જોતાં થાય છે ઉર શાંતિ
ભાલ તિલક કેસરી પાઘ છે, શીરપર ધારી મનહારી,
અતલસનો વાઘો અનુપમ, તે પર ઉપરણી છે ધારી;
ગ્રીવા વીશે છે અમૂલ્ય હારો, મણી માણેક હીરા જ્યોતી,
કુંડળ ઝળકે કર વીશે તે, પહેર્યો બહુ મુલનાં ગોતી,
કર કંકણ પાયે નુપુર છે, મોજડીઓ પણ રત્ન જડી,
અશ્વસ્વાર થઈને અલબેલો, આવ્યા જોઈ ખરી પ્રીતડી.
ઠાકુરજીનું સ્વરૂપ વીશ વરસનું છે, કરોડો સુર્યના જેવું તેજ છે, આવું ઝળહળતું રૂપ પ્રકાશે છે કે તે જોતાવેંત જ ચિત્તમાં શાંતિ થઈ જાય. ભાલમાં તિલક અને મનોહર કેસરી પાઘ ધારણ કરી છે. અનુપમ અતલસનો વાધો પહેર્યો છે. તે ઉપર ઉપરણી ધારણ કરી છે. કંઠમાં અમૂલ્ય હાર પહેરેલા છે, જેમાં હીરા-મણી-માણેક ચળકાટ કરે છે. કાનમાં કુંડળ ઝળકી રહ્યા છે તે ઘણી મોંધી કીંમતના છે. હાથમાં કંકણ-પગમાં નુપુર અને રત્નજડીત મોજડીઓ પહેરી છે, પોતાના ભક્તોની ખરી પ્રીત જોઇને પ્રભુ અશ્વ પર સ્વાર થઈને પધાર્યા. બધા વૈશ્નવો ભેળા કીરતન કરતા શ્રી ગોપાલલાલને પધરાવવા ચાલ્યા. પાછળ મહીલાઓ રસીક ધવલ મંગળ ગાતી ચાલી, ઠાઠમાઠથી પ્રભુને પધરાવી લાવ્યા. પ્રથમ દરબારગઢમાં પધાર્યા ત્યાં બાળબચ્ચાં સર્વેને શરણે લીધા અને ઘણી ભેટ થઈ. ત્યાંથી જીવનદાસને ઘેર પધાર્યા. સર્વ વૈશ્નવો જે જે ભેટ લાવ્યા હતા તે પ્રભુ આગળ ધરી, જીવનદાસે શ્રીફળ અને ઝુમણું શ્રેષ્ઠ જાણી ભેટ ધરી, ત્યારે તેજુબાઈએ પોતાના કાનમાંથી તેમની ટોટી કાઢી ભાવથી પ્રભુ આગળ ધરી. તેજુને નામ નિવેદન કરાવ્યું ત્યારે આપશ્રીના નીખમનીમાંથી સાક્ષાત સ્વરૂપના દરશન થયા. ત્યારે તેજુએ વિનંતી કરી કે કૃપાનાથ ! નામ અને નિવેદન તે શું ? ત્યારે આપશ્રીએ શ્રી મુખે આજ્ઞા કરી જે નામથી સાત ભક્તિ સિદ્ધિ થાય છે, અને નિવેદનથી પ્રેમલક્ષણા સિદ્ધ થાય છે અને જીવનાં કરેલાં કર્મ તમામ બળીને ભસ્મ થાય છે અને દેહ સેવા લાયક થાય છે. ત્યારે તેજુએ વિચાર્યું જે હવે આ લોકીકમાં રહેવું નથી. હું તો પ્રભુની સાથેજ શ્રી ગોકુળ જઇશ.
બનજારો : કહે તાતને તેજુ બીચારી, જાવા વૃજમાંહે વિચારી,કહે
કરવાને યમુના પાને, હવે તાત જવું ઝટ મારે,
ગણી લાવ જગતમાં આને, કરૂં જાવા માટે તૈયારી,…કહે
સમજાવે જીવનદાસ, નવ થા તું પુત્રી ઉદાસ,
હું આવીશ તારી સાથે, બે વર્ષ પછી પરવારી,કહે
નવ ભવિષ્ય ઘડીનું જાણું, બે વર્ષ સુધી કયમ તાણું,
છે દેહ ત્યાં લગી માણું, જંજાળ જગત દુ:ખ કારી,…કહે
કદી દેહ પડે આ ધારે, રહે સર્વ મનોરથ મારે,
એ પ્રભુ સાચો સથવારો, દઈ રજા કરો ઉપકારી…કહે
સાંભળ હે પુત્રી મારી, પુછું પહેલાં વૃજધારી,
લેશે એ કંઈ શુધ તારી, ચિંતા નવ રહે લગારી…કહે
વૃજમાં જાવા માટે તેજુ પોતાના પિતાને કહેવા લાગી. હે પિતા મારે હવે યમુનાપાન કરવા માટે જલ્દી જવું છે, જગતમાં માત્ર આ એક જ લાવ છે તો હું જાવા માટે તૈયારી કરૂં? જીવનદાસ તેજુને સમજાવવા લાગ્યા, પુત્રી તું ઉદાસ ન થા, બે વર્ષ પછી કામકાજથી પરવારી હું તારી સાથે આવીશ. ત્યારે તેજુ કહેવા લાગી-એક ઘડીમાં શું બનશે? તે આપણે જાણી શકતા નથી તો બે વર્ષ સુધી કેમ ચલાવી શકાય ? માટે આ દેહ છે ત્યાં સુધીમાં એ લાવ લેવા દો, કારણ કે જગતની ઝંઝાળ દુ:ખકારી છે. ધારો કે આ દેહ કદાચ પડી જાય, તો બધો મનોરથ મનમાં રહી જાય. વળી આપણે પ્રભુ જેવો સથવારો છે. તો મને ખુશીથી રજા આપી ઉપકારી કરો. જીવનદાસ કહેવા લાગ્યા પુત્રી મને પહેલાં પ્રભુને પુછી જોવા દે. જો એ તને સાથે લઈ જાય તો મને જરી
પણ ચીંતા ન રહે. તેથી જીવનદાસ શ્રી ગોપાલલાલ પાસે જઈ પુછવા લાગ્યા કે તેેેજુ આપની સાથે વૃજમાં આવવા ચાહે છે. ત્યારે શ્રી ગોપાલલાલ કહે હજી મારે દ્વારીકા જવું છે, એને ભાવ છે તો હું વળતી વખતે સાથે તેડી જઇશ. શ્રી ગોપાલલાલ ત્યાં સત્તર દીવસ રોકાયા, વૈષ્ણવોના મનની સર્વ ઈચ્છા પરિપૂર્ણ કરી, તેજુને ધીરજ આપીને પોતે દ્વારીકા પધાર્યા.
વાટ જુએ છે દાડી દાડી, તેજુ પ્યારાની, વાટ જુએ છે દાડી દાડી,
ક્યારે પધારે વૃજધારી…તેજુ.
ખાનપાનમાં રૂચી ન લાગે, નિંદ્રા એણે ત્યાગી,
રસનાથી નિત્ય નામ રટે છે, જગ સુખથી પરવારી રે… તેજુ
કોઈ પ્રવાસી આવે બહારથી, સમાચાર ઝટ પુછે,
ક્યારે મારા પ્રભુ આવશે, એ ઝંખે છે નારી રે…તેજુ
પાદર સુધી જાય એ સામી, નવ દેખે જગ સ્વામી,
નિરાશ થઈ આવી ઘર બેસે, નવ ઝંપે પળવારી રે…તેજુ
તેજુ પ્યારા પ્રભુની દરરોજ વાટ જોવા લાગી, હવે પ્રભુ ક્યારે પધારશે ! ખાવા પીવામાં મન લાગતું નથી, નિંદ્રાનો ત્યાગ કર્યો. સંસારના સર્વ સુખ છોડી જીભથી શ્રી ગોપાલલાલનું રટણ કર્યા કરે છે. બહારગામથી કોઈ આવે તો તેને સમાચાર પુછે છે મારા પ્રભુ ક્યારે આવશે ? એજ ઝંખના કરી રહી છે. પોતે પાદર સુધી સામે જાય પણ જકતપતિ પ્રભુને આવતા ન દેખે એટલે નિરાશ થઈ પાછી ઘેર આવે, પણ કોઈ પણ રીતે ચેન પડતું નથી. એ રીતે ત્રણ માસ વીત્યા. શ્રી ઠાકુરજીને ઘરેથી આવેલો પત્ર દ્વારીકામાં મળ્યો. તેમાં લખ્યું હતું કે તત્કાળ દેશમાં આવો. તેથી શ્રીગોકુલ પાછા જવા માટે સાત દીવસની મજલ કરી ઉતાવળથી ગયા તેથી તેજુને લઇ જઈ શક્યા નહી.
પાંચમે દીવસે દોઢ પહોર ચડયો હશે ત્યારે તેજુ પોતાની સખી સાથે જળ ભરવા ગયેલ, ત્યાં વૃજવાસી કિશોરે આવી કહ્યું કે શ્રી ગોપાલજી પાછા ગોકુલ પધાર્યા. આ સમાચાર સાંભળતાં જ બેડુ ત્યાં જ મુકી પોતાના પિતા પાસે આવી કહેવા લાગી, પ્રભુ મને છોડી ચાલ્યા ગયા, મારે એમની સાથે જવું છે. મને શા માટે સાથે ન લીધી ? એમ કહી રડવા લાગી. જીવનદાસ ઘણું સમજાવવા લાગ્યા હું તારી સાથે આવીશ, પ્રભુ તો અહીંથી ત્રણસો ગાઉ પહોંચ્યા તેને હવે શી રીતે પહોંચી શકાય !
ગીતો – બહુ હઠ લીધી નારે, જાવું મારે જરૂર પ્રભુ હારે,
દાદાજી સમજાવે, પણ કોનું જરીએ નવ ગણકારે,
પહોર સમય જ્યાં વિત્યો, વીરહ વેદનાથી ત્યાં દેહ છુટી,
પંથ જતાં વૃજધારી, સાંજ સમે પહોંચી થઈ ત્યાં વિખુટી.
તેજુએ બહુ હઠ લીધી, મારે તો જરૂર પ્રભુ સાથે જવું છે, દાદાજી બહુ સમજાવે છે. પણ જરીએ માનતી નથી પહોર સમય વીત્યો હશે ત્યાં તો વિરહ વેદનાથી તેજુની દેહ છુટી ગઇ અને શ્રી ગોપાલજી રસ્તામાં
ચાલ્યા જતા હતા ત્યાં સંસારની માયાથી છુટી થયેલ તેજુ દીવ્ય દેહે મળી. શ્રી ગોપાલજી કહેવા લાગ્યા તેજુ મારા પ્રત્યે તારો પ્રેમ કેવો છે તે કેમ ભુલું! આપના નામની જ માળા જપતી હતી. આપે વચન આપ્યું અને ન તેડી જાઓ તો આપને આળ ચડે. શ્રી ગોપાલલાલ કહે તેજુ તું મારી સાથે ચાલ, તને મારા ઉપર સંપૂર્ણ ભાવ છે તો હું તને સદાકાળ મારા ચરણમાં રાખીશ.
તેજુએ દેહ છોડી એ વાત ગામમાં ફેલાણી. સંબંધી સર્વે આવ્યા. વૈષ્ણવો વખાણ કરવા લાગ્યા કે તેજુએ દેહ છોડી તેને પ્રભુનું પદ પ્રાપ્ત થયું. કોઈ પણ શોક કરતું નથી પણ આનંદથી કીરતન કરતાં કરતાં શબને લઈ જાય છે, જેમ કોઈ ઉત્સવ હોય તેમ તેજુના શબને સહુ સંસ્કાર કર્યા પણ તેજુ પરમ પદ પામી છે તેની ખાત્રી બીજાને કેમ થાય ?
શ્રી ઠાકુરજી સાતમે દીવસે એક પહોર દીવસ ચઢયો હશે ત્યારે ગોકુલ પહોંચ્યા. ગામમાં ખબર પડી. સોરઠના વૈશ્નવો જમુનાપાન કરવા આવ્યા હતા તે સામૈયું લઈ કીરતન કરતા સામા આવ્યા. સર્વેએ જે ગોપાલ કર્યા, ઠાઠમાઠથી પ્રભુને ઘેર પધરાવ્યા. વૈશ્નવો જે કાંઇ ભેટ લાવ્યા હતા તે શ્રી ઠાકુરજી આગળ ધરી અને પુછવા લાગ્યા, જે સોરઠથી કાંઇ સમાચાર લાવ્યા હો તો કહો. ત્યારે શ્રી ગોપાલજી કહેવા લાગ્યા. તેજુ તમને બધા સમાચાર આપશે. એને સવારે મળજો, સહુ પોતપોતાના ઉતારે ગયા, સવારે સહુ વૈશ્નવો મળી મંદિરમાં દર્શને આવ્યા. વૃજવાસીને પૂછયું તેજુ ક્યાં છે ! અમારા દેશમાંથી તે શું સમાચાર લાવી છે. ત્યારે વૃજવાસીએ કહ્યું-બાઈ તો મંદીરમાં ટહેલ કરે છે તેથી દીવસે ચાલ્યા ગયા, પાછા બીજે દિવસે આવ્યા છતાં પણ મુલાકાત ન થઈ, ત્રીજે દિવસે આવીને જોયું તો પણ તેજુ ન દેખાણી ત્યારે શ્રી ગોપાલજીને પૂછયું તે બાઇ ક્યાં છે !
ત્યારે શ્રી ગોપાલજી કહે તેજુને સેવામાંથી જરાપણ નવરાશ નથી. અરે જે પ્રભુ ગુણ ગાય છે તે જ તેજુ, તેને તો પ્રભુ સાનુભાવ છે. જે પ્રભુની ચરણ સેવામાં જ પ્રસન્ન હોય તે બીજા કયા સુખની ઇચ્છા કરે ? તેની દેહ તો અલોકીક થઇ છે. પ્રભુ અલોકીક સ્વરૂપે તેને દરશન આપે છે. તેને સંસારી જીવ સમજશો નહીં.
લાવણી – સુણી જ્યાં વાત બધી એવી (૨)
પડયા ચરણમાં વૈશ્નવ સઘળા ગણી મહા દેવી
બનેના પ્રાકૃત જીવ થકી (૨) એવી સેવા અવિનાશીની કોઇથી ન થતી
કહે વૈભવ જોઈ એને (૨) સમાચાર દેવાના હોયે ઘેર કંઈ દેને,
જવું છે દેશ પ્રતિ કાલ(૨) પત્ર પાઠવવો હોય ખુશીનો અમને એ આલે.
એવી બધી વાત સાંભળી વૈશ્નવો બધા મહા દૈવી માની ચરણમાં પડી ગયા. અને કહેવા લાગ્યા-સંસારી જીવથી પ્રભુની આવી સેવી કદી ન બની શકે. વૈષ્ણવો વૃજવાસીને કહે, તે બાઈને પુછો કે એને કાંઇ સમાચાર કોઇને કંઈ આપવાં છે. અમારે કાલે દેશ તરફ જવું છે. વૃજવાસીએ તેજુને કહ્યું-વૈશ્નવો દેશમાં જાય છે. તેને કંઈ સમાચાર આપો, તે વીના હળવદમાં શું ખબર પડે.
દોહરો- પત્ર લખીને આપીયો, વૈશ્નવ જન સંગાત,
તેજુ મન આનંદ છે, કહેજો જીવન દાસ,
પ્રસાદને માળા દઉં, તે દેજો જઈ તાત;
વૈશ્નવમાં વાટી અને, સૌ થાજો રળીઆત
પુષ્ટી સહુ પંથે પડયા, મજલ કરી સહુ સાથ,
હળવદમાં જીવન મળ્યા કાગળ દીધો હાથ.
કાગળ લખી વૈશ્નવોને આપ્યો અને રૂબરૂમાં કહ્યું કે જીવનદાસને કહેજો તેજુ આનંદમાં છે, માળા અને પ્રસાદ આપું છું તે પિતાને દેજો, વૈશ્નવોને વાટી સહુ આનંદ કરજો, વૈશ્નવ પંથે ચાલ્યા. કેટલાક દીવસે હળવદ પહોંચ્યા અને જીનવદાસને મળ્યા અને તેજુનો કાગળ હાથમાં આપ્યો.
માઢ : પ્યારા હે પિતુ મારા, કરૂણાવાળા તેજુના વાંચો પ્રણામ,
તેજુના વાંચો પ્રણામ, મારું સિદ્ધ થયું છે કામ
પ્રભુ પધાર્યા એવું જાણીને, ખોઈ બેઠી હું ભાન,
સાંજ સમે તે દી પંથે મળી છું, વહાલા પુરણકામ.પ્યારા.
જાણી પોતાની સાથે લીધી, વૈશ્નવ સંગ તમામ,
લેશે ન આવી આંચ મને ને, કાંઇ સોંપ્યું નહીં કામ.પ્યારા.
મંદીરમાં પ્રીય નાથ પધાર્યા, રહું છું આઠે જામ,
સેવા-સ્મરણમાં સમય જાયે, મળ્યું છે ઉત્તમ ધામ…પ્યારા.
ચિંતા ન કરશો લેશ મહારી, પૂર્ણ અહીં વિશ્રામ,
લીધી વહાલે પોતે સ્વીકારી, હોય પછી શી હામ…પ્યારા.
કોટીક દોષ થયા હોય મ્હારા, તે નવ ધરશો ધ્યાન,
જયગોપાલ કહેજો સરવેને, આપીને મારું નામ…પ્યારા.
હે કરૂણાવાળા મારા મારા પિતા, તેજુના પ્રણામ વાંચશો, મારું કામ સિદ્ધ થઈ ગયું છે, પ્રભુ ઉતાવળથી પધારી ગયા એવું જાણી હું ભાન ખોઈ બેઠી. સાંજને સમયે રસ્તામાં પ્રભુને મળી છું. મને પોતાની જાણી સહુ વૈષ્ણવોની સંગાથે લીધી. મને કોઈ જાતની આંચ આવી નથી અને કાંઇ કામ પણ સોંપ્યું નથી. ત્યાંથી ઘેર આવી પ્રભુ મંદીરમાં પધાર્યા. હું પણ આઠે પહોર મંદીરમાં જ રહું છું. સેવા-સ્મરણમાં મારો સમય જાય છે. ઉત્તમ ધામ મળ્યું છે. મારી જરા પણ ચીંતા કરશો નહીં. અહીં પૂર્ણ વિશ્રાંતી છે. પ્રભુએ પોતે મારો સ્વીકાર કર્યો. પછી શું વાસના હોય? મારા કરોડો દોષ થયા હોય તે ધ્યાનમાં ન લેશો. મારી ઓળખાણ આપી સહુને મારા જેગોપાળ કહેશો.
પત્ર વાંચી અપાર હર્ષ થયો. પુત્રીની સાચી ભક્તિ જાણી. આખી રાત વૈશ્નવોને બોલાવી કિરતન કર્યા અને પ્રસાદ આપી ઝુમણા-માળાની પહેરામણી કરી. તેજુબાઈ એવા પૂર્ણ ભાવિક અને શ્રી ગોપાલલાલના
કૃપાપાત્ર થયા. તેની વારતાનો પાર નથી. માટે જ-
સદા જ પ્રભુ શરણને ચહે, જગતમાં જનમ-મરણ નવ રહે,
પ્રેમ થકી એના ગુણ ગાયે, જાય કદી વૃજ માંય;
પોતાના જાણીને રાખે, ગોકુલપતી નિજ ગ્રહે…સદા
પોતાની વ્હાલસોઈ પુત્રી શ્રી ઠાકોરજીની કૃપાથી પ્રભુ પદને પામવાથી જીવનદાસે તુરતજ. “
“એહિ ચિતવની મેરે જિયામેેં બસિરી…”
( શ્રી ગુણમાલ ભક્તમાલ માંથી)
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||