|| શ્રી ગોપાલો જયતે ||

બચન વીભા કહે કીજીએ, ગોકુલપતિ ગુનજાન,
દીન દયાનિધિ દીજીએ, દુર્લભ રાસસું દાન;
નિરલસ ગોકુલનાથજી, બદન ગોપાલ બતાય,
વે લીલા ઉન હાથજુ, એહી, સમે હરી આય;
મચ્યો રાસ રંગ મહોલમાં, શુભ બાવન રાની સંગ,
કીર્તન રૂપ કતોલમોં, રહ્યો વિભા મન રંગ……૧ ૫

રાજકોટના રાજા વીભા-જામ શ્રી ગોકુલનાથજીના સેવક હતા, તેણે વીનતી કરી કે મહારાજ મને રાસના દર્શન કરાવો. તે સમે શ્રી ગોપાલલાલ ત્યાં પધાર્યા હતા, શ્રી ગોકુલનાથજીએ તેને બતાવી કહ્યું જે એ લીલા તો એને હાથ છે. વીભાજામ અને બાવન રાણી સાથે મહેલમાં કીરતન કરતાં રાસ કર્યો અને રાસ લીલાના દરશન કરાવ્યા તેથી વીભાજામ બહુ આનંદીત થયાં અને શ્રી ગોપાલલાલનું સેવન સ્મરણ કરવા લાગ્યા. ત્યારથી વીભાજીને વૈષ્ણવો પ્રતિ અત્યંત સ્નેહ વધ્યો. એક સમય શ્રી ગોપાલલાલની સાથે શ્રી ગોપેંદ્રજી રાજકોટ પધાર્યા. દર્શન કરી વીભાજી ઘણા જ પ્રસન્‍ન થયા. અને ધન્ય ભાગ્ય માન્યા. અટારી પર આપ બીરાજ્યા. ભેટ ઘણી થઇ. પોતાના દાસજનોને રસબસ કીધા. ત્યાં જેલની અંદર બે વાણી (વહોરા) હતા તેને કોઇએ કહ્યું કે તમે માળા પહેરો તો તમને વીભાજીના ઠાકુરજી છોડાવી મુકશે તેથી બંને જણાએ માળા મંગાવી ડોકમાં બાંધી અને એક નવો વેશ ધારણ કર્યો. અને નદીએ (જંગલ) જાવાને બહાને બહાર નીકળ્યા. સહેજે શ્રી ઠાકુરજીના દરશન થયા. એ બંદીવાનની ડોકમાં માળા જોઇ શ્રી ઠાકુરજીએ વીભાજીને કહ્યું-તારા રાજ્યમાં આ શું ? વૈષ્ણવને જેલ ! વીભાજી એ તને શોભે નહીં આ તો ધણું જ અધટીત કહેવાય. એ સાંભળી વીભાજી શરમાઇ ગયા અને કહ્યું-મહારાજ ! એણે તો માળાનો ફંદ કર્યો છે એ કાંઇ વૈષ્ણવ નથી, ત્યારે શ્રી ગોપેંદ્રજીએ કહ્યું-ભલે એણે ફંદ કર્યો, પણ એટલો આશરો તો લીધો. એ સાંભળી વીભાજી એ તુરતજ તેને છોડી દીધા ! એવા વીભાજી આજ્ઞાકારી સેવક હતા. તેની ઉપર શ્રી ઠાકુરજીની કૃપાનો પાર નથી.

( શ્રી ગુણમાલ ભક્તમાલ માંથી)

લેખન શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને પ્રદીપભાઈ ગોહેલ (જામનગર)ના જય ગોપાલ ||


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *