|| શ્રી ગોપાલો જયતે ||
ગુન કાલાવડ ગામ, પ્રગટ ગોપાલ પાવધારે,
ઠહેરે બાહેર ઠાંઉ, નીચ જીવ વિસ્તારે,
નિકટ મયા બટનોર, ગોપાલ સુદૃષ્ટિ લગાઈ,
ઠાડે રહો કહે ઠોર, કિતનિક હોત કમાઇ,
ચાહે લીઓ જો સહાય, જાન રહે હમ જબ હીં,
પ્રાપત દરશન પાય, શરન પીયા વહે સબહીં…૧૨
શ્રી ગોપાલલાલ કાળાવડ (જામના) પધાર્યા, ગામ બહાર તંબુમાં બીરાજે છે, એ વખતે ઢીમર-મયા જાતના ભોઇ-મચ્છીમાર ત્યાંથી નીકળ્યા, તે ગોપાલલાલ સામે એક દૃષ્ટિથી જોઈ રહ્યા. તેને ઉભા રાખ્યા અને કહ્યું-આમાં તમે શું કમાણી કરો છો ? જ્યાં સુધી હું અહીં રહું, ત્યાં સુધી મારી પાસેથી લઇ જજો. દરશન કરતાં જ સહુને નેત્રદાન થયા. સદ્દબુદ્ધિ થઇ અને હિંસા કરતા મટી સરાણીયા થયા.
સોરઠ
કેવા કૃપાળુ ઠરે, હોય પાપી છતાંએ તરે,
લાલચ નવ રાખે કઈ પોતે, કૃપા આપોપી કરે કેવા
જાણ્યા નહીં જગતાત એવાને, શું થયું આ દેહ ધરે…કેવા.
પ્રભુ કેવા દયાવાળા છે. તેની કૃપાથી પાપી હોય તે પણ તરી જાય છે. એ પ્રભુ કોઈની લાલચ રાખતા નથી. પણ પોતાની મેળે જ કૃપા દરસાવે છે. એવા જક્તપતિને જો જાણ્યા નહીં તો પછી આ દેહ ધરી તેથી શું થયું? દુનિયામાં આવી પ્રભુ ભક્તિ કરી કૃપાપાત્ર ન થયા તો આ જીંદગી વૃથા ગુમાવી ગણાય.
કાળાવડ (જામના) ગામમાં ઢીમરની એક જાત વસતી હતી, તેની ઓડક મયા હતી, મયો ઢીમર પોતાના કુટુંબ સહીત ઝાળ નાખવાનો ધંધો કરતો હતો, અને તે મચ્છીમાર કહેવાતા હતા. હંમેશાં હિંસા કરી બજારમાં વેચવા માટે લઇ આવે અને તેમાં જે પૈસા ઉપજે તેમાં પોતાનો વહેવાર ચલાવતા. આવાં જે પાપો કરે તેઓને ક્યાંથી ખ્યાલ આવે કે આપણે પ્રભુ સેવા કરશું તો ન્યાલ થશું. તેમને કોઈ સારી ચાલવાળો સતસંગી પણ મળે ક્યાંથી ? કે જે પ્રભુ પ્રત્યે ભક્તિનાં અંકુરો ઉગાડી ઠાકુરજી ઉપર પ્રેમ ઉપજાવે. આવી રીતે હીંસા કરતાં
દીવસો કપાતા જાય છે અને જીંદગીનો અંત આણે છે. તેનાં છોકરાં અને તેનાં છોકરાં પણ એ જ ધંધામાં રચી પચી અનેક દોષો કરી નાશ પામે છે. ઘણો સમય એ પ્રમાણે ચાલ્યું પણ શ્રી ઠાકુરજીએ એ સર્વનું દુ:ખ મટાડયું. પોતે જાતેજ એ બધું જોયું. પછી પ્રભુ એ કેમ સહન કરી શકે ?-લાલચ નવ રાખે કંઇ પોતે, કૃપા આપોપી કરે.
સંવત ૧૬૮૯ની સાલમાં શ્રી ગોપાલજી પ્રદેશ પધાર્યા ત્યારે આ ઢીમર ઉપર કૃપા દરસાવી. પોતાની સાથે કેટલાક વૈષ્ણવો છે. ચાલતાં ચાલતાં કાળાવડમાં પધાર્યા. કેટલાક વૈષ્ણવો અહીં પ્રભુ પધાર્યા છે એમ
ખબર આપવા ગામમાં ગયા અને શ્રી ઠાકુરજી ગામ બહાર ડેરા તંબુમાં બીરાજે છે.
શ્રી ઠાકુરજી શુભ આસન ઉપર બીરાજે છે. સેવકો સન્મુખ બેઠા છે. હંમેશની માફક જુદા જુદા વિષય ઉપર ચર્ચા ચાલે છે. કોઈ ધર્મ સંબંધી પ્રશ્ન પૂછે છે. પ્રભુ તેમને યોગ્ય ઉત્તર આપે છે. અને સર્વ સેવકો ત્યાં સ્વર્ગથી અધીક સુખ અનુભવે છે. આનંદ કલ્લોલ થઇ રહ્યો છે. શ્રીજીનો ઉપદેશ સાંભળતાં કોઈને તૃપ્તિ થતી નથી. ત્યાં રંગમાં ભંગ પડયો-ઢીમર લોકોનું એક ટોળું નીકળ્યું તેઓ માછીઓ મારી ટીંગાડી લઇ જતા હતા અને શ્રી ગોપાલલાલ બીરાજતા હતા ત્યાંથી એ રસ્તો નીકળતો હતો.
પ્રભુએ જ્યાં આ બધું જોયું તો એકાએક તેમના હૃદયમાં વ્હાલપ ઉત્પન્ન થઈ, કારણ કે દુષ્ટ લોકોને કૃતારથ કરવા માટે પ્રભુએ ભૂતલ અવતાર લીધો છે. પોતાના એક સેવકને કહ્યું-એ સર્વ ઢીમરોને મારી પાસે તેડી લાવો. એવા મૂઢ લોકો શા માટે આવો પાપ-ત્રાસ કરી રહ્યા છે? આજ્ઞા સાંભળી સેવકો ત્યાં ગયા અને તેમને સહુને બોલાવી લાવ્યા. ઢીમરો દૂર ઉભા રહ્યા તેના તરફ શ્રી ઠાકુરજીએ નજર કરી અને કહેવા લાગ્યા :
આમાં તમોને હંમેશની શું કમાણી થાય છે? તે કહો જોઇએ. હંમેશાં આવી હિંસા કરી કરીને તમે શું પ્રાપ્ત કર્યું ? તમારા વડવાઓ આ કામ કરીને જ નાશ પામ્યા છે. તેઓ આ કામ કરી કોઈ દિવસ વિરામ પામ્યાં છે ? તેઓએ વૃધ્ધાવસ્થામાં પણ આ કમાણીનો ઉપયોગ કરી શાંતિ મેળવી છે? જો તમે આ કામ છોડી દો તો શું વાંધો આવે ? તમારી જીંદગી બીજું કંઈ કામ કરવામાં જોડી દયો. આ સાંભળી એક બીજા સામે જોઈ ઢીમરો વિચારવા લાગ્યા. ત્યારે એક વૃદ્ધ ઢીમર કહેવા લાગ્યો અમારે બીજો ધંધો નથી, ઢીમરનું તો આ કામ જ છે તે અમારા વીના બીજો કોણ કરે ? કારણ કે અમારું નામ મચ્છીમાર છે. અમારા કુળ અને જ્ઞાતિનો એ જ ધંધો છે તે અમારાથી કેમ છોડાય ? બીજો કોઈ ધંધો અમે જાણતા નથી. આનાથી જ અમારૂં ગુજરાન ચાલે છે. આખો દીવસ મચ્છી મારી સાંજે બજારમાં લઇ જઇએ છીએ તેની જે કિંમત ઉપજે તેથી માંડ અમારા કુટુંબ-પરીવારનું ગુજરાન ચાલે છે. હંમેશાં જે કાંઇ ઉપજે છે તે હંમેશાં વપરાય છે. બીજી કોઈ કમાણી નથી કે જેથી ધન ભેગું કરી શકીએ.
એ વખતે શ્રી ગોપાલલાલજી ઢીમરો પ્રત્યે ધીરજ આપી કહેવા લાગ્યા હું તમારું સર્વ દુઃખ દૂર કરીશ. હું જ્યાં સુધી અહીંયા આ ગામમાં રહું ત્યાં સુધી મારું કહેવું માની કોઇ પણ જીવની હિંસા કરશો નહીં. તમારી હંમેશની પેદાશના પ્રમાણમાં હું પૈસા આપીશ. સાંજના સમયે આવીને તમે તે લઈ જજો. શ્રી ઠાકુરજીના કહેવા પ્રમાણે કબુલ થઈ બધા ત્યાંથી પાછા ફર્યા અને પોતાની પાસે હતી તે માછલીઓ શ્રીઠાકુરજીના કહેવાથી નદીમાં પાછી નાખવા ગયાં. જેવા તે નદીમાં નાખે છે તેવાં જ તે સર્વ સજીવન થઈ ચાલી નીકળ્યાં. આ જોઈ
સર્વે ચકિત બની ગયા અને ત્યાર પછી કદીપણ વેચવા જવું ન પડયું.
સર્વ વૈશ્નવો સામૈયું લઈ ત્યાં આવ્યા, સારા ઠાઠમાઠથી શ્રી ઠાકુરજીને ગામમાં પધરાવી ગયા માવદાસ સોરઠીયા વાણીયાને ત્યાં ઉતારો કર્યો. જુદી જુદી જાતની ભેટ ધરીને સહુ આનંદ પામ્યા. અનેક રીતે સેવા કરી શ્રી ઠાકુરજીને પ્રસન્ન કરવા લાગ્યા. સાંજનો સમય થયો ત્યારે ઢીમર લોકો ત્યાં આવ્યા. તેઓ શ્રી ઠાકુરજીના કહેવા મુજબ તેમની પાસેથી કંઈક પૈસા મેળવવા ઇચ્છતા હતા પણ જ્યાં તેમણે શ્રી ઠાકુરજીના સ્વરૂપના દર્શન કર્યા કે તુર્ત જ તેમાં લોભાઈ ગયા. કાંઈ પણ બોલી શક્યા જ નહીં અને તેઓના મનમાં બહુ જ પસ્તાવો થવા
લાગ્યો કે આજ સુધી સંહાર કરીને આપણે નકામી જીંદગી ગુમાવી, આજથી એ કામ છોડીને આ ઠાકુરજીમાં આપણે પ્રીતી જોડી દઇએ. એવો વિચાર કરી શ્રી ઠાકુરજીના ચરણમાં પડી કહેવા લાગ્યા હે કૃપાળુ ! અમારા અપરાધ ક્ષમા કરો અમને મૂર્ખ-અજાણ્યા જાણી કરૂણા કરી દયા દર્શાવો.
તેઓનો અધિક પ્રેમ જોઇને શ્રી ઠાકુરજીએ તેમને સેવક બનાવ્યા. નેત્ર દાન કર્યા કે તુરત જ મયાની દૃષ્ટિ દૈવી બની ગઈ. તેઓ પોતાના કુટુંબ સહીત તથા બીજા સાથે હતાં તે સર્વ શ્રી ઠાકુરજીને શરણે આવ્યા. તેમને નામ-નિવેદન કરાવ્યું. તેમની દેહ અલોકીક થઈ. આપશ્રીએ તેમને વસ્ત્રસેવા પધરાવી આપી, અને માવદાસ સોરઠીયા વાણીયા વૈષ્ણવનો સંગ આપ્યો. માવદાસે મયાને શ્રી ગોપાલલાલના ઘરની પ્રણાલીકાનો સંપૂર્ણ અનુભવ કરાવ્યો. અને મયો તથા તેમને સંગે તેમની જ્ઞાતીના જે વૈશ્નવ થયા હતા તેઓ પોતાનો ધંધો છોડી
સજવાનો ધંધો કરવા લાગ્યા. તેમના વંશના આજ સુધી સરાણીયા વૈષ્ણવ કહેવાય છે. અને શ્રી ગોપાલલાલજીના સેવક છે. શ્રી ગોપાલલાલ મહારાજે આવા અધમનો ઉદ્ધાર માત્ર દૃષ્ટિથી જ કર્યો છે. તે મયાને સેવ્ય સ્વરૂપ સાનુભાવ હતા. પ્રગટ પ્રમાણ દરશન આપતા. તેવા મહાન કૃપાપાત્ર થયા.
( શ્રી ગુણમાલ ભક્તમાલ માંથી)
લેખન શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને પ્રદીપભાઈ ગોહેલ (જામનગર)ના જય ગોપાલ ||