|| ડોસાભાઈને પાંચાભાઈનો સંગ મળ્યો ||

|| શ્રી ગોપાલો જયતે ||

જીવનદાસે મને પાંચાભાઈનો મેળાપ કરાવ્યો અને અમે અમારા ઘરે ગયા. પાંચાભાઈ મારા ઘરે પધાર્યા. ધનબાઈને જોઇને ઘણું હરખાણા અને મને કીધું, ડોસા, પુરવના જીવ છો તો ભેળા થયા છો, એમ જાણજે. પછે પાંચાભાઈએ મને કૃપા કીધી ડોસા તું પીઠડ ચાલ, ત્યાં તારું રહેણાક છે. પછે મેં કીધું: કે, નાના ગામમાં મારો નિર્વાહ થાય નહીં, તમે કોઈ ઢૂંકડું ગામ બતાવો, તો ત્યાં રહેણાક થાય. પછે મને મોરબી નું રહેણાક કરવા બતાવ્યું. અને કહ્યું: ત્યાં તારું વેપાર વણજ ચાલશે અને હું પણ ત્યાં જ રહેણાક કરીશ. તું ભેળો હાલ તો સારું.

જીવનદાસ પાંચાભાઈની વાત સાંભળી હરખાણા. પાંચાભાઈ, તમે તો ડોસા ભાઈને નિહાલ કરવાની વાત ઘડીકમાં કીધી.

પાંચાભાઈએ કીધું, જીવનદાસ, પુરવના જીવને તો પારખતા વાર શી. આ તો એના બાપનો સંબંધ એનાથી હું જાણું. આ તો મોસાળમાં મોટો થીયો છે, મુળ ગામ તેનું પીઠડ છે. મૂળજીને તેની વહુ, ઠાકોરજીના સેવક હતા. નાનપણમાં આને મૂકીને ચાલ્યા. તેનો મામો રૂપજી તેને લઈ ગયો અને તેના લગ્ન પણ પીઠડ ગામના ધનજીની ભત્રીજી સાથે થયા છે. આ તો તારી વાત હું જાણું છું તે કીધું. પણ હવે તારે મુંજાવાનું રીયું નથી. આ મારગે તારો અંગીકાર મહારાજે કીધો પછી તારે શું બાકી રિયું.

પછે મેં કીધું પાંચાભાઈ તમારી વાતના કારણે એમજ કરશું પણ ઘર માંથી બધું રાસ રચિલું ભેળું કરીને પછે હાલશું. ખોરડાં ઘરના છે એટલે ચિંતા નથી. પણ ત્યાં કને રહેણાંકનું મકાન મળે પછે આવવું થાય.

પાંચાભાઈ કહે, ભલે હું બધું કરીને તને તેડી જાઈશ. હવે મારે ઘરે જવું છે. તો બે દિવસ રોકાઇને હું ને જીવનદાસ સાથે ચાલશું. આમ વાત કરીને બે દિવસ પછે ઘરે ગયા. અને મેં થોડા મહિના પછી પાંચાભાઈના કહેવાથી મોરબીએ રહેણાંક કીધું અને ત્યાં મને જીવનદાસ અને પાંચાભાઈ નો સંગ નિત્ય થયો અને તેના સંગે ઉજળો થીયો. આવી કૃપા મુજ માથે ઠાકોરજીની તથા ભગવદીની થઈ, તેના અનુભવ પણ ઘણા છે. પણ કેટલા લખાય ?

મારા અનુભવનો પરસંગ જુજ લખ્યો છે.

મોરબીએ રહેણાંક કીધા પછે, પાંચાભાઈ અને જીવનદાસની સાથે ઘણાં માંડવા ખેલ ઓચ્છવ કીધા. મહારાજ ભેળા ઘણાં પ્રદેશમાં ભેળાં રહ્યાં. ગામે ગામના વૈષ્ણવના અનુભવ માંડવામાં કીધા. ઓચ્છવના સુખ અનેક લીધાં.

મહારાજ સાથે ઘણું જુથ વૈષ્ણવનું ભેળું રહેતું. મહારાજ દયાળુ, પરમ ઉદાર, કરુણાના સાગર, વૈષ્ણવના જૂથની સારસંભાળ રાખે. શ્રીના સુખનો વિચાર સેવક તો કરે, પણ આ તો આપ સેવકના સુખનો વિચાર કરી સંભાળ રાખે. મહારાજ વૈષ્ણવોને ઘણું લાડ લડાવે. મનગમતા સુખ આપી તેના ભાવ પૂર્ણ કરે. મહારાજ માંડવામાં બિરાજે ત્યારે અલૌકિક ઝાંખી શ્રીગોપેન્દ્રજીના સ્વરૂપની થાય. અકળ ચરિત્ર દેખાડે, કોઈથી કળ્યું ન જાય. મહારાજ ઘણા વચનામૃત હાસ્ય વિનોદ સાથે કરીને સેવકના સંશયને ટાળે. પાંચોભાઈ ઇ બધા ઉતારે.

વલ્લભ ભેટીયો મહારાજનો અંગીકૃત, એક ઘડી મહારાજથી અળગો ન થાય. મહારાજની કૃપા તેના માથે ઘણી. મહારાજનો ભર ઘણો, જાણ પરવીન પુરો, પૂર્ણ ભગવદી જન. મહારાજ તેના શ્રીમુખથી વખાણ કરે કે વલ્લભજી અમારો છે. તે પાંચાભાઇનો ખાસ સંગી, મહારાજના સ્વરૂપનો અનુભવ ઘણો કરાવે અને કહે કે આ લીલા શ્રીગોપેન્દ્રજીની અંતરંગ છે, જેને કૃપા થશે તે જાણશે.

ઘણાં પરદેશમાં મહારાજ સાથે ભેળા સોરઠ, હાલાર, ગહેડના ઘણા ગામો સાથે ફર્યા. મહારાજ પોર છાયામાં ઘણું બિરાજતા, રાજસી લોકોનો ભાવ વર્ણવ્યો જાય નહીં. પોરના રાણી બબીબાઈ તો મહારાજના અંગીકૃત, તેનું કારણ મહારાજ ઘણું રાખતા અને બબીબાઇને પોતાની અંતરંગ ઈચ્છા જણાવતાં. એવી કૃપા બબીબાઈ ઉપર હતી. જૂનાગઢ દેસાઈને ત્યાં ઘણું બિરાજતા, હરિદાસ વ્યાસને ત્યાં ઘણું બિરાજતા. સોરઠમાં પધારી અગણિત લીલા ચરિત્ર મહારાજે પ્રગટ દેખાડ્યા. ગામ ગામ પધારી અઢળક દાન આપી જીવને સેવક કીધા. મહારાજે ઘણા મહારથીઓને પણ મહાત કીધા. મોટા પંડિતો પણ શીશ ઝુકાવીને નમી રહેતા અને શરણદાન પામતા. અસુર જાતને પણ દાન આપી કૃતાર્થ કીધા. આવું અલૌકિક પ્રતાપ બળ મહારાજનું હતું.

શ્રીગોપેન્દ્રજીની આજ્ઞા અનુસાર એના વચનને પરિપૂર્ણ કરી, આપે લીલામાં પધારવાની ઈચ્છા કરી, તે શ્રીગોપેન્દ્રજીની ઈચ્છા. એ વાત પોરનાં રાણી બબીબાઇને જતાવી. પછે મહારાજ પોરથી છેલ્લો પરદેશ કીધો. પછી શ્રીનાથદ્વારા પધાર્યા. ત્યાં લીલા વિસ્તાર કીધો. શ્રીનાથજી એ મહારાજ પધાર્યા જાણી બંને કર કમલ લંબાવીને પસાર્યા અને પોતાના સ્વરૂપમાં તેજ પુંજ સમાઈ ગયો. વલ્લભકુલના બાલકો આ જોઈ ઘણું અચરજ પામ્યાં. ઘણા સુખ મહારાજની સાથે અનુભવના લીધાં, તે લખ્યા જાય નહીં. ઘણાં પરસંગ પરદેશમાં વલ્લભ ભેટિયા પાસેથી સંભાળ્યા અને લખ્યાં. પાંચાભાઇને અનુભવ પણ ઘણો, મુજ સાથે કૃપા કરીને ઘણું લખાવ્યું.

જીવનદાસને પણ અનુભવ ઘણો. કવત, છંદ, કીર્તન, ખ્યાલ, ધોળ આ બધું જીવનદાસના સંગે કરીને થતું અને લખાતું. મારી મતીથી કંઈ લખ્યું નથી. તે પાંચાભાઇ તથા જીવનદાસ પુરણ ભગવદીના ઓળે કરીને, તેનું ઘણું કારણ રાખીને, ઘણાં અનુભવ કીધા.

(‘શ્રીપુષ્ટિ સંહિતા ગ્રંથ’ માંથી)

|| સર્વે ભગવદી વૈષ્ણવોને ‘જય ગોપાલ’ ||


Comments

One response to “|| ડોસાભાઈને પાંચાભાઈનો સંગ મળ્યો ||”

  1. […] || ડોસાભાઈને પાંચાભાઈનો સંગ મળ્યો (ભાગ -… […]

Leave a Reply to || ડોસાભાઈને પાંચાભાઈનો સંગ મળ્યો (ભાગ-૨) || – Jay shree Gopal Cancel reply

Your email address will not be published. Required fields are marked *