|| શ્રી ગોપાલો જયતે ||
આ કવત કુશળદાસજી કૃત છે.
પ્રભુ શ્રીગોપાલલાલની સૃષ્ટિમાં રાત્રીય કીર્તન પહેલા ચોમુખ અવશ્યપણે પ્રગટાવવામાં આવે છે. કુશળદાસના એકતાલીસ પ્રશ્નોમાં પ.ભ. કુશળદાસજીએ ચોમુખનું સ્વરુપ, ભાવ તથા કોના હાથે પ્રગટાવવી જોઇએ તે પૂછેલ છે. આ કવતમાં તેની ભાવના સુંદર રીતે વ્યક્ત થયેલ છે.
ચોમુખ સ્વરુપ વ્રજભક્તનકો, તેલ સ્નેહ રસ જાન ||
તાતે જો પ્રગટ ભયે, સો પુરુષોતમહી પ્રમાન. ||1||
કુશળદાસજી કહે છે, ચોમુખનું સ્વરુપ વ્રજભક્તોનું છે. તેલ સ્નેહ સ્વરુપથી છે. અને આ દ્વારા જે પ્રગટ થાય એ સાક્ષાત પુરુષોતમ સ્વરુપ છે.
વ્રજભક્તન વિરહકો, કરે તાપ વિનાશ ||
પ્રાકૃત સબ અપ્રાકૃત દીસે, દીયે દિવ્ય રસકો દાન. ||2||
વ્રજભક્તોને સ્વરુપાનંદના અનુભવનો જે વિરહતાપ છે તે ચોમુખના દર્શનથી દૂર થાય છે. જે લૌકિક હોય તેના પણ દિવ્ય દ્રષ્ટિના દાન દ્વારા લીલાત્મક સ્વરુપથી દર્શન થાય છે.
ગાન કરે તબ પ્રગટ ભયે, તન તનમેં રસદાન ||
માન તજે સબ દેહકો, એસો દિવ્ય હુતે ગાન. ||3||
વ્રજભક્તો મળી પ્રગટ સ્વરુપનો કીર્તનરસ લે છે ત્યારે આ ભક્તોની મધ્યમાં ભાવાત્મક સ્વરુપથી પ્રભુ પ્રગટ થઇ ભક્તોને આનંદનું દાન કરે છે. તે સમયે પોતે કોણ છે-શું છે તેનું અનુસંધાન રહેતું નથી. માત્ર દાસભાવથી ગાન થાય છે. આ ગાન અલૌકિક સ્વરુપાત્મક છે.
શ્રી સહિત બિરાજહી, સબ જુથ કે બીચ ||
કો જાને નરમાદા, કો જાને ઉંચ નીચ. ||4||
આ અલૌકિક કીર્તનરસમાં વ્રજભક્તો-પ્રજભક્તો સંગ શ્રીઠાકોરજી, શ્રીસ્વામિનીજી સહિત બિરાજે છે. આ કીર્તનરસમાં વર્ણને સ્થાન નથી(પુષ્ટિમાર્ગમાં વૈશ્નવએ પાંચમું વર્ણ છે.) કોઇ જાતના ભેદભાવને સ્થાન નથી. સર્વે જુથ એકજ ભાવથી રાસાનંદ લે છે.
તો તે ચોમુખ પ્રગટહી, કીયો સબે ગુણગાન ||
પુષ્ટિ રસકો દેનકો, કીયો રજની ગાન. ||5||
કુશળદાસજી કહે છે કે, ચોમુખ તાદરશી વૈષ્ણવો પાસે, પણધારી વૈશ્નવો પાસે, અનન્ય વૈશ્નવો પાસે પ્રગટાવવી જોઇએ, જેથી વ્રજભક્તોના ભાવથી ભૂષિત વૈશ્નવવૃંદ ગુણગાનનો આનંદ લઇ શકે. આ કીર્તન રસ દ્વારા સાક્ષાત શ્રીઠાકોરજી બિરાજી રસાનંદ લઇ રહ્યા છે તેનો અંગઅંગમાં અનુભવ આ વૃંદ કરે છે. આ કીર્તનરસમાં કુશળદાસજી રાત્રેજ ચોમુખ કરવાનો ઉલ્લેખ કરે છે.
કહે કુશળ નિજ ભાવકો, સખી રુપ પહેચાન ||
તાતે ચોમુખ પ્રગટહી, હુવો સખીકો માન. ||6||
પ.ભ. કુશળદાસજી કહે છે, આપણે લીલામાં સખીરુપ છીએ, તે જ ભાવ પ્રજભક્તોએ રાખવાનો છે. આ ભાવથી જ કીર્તન કરવું જોઇએ. આ માટે ચોમુખનું પ્રાગ્ટ્ય છે. જો માન થાય તો… કુશળદાસજી સમજાવે છે કે જેમને કીર્તનરસ સમયે માન થાય છે તેમની પાસેથી ઠાકોરજી અંતરધ્યાન થાય છે, ત્યારે સ્વરુપનો વિરહ થાય છે.
માન તજાયો ભાવ જાનીકે, નાહી તનકો ભાન ||
જીવ સ્વરુપ કહાં જાનહી, ચોમુખ કો પ્રમાન. ||7||
આમ શ્રીઠાકોરજી પ્રગટ થઇ આ રસિક ભગવદ્દી ભક્તો સંગ વિલસે છે. પ.ભ. કુશળદાસજી કહે છે, જીવ બુદ્ધિથી ચોમુખના પ્રમાણનો ખ્યાલ નહિ આવે, એ તો અનન્ય વ્રજભક્તો જેવા ભાવથી જ આવશે.
(‘અમૃતરસ ચિંતામણિ ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદ્દી વૈશ્નવોને ‘જય ગોપાલ’ ||
Leave a Reply to Suresh bharakhda Cancel reply