|| શ્રી પંચમી પુજા મદન મહોત્સવ ||

0
183

|| શ્રી ગોપાલો જયતે ||

શ્રી પંચમી પૂજા મદન મહોત્સવ, સબહી ત્રિયા મનભાઈ ||
કરહી વસંત સાજ પુજાકો, શ્રીસત્યભામા દેત બધાઈ ||૧||

જેમ વૃક્ષ પર નવ કોર આવે તેમ વ્રજસુંદરીના મનમાં રહેલ કામભાવને તૃપ્ત કરવા આ પૂજા ઉત્સવ દ્વારા પ્રિયતમ મિલન માટે સાજ સજી રહી છે. શ્રી સત્યભામા સુંદરી સર્વને વધાઈ આપી રહી છે.

મંજન તેલ કરી લાલનકું, તાતે નીર નવાઈ ||
કેસર તિલક કીયો ભાલે સુંદર, કેસરી પાધ ધરાઇ ||ર||

લાલ શ્રીગોપેન્દ્રજીને સર્વ સુંદરી અંગ પર તેલ ઘસી સોહાતા ગરમ જલથી સ્નાન કરાવે છે. શ્રીગોપેન્દ્રજીના કપોલ પર સુંદર કેસરનું તિલક કરેલ છે. કેસરી પાઘ ટેઢી (વાંકી) ભાલ પર ધરી છે.

કેસરી ધોતી લાલ ઉપરનો, કેસરી વાઘો પેનાઈ ||
ગુંજાવલી મુકતા ઉરમાલા, ભુષન અંગોઅંગ ઠાઈ ||૩||

શ્રી ગોપેન્દ્રજીને કેસરી ધોતી ધરાવી છે. લાલ ઉપરનો શ્રી સ્વામિનીજીના ભાવથી ધરેલ છે. કેસરી વાઘો ધરેલ છે. હૃદય પર મુકતા માળા ધરી છે. સર્વે શણગાર પછી ગુંજામાળા ધરી છે. બાજુ , કડા, કુંડળ, ચરણમાં નેપુર, કટી પર કંદોરો સર્વ શણગાર અંગ પર ધરીયા છે.

મેવા બહોત આરોગે રૂચીસું, પાન બીરી મુખ માંહી ||
બની ઠની બેઠકમાં જુ બિરાજિત, આનંદ અંગ ન સમાઇ ||૪||

શ્રી સત્યભામા માતાએ પોતાના લાલન શ્રીગોપેન્દ્રજીને સર્વ શણગારથી સજી અનેક ભાંતિના મેવા આરોગાવ્યા છે. મુખમાં પાનના બીડલા આપેલ છે. આ લાલનને સુંદર રીતે શણગારી બેઠકમાં પધરાવ્યા છે. તેમના મુખકમલ પર નિરખતા હરખ સમાતો નથી.

બ્રજ કુંવરી જંબુવતી જુવતી, જુથ સબે મિલી આઇ ||
તાલ મૃદંગ ડફ ઝાંઝ ઝાલરી, ફાગ ધમારહી ગાઇ ||૫||

લીલાના યુથાધિપતિ શ્રીબ્રજકુંવરી, શ્રી જાંબુવંતી રાણી પોતપોતાના યુથના સખીગણને લઈને તાલ મૃદંગ, ઝાંઝ, ડફ, ઝાલરી વગાડતી-ગાતી આવી રહી છે.

ઢાંક કુસુમ અરૂ અંબ માંજુરી, કામહી સાજ બનાઈ ||
કનક કલશ જલ ભરી આવત પીત, ભામિની શિરજુ ધરાઇ ||૬||

પ્રિયતમ સંગ વિલાસ કરવા આ વ્રજયુવતિ પોતાના શિર પર કનક કલશ માં કુસુમ, અંબના કોર, લઈ પૂજાનો સાજ ધરી આવી રહી છે.

ગાવતી ગીત ચલી બ્રજ બિનતા, શ્રીગોપેન્દ્રલાલપે આઇ ||
અબીર ગુલાલ અરગજા અગર રસ, મોહન મુખ લપટાઇ ||૭||

જ્યાં પોતાના પ્રિયતમ શ્રીગોપેન્દ્રલાલ બનીઠનીને બેઠકમાં બિરાજી રહયા છે ત્યાં આ સર્વ સુંદરી પ્રિયતમના મુખ પર અબીર, ગુલાલ, અરગજા રસ લપટાવી સુંદર મુખારવિંદ નિરખી રહી છે.

સોંધો ધુર કપુર લગાવત,કેસર રસ છીરકાઈ ||
આલિંગન ચુંબન અવિલંબન, ફગવા લીયે મન ભાઈ ||૮||

આ વ્રજસુંદરી સુગંધી પદાર્થ, ધુર કપુર તથા કેસરના રંગને છીરકાવી પ્રિયતમ શ્રીગોપેન્દ્રજીને આલિંગન-ચુંબન તથા પરસ્પર ભેટી પોતાને ગમતા મેવા મિઠાઈ લે છે.

બસન મગાયે દીયે સત્યભામા, સુંદરી સબે જુ પેનાઈ |
દેત આશિશ ચિરંજીયો ગોપેન્દ્ર, અખિલ રાસ સુખદાઇ ||૯||

પોતાના ગૃહે જે વ્રજસુંદરી આવી છે તેને માતા સત્યભામાજી નૂતન વસ્ત્રનું દાન આપે છે. આ સમયે સર્વ વ્રજસુંદરી આ લાલ ઘણું જીવો તેવા આશિષ આપે છે. તથા આ શ્રીગોપેન્દ્રજી અખિલરાસના સુખ આપવાવાળા છે તેમ કહે છે.

દેખત ખેલ વેમાન છાંયો સુર, પુષ્પની વૃષ્ટિ કરાઈ ||
રૂકમની રવન શ્રીગોપેન્દ્ર પિયા પર, જીવન જન બલજાઇ ||૧૦||

આ પ્રગટ પુરૂષોત્તમ શ્રીગોપેન્દ્રજીનો અદ્દભુત ખેલ જોઈ આકાશમાંથી દેવતાઓ વિમાન દ્વારા છવાઈ ગયા છે અને પુષ્પની વૃષ્ટિ કરી રહયા છે. શ્રી રૂક્ષમણિ વહુજીના સ્વામિ શ્રીગોપેન્દ્રજીની અદ્ભુત અલૌકિક લીલા નિરખી કલિયુગમાં જીવનદાસ સર્વસ્વ ન્યોછાવર કરે છે.

(‘અમૃતરસ ચિંતામણિ ગ્રંથ’ માંથી)

|| સર્વે ભગવદી વૈષ્ણવોને પ્રદીપભાઈ ગોહેલ (જામનગર) ના ‘જય ગોપાલ’ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here