|| શ્રીજાંબુવંતી વહુજીની આજ્ઞા(ભાગ-૧) ||

1
243

|| શ્રી ગોપાલો જયતે ||

શ્રી પુષ્ટિ સંહિતા ગ્રંથ ક્રમશ: વાંચવા માટે અંહિયા ક્લિક કરો

સંવત ૧૭૯૭માં મકનદાસ છીપાએ ચૈત્ર વદ ચતુરાદશીનો માંડવો પાંચદેવળે કીધો. ભાઈ બબુ અને ગોપો રાવળ મળીને માંડવાનું પરિયાણ કીધું તે કંકોતરી સર્વે દેશમાં લખી અગણિત જુથ તેડાવ્યું. તે દેશ – દેશ માંથી સેવકજન ઉમંગ્યા, આવી મળ્યાં. દર્શન કરતા હૈયડા ટાઢા થાય. વડભાગીને નયણે નીરખતાં હરખનો પાર રહ્યો નહી. વ્રજના આવ્યા, પ્રજના આવ્યા. એમ જૂથનો પાર પમાય નહિ, તેટલું જુથ મળ્યું. હું(ડોસાભાઈ) તથા જીવનદાસ, પાંચાભાઈ વગેરે મળીને માંડવે હાલ્યા, તે પાંચદેવળે બારસે પુગ્યા. મારગમાં વાતું ઘણી શ્રીઠાકોરજીના ઘરની કરતા ગયા અને જુથ સામટા ભેળા ભળતા હાલ્યા, પણ ઇના ભાવનો વરણવ થાય નહીં. એવા ભગવદી જનના દર્શન થતાં મનમાં મોદ ઉભરાય. મંડપની રચના અલૌકિક અદભૂત રળિયામણી કરી હતી. ધજા, પતાકા, તોરણ, ચાકળા વગેરેથી દિપતો હતો. ધજા, પતાકા, કળશની શોભા ઘણી કીધી હતી. તેનું દર્શન અલૌકિક થતું હતું.

વૈષ્ણવ જૂથને ઉતારા ઘણાં આપ્યાં, સુખ સગવડનો કોઈ પાર નહી. સેવક ટેલ કરે ને મનમાં મોદે ભરે અને વાતો ગોપેન્દ્રજીની કરે. સાચા સોહાગીજનના જુથ સામટા ભેળાં ઉતર્યા હતાં.

માંડવેથી સામૈયા શણગારીને વાજતે ગાજતે ચાલ્યાં, તે ગામને પાદર સમિયાણા ઊભા કીધા હતા. ત્યાં જુથ સામટા મળીને કીર્તન કરે. સામૈયા લઈને પાદરે પૂગ્યા, સર્વેને હળ્યા મળ્યાં, ખુબ ખુબ ભેટ્યાં.

શ્રી ઠાકોરજીને મનુહાર પોથીજી પધરાવીને કીધા. પુષ્પની માળા, તેલ તિલક, તાંદુલના થાળ સન્મુખ ધરાવ્યા. મીઠા જળના ગગરા ધરાવ્યા. પછે મનુહાર કરી, પછે ન્યોછાવર કીધું અને પછે તેલ તિલક કીધાં. મીઠા સાકરીયા જળ સૌને લેવરવ્યા અને પછે સામૈયા લઈને ચાલ્યાં. ઘણાં છંદ, કવત, સાખી, ચોપાઈ, સોરઠા લલકારે. કીર્તન મંડલી કીર્તન કરી જશ અવનવા ગાય, નારી વૃંદનું જુથ માથે કળશ લઈને ધોળ મંગળ ગાતા મલપતા હીંડે. તે સામૈયા દી ચડે પોર એક પછે કીધાં હતાં. તે માંડવે પુગ્યાં, ત્યાં દિ આથમો અને પછે પંગત પરસાદ લેવાની પડી. બાટનો પરસાદ ધર્યો, પછે ભેળુ ભાત ધર્યો અને સર્વેને સંતોષ્યા.

પછે બીજો દી મધખેલનો કીધો. સર્વેને ચબીના આપ્યાં અને પછે કીરતન સમાજ સર્વે ગામની મંડળીના થાય. આનંદ કતોહલ માંડવામાં થાય. એમ કરતાં બપોર થયો, તેલ તિલક કીધાં, ભેટની લખણી થઈ અને ઉમંગ્યા ભેટ ધરે, ગામ ગામના નામ ઠામ લખાય, પછે મહાપ્રસાદ લેવાની પંગતું પડી. આનંદે મહાપ્રસાદ લીધાં.

ક્રમશ:…

|| શ્રીજાંબુવંતી વહુજીની આજ્ઞા(ભાગ-૨) ||

(‘ શ્રી પુષ્ટિ સંહિતા ગ્રંથ ‘ માંથી)

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||

 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here