|| શ્રી ગોપાલો જયતે ||
સંવત ૧૭૯૭માં મકનદાસ છીપાએ પાંચદેવળે મહામંડપ કીધો તેમાં બીજો દી મધખેલનો કીધો. ચબીના થયા, કીર્તન આનંદ થયા, બપોરે તેલ તિલક કીધાં ભેટની લખણી થઇ અને આનંદે મહાપરસાદ લીધાં.
અને પછે કીરતન વારતા એ બેઠા, તે ઠાકોરજીના ઘરની ચર્ચા ઘણી થાય. સાંભળતા મનમાં હરખ ના સમાય. અનુભવી યા આગળ વારતા થાય, ગ્રંથ ખોલીને પ્રસંગ ચર્ચાય. ઘણાં જુથ સાંભળવા બેઠાં હતા. ત્યારે જાંબુવંતી વહુજી મહારાજનો ભેટિયો વલ્લભ જી ગોકુળથી પરસાદી ઉપરણો ઠાકોરજીનો લઈને આવ્યો અને વહુજી મહારાજનું કહેણ લઈને આવ્યો હતો. તે સર્વે સમાજને સંભળાવ્યું હતું અને કહ્યું કે જાંબુવંતી વહુજી એ આજ્ઞાં કરતા કહ્યું છે કે: અમોએ ગાદી કોઈને સોંપી નથી અને ગોપેન્દ્રજી ની આજ્ઞા પરમાણ રાખીને કોઈને સોંપશું નહી. તમે કોઈ બાળક ની વાતને માનમાં લેશો નહીં.
અને ગોપેન્દ્રજીની આજ્ઞા પરમાણ માનીને રહેજો. તમોને જે સેવન પધરાવી આપ્યું છે, તેને સેવજો. અને તે તમારા ઘરમાં બિરાજે છે, તેની સનમુખ તમારા બાળ ગોપાલ નાના મોટા સર્વેને શરણદાન આપજો, તે પંચભગવદીની કાનીથી આપજો. તમને જે ભગવદીનો ભર ઉપજે, તેનો વિશ્વાસ રાખી શ્રીગોપાલજી તથા શ્રીગોપેન્દ્રજીનાં નામનો મંત્ર ઉપદેશ અષ્ટાક્ષરથી આપજો, ને પંચાક્ષર સંભળાવજો. તે જીવને નિવેદન થયું જાણજો અને સન્મુખ ભેટ ધરજો, તે અમારા ભેટિયાજીને આપજો, જે અમારા ઘરની ગણાશે. બીજો કોઈ જાજો વહેવાર કોઇથી રાખશો માં. તમારા ધણી તમારા માથે બિરાજે છે, તેને માનજો, તેની કાની રાખજો, તેની આજ્ઞાનું પ્રમાણ તમો સર્વો ભગવદી જાણો છો. તે શ્રીગોપેન્દ્રજી ની ઈચ્છાએ કરીને તમને જે આજ્ઞા કરી ગયા છે, તે પરમાણ માનીને રહેજો. વલ્લભજી ભેટીયા સાથે કેણ ગોપેન્દ્રજીની આજ્ઞા અનુસાર મોકલ્યું છે, તે વિચારીને ચાલજો. અમો વારે-વારે કહીએ છીએ કે, અમોએ ગાદી કોઈને સોંપી નથી, તે તમે નિશ્ચય કરીને જાણજો. બાકી અમારા ઘરની વાત અમો જાણીએ છીએ અને તમોને જણાવીએ છીએ.
શ્રી ગોપેન્દ્રજી ની આજ્ઞાનું પ્રમાણ અમોએ સર્વે બાલકને વંચાવ્યું છે. પછે ઢુકડાં આવતા બંધ થયા છે. અમોને પરિશ્રમ ઘણો આપ્યો તે લખાય નહી. પણ અમો તો શ્રીગોપેન્દ્રજીની આજ્ઞાએ મક્કમ રીયા, જેથી કલેશ બંધ થઈ ગયો છે. ભેટ ઠાકોરજીની આગળ ધરજો અને ભેટીયાને અમો ફેરવીએ છીએ તેને આપજો. તે અમારી આજ્ઞાથી ફરે છે.
બીજું મહદ ભગવદી પાંચનું કારણ રાખજો. ખેલ, માંડવા, ઓચ્છવ, મનોરથ આપણા ઘરની રીતી તમે સરવે જાણો છો, તે પરમાણ રાખીને સરવે મળીને કરશો. જેથી ઠાકોરજી તમ ઉપર ઘણું પ્રસન્ન રહેશે. આ સિવાય બીજો કોઇ પરકાર રાખશો માં. કોઈ બાલકની વાત માન્યામાં લેતા નહી, છેટા રહેજો. આપણા ઘરનું કારણ જાણીને રહેજો. તમારા ઘરનું કારણ રાખજો. આપણી માળા જે ધ્રાંઠની છે તેનું કારણ રાખજો. બીજી માળાનું કારણ આપણા ઘરમાં નથી તે નિશ્ચે જાણજો. પણ આપણા ઘરનું દાન વડું કરીને જાણજો. બાકી વલ્લભ ભેટીયો મહારાજની સાથે ફરતો, તેથી ઘણો અનુભવ તેને છે. જમુનેશનો ખાસ અંગીકૃત છે. જેથી સર્વ વાત જાણે છે, તેને પુછજો.
આમ વલ્લભ ભેટીયે ચોખ પાડ્યો અને સર્વે સમાજે સાંભળીને ઠાકોરજીનો અને વહુજી મહારાજનો જે- જેકાર બોલાવ્યો. ઘણાં આનંદમાં આવી નાચ્યાં અને મનમાં હરખાણા કે વલ્લભ ભેટિયે ઘણો ચોખ પાડ્યો. અને સ્વાર્થી જન મુંડ હલાવી ભુંડા મોકલા કરી ભાગ્યા. કોઈએ પાછા વાળ્યા નહી. અને સમાજમાં ખુબ આનંદ થયો. મેળાપ દન પાંચનો રીયો. મહામંડપ ચૈત્ર વદ ચતુરાદશીનો કીધો હતો. પણ ઇ સુખના વરણવ લખ્યાં જાય નહીં. પછે અમોને માળા- પરસાદ મકનદાસે આપ્યાં. મકનદાસે પાંચાભાઈને પેરામણી પાઘની કીધી. મને ઊપરણો ઓઢાડ્યો. જીવનદાસને પણ પીતાંબરી ઓઢાડીને વિદાય કીધાં. આવા ઘણાં સનમાન કરી મકનદાસે બધા વૈષ્ણવોને વિદાય કીધાં તેનો હરદો ઘણો ભરાઈ આવે અને વૈષ્ણવોને ચરણે પડે. રાજ, તમ પધારે મારે ઘણું રૂડું થયું. એવા મીઠડાં વચન બોલે, અને જે ગોપાલ કરીને ભેટે, પછે વિદાય કરે. આવો અનહદ ભાવ મકનદાસનો, મોદ સમાય નહી તેવો હતો. તેણે વૈષ્ણવની છાપને દ્રઢ કરીને દેખાડી. મંડપમાં સુખ ઘણાં શ્રીજીને અને વૈષ્ણવોને લેવરાવ્યા. તે લખ્યા જાય નહીં.
(‘શ્રી પુષ્ટિસંહિતા ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||
[…] || શ્રીજાંબુવંતી વહુજીની આજ્ઞા(ભાગ-૨) || […]