|| શ્રી ગોપાલો જયતે ||
દેખ્યો શ્રી રઘુવર નંદ, શ્રી ગોકુલમેં દેખ્યો શ્રીરઘુવરનંદ ||
શ્રીગોપાલ કૃપાનિધિ પ્રગટે, સુખનિધિ આનંદ કંદ..||૧||
આજે શ્રીગોકુલમાં શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલનું દર્શન કર્યું. શ્રી ગોપાલલાલ દૈવી જીવો પર અતુલિત કૃપા કરવા વાળા છે. સુખ આપવામાં, આનંદનું દાન કરવામાં આપ અત્યંત ઉદાર છો.
મંગલ બાજા બાજે બહુબિધ, ગુન ગાવત શ્રુતિ છંદ ||
માનની નિરખત ઉમંગી હોત હે, ફુલે નેન અલી વૃદ.||ર||
આ સ્વરૂપના પ્રાગટયથી દ્વાર પર અનેક પ્રકારના વાજીંત્રો વાગી રહયા છે. શ્રુતિ માં જે શ્રીઠાકુરજીના પ્રાગટયની રૂચાઓ છે તે દ્ધિજજનો તાલબધ્ધ ગાઈ રહયા છે. આ સ્વરૂપના દર્શનથી સર્વ સ્ત્રીજન આનંદિત થયા છે. સર્વ ગોપીજનોના સમૂહના
નેત્રમાં આ સ્વરૂપના દર્શનથી વિશેષ આનંદ દેખાઈ રહયો છે.
પ્રમોદીત ભઇ જાનકી મૈયા, ભુક્ષન બસન સુગંધ ||
દેત બુલાય બુલાય જુવતનકુ, ઉછાહ આપે ઉમંગ.II૩||
શ્રી જાનકી માતા પોતાની કુંખે પ્રભુના પ્રાગટયથી હરખાણા છે. અનેક પ્રકારના આભૂષણો, વસ્ત્રોનું દાન જે યુવતિજનો ગોકુલના વધાઇ આપવા આવે છે તેને અત્યંત આનંદિત થઈ આપે છે.
ભાદો વદ ખષ્ટિ રવિવારે, પુષ્ટિ રસકો ચંદ ||
કાનદાસ હીત પ્રગટે ભુવ પર,મિટયો તિમિર સબ ફંદ.||૪||
ભકતો માટે જે વિરહ તાપનો કૃપા રૂપી રસ છે તે ચંદ્રની શીતલતા સ્પર્શે તેમ આ સ્વરૂપના પ્રાગટયથી ભકતોને થયું છે. કાનદાસ કહે છે, આપે મારા માટે જ ભૂતલમાં પ્રાગટય લીધું છે. મારો જે આપના મિલન માટે અંતરાય હતો, અંધકાર હતો, સ્વરૂપનું દર્શન ન હતું તે આપના પ્રાગટયથી દૂર થયું છે.
(‘અમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને ‘જય શ્રી ગોપાલ’ ||