|| શ્રી ગોપાલો જયતે ||
રઘુવર મંગલ ચાર આજ, રઘુવર મંગલ ચાર ||
જાયો કુંવર ગોપાલ જાનકી, ગોકુલ જે જે કાર. ||૧||
ચાર દિશા, ચાર વેદ સ્વરૂપ જે બ્રહ્મ છે તેનું પ્રાગટય આજે શ્રીરઘુનાથજીના ગૃહે. પુત્ર સ્વરૂપે થયું છે. શ્રીજાનકી માતાજી શ્રીગોપાલલાલના પુત્ર સ્વરૂપે પ્રાગટયથી આનંદિત થયા છે. સમગ્ર ગોકુલગામમાં આ લાલનો જય હો જય હો તેમ થઈ રહયું છે.
ભેરી મૃદંગ નગારે ઘોરે, બાજત બધાઇ દ્વાર ||
શબ્દ સુનિત જીત તિતથે આઈ, સુધ ન પરત નરનાર.||૨||
પ્રચંડ અવાજથી નગારાની નોબત તથા મૃદંગ દ્વાર પર વાગી રહી છે. શ્રીગોપાલલાલના પ્રાગટયના સમાચાર સાંભળી ગોકુલની નારી જ્યાં હતા ત્યાંથી દોડીને આવ્યા છે. સ્વરૂપ દર્શનથી પોતાના દેહનું ભાન રહયું નથી તેવું દર્શન થયું છે.
કનક કલશ સુંદરી શિર શોભિત, નિખશિખ રચ્યો સિંગાર ||
નાચત ગાવત ઉમંગી લાલ મુખ, નિરખત વારંવાર.||૩||
સોનાના કળશ-શ્રીફળ, ચોખા, મગ વ્રજસુંદરી પોતાના શિર પર લઇ નિકળી છે. પોતાના સર્વાગ શણગાર સજી વધાવવાને જાય છે. શ્રીરઘુનાથજીના ગૃહે શ્રીજાનકીજી ની ગોદમાં લાલનનું સ્વરૂપ જોઇ આનંદિત થઈ, નાચી – મંગલ ગીત ગાય છે. સ્વરૂપની મોહકતા એટલી છે કે વારંવાર બસ આજ સ્વરૂપને નિરખ્યા કરીએ તેમ થાય છે.
કેસર ચંદન સબ મિલી છીરકત, ફૂલે ગોપ કુમાર ||
ફુલે બંસ સકલ શ્રીવલ્લભકો, કરત બેદ ધુની ધાર. ||૪||
વ્રજલલનાઓ લાલનના પ્રાગટયથી આનંદિત થઈ પોતાના ગૃહેથી દૂધ, દહિં, કેસર, ચંદન અરસપરસ છીરકી રહી છે. વૃજબાળકો પણ આનંદિત થયા છે. શ્રીવલ્લભાચાર્યજીના વંશમાં જે બાળકો છે તે પણ આજે શ્રીગોપાલલાલ – શ્રીનાથજીના સ્વરૂપથી પ્રગટયા છે તેથી આનંદિત થયા છે. બ્રાહ્મણો આજે વેદના પાઠો કરી વધાવી રહયા છે.
દીને દાન માગદ કીયે મહિપત, દ્રીજવર ભયે ઉદાર ||
રામદાસ પ્રભુ ગોકુલ પ્રગટે, નિજજન હિત બિહાર. ||૫||
શ્રીરઘુનાથજી આજે ખૂબજ હર્ષમાં આવી માગદજનોને દાન આપી તેમને રાજા જેવા કર્યા છે. રામદાસે કહે છે પોતાના જનની પુનઃલીલા પ્રાપ્તિ માટે શ્રીગોપાલલાલે ગોકુલમાં પ્રાગટય લીધું છે.
(‘અમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને જાનકી ગોરડિયા (શિહોર) ના ‘જય શ્રી ગોપાલ’ ||