|| શ્રી ગોપાલો જયતે ||
વલ્લભકો પરિવાર ફુલે, સબ વલ્લભકો પરિવાર ||
જાનકી કુંખે જગ્ત પતિ આયે, પરિપુરણ અવતાર.||૧||
આજે શ્રી ગોપાલલાલના પ્રાગટયથી સમગ્ર વલ્લભકુલનો જે પરિવાર છે તે હરખથી સમાતો નથી. શ્રીજાનકીજીને કુંખે પુત્ર સ્વરૂપે જગતના સ્વામિ પધાર્યા છે. આ સ્વરૂપ પુષ્ટિ પુરૂષોત્તમ રૂપે છે.
જાકો ધ્યાન ધરત નારદ મુનિ, નિગમ ન પામે પાર ||
શેષ સહસ્ત્ર મુખ રટત અહોનિશ, પાવત નહિ તોઉ પાર.||૨||
જેનું ધ્યાન નારદ જેવા શ્રેષ્ઠ મુનિજન કરે છે. વેદો પણ જે સ્વરૂપના યશ ગાઈ રહયા છે. શેષજી પોતાના સહસ્ત્ર ફેણથી પ્રભુના યશ ગાઈ રહયા છે તો પણ તેમનો પાર ન પામી શકાય તેવું ગૂઢ સ્વરૂપ શ્રીગોપાલલાલનું છે.
ક્ષીર સાગરમેં શેષ શૈયા કરી, પોઢે હે આપ દયાલ ||
અપુની ઇચ્છા આપ કરનકું, નાભિ તે બ્રહ્મા પ્રકાશ.||૩||
દુધના સાગરમાં શેષજીની શૈયા કરી આપ પોઢેલા છો. આપની ઈચ્છા સૃષ્ટિ કરવાની થઈ તેથી આપની નાભિમાંથી બ્રહ્માનું પ્રાગટય કર્યું.
ઇચ્છા તે તીન ગુન પ્રગટ ભયે, બ્રહ્મા વિષ્ણુ શિવ સાર ||
સર્વ શક્તિ તે સૃષ્ટિ પ્રગટાઈ, માયાકો નહિ પાર.||૪||
પોતાની ઈચ્છાથી ત્રણેય પ્રકારના ગુણો, સાત્વિક, રાજસ અને તામસને પ્રગટ કર્યા. બ્રહ્માનું કાર્ય સૃષ્ટિનું સર્જન કરવું, વિષ્ણુ સ્વરૂપનું કાર્ય તેને પ્રસરાવુ અને શિવનું વિલીન કરવું તે. પોતાની કૃપા શકિતથી, ઈચ્છા શકિતથી આ સૃષ્ટિ પ્રગટ કરી, આમાં માયાનું જોર એવું છે કે તે વર્ણવી ન શકાય.
ક્રોડ પચાસ પૃથ્વી પ્રગટાઇ, અષ્ટ કુલ નવ કુલ નાગ ||
રામદાસ પ્રભુકી યહ લીલા, કોઉ ન પાવે પાર.||૫||
પૃથ્વીનો વ્યાપ પચાસ કરોડનો છે. આઠ કુલ, નવ કુલ નાગના પ્રગટ કર્યા. રામદાસ કહે છે. પ્રભુની આ લીલાનો જીવ પાર પામી શકે તેમ નથી. માત્ર કૃપા પાત્ર ભગવદ ભકતો જ પ્રભુનું સ્વરૂપ અનુભવશે.
(‘અમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને ‘જય શ્રી ગોપાલ’ ||