|| શ્રી ગોપાલો જયતે ||
ગોકુલ મેં શ્રીગોપાલ પ્રગટે, ગોકુલમેં શ્રીગોપાલ ||
બાજત બધાઈ શ્રીરઘુવીર દ્વારે, નિજજન મંગલ ચાર.||૧||
શ્રીમદ્ ગોકુલમાં શ્રીગોપાલલાલનું પ્રાગટય થયું છે. આજે શ્રી રઘુનાથજીના ગૃહે વધાઈ નોબત દ્વારા વાગી રહી છે. ચારે દિશા જે અંગીકૃત ભગવદ ભકતો છે તેનું શુભ થઈ રહયું છે.
ભેરી મૃદંગ નગારે ઢોલા, ઝાંજ સેનાઇ તાલ ||
શબ્દ સુનિત જીત તીતથે દોડી, માતો મદન તેહી કાલ.||ર||
શ્રીરઘુનાથજીના ગૃહે નગારા ઢોલક, મૃદંગ શહેનાઈ, ઝાંઝને સુંદર તાલથી વગાડે છે. જેવા પણ લાલનના પ્રાગટયના સમાચાર મળ્યા તો ત્યાંથી દોડીને શ્રી રઘુનાથજીના ગૃહે આવી પ્રભુના દર્શન માટે દેહમાં કામ ઉભો થયો – ઈચ્છા થઈ.
ભાદો વદ ખષ્ટિ રવિવારે, અશ્વિની નક્ષત્ર સાર ||
ધન્ય કુંખ શ્રી જાનકી મૈયા, જન્મયો કુંવર દુલાર.||૩||
શ્રાવણ વદ છઠ, રવિવાર, અશ્વિની નક્ષત્રમાં શ્રી જાનકીજીની કુંખે પુત્ર સ્વરૂપે આપનું પ્રાગટય થયું.
નવસત અંગ સિંગાર સુંદરી, કાજર નૈન લગાર ||
ધસી મસી આયે નિરખ્યો પ્રિતમ, ઉલટ અંગ ન માય.||૪||
વ્રજયુવતિ ગણ સોળે શણગાર સજી, આંખમાં આંજણ આંજી આવી રહી છે. વ્રજયુવતિને દ્વાપરમાં જે વચન પોતાના સ્વામિએ આપેલ તેની યાદ આવતા પોતાના પ્રિયતમ નું જ પ્રાગટય છે તે હદયના ભાવથી જાણી આનંદ સમાતો નથી.
જાચક નટવા નૃત્ય કરત હે, ચહુદિસથે સબ ધાય ||
કીયે અજાચક દરશન દીને, કૃષ્ણદાસ બલ જાય.||પ||
ચારે દિશામાંથી માગદજનો, નટવા આવી નૃત્ય કરે છે, પોતાનો આનંદ વ્યકત કરે છે. શ્રી ગોપાલલાલે માત્ર પોતાના દર્શનના દાનથી સમૃદ્ધ કરી દીધા કે તે અજાચી થઇ ગયા. કૃષ્ણદાસ કહે છે કે હું પ્રભુના પ્રાગટયથી ભકતો માટે જે રસાત્મિક સ્વરૂપ છે તેના પર વારી જાઉં છુ.
(‘અમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને હેલી બેન કડવાણી(બાબરા)ના ‘જય શ્રી ગોપાલ’ ||