|| શ્રી ગોપાલો જયતે ||
ફુલે શ્રીરઘુબરરાય ગોકુલ, ફુલે શ્રીરઘુબરરાય ||
શ્રીગોપાલ કૃપા નિધ પ્રગટે, ત્રિભોવન ભયો ઉછાય.||૧||
ગોકુલમાં આજે શ્રીરઘુનાથજી આનંદથી સમાતા નથી. પોતાના ગૃહે સાક્ષાત્ પૂર્ણ પુરૂષોત્તમ સ્વરૂપે શ્રીગોપાલલાલનું પ્રાગટય થયું છે જે ભકતો પર કૃપા કરવાવાળા છે.હવે ધર્મનું સ્થાપન થશે માટે ત્રણેય ભુવનમાં આપના પ્રાગટયથી આનંદ થયો છે,
ઘર ઘર થેં ગોપીજન ફુલી, નૌસત સાજ કરાય ||
તેવ તેવડી ટોલે મલી નિકસી, ફુલી અંગ ન માય.||૨||
શ્રીલાલનના પ્રાગટયના સમાચારથી ગોપીજનો આનંદ પામ્યા. વધાઈ આપવા સરખે સરખી ટોળે મળી સોળ શણગાર સજી નિકળી રહયા છે. પોતે આનંદથી સમાતી નથી તેવો હરખ દેખાઈ રહયો છે.
ભાદો માસ સુભગ વદ ખષ્ટિ, દિન રજની અર્ધ ભાય ||
વાર રવિ નક્ષત્ર અશ્વિની, ફેરી આપ વ્રજ આય.||૩||
શ્રાવણ માસ વદ છઠ ને અર્ધ રાત્રિએ આપનું પ્રાગટય થયું છે. રવિવાર, નક્ષત્ર અશ્વિનીમાં ફરી આપે વ્રજમાં પ્રાગટય લીધું છે. દ્વાપરમાં આજે પ્રથમ વખત લીધું હતું.
ચલી સબ વૃંદ બધાવન બહો બિધ, આનંદ ઉર ન સમાય ||
કનક કલશ કેસરકો ભરભર, લીને શિર જુ ધરાય.||૪||
સરખે સરખી વ્રજયુવતિ લાલનના પ્રાગટયના સમાચારથી વધાઈ આપવા મોડા મોડ આનંદી ચાલી રહી છે. પોતાના શિર પર સોનાનાં કળશ લઈ ગજ ગામિની ચાલી રહી છે.
થાલ લીયે કરમેં અતિ સુંદર, હીરા રત્ન જરાય ||
મણિ માણેક મુક્તાફલ નિરમલ, બીચ શ્રીફલ અતહિ સોહાય.||પ||
પોતાના હાથમાં સોનાનો થાલ લઈ તેમાં હીરા તથા વિવિધ રત્નો વધાવવામાં રાખ્યા છે. વિવિધ પ્રકારના મણિઓ, સાચા મોતી સાથે વચ્ચે શ્રીફળ શોભી રહયું છે.
આઇ સબ મંડપ માનુની, હલી મલી મંગઇ ગાય ||
નાચત ગાવત સબ સિંધ દ્વારે, કરત કેલી મન ભાય.||૬||
સાથે મળી મંગલ ગીતો ગાતા સર્વ સ્ત્રીજનો મંડપમાં પધાર્યા. મંડપમાં સર્વ વ્રજવાસી નાચીને આનંદ વ્યકત કરી રહ્યા છે. પોતાના મનભાવન પ્રિયતમને નિરખવા વિવિધ પ્રકારે રસમય ક્રિડા કરી રહયા છે.
વિપ્ર મહા મુનિ બેદ પઢત હૈ, જય જય શબ્દ કરાય ||
જન્મ પત્રી લખી લાયે ગુરૂજન, શ્રીગોપાલ નામ ધરાય.||૭||
શ્રેષ્ઠ દ્વિજો જે મોટા મહામુનિ જેવા સિધ્ધ છે તે વેદનું ગાન કરી રહ્યા છે. પ્રભુ આપનો જય હો તેમ વારંવાર કહી રહયા છે. ગુરૂ દ્વારા જન્મ પત્રિકા તૈયાર કરી દ્વાપરમાં આપે જે ગાયોની રક્ષા કરી હતી તે જ નામ શ્રીગોપાલ આપનું રાખવામાં આવ્યું.
ભિતરથે જાનકી મૈયા, લીને વપુન બોલાય ||
કીયો સનમાન આપ આદરસુ, દીને લાલ દેખાય.||૮||
શ્રી જાનકી માતાએ જે વ્રજલલનાઓ આનંદભર આવી હતી તેને આપે અંદર બોલાવી ખૂબજ માન, સન્માન આપી વિવિધ દાનો દઈ આપે આપના લાલનું મુખ દેખાડયું.
દેત આશિષ સકલ મલી સુંદરી, ચિરંજીવો ગોકુલરાય ||
રાજ કરો અખંડ એહી બ્રજમેં, હમહી બહોત સુખ પાય.||૯||
ગોકુલના રાજા આપ ખૂબ લાંબુ આયુષ્ય ભોગવો તેવા વ્રજયુવતિએ હૃદયના આશીર્વાદ આપી રહી છે. આપ સદાય અખંડ વ્રજમાં રાજ કરો. યુગો યુગ સુધી આપની કીર્તિ ફેલાઈ રહે અમે વ્રજવાસી આપના સાંનિધ્યથી ખૂબજ સુખી થઈ રહયા છીએ.
સુર વૈમાન ચઢી આકાશથે, પુષ્પની વૃષ્ટિ કરાય ||
રામદાસ પ્રભુ ગોકુલ પ્રગટે, દ્વિજવર દેહ ધરાય.||૧૦||
આકાશમાં દેવો વિમાન પર બેસી ગોકુલમાં શ્રીગોપાલલાલના પ્રાગટયથી હરખી પુષ્પની વૃષ્ટિ કરી રહયા છે. રામદાસ કહે છે મારા પ્રભુએ ગોકુલમાં દ્વિજ રૂપે પ્રાગટય લીધું છે.
(‘અમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદ્દી વૈષ્ણવોને ‘જય શ્રી ગોપાલ’ ||