સંવત : ૧૭૧૯
સ્થળ : લતીપુર
|| પુષ્ટી ભગવદીનું સ્વરૂપ અને લક્ષણ ||
|| શ્રી ગોપાલો જયતે ||
એક સમયે શ્રી ગોપેન્દ્રજી ગાદિ તકીયે બિરાજે છે. તે સમયે મોનદાસ લતીપુરીયાએ વિનંતી કરીને પ્રશ્ન કર્યો. જે રાજ, બલિહારી જાઉં, મારા મનમાં એક વાત પૂછવાની ઉપજી છે. તો કૃપા કરીને તે વાતનો સંદેહ મટાડો તો વારૂ! જે પુષ્ટિ ભગવદીનું સ્વરૂપ અને લક્ષણ શું છે?
ત્યારે રસિકરાએ મુસ્કાયને કહ્યું: જો મોનદાસ! પુષ્ટિ ભગવદીનું સ્વરૂપ અલૌકિક છે. જેમાં ભગવદ્ ગુણ અને ધર્મ સદા વર્તમાન રહે છે, જો તેનું લક્ષણ તો પેલું એ છે. જો ચૌદ બ્રહ્માંડના વૈભવ કે સુખની અપેક્ષા-ઈચ્છાથી રહિત હોય છે. અને જેણે પૂર્ણ પુરૂષોતમ જે રસાત્મિક લીલા વિગ્રહ સ્વરૂપ છે. તેના ચરણનો દઢ આશ્રય પોતાના હૃદયકમલમાં ધરી રાખ્યો છે. જે બીજા અવતારાદિક સ્વરૂપની લીલાને જાણતા નથી. માને નહિ. રસરૂપની રસલીલાને જ જાણે છે. અન્ય ભાવ સંબંધ ક્યારેય પોતાના મનમાં ઉપજતો નથી. તેને બાધક સમજે છે. જેને કોઈ વાતની અપેક્ષા ઈચ્છા પ્રગટ થતી જ નથી. જેનું મન સદા પોતાના સેવ્ય સ્વરૂપમાં આસક્ત હોય છે. ક્યારેય અન્ય માર્ગની કથા-વાર્તા સાંભળે નહિ. કહે નહિ. સદા પ્રસન્ન ચિત્તથી રહે. નિત્ય ભગવદ્ લીલાનું ચિતવન કરે. ભગવદીમાં પુષ્ટિ બુદ્ધિ હોય. પોતાના મનમાં પોતાના સેવ્ય સ્વરૂપથી ચલાયમાન ન થાય. પોતાના ઘરની માર્ગની પ્રણાલિકા પાળીને રહે. ભગવદી અને શ્રી ઠાકોરજીના સ્વરૂપ વિષે ભર હોય. અન્ય આશ્રય, અને અસમરપિત વસ્તુનો ત્યાગ કરીને રહે પોતાના સેવ્ય ઠાકોરજી સિવાય કોઈપણ ઠોરનો – (બીજા ઠેકાણેનો, બીજાનો અન્ય માર્ગનો) ભોગ (પ્રસાદ) ગ્ર્રહણ ન કરે. જેનાથી દૂર બુદ્ધિ હોય. તેથી દુર રહે.
દુઃસંગ અને બહિર્મુખના સંગને સદા તજીને રહે. જે ઉત્તમ સદાચારને પાળે. ખાન-પાનનો વિવેક સમજે. શ્રીજીની સેવા પ્રકાર સર્વ સમજે. માર્ગની પ્રણાલિકા પોતાના ઘરની જોઈને ચાલે. અવૈષ્ણવની વસ્તુ ગ્રહણ ન કરે અને શ્રીજીને સમર્પે નહિ. સમર્પે તો પતિત થાય. આ રીતીથી પુષ્ટિ ભગવદીનું સ્વરૂપ લક્ષણ છે. તે વિચારીને રહેવું. તેથી શ્રીજી સદા પ્રસન્ન રહે. અને પોતાનો કરીને જાણે. જેને પોતાના શ્રીમુખથી પોતાનો કહ્યો. તેના ભાગ્યની શું ન્યુન્યતા રહે ? પુષ્ટિ છે તે તો પુષ્ટિ જ રહેવાનો તેના લક્ષણ આપોઆપ પ્રગટ જણાય છે. બીજાને તો પુષ્ટિની ગમ-ખબર નથી. પણ તે તો ચબાબ, ચુગલી કરે છે. તેને શું પ્રાપ્તિ?
|| ઈતિ શ્રી ગોપેન્દ્રજીનું વચનામૃત ૮ મું સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને કિંજલ બેન તન્ના (જામનગર) ના જય ગોપાલ ||
Leave a Reply