|| શ્રી ગોપાલો જયતે ||
|| વચનામૃત ||
એક બે૨ શ્રીગોપાલલાલજી આપું મંદિરમેં ભીતર અપરસમેં શ્રીગોકુલચંદ્રમાજીકુ શૃંગાર કરાયવેકુ પધારે હે. સો સેવા પહોંચીકે શૈયાકો પેંડા બિછાયકૅ બહાર પધારે. તબ વૈષ્ણવમેં છાકપદકી ચરચા હોય હે, તબ એક પુરૂષોત્તમ મેરા વૈષ્ણવ હે, તિનને પ્રશ્ન કીયો, જો ગોપી ઓર ગ્વાલ તિનકો સ્વરૂપ કહાહે ? જાસો શ્રીઠાકોરજી જાકે વશહે ઓર જુઠો આરોગે હે. તબ શ્રીજી શ્રીમુખસો એક શ્લોક પઢે: !! વિભ્રદ્રવેણું જઠરપટયોં શ્રાડેવેત્રેચકક્ષે વામેંપાણૌ મસૃણકવલંતત્ફ લાન્યડૂલીશું !! તિષ્ટન્મદયે સ્વપરિસુહદો હાસયત્રર્મભિઃ સ્વૈ સ્વર્ગલોકેમિષતિબુભુજે યજ્ઞભુગ઼ બાલકેલિ !!
(બાલક્રીડા કરનાર ભગવાન યજ્ઞ ભોક્તા હતા, છતાં પણ આશ્ચર્ય પૂર્વક જોતા સ્વર્ગવાસીઓના દેખતા ગોપ કુમારની સાથે ભોજન કરતા હતા. તેમણે પતાની ભેટમાં વેણું ધારણ કરી હતી, શીગડી (એક જાતનું વગાડવાનું વાજિંત્ર) તથા છડી કાખમાં રાખેલ હતાં , ડાબા હાથમાં દહીં ભાતનો કોળીયો લીધો હતો. ફળનાં અથાણાંઓને આંગળીયોમાં લીધાં હતાં, મિત્રોની વચ્ચે બેઠા હતા અને પોતાની આસપાસ ફરતા બેઠેલા મિત્રોને ઉપહાસના વચનો કહીને હસાવતા હતા)
એસે કહી કે આપુ તો ભોજન કરવેકું પધારે પીછે રાત્રિકુ ; જબ કથા કહે હે તબ વે શ્લોકકી સુબોધિનીમેં જો ભાવ હે સો તીન દિન તાંઇ ચરચા ચલી. પરિકિંચિત્ શ્લોકકો ભાવ લીખ્યો છે : –
જો વનમેં આપ છાક કેસે આરોગે હૈં. જો શ્રીઅંગકે ઉપર આપુ ફેટાકો (કડ ઉપર ભેટ વાળવી તે) કસે , તામે વેણું ધારણ કરે હૈ , ઓર ( સોટી અથવા લાકડી )યષ્ટિકા ઓર શૃંગી હે તાકુ કક્ષમેં ધારણ કરે હૈ , ઓર વામ શ્રીકરમેં દધિ પ્રચુરકો ભાતકો કવલ લીયો હે, ઓર અંગુલીમેં અંતર ભાગમેં સંધાણું લીયો હે, ઓર ગોપકે બાલક મધ્ય બિરાજે હે. તાબિરીયાં બ્રહ્માદિ દેવ સબ દેખે હે, સો કોઉ નિશ્ચય નાહી કરી શકે હે. જો કેસે આરોગે હે, એ જો સબ ભગવત સ્વરૂપ હે, એસે શ્રીજીને કહી, જો એ તો યાહી હે, તબ પુરૂષોત્તમદાસને કહી, જો એસે કૌ દેખીયત નાંહી. તબ કહી, પરિ જાકુ દેવી દ્રષ્ટિ હોય સો દેખે ઓર દેવી દ્રષ્ટિ તાકી જાનીયે, જો વિકાર રહિત હોય . તબ પુરૂષોત્તમ મેરાને કહી, કોઉ દેખીયત નાંહી. તબ શ્રીજી બોલેઃ જો જાકી દ્રષ્ટિમેં મધુરો (કમળાનો રોગ) ભયો હોય, સો તરકો પીરો દેખે, સો સબ કહા પીરો તો નાહી હે. તો ફેર વે ચુપ કર રહો.
વામે કહા જતાયો જો અપુને સ્વવૈષ્ણવકું ભગવદ સેવા અરુ સ્મરણ, ધ્યાનસો વિકાર રહિત કરની, કામ, ઓર ક્રોધ ઓર લોભ એ સબ મોહકે વિકાર હે, તોતે વૈષ્ણવકુ શોક ન કરનો, એસે શ્રીમુખકે વચન. તબ પુરુષોતમદાસ આનંદ પામે .
|| ઇતિ અષ્ટમ વચનામૃત સંપૂર્ણ ||
|| ભાવાર્થ ||
ઉપરોક્ત વચનામૃતમાં પુરૂષોત્તમદાસ મેરા નામના વૈષ્ણવે છાક લીલાના પદની ચર્ચાના સંબંધમાં શ્રી ગોપાલલાલજીને પ્રશ્ન પૂછ્યો કે ગોપી અને ગ્વાલનું શું સ્વરૂપ છે, જે શ્રી ઠાકોરજી તેને વશ થઈને રહ્યા છે, અને વળી તેનું જુઠાણ ખાય છે ? ત્યારે શ્રી ગોપાલલાલજી તે પ્રસંગ ઉપર એક શ્લોક બોલ્યા, ને રાત્રે શ્લોકની સુબોધિની ઉપરનો જે ભાવ મહાપ્રભુજીએ લખ્યો છે તે કહ્યો. તે પ્રસંગની ચર્ચા ત્રણ દિવસ સુઘી ચાલી, પણ થોડોઘણો ભાવ જે હતો, તે શ્લોકનો અર્થ ભગવદ લીલાનો કરીને સમજાવ્યો તે માત્ર લખ્યો,કારણ કે છાક લીલા તે તો સ્નેહ લીલા છે. તેથી સર્વથા પ્રસંગ ન લખ્યો. ગોપી ગ્વાલનું સ્વરૂપ સમજાવ્યું કે તે તો બધા ભગવદ સ્વરૂપ છે તેથી શ્રી ઠાકોરજીને તેવી લીલા તેની સાથે કરીને જુઠણ આરોગ્યા. બહ્માદિ દેવો પણ તે લીલા જોઇને આશ્ચર્ય પામ્યા, કાંઇ પણ નિર્ણય ન કરી શકયા. ત્યારે પુરૂષોત્તમદાસને શ્રી ગોપાલલાલજીએ કહ્યું કે તે બધી લીલા અહીયા હમણા ભુતલ ઉપર છે જ.
ત્યારે પુરૂષોતમદાસે કહ્યું તે લીલાના દર્શન અમને હમણા કેમ થતા નથી ,ત્યારે આપશ્રીએ કહ્યું કે તે લીલાના દર્શન કરવા માટે દૈવિ દ્રષ્ટિ જોવે. જેની દ્રષ્ટિમાં વિકાર ન હોય તેને દર્શન થાય. ત્યારે ફરીને પુરૂષોત્તમ મેરાએ પૂછયુ કે તેવા દર્શન કેમ થતા નથી ત્યારે આપશ્રીએ કહ્યું કે જેની દ્રષ્ટિમાં કમળો થયો હોય તે તડકો પીળો દેખે છે, પણ તડકો થોડો પીળો છે ? જેની દ્રષ્ટિ દૈવી હોય તેને જ ભગવદ લીલાના દર્શન થઇ શકે. લૌકિક દ્રષ્ટિ કે બુદ્ધિ વાળાને ભગવદ્ લીલાના દર્શન થાય નહિ. પછી તે મુંગા થઇ ગયા. માટે શ્રીગોપાલલાલજીએ તે પ્રસંગમાં પોતાના વૈષ્ણવને એમ સમજાવ્યું કે ભગવદ સેવા અને સ્મરણ ધ્યાન તે તો વિકાર રહિત કરવું. કામ ક્રોધ લોભ એ બધા તો મોહના વિકાર છે, તેનો ત્યાગ કરવો. અને વૈષ્ણવે કોઇ દિવસ હર્ષ શોક ન કરવો, જે બને છે તે એક ભગવદ ઇચ્છા અનુસાર જ બને તેમ માનવું. ઉપરોક્ત વચનામૃતનો ભાવ સાંભળીને પુરૂષોત્તમદાસ મેરાને ખૂબ જ આનંદ થયો. ઉપરોક્ત વચનામૃતમાં એમ સમજાવ્યું કે વૈષ્ણવે હંમેશા ઉંચી ભાવના અને દ્રષ્ટિ રાખવી. ભગવદ લીલામાં લૌકિક બુદ્ધિ કરવી નહિ, ઉંચી ભાવના અને દ્રષ્ટિ રાખવાથી ક્યારેક ભગવદ લીલાના દર્શન થઇ જાય. સેવા સ્મરણ અને ભગવદ લીલાનું ધ્યાન ધરતી વખતે પોતાના મનમાં કોઈ જાતનો વિકાર દોષ ઉત્પન ન થવો જોઇએ, તેનાથી આપણું સેવા સ્મરણનું ફલ જતું રહે છે. વૈષ્ણવની દેહ તો એલૌકિક છે તેમાં લૌકિક બુદ્ધિ ન હોવી જોઇએ. આજે ઘણાં સમજયાં વગર ભગવદ લીલાના પદમાં દોષ બુદ્ધિ કરે છે તે ખરેખર અપરાધના ભાગી બને છે. ઉત્તમ ભાવનાથી ભગવદીઓએ જે પદની રચના કરી છે તેઓએ તે લીલાના પ્રત્યક્ષ દર્શન કરેલા છે . તેનો ભાવ પણ ઉત્તમ છે . માટે વૈષ્ણવે દેવી દૃષ્ટિથી જોવું, તો ભગવદ કૃપા અવશ્ય થશે અને ભુતલ ઉપર જે લીલા પ્રભુની છે તેના દર્શન થશે તેમ ઉપરના વચનામૃતમાં સ્પષ્ટ સમજાવવામાં આવ્યું છે .
|| ઇતિ અષ્ટમ વચનામૃત ભાવાર્થ સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||