સંવત : –
સ્થળઃ ગોકુળ
પુછનાર તથા કહેનારનો અપરાધ
|| શ્રી ગોપાલો જયતે ||
એકવાર શ્રીજી પાસે વૈષ્ણવે પ્રશ્ન પૂછ્યું. “જે રાજ! ઘણા ભગવતવાર્તા કરનારને પ્રશ્ન આતુરતાથી પૂછે છે ! અને ઘણા કુતુહલથી પુછે છે ! અને ઘણા પોતે કાંઈ જાણતો નથી છતાં જાણતો હોય તેવો ડોળ રાખી પુછે છે? તો તેમાં કાંઈ પૂછનારનો કે કહેનારનો અપરાધ ખરો?
ત્યારે શ્રીજીએ ખુલાસો કરતાં કહ્યું – કે, જીજ્ઞાસા વૃત્તિથી પૂછે, અને પોતે જાણતો હોય તો કહે. તેમાં અપરાધ નથી. પણ જાણતો ન હોય, ને પોતાનું માતમ રાખવા માટે પ્રસંગ ગમે તેમ કહે, તો કહેનારા વધુ અપરાધી છે. અને પુછનારો ઓછો અપરાધી છે. કારણ કે, પુછનારાએ પેલા જાણવું જોઈએ કે, આ મારા પ્રશ્નનો જવાબ સાચો આપશે કે, નહિ! તે જાણ્યા સિવાય પૂછે. તેથી તેને અપરાધ તો પડે. કારણ કે, ગમે તેમ સાંભળવું. તેમાં પણ અપરાધ છે. માટે સાવધાની રાખીને પ્રશ્ન પુછવો. આમા ભગવદ્ ધર્મ છે ! અને મારો પૂછવાનો ખુલાસો સત્ય કરશે ? ગમે તેમ ગમે તેની પાસેથી સાંભળવાથી મન ભ્રમિત થાય છે. માટે તાદરસી કોટીક કહી છે. તેની પાસેથી સાંભળે તો બન્નેમાંથી એકે અપરાધી ન થાય.અને કુતૂહલથી પૂછનારને જાણતો હોય તે કહે, તેનો અપરાધ કહેનારને વધુ પડે. કારણ કે, તેને માર્ગ વિષે પૂછવામાં રસ નથી કુતૂહલથી પૂછનાર તો અપરાધી છે. પણ તેવા બહિર્મુખને ભગવત સંબંધવાળી વાત કરવાથી કહેનારને વધુ અપરાધ પડે છે. ભુખ્યો જમે તો તૃપ્ત થાય,સ્વાદ આવે. પણ જેને ભોજનની ગમ નથી. તેને શું સ્વાદ આવે?
અને નથી જાણતો, તે ડોળ પાખંડ રાખીને પૂછે તો તેમાં પાંખડી તો પાખંડને જાણે છે. ભગવદ્ ધર્મને વિષે તો કાંઈ ગમ નથી. તેવાને ભગવદ્ સંબંધી વાર્તા કહે તો કહેનાર વધુ અપરાધી થાય. કારણ કે, તે પાખંડી છે. માટે ભગવદ્ વાર્તા રસિકથી કરવા કહ્યું છે. પાત્ર જોયા વિના રસ ઠેરાય નહિ. પાત્ર જેવું હોય તેવી વસ્તુ રખાય. સુવર્ણ અને ચાંદીના પાત્રમાં ગમે તે રસ રહી શકે. અન્યથા પાત્રમાં રસ કહોવાય જાય જ. માટે ભગવદ્દ વાર્તા પાત્ર સિવાય કહેવાથી કહેનારને વધુ અપરાધ પડે. માટે પોતાના મનમાં મસ્ત રહેવું. જ્યાં ત્યાં ભગવદ્ રસ ખોલવો નહિ. પુષ્ટિમાં તો મુખ્ય ભાવ પ્રધાન છે. અનેક લીલા ચરિત્રો ભાવને વશ થઈને કર્યા છે. પુતનાનો ભાવ આસુરી હતો. ગોપીઓનો ભાવ દિવ્ય અલૌકિક હતો. કુબજાનો ભાવ માત્મિક હતો. અને ગોવાળીયાનો ભાવ સ્નેહનો હતો. તો સર્વને ભાવ પ્રમાણે પ્રાપ્તિ આગળ થઈ છે. અત્યારે તેનાથી અધિક લીલા દેખાડી છે. તે સર્વ ભાવ ઉપર છે. ભાવ છોવાયો એટલે સર્વ કાંઈ ગયું સમજવું. માટે તાદરસી કોટિના લક્ષણ વાળા સિવાય પ્રશ્ન પૂછવો નહિ. કારણ કે, જે પૂછવા ખાતર જે પૂછે છે પછી તેનામાં જાણ્યા પછીનું કશું નથી. માટે વિપરીત ભાવનો અંગીકાર નથી. કહેનારો વધુ અપરાધી.
|| ઈતિ શ્રી ગોપેન્દ્રજીનું વચનામૃત ૭ મું સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને કિંજલ બેન તન્ના (જામનગર) ના જય ગોપાલ ||