સંવત : ૧૭૧૯
સ્થળ : કિંદર (પોરબંદર)
પુષ્ટી માર્ગમાં સાધકતા ભાવ અને બાધકતા ભાવ.
|| શ્રી ગોપાલો જયતે ||
એક સમયને વિષે મહાપ્રભુજી એવા રસિકરાજ શ્રી ગોપેન્દ્ર પ્રભુજીએ. પોરનો (પોરબંદર) પરદેશ કીધો હતો. ત્યાંથી કીંદર પધાર્યા હતા. તે વન વિહાર કરવાની ઇચ્છાથી પધાર્યા હતા. તે વૈષ્ણવ જુથ બસોના આશરે સાથે હતું. તે છાકના ભાવનો મનોરથ કીધો પછી રાસ રમણનું સુખ દીધું. તે વર્ણન કીધું જાય નહિ. તેવું સુખ છે. તે સમે સગીબાઈ, મંડલી સાથે આવી હતી. તથા બબીબાઈની મંડલી સાથે હતી. ઉપલેટાનો કૃષ્ણભટ્ટ પોતાના રાજસી કારણિક જુથ સહિત આવ્યા હતા. તે આનંદનો સાગર ઉલટ્યો હતો. તે મુખેથી કહે તો બક્યા બરાબર થાયે. તે આનંદનું વર્ણન શું કરાય? ભાગ્યે પ્રાપ્ત થાય. તે સમયની શ્રીજીની પ્રસન્નતાનું શું કહીએ?
બાઈ હરિ ઉપર ઘણી કૃપા કીધી. તેની કાનીથી સર્વ શ્રીજનના જુથ ઉપર કૃપા કીધી. ભટ્ટ, જાનીની દશાની વાત ન્યારી, સર્વ જુથની દશા જુજવી, જુજવી કીધી. (જુદી જુદી) તે સમયે છાકના ભાવનું વર્ણન કીધું. (વન ભોજનનું) ને શ્રવણે થતાં જે સુખ ઉપજ્યુંં. ત્યાર પછી રાસના ભાવના સુખનું વર્ણન કીધું. તે વર્ણન જેણે શ્રવણે કીધું. (સાંભળ્યું) તે જીવનું વડુ ભાગ્ય સમજો. લખવાનું થાય, કેટલું લખાય. રંચક લખીએ છીએ. તે એમ, મ જાણશો? જે આતો શ્રીજીના શ્રીમુખની વાણી છે. જીવ બુદ્ધિ, કરશો. તે શ્રીજીની પ્રસન્નતા દીઠી, ત્યારે બાઈ સગી અને બાઈ બબીએ દંડવત રાજને ચરણે કીધું કે, રાજ? આપણા મારગમાં સાધકતા ભાવ શું છે? અને બાધકતા ભાવ શું છે ! જે આપે છાક લીલાના ભાવમાં ને રાસ રમણના ભાવમાં વર્ણવી સમજાવ્યું તો રાજ ! તે ભાવ શું છે ! તે કૃપા કરો તો જીવનું સુધરે?
ત્યારે, મહાપ્રભુજી શ્રીમુખથી કહેવા લાગ્યા. જે પુષ્ટિમારગમાં સાધકતા ભાવ અને બાધકતા ભાવ તે તો મુખ્ય છે. જે જીવ પુષ્ટિને શરણે આવ્યો છે, તેને બાધકતા ભાવ જ છે. તેનાથી દૂર રહેવું. તે મુખ્ય છે. જે દૈવી જીવ છે, તે તો એવા ભાવથી વર્તે, જેમાં પહેલો, અન્ય આશ્રય, અને અણસમર્પિત અન્ન, તે તો બાધક ભાવ છે. જે પુષ્ટિ ભક્તિમાં મુખ્ય બાધક છે. દૈવીજીવનું તે તો લક્ષણ છે. જે ક્યારેય અન્યઆશ્રય અને અણસમરખું અન્ન ન ખાય. ત્યારે, બબીબાઈએ વિનતી કીધી. જે રાજ! લોક વહેવારે રહે તેની ગતિ શું થાય?
ત્યારે આપશ્રીએ કહ્યું: જો સેવા, સમરણ કરે અને અણસમાપ્યો અન્ન ખાય તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. આસુરાવેશ મટે નહિ. જ્યાં સુધી આસુરાવેશ જીવમાં છે. ત્યાં સુધી શ્રી ઠાકોરજી તેના હાથની સેવા, સામગ્રી કાંઈ ન છુવે. અને અંગીકાર કરે નહિ. શતવાર (સોવાખત) શ્રી યમુનાપાન કરે પણ એકવાર લોક વહેવારનું, પિંડરૂ, સુતકીનું અન્ન ખાય. તો તે ફલ નષ્ટ થઈ જાય. તે બાધક ભાવ છે, સેવા, સમરણ કરે. અને અવૈષ્ણવના ઘરનું અન્ન ખાય. જલપાન કરે. તેનું ફલ નષ્ટ થઈ જાય. જે સુતકીના હાથનું જલપાન કરે તેની આસુરી બુદ્ધિ થઈ જાય. તે દોષ મહાન છે. જે પુષ્ટિના સિદ્ધાંતમાં જે સાધક, બાધક ભાવથી રહે તેને કોઈ દોષ લાગે નહિ. સાધકતા ભાવથી રહે તેને પિડરૂ-સુતક, કે સુતક લાગે નહિ. તે તો સર્વ લોક વહેવારમાં છે. વૈષ્ણવના વહેવારે રહે તેને ન લાગે. તે સાધકતા ભાવ છે. (લૌકિક વહેવાર એટલે અવૈષ્ણવ સાથેનો વહેવાર સમજવો વૈષ્ણવી વહેવાર અને આચાર વાળાને તે બાધક નથી તેમ સમજાવ્યું છે.)
ત્યારે સગીબાઈએ મનુહાર કીધું કે રાજ! વારિ જાઉ, સેવા સમરણ યમુના પાનનું તો ઘણું મહાત્મય છે. તો તેનું ફલ નષ્ટ થઈ જાય ! અને પેલા જીવે લોક વહેવાર કર્યો હોય, તો તેનો દોષ કેમ નિવૃત્ત થાય? ત્યારે શ્રીજીએ કહ્યું: જ્યારે શરણ આવ્યો. નિવેદન કરીને રહ્યો. ત્યારે સર્વ દોષ નષ્ટ થયો.
ફરી લોક વહેવારથી રહ્યો. તે તો દોષ થયો. જેમ કોઈ અસ્પર્શ પદાર્થનો સ્પર્શ થવાથી, છોવાય જાય, અને સ્નાન કરે ત્યારે શુદ્ધ થાય છે. પણ ફરી સ્નાન કરીને તે અસ્પર્શ પદાર્થને સ્પર્શ કરે તો તેનો દોષ લાગ્યા વિના કેમ રહે? જો, ભાનું (સુર્ય) તેની કિરણ બહુ જ પ્રકાશિત છે. કોઈ ધારણ કરી શકે નહિ. પણ જયારે વાદળાથી આકાશ ઘેરાયેલું હોય ત્યારે ભાનુની કિરણ જોવામાં આવે નહિ. કારણ કે, વાદળાનું આવરણ થયું. ત્યારે જોવામાં આવે નહિ. એમ યમુના પાનનું ફલ તો ઘણું જ છે. પણ આવરણ આવ્યું – થયું. તેથી ફલિત થાય નહિ. જે પુષ્ટિનું ફળ છે. તે તો મળે નહિ. ત્યારે જાનીએ કહ્યું કે જે રાજ! તે દોષ કેમ મટે? જો સુતકનું અન્ન મહા દોષિત છે. જીવનું બગાડ કરવાવાળું છે. પણ કોઈની ચુક પડી તો શું કરવું?
ત્યારે, પ્રાણનાથજી કહેવા લાગ્યા. જે, તે દોષ મહાન છે. પણ કોઈ અનન્ય ભગવદીની જુઠણની કણકા મળે, કૃપાદૃષ્ટિ કરીને આપે, તો સર્વથા નષ્ટ થાય. જે છાક લીલા કરીને શ્રી ઠાકોરજીએ વ્રજભક્તનો દોષ નિવૃત્ત કર્યો. પરસ્પર પોતે જુઠણ દીધી, લીધી, બ્રહ્માજીને ભ્રમિત કર્યા. તે વ્રજભક્તનો અન્ય આશ્રય દોષ દૂર કરીને આપે રસાત્મિક રાસાદિક પ્રકારમાં અંગીકાર કર્યો. છાક લીલાનો એ પ્રકાર ઘણો મોટો છે. જે વનવિહાર કરીને નિર્દોષ ભાવને પ્રદાન કર્યો. જો આપણા માર્ગમાં ભગવદીનું કારણ મોટું છે. જે જીવને ભગવદીનું કારણ આવ્યું. તેની દેહી વિદેહી જાણવી. તેને કર્મ બાધ કરી શકે નહિ. ભગવદી સ્વરૂપ મહાન કરીને જાણવું. તેનાથી નિસ્તાર છે. તે આ માર્ગનું મુખ્ય હાર્દ છે. પણ આપણા માર્ગમાં સર્વ સાધકતા ભાવથી પ્રાપ્ત થાય છે. તે તો એક ભગવદીના કારણ વિષેનો ભાવ આવ્યો તો સર્વ ભાવ આપમેળે સિદ્ધ થાય છે. તેમાં કાંઈ સંદેહ નથી.
|| ઇતિ શ્રી ગોપેન્દ્રજીનું વચનામૃત છઠું સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને કિંજલ બેન તન્ના (જામનગર) ના જય ગોપાલ ||