વચનામૃત ૫ મું
સંવત : ૧૭૧૯
સ્થળ : જૂનાગઢ
|| ભગવદી સ્વરૂપની પહેચાન ||
એક સમયને વિષે રસિક રાજ, પ્રભુ જુનાગઢને વિષે પરદેશ પધાર્યા હતા. ત્યારે દેસાઈ દ્વારકાદાસને ઘરે ઉતર્યા હતા. ત્યાં આપ ભોજન પાન બીડા વિગેરે લઈને રાજ સુખાળા થઈને પોઢ્યા હતા. પછી સાંજના સમયે આપે બેઠક કીધી. ત્યાં બિરાજયા. ખૂબ પ્રસન્નતામાં દીસતા હતા. તે સમે સર્વે જૂથ સામટું મળીને દર્શનાર્થે આવ્યું. રાજના દરશન કીધા. સર્વોએ દંડવત કીધા. પછી સર્વ જૂથ સનમુખ બેઠું છે. આપશ્રીના નિકટવર્તી અંગીકૃત ભગવદી જૂથ પણ પાસે છે. તે સમયે આપશ્રી ખૂબ જ પ્રસન્નતામાં બિરાજી રહ્યા છે. તે સમયે હરિબાઈ, રાજને પંખાની સેવા કરી રહ્યા છે. વારંવાર મુખ નિહાળી રહ્યા છે. મુખ નિરખતા તૃપ્તિ થતી જ નથી. તે સમે હરિબાઈએ રાજને પ્રશ્ન કીધું કે રાજ! ભગવદીનું સ્વરૂપ શું? ભગવદીના સ્વરૂપની પહેચાણ કેમ થાય! તેનું પ્રમાણ આપી રાજ ! જીવને કૃપા કરીને સમજાવો તો સર્વો જુથ સામટું મળીને બેઠું છે. રાજનો ઉપદેશ ગ્રહણ થાય !
ત્યારે આપ શ્રીમુખથી કહેવા લાગ્યા. “જે ભગવદી સ્વરૂપની પહેચાણ બહુ જ કઠીન છે. અગ્નિવત છે. જો અગ્નિનો કોઈ પરસ કરે તેને ખબર હોય? જે કેવો દાહ ઉપજાવે છે. અને કોઈ પ્રેમનું મુલ નહિ કરી શકે, અને નહિ દે શકે? તે તો અનુભવથી પહેચાણમાં આવે. અનુભવથી જાણવામાં આવે. સર્વ વસ્તુમાં પ્રમાણ આવે નહિ. મણિ, મંત્ર, મન, મિત્ર, ઔષધ, આત્મતત્ત્વ, ભગવદ્ તત્ત્વ તે સર્વ અનુભવગમ્ય છે. તેમાં પ્રમાણ કાંઈ ન કામ આવે. મણિ, તે તો અનુભવથી જાણવામાં આવે છે. મંત્રની સિદ્ધિ, મંત્ર સિદ્ધ કરવાથી જાણી જાય છે. તે અનુભવથી મંત્રનું સ્વરૂપ સમજાય.
મનનું સ્વરૂપ ચંચલ છે. બીજાનું મન અનુભવથી જાણવામાં આવે. કે, આનું મન આવું છે. મિત્રનો અનુભવ, કષ્ટમાં જ્યારે સહાય કરે. નિસ્વાર્થ, સ્નેહ હોય, ત્યારે સમજવામાં આવે. ઔષધ ખાવાથી અનુભવ થાય. વાણીથી કહેવાથી રોગ મટે નહિ. આત્મત્ત્વનું સ્વરૂપ જ્ઞાનના અનુભવથી જાણી શકાય. એમ, ભગવદીના સ્વરૂપને અનુભવથી જાણવામાં આવે. તેમાં કાંઈ પ્રમાણ કામ આવે નહિ. પોતાના વિશ્વાસે કરીને અનુભવ થાય. ત્યારે ભગવદીની પહેંચાણ થાય છે.
ભગવદીની પહેચાણ વિના દુસ્તર સંસાર પાર કેમ થઈ શકે? તેથી ભગવદીનો સંગ સર્વોપરિ કરીને જાણવો. તેનું મહાત્મ્ય અગાધ છે.
કોઈ ઉદ્યમ કરીને પેટ ભરે છે. કોઈ જાચક વૃત્તિથી પેટ ભરે છે. તો કોઈ બીજાને પેલા ભોજન કરાવીને પછી ભોજન પોતે કરે છે. તે ત્રણેની તૃપ્તી સમાન છે. પણ ફલમાં ઘણો ભેદ છે.
તેમ કોઈ ભજન સમરણ કરીને સંસાર પાર કરવાની ઈચ્છા કરે છે. તે તો ઠીક છે. બીજો કોઈ સાધન કરીને ફલની ઇચ્છા રાખે છે. તે અમને અપ્રિય છે. ત્રીજો જે છે. તે તો અમારા ગુણગાન કરે છે. અને બીજાને ગુણગાન કરાવામાં ઉદ્યમ કરે છે. અમારી લીલા – કથા વાર્તાનો અનુભવ સર્વને ભુતલમાં કરાવે છે. તે તો અમારા પ્રાણથી અધિક અતિ પ્રિય છે. જે અમારા સ્વરૂપની સ્વરૂપનિષ્ઠા કરાવે છે. ભગવદ્ ધર્મને વધારે, અને ભગવદ સ્વરૂપની સ્વરૂપ નિષ્ઠા ભુતલમાં સર્વને કરાવે. સર્વ ઠેકાણે અમારા ગુણગાન, લીલા ચરિત્રનું વર્ણન કરીને ભુતલમાં રહે. તે જીવ મહાન ભગવદી છે. જે એના ઉપર અમારી પૂર્ણ કૃપા છે ! તેની સુદષ્ટિથી સર્વ મનોરથ અવશ્ય જીવનો પૂર્ણ થાય. તેમાં સંદેહ નથી. તેવા ભગવદીની અમો કેટલી પ્રશંસા મુખથી કરીએ, એવા ભવગદીની નિંદા અને અપરાધ જે કરે છે. તેનું તો નરકમાં પણ સ્થાન નથી. અને જન્મ જન્માંતરમાં કષ્ટને પામે છે. તેનો યશ, લક્ષ્મી, ઐશ્વર્ય, સર્વ પ્રકાર તેના અપરાધથી નષ્ટ થાય છે. તેથી એવા ભગવદીની કાનીથી સર્વ કાર્ય કરવું. પણ અપરાધ થાય એમ ન કરવું? તેની પ્રસન્નતા સર્વ સુખનું મૂળ છે. તો ‘હરિ તું તો અમારી કૃપા પાત્ર અધિકથી અધિક પ્રિય છો. સર્વ શાસ્ત્રનો મત પણ એવો છે.
પોતાના સ્વપ્રભુની લીલા ચરિત્ર સર્વને કહે, સાંભળે સંભળાવે. તેનાથી અધિક કોઈ કર્મ અમને પ્રિય નથી. ત્યાં રાઘવજી જાની એવું સાંભળી હરિબાઈના ચરણમાં પડ્યા તે ભાવ હૃદયારૂઢ રહ્યો. સર્વ જીવને ભગવદી સ્વરૂપનું મહાત્મય જાણવામાં આવ્યું.
ત્યારે આપશ્રી ભીતર પધાર્યા. હરિબાઈને ભગવદ્ આવેશમાં કાંઈ દેહાનુંસંધાન રહ્યું નહિ.
ત્યારે આપશ્રીએ શ્રીમુખનું તાંબુલ – ઓગાળ દઈને શુદ્ધિ કરી. સર્વ કોઈ શ્રીજીની વડાઈની પ્રશંસા કરવા લાગ્યા. એવું ભગવદીનું મહાત્મય આપશ્રીએ વચનામૃત દ્વારા પ્રગટ કીધું.
|| ઇતિ શ્રી ગોપેન્દ્રજીનું વચનામૃત પાંચમું સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને પ્રદીપભાઈ ગોહેલ(જામનગર) ના જય ગોપાલ ||