|| પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજીના વચનામૃત – ૪૫ ||

સંવત : ૧૭૨૯
સ્થળ : ડુંગરપુર

પ્રથમ
વિષય: પ્રવાહી મરજાદી અને પુષ્ટિ વેષ્ણવના ફળ ભેદ.

એક સમે શ્રી ગોપાલનંદ શ્રીગોપેન્દ્રલાલ રસાત્મિક રાસાધિપતિ કહેતા. સકલ વિલાસી જે મુનેશ્વર કહેવાય છે. તેને જીવે, મુનેશ્વરને વિનંતી કીધી-જે મહારાજ, રાજ તો, જીવને કૃપા કરો છો.

તે માટે રાજ તો કૃપા નિધાન છે. પણ જીવને અલોલ લીલાની સમજણ શે પડે ?
ગોપેન્દ્રજીએ કહ્યું : તે માટે સમજાવીએ તો જીવને સમજ પડે.
જીવે કહ્યું : તે માટે સમજાવી કહો તો જીવને સમજ પડે, જીવ તો રાજને શરણે થયો. તે સર્વ વૈષ્ણવ કહેવાય. પણ તેમાં વેષ્ણવને શી પદવી ? મરજાદી વેષ્ણવને શી પદવી અને પુષ્ટિ વૈષ્ણવને શી પદવી ? તે રાજ સમજાવીને કહો ?
તવારે મુનેશ્વર શ્રીગોપેન્દ્રજીએ કહ્યું : તે તો તું જાણે છો, તો શીદ પૂછો છો.
તવારે જીવે કહ્યું : જીવ શું જાણે, રાજ કૃપા કરીને કહેશો તે જાણશે.

તવારે પ્રભુએ મહેંદ કૃપા કરીને કહ્યું : સાંભળો પ્રથમ પ્રવાહી વૈષ્ણવની પદવી કહું છે. તે બીજે જન્મે મરજાદી થાય. અને મરજાદી હોય તો બીજે જન્મે પુષ્ટિ થાય ને જો પુષ્ટિ તદવત હોય તો એને તો અહોનિશ ચરણારવિંદની પ્રાપ્તિ છે. વળી પૂછીશ જે સદેહે પ્રાપ્તિ કે વિદેહે ચરણારવિંદની પ્રાપત છે ? તે માટે કહું છું. જો જો દેહીયે માગે તો દેહીયે ચરણારવિંદની પ્રાપત છે. અને વિદેહે માગે તો વિદેહે ચરણારવિંદની પ્રાપત છે.

તવારે જીવે મુનેશ્વરને વિનંતી કરી. જે મહારાજે કહ્યું, જે પુષ્ટિ; મરજાદીની પદવી જુજવી છે; તે સત્ય પણ રાજના રાસરમણ માંહે પુષ્ટિ, મરજાદી, પ્રવાહી સામટા રમે છે. તેને પદવી જાજુવી કેમ હોય ?

તે ઉપર મુનેશ્વરે કહ્યું જે પુષ્ટિ તો અહોનિશ અમારા વિલાસમાંહે છે. અને મરજાદીને રસની પ્રાપ્તિ પૂર્વે છે. એને પૂર્વે રાસની પ્રાપત નથી. તે દેખાવેખીયે રમે છે. તે શા માટે જે પૂર્વે વૃન્દાવનમાં રાસ થયોઅને. તે પંખીવનમાં બહુ હતા. તેમાં જે પંખીને નેત્રે દરશન થયું. તેને અભિલાષ ઉપન્યો, તે જીવ છે. તે માટે રાસમાં રમે છે. પણ પોતાની પ્રાપત પામતા નથી. અને જે બીજા અનેક પંખી વનમાં હતા. તેણે શ્રવણે રાસ સાંભળ્યો તે સર્વે વલ્લભકુળનું શરણ પામ્યા છે. પણ જયારે શ્રી ગોપેન્દ્રજી શરણ પામશે, ત્યારે રાસની પ્રાપત થાશે. હજી સુધી વલ્લભકુળને શરણે જીવ છે, તેને શ્રી ગોપેન્દ્રના પ્રાગટની જાણ નથી.

તવારે જીવે મુનેશ્વરને વિનંતી કીધી જે મહાપ્રભુજી પ્રવાહી વેષ્ણવ પૂર્વે રાસમાં ન હતા
તે માટે રાસની પ્રાપ્તિ હમણા નથી. પણ મહાપ્રભુજી પુષ્ટિને મરજાદી રાસમાં હતા, તો તેના
મનોરથ અધૂરા કેમ રહ્યા, તે જીવ પૂર્વે કયા ?

ત્યારે કહ્યું જે સંભાળ. જે જીવ અંશ અમારા છે. એ વાર્તા જીવને અગમ છે. પણ પૂર્વે રાસમાં જેહના મનોરથ પૂર્ણ થયા તેનું પ્રાગટ વલ્લભકુળમાં છે. અને જે જીવના મનોરથ અમારી ઇચ્છાએ, અધૂરા રહ્યા. તે ફરીને વલ્લભકુલે શ્રીગોપેન્દ્રનું સ્વરૂપ ધરીને જેવું વ્રજ છે. તેવું પ્રજ છે. તહા રાસ રમણ કરીને તે જીવના મનોરથ પૂરા કરશું. તે માટે તે જીવનું પ્રાગટ શ્રીગોપેન્દ્ર સ્વરૂપ સાથે છે. તે જીવના મનોરથ પુરા કરશું. કલીમાં પુરણ કર્યા છે.

પ્રસંગ બીજો
વિષય: પ્રભુની ઇચ્છાનું સ્વરૂપ.

કે રાજ વૈષ્ણવ સર્વે ઇચ્છા પ્રમાણે કહે છે. તે ઇચ્છા તમારી શું ? તેનું સ્વરૂપ કેવું છે ? અને કયાં કયાં રહે છે ? ત્યારે મહેંદ કૃપાએ આજ્ઞા આપી. તે સર્વે ઇચ્છાયે કહે, જે
ઈચ્છા અમારા ભદવદીના હૃદયકમલમાં રહે છે. અને ઇચ્છાનું રૂપ અમારું મન છે. તે માટે ઇચ્છાને વશ તો જીવે કહાં થકી રહેવાયે, પણ જો ભગવદી વૈષ્ણવ જે પુષ્ટિ માર્ગી હોયે તેના
કહ્યાને વશ જો જીવ રહે તો એમ જાણીએ જે ઇચ્છાને વશ છે. તેવા ભગવદીને કેમ ઓળખાયે? તે ઉપર કીર્તન લખ્યું.

(રાગ કાનડો)
અપુને જન ભગવદી પદ દીનો,
શરણ સુર્દઢ કરી સેવક કીનો, ઉર અંતર પ્રેમ પારખ્યો દીનો |૧|
સદા પ્રસન્ન પ્રફુલિતસે દરસે, પરસિત પરમ આનંદ સુખ લીનો |
કંથા પ્રસંગ કરે તબ, અરસ પરસ રસ પાઈ પીનો |૨|
નહિ અભિલાખ રહત ઇચ્છા બસ અપુને પ્રભુકે રંગમેં ભીનો |
‘બિહારી’ વર શ્રી ગોપેન્દ્ર ક્રીપાતેં, અૈસે જન ઔર ચૌદમેં ચીનો |૩|

પ્રસંગ ત્રીજો
વિષય: જીવની પાત્રતા.

વળી એક દીન જીવે મુનેશ્વર વિનંતી કરીને પૂછયું જે મહારાજ વૈષ્ણવ સર્વે સ્નેઠ મારગ કહે છે. તે માટે સ્નેહની વારતા પુષ્ટિ મારગી વેષ્ણવ હોય તે જાણે. તો તે શું ? મહાપ્રભુજી (શ્રી ગોપેન્દ્રજી) ગોષ્ટ ચર્ચા એકાંતે કરે તવારે સંક્ષેપે સ્નેહની વારતા જણાવે પણ સર્વે સ્નેહની વારતા કહેવરાવે નહિ પછી જે તાદરશી પુષ્ટિ હોય તો સંક્ષેપ મોહેથી સમજે સર્વ વારતા માંડીને કહેવાય નહિ. (જીવ પાત્ર ઓછું છે માટે)

પ્રંસગ ચોથો
વિષય: મરજાદી ભગવદી અને પુષ્ટિ ભગવદીના ભેદ.

વળી એક સમે જીવે મુનેશ્વર વિનંતી કીધી જે મહારાજે ? જે વેષ્ણવ સર્વે એમ કહે છે. જે મહા પ્રભુજી શ્રી ગોપેન્દ્રજીની લીલામાં દેહધારીને ત્રણ પદવી છે. એક તો દેહધારી (વેવાર), બીજો તીરસ્કાર, ત્રીજો નિસ્તાર તેમાંથી વેવારને તીરસ્કાર વૈષ્ણવને હાથ આપ્યો છે. અને નિસ્તાર મહાપ્રભુજીએ પોતાને હાથ રાખ્યો છે. તે રાજ એ કેમ છે ?

ત્યારે કહ્યું જે સાંભળ એ વાત સાચી છે. વેવાર અને તીરસ્કાર, અમોએ (આ બેમાંથી) પુષ્ટિ ભગવદીને હાથ વેવાર આપ્યો છે. અને મરજાદી ભગવદીને હાથ તીરસ્કાર આપ્યો છે.તે શા માટે ? જે પુષ્ટિ ભગવદીએ જેનો વેવાર કર્યો છે, તેને પોતાના સરખો કરે છે. તે માહે કાંઈ ચુક દેખે નહિ અને મરજાદી ભગવદી તુરત ચુક (ભુલ) દેખીને તીરસ્કાર કરે છે અને પુષ્ટિ તો અમારૂં મન છે. તે સાંભળો ફરીને વેવાર કરાવે. અને નિસ્તારતો જીવનો અમારે હાથ છે. પણ પુષ્ટિની આજ્ઞાએ જીવનો નિસ્તાર કરું છું.

પણ મહારાજ નિસ્તાર તે શી પદવી છે ?

તે ઉપર મુનેશ્વર રૂપે અંતરજામી કહે છે. તે સાંભળો, નિસ્તાર તે વિદેઠીએ ચરણારવિંદ તળે રહે. અને સેવા ટહેલ કરે. અને ટહેલ કરતા ચુકે નહિ, તો પ્રસન્ન થઈને નિખમનીના તેજમાં એકઠો કરૂં છું. વળી જીવે વિનંતી કરી જે, મહાપ્રભુ જીવ છે. અને ચુકે ત્યારે જીવની શી ગતિ?

ત્યારે કહ્યું જે, ચુકે તો દેહધારી પુષ્ટિ થાય. પણ જીવને મુકું નહિ.

|| ઈતિ શ્રી ગોપેન્દ્રજીનું ૪પમું વચનામૃત સંપૂર્ણ ||

(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)

લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને નંદની ચેતનભાઈ પરમાર (બીલખા) ના જય ગોપાલ ||


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *