|| પ્રભુશ્રી ગોપાલલાલજી ના વચનામૃત – ૪૩ ||

0
150

|| શ્રી ગોપાલો જયતે ||

વચનામૃત

એક બેર કાનાદસ અપુને દેશ જાય હેે, તાકી વાર્તા. જો કણબી આંબા પાસ શ્રીકૃષ્ણગઢમેં સ્વપ્રમેં કહીને બોજ મણ એક ઉપડાવે હેે, સ્વપ્રમેં દર્શન દીયો, સંગે કાનદાસકું દર્શન દીયે. તે વાર્તાકો વિસ્તાર વિશેષ હેે. જો શ્રીનાથજી તીન વાર દેખે, તબ મનમેં વિચાર્યો એ કહા ? તબ તીન બેર શ્રીગોપાલલાલજીકો સ્વરૂપ દેખ્યો.

|| ઇતિ ત્રયશ્ર્વત્વારિંશત્તમ વચનામૃત સંપૂર્ણ ||

ભાવાર્થ

  • કાનદાસ કાયસ્થ જ્ઞાતે હતા તે શ્રીગોપાલલાલના અનન્ય સેવક હતા. તે કચ્છમાં ભુજ ગામે રહેતા હતા. તેના વાર્તા પ્રસંગો ઘણાં છે અને વચનામૃતમાં પણ તે શ્રીગોપાલલાલજીને પ્રશ્ન
    કરીને માર્ગનો સર્વ સિદ્ધાંત પુછે છે. તે ઉપરના વચનામૃતમાં કાનદાસની વારતાનો પ્રસંગ છે અને ગોપાલલાલજીએ કાનદાસના મનને દઢ કરવા માટે પોતાનું પ્રતાપ બળ દેખાડ્યું અને સ્વસ્વરૂપની સ્વરૂપનિષ્ઠા કરાવી તે પ્રસંગ છે. તે ગુણમાલામાં પણ તેનું કવત મળી આવે છે, અને કાનદાસના વાતા પ્રસંગમાં પણ નીચે પ્રમાણે ઉપરના વચનામૃતની વાર્તા વિસ્તાર વાળી જે છે, તે આપવામાં આવી છે.

વ્રજ તે સંગ પ્રજદેશ, બટ બહે વિઠ્ઠલરાય ||
બડ સેવક વ્રજેશ, પ્રભુ ઇન લાર પઠાઇ ||
બોજ બઢયો તન તેહ, છુટ છકડે બીચવાઇ ||
આગે આવત એહ, નિકટ દિયો નિકસાઈ ||
કાનજી કાયસ્થ ચિત્ત ચહે, દરશન દીન દયાલ ||
અષ્ટ મજલ પલ આપી, ગૈલ મીલે ગોપાલ ||

સવંત ૧૬૯૦ ના આસો સુદી ૬ ને દિવસે કાનદાસ શ્રીગોપાલલાલને કહેવા લાગ્યા મારે શ્રીનાથજીના દર્શન કરવા જવું છે. ત્યાંથી આવી પછી મારે દેશ તરફ જઇશ. ત્યારે શ્રીજીએ કહ્યું તું ખુશીથી જજે. તું શ્રીલાલજીની આજ્ઞા લઈને જજે. તેમની રજા લઇ શ્રીગોપેન્દ્રજી પાસે આવ્યા અને તેમને પણ શ્રીનાથજીના દર્શન કરવા જવાની વાત કરી, ત્યારે તેમણે પણ જવાની રજા આપી, પણ પછી શ્રીગોપેન્દ્રજીએ વિચાર કર્યો કે હજી કાનદાસના મનમાં ભ્રાંતિ છે. તેથી કાનદાસને પોતાની પાસે બેસાર્યા અને બીજા વૈષ્ણવોને નીચે જવા રજા આપી, અને કાનદાસ પ્રત્યે આપશ્રી કહેવા લાગ્યા કે કાનદાસ તારા મનમાં દઢ રાખજે કે શ્રી અન્નાજી, શ્રીગોપાલલાલજી એ જ પોતે શ્રીનાથજીનું સાક્ષાત સ્વરૂપ છે, તે હું તેને સત્ય કહું છું તેમાં તું જરા પણ સંદેહ રાખીશ નહિ. અહીંથી બાર ગાઉ જઇશ, અને પાછો બાર ગાઉ આવીશ. તે કરતાં તને જેના દરશનની ઇચ્છા છે, તેના દરશન તને અહીંયા જ થાય છે. શ્રી અન્નાજી તે બીજુ સ્વરૂપ નથી. તેમાં જરા પણ શંકા રાખીશ નહિ. તારા મનની ઇચ્છા પરિપૂર્ણ થશે. આથી કાનદાસે શ્રીનાથજી જવાનું બંધ રાખી દેશમાં જવાની રજા લીધી.

ગોકુળમાં કાનદાસ શ્રીઠાકોરજીની પાસેથી રજા લઇને દેશ તરફ જવાનો વિચાર કર્યો. દિવાળીના દિવસો હતા. તેથી દેશ તરફ જવાનો ખાસ સંઘાત કોઇપણ મળે નહિ. જેથી વિઠ્ઠલનાથના સેવક ચોથી ભાટીયાણી દેશ તરફ આવતા હતા. તેનો સંઘાત કલ્યાણગઢ પાસે થયો. કાનદાસે તે ચોથી ભાટીયાણીના છકડામાં પોતાનો સામાનનો થેલો તથા પ્રસાદની થેલી મુક્યા અને કહ્યું કે આને સંભાળજો, હું ચાલ્યો આવું છું. છકડો ત્યાંથી આગળ ચાલ્યો. છકડામાં બહુ વજન થયું, તેથી છકડો ધીમે ચાલવા લાગ્યો. એટલે છકડાવાળાએ સૌને કહ્યું કે સૌ પોતપોતાનો સામાન લઇ લો. વજન વધુ છે, તેથી મારો છકડો ભાંગી જાય. તેથી સહુએ પોતપોતાનો માલ લઇ લીધો. કાનદાસને પણ પોતાનો થેલો ચોથી ભાટીયાણીએ પાછો આપ્યો, તેથી પોતે ઉપાડી ચાલતા થયા. થોડેક જતા બીજ માણસોને પોતાનો સામાન છકડામાં મુક્તાં કાનદાસે જોયા અને છકડો ચાલતો થયો. આ જોઇ કાનદાસના મનમાં અપાર દુઃખ થયું. અને વિચારવા લાગ્યા કે આ મારા પ્રભુજીના સેવક નથી, તેથી આમ કર્યું. જો મારા પ્રભુ શ્રીગોપાલલાલના સેવક હોત તો આમ કરત નહિ. મારા પ્રભુજીના સેવક સાથે ચાલ્યો હોત તો આમ કોઇ દિવસ કરે નહિ.

આમ જરા આગળ ચાલતા રાત પડી એટલે કોઇ ગામડામાં આવી, ત્યાં રાત વિસામો કર્યો. અને સર્વ સંઘ સાથે તેઓ પણ ત્યાં રોકાયા. સવારમાં વેલા ઉઠીને છકડાની ધરી ભાંગી બધા વૈષ્ણવો અટકી પડ્યા, તેથી કાનદાસ પણ સંઘાત છોડી પોતે એકલો કેમ જાય ? તેથી કાનદાસ પણ ત્યાં જ રોકાયા.

કાનદાસ એકબાજુએ બેઠા બેઠા ભગવત સ્મરણ કરે છે. અને પોતાનો થેલો છકડામાંથી કાઢી નાખ્યો તેનો વિચાર કરે છે, ત્યાં આકાશ માર્ગેથી એક વહેલને આવતી જોઇ. ઝળહળાટ તેજ દેખાયું અને અંતરીક્ષથી એકદમ વહેલ નજીક આવી પહોંચી. કાનદાસ વિચાર કરે છે, ત્યાં તો તે વહેલમાંથી શ્રીગોપાલલાલ તથા સાથે બે વૃજવાસી ઉતર્યા અને કાનદાસ પાસે પધાર્યા. અને કાનદાસને દર્શન આપ્યાં. કાનદાસનું હૃદય એકદમ ભરાઈ આવ્યું અને શ્રીગોપાલલાલના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, અને વિનંતી કરી, કૃપાનાથ આપ શ્રમ લઇને અહિંયા કેમ પધાર્યા. ત્યારે શ્રી ગોપાલલાલજી કહેવા લાગ્યા, કે તારા મનમાં એમ થયું કે જો મારા પ્રભુજીના સેવક હોત તો આમ ન થાત, મારા ઠાકોરજીના સેવક નથી તેથી ભાર પાછો આપ્યો. તેથી તારા મનમાં દુ:ખ થયું. તેના સમાધાન માટે મારે આવવું થયું છે. હવે સર્વ ચિન્તા દુર કર. હું તારી સાથે જ છું. એમ કહીને શ્રીગોપાલલાલજી શ્રીનાથજીના સ્વરૂપે દર્શન આપ્યું. કાનદાસ દર્શન કરે છે, ત્યાં મુળ સ્વરૂપે શ્રીગોપાલલાલજીનું દર્શન થયું. આમ ત્રણ વખત શ્રીગોપાલલાલજીએ દર્શન કરાવ્યું. ( આથી કાનદાસના મનમાંથી ભ્રમણા દુર થઇ.) અને પછી શ્રી ગોપાલલાલજીએ કાનદાસને કહ્યું, કે તું તારા સામાનની બે થેલી કરી લે, એક થેલી તારી પાસે રાખ, અને બીજી થેલી આંબો ભંડારી માગવા આવે તેને આપજે. કશી ચિન્તા કરીશ નહિ, તે તને તારા ગામમાં પાછી સોંપશે. આમ કહીને પ્રભુ અંતર્પિત થઇ ગયા. આ સમયે છકડાની ધરી સમી થઇ ગઇ અને સર્વ આગળ ચાલ્યા.

કિશનગઢ આવ્યું ત્યારે આંબા ભંડારીએ કાનદાસ પાસેથી થેલો ઉપાડી લીધો. કાનદાસ પોતાના મનમાં બહુ જ ખુશી થયા અને પોતાના પ્રભુની સરાહના મનમાં કરતા ભુજ પોંચ્યા ત્યાં આંબાભાઇએ તેમનો થેલો કાનદાસને સોંપ્યો. કાનદાસ પ્રભુની કૃપા માની સર્વ સંબંધીને મળ્યા અને પોતાના ધન્ય ભાગ્યની સરાહના કરવા લાગ્યા.

આ કાનદાસ કાયસ્થના વાર્તા પ્રસંગ ઘણા જ છે. તેઓ શ્રીઠાકોરજીના વહિવટનું કામ ઘણો સમય ગોકુળમાં રહીને કરતાં, તેમ જ સુંદર પદ બનાવીને ગાતા. કાનદાસના મનની ભ્રમણા દુર કરવા ઉપરનું ચરિત્ર પ્રભુશ્રીએ તેમને દેખાડ્યું અને સ્વ સ્વરૂપની નિષ્ઠા કરાવી છે. તેનું એક સુંદર પદ પ્રેમલીલા કરીને પણ છે. તેમાં પણ સુંદર વર્ણન માર્ગના સિદ્ધાંત અને સ્વસ્વરૂપ નિષ્ઠા કરાવી છે. કાનદાસ એવા કૃપાપાત્ર ભગવદી હતા.

|| ઇતિ તેતાલીસમાં વચનામૃતનો ભાવાર્થ સંપુર્ણ ||

(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)

લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને કિંજલબેન તન્નાના જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here