|| પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજીના વચનામૃત – ૪ ||


સંવત : ૧૭૧૯
સ્થળઃ લતીપુર

વિષય : જીવનું સુક્રિત ક્યારે વધે તથા ભગવદ્ ગુષ્ટ એકાંતે કે સંગમાં વધુ ફળદાયી

|| શ્રી ગોપાલો જયતે ||

એક સમયને વિષે શ્રીજી પરદેશ પધાર્યા. તે લતીપુર મોનદાસના ઘરે પધાર્યા. ભોજન કરી બેઠકે બિરાજ્યા. સર્વ જુથે મળીને દરશને આવ્યું. દરશન કરતા, નેણા ઠરી રહ્યા છે. આપશ્રી પ્રસન્નતામાં બિરાજે છે. ત્યારે કચ્છનો રાજા બોતોજી દરશને આવ્યો. તે બીજા રાજસી લોક પણ સાથે હતા.

ત્યારે શ્રીજીને પ્રશ્ન કીધું. “જે રાજ? આપે ભગવદીનો સંગ મોટો કીધો. તે તો ખરું તેથી સર્વ પદારથ પ્રાપ્ત થાય. ને જીવનું સુકિત વધે. તે સુકિત શું વધે? તે રાજ? કૃપા કરીને કહો?” 
ત્યારે રસિકરાજ કહેવા લાગ્યા. “જે જીવને ભગવદીનો સંગ થતા જ સમજવું જે પૂર્વેનું સુક્રિત ઉદય થયું. જે સંગમાં વિશ્વાસ આવે ત્યારે જાણવું, જે સુક્રિત ફલિત થયું. ભગવદ્ ગુષ્ટે બેસે, નિત્ય તેના સંગમાં રંગાયેલો રહે. શ્રવણ કરતાં મન પ્રફુલિત થાય. ત્યારે જાણવું. જે સુક્રિત વધે છે.

ત્યારે સવિરાબાઈએ કહ્યું “જે રાજ? ભગવદ્ ગુષ્ટ એકાંત કરે કે, સંગમાં રહીને કરે તો વધુ ફલદાય છે?”

ત્યારે રાજે કહ્યું? “જે કોઈ તીરથમાં સ્નાન કરવા જાય તો તીરથ સુક્રિતનું ફળ મળે છે. જો મહાત્મય જાણે તો અધિક ફળ મળે છે. પણ જે કોઈ તેમાંથી જળનો ઘડો ભરીને પોતાના ગ્રહને વિષે સ્નાન કરે તો તીરથનું જે ફલ છે. તે ન મળે, જલ પવિત્ર છે. તેટલું સ્નાન કહેવાય.

તેમ એકાંતે ભગવદ્ ગુષ્ટ કરે તો આનંદ વધે નહિ. અને આનંદ વધે નહિ તો શ્રીજી પ્રસન્ન – થાય નહિ, તેમ જાણવું ભગવદ્ ગુષ્ટ સંગમાં કરે, તો ભગવદ્ ગુષ્ટ નું મહાત્મય સર્વ તીરથોના તીરથનું ફળ છે. કોટિ તીરથ ભગવદ્ ગુણ સમાન ફલ આપતા નથી. અને જ્યાં ભગવદ ગુષ્ટ થાય છે.ત્યાં કોટિ તીરથ આવીને વસે છે. તેથી અમારા પુષ્ટિ મારગમાં ભગવદ્ ગુણ સમાન બીજો એક સર્વોપરિ પદાર્થ નથી. કોટિ અઘનો (અજ્ઞાનનો) નાશ ભગવદીની વાણીમાં વિશ્વાસ કરવાથી થાય છે. અને ભગવદીનો સંગ તે જ સુક્રિતનું ફળ છે. ભગવદીના સંગમાં રહીને ભગવદ ગુણનું શ્રવણ થાય તે જ ફલરૂપ છે. એકાંતે ભગવદ્ ભક્તિ વધે નહિ. માતમ વધે, અને ભગવદ્ ધર્મથી વિમુખ થાય. જે મને સમજણ પડે છે. તેવો ગર્વ થાય અને તેનાથી સર્વસુક્રિત નાશ થાય. ભગવદીના સંગ જેવું બીજું કોઈ મોટું સાધન નથી. નાવને નાવિક ચલાવે નહિ તો નાવ શું કરે? નાવમાં તરવાનો ગુણ છે. પણ તારનાર નાવિક નથી તો આપે તરી શકતી નથી. પાર પહોંચે નહિ. આપે તરે તો સમુદ્રમાં માર્ગ સુજે નહિ. તેથી ખરાબે ચઢે ને નાશ થાય. તેમ જીવે આપે (પોતે) તરવાનો ઉદ્યમ ન કરવો. ભગવદીને નાવિક કરે તો જ પાર પહોંચે. એકાંતે ભગવદ ગુષ્ટ થાય નહિ. ભગવદ્ ગુષ્ટ કારણિક સંગીને કીધી છે. એકાંતે ભગવદ્ ગુષ્ટ અભિમાન થાય પણ અર્થ બોધ થાય નહિ. અર્થ બોધ ન થાય. તો ભગવદ્ ધર્મ શું વળે? અને ભગવદ્ ધર્મ વધે નહિ, તો સુક્રિત ફલ રૂપ ન થાય. ભગવદ્ ગુષ્ટ ભગવદીના સંગમાં રહે, તો સર્વ ભગવદ્ ધર્મ ફલ રૂપ થાય.

વૃક્ષ થાયે પણ ફલ ન ચડે તો વૃક્ષની વૃદ્ધિ ક્યાંથી થાય? શીતળતાના કામનુંય રહે નહિ કાલ ક્રમે નાશ પામે. ફલ ચડે તો તેમાંથી બીજ થાય. તેમ પરંપરા ચાલે છે. તેમ જે ભગવદીના સંગમાં ભગવદ્ ધર્મ વધે. તે તેના સંગનું કારણ જ્યારે આવે, ત્યારે ફલ ચડે. તે ફલ ભગવદ્ ધર્મ રૂપીયું છે. પણ જે જેમાં ભગવદ્ ધર્મ જ નથી. તો તે બીજો ભગવદ્ ધર્મ ક્યાંથી પામે? માટે કહીએ છીએ કે, તેવા ભગવદીની સાથે ગુષ્ટ વારતા કરે, તો જ સુક્રિત વધે, ને તે સુક્રિત ફલ રૂપે થાય. જેથી ભગવદ્ ધર્મની પ્રાપ્તી થાય. પણ એકાંતે કાંઈ પામે નહિ.

ત્યારે બાઈ સવિરા પોતાના મનને વિષે ઘણું હરખાણા ને રાજના ચરણમાં વારંવાર દંડવત કીધું ને પોતાના ભાગ્યની સરાહના મનમાં કીધી. જે રાજે, મને એવા કારણિક ભગવદીનો સંગ દિધો જેથી મને આ પ્રાપત થઈ છે. તેવું પોતાના કારણિક ભગવદી જે કૃષ્ણભટ્ટ શું મનુહાર વિનંતી કીધી જે રાજની કૃપા મુજ માથે ઘણી કીધી છે. તેણે મારું સુક્રિત વાધ્યું.

તે રસિક રાજનું વચનામૃત સાંભળી સર્વ જુથે ગદગદ થઈને સરાહના કીધી. જે પુષ્ટિમાર્ગમાં તો મોટું સાધન તે રાજના અંગીકૃત ભગવદીનું કારણ અને સંગ બળ છે. જેથી જીવને કશો ભય નથી. તેવું ભગવદ ગુષ્ટનું ઉત્તમ સ્વરૂપ સમજાવ્યું અને આપશ્રી ભોજન કરવા પધાર્યા. જુથને અનહદ આનંદ વાધ્યો. જે રાજના વચનામૃતનું પાન થાય તો ઘણું સારું. ત્યારે બોતોજી રાજા બે ઘડી વિહવળ દશામાં રહ્યા. પછી પોતે પોતાના સંગી સાથે મળીને દેશ ગયા. રાજ પરદેશના મિષે જીવનું ઓધારણ કરવા પધાર્યા.

|| ઇતિ શ્રી ગોપેન્દ્રજીનું વચનામૃત ૪ થું સંપૂર્ણ ||

(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)

લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને પ્રદીપભાઈ ગોહેલ(જામનગર) ના જય ગોપાલ ||


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *