|| શ્રી ગોપાલો જયતે ||
વચનામૃત
ઓર એક બિરીયાં શ્રીગોપાલલાલજી કાશીદાસ અમદાવાદી વૈષ્ણવકે આગે વ્રજભક્ત કે સંબંધી કારિકા શ્રીસુબોધિનીજી કી કહી,(શ્રીમદ ભાગવત ઉપરની ટીકા સુબોધીનીજીનો વધારે સ્પષ્ટ અર્થ સમજાવવા તે ઉપર શ્લોકો રચ્યા છે. તે કારિકાથી ઓળખાય છે.) તાકો અર્થ કહા જો શ્રીઠાકુરજી કેસો અંગીકાર કરેં પરી યા ભગવદીય કેસો ભાવ હે તબ કાશીદાસ કે મનમેં યહ આયો જો શ્રીઠાકોરજી મેરો અંગીકાર કબ કરેંગે? સો આપુ સચ્ચિદાનંદ મુનેશ્વર શ્રીગોપાલલાલજીને જાની સો કાનદાસ સામે દેખીકે તાસું બોલે, જો જીવકી કેસી મૂર્ખતા હે. જો મેરો અંગીકાર ભયો કે અબ હોયગો? તાકે ઉપર આપુ એકાદશકો શ્લોક પઢે: નૃદ્રેહમાદ્ય સુલભ સુદુર્લભં, પ્લવં ગુરુકર્ણધારમ મયાનુકુલેમ નભસ્વતેરિતં પુમાન્ભવાબ્ધિ ન તરેન્સ આત્માહા !! ઇતિ વચનાત !! યહ કહ્યો હે, જો ભારત ખંડમેં જન્મ પાયકે ઓર જો પુષ્ટિમાર્ગમેં શ્રીમહાપ્રભુજીકો આશ્રય ઓર શ્રીવૃજમંડલકો અનુભવ ભયો, પીછે અંગીકારમેં કહા ન્યુન્યતા હે ? ઓર કહી જો જીવકો તો સર્વથા સાચ વિશ્વાસ ચહિયે. અરુ એસે જાનનો જો શ્રીઠાકુરજી મેરે, ઓર મેં શ્રીઠાકુરજી કો હું, તો ન્યુન્યતા કહા હે ? પરિ વૈષ્ણવકું એસે ન કહનો જો મેં કહા કરું ? મેરે તો સામર્થ્ય કછુ નાંહી; એસે નાહીં; જો અપુને જીયામેં સાચ પ્રભુન પર પ્રીતિપૂર્વક વિશ્વાસ હોય તો સબ ફલે. ઓર દેહ તો ચિન્તામણી હૈ, તાસુ જો ચહિયે સો પ્રાપ્ત હોય હૈ. (એક પત્થર જેવી વસ્તુને ચિન્તામણી કહે છે તે સર્વ પ્રકારની સિદ્ધિને ઉત્પન્ન કરે છે બીજી કોઇ વસ્તુને અડે તો તે સુવર્ણ બની જાય)
|| ઇતિ ચતુર્થ વચનામૃત સંપૂર્ણ ||
|| ભાવાર્થ ||
ઉપરોકત ચોથા વચનામૃતમાં શ્રીગોપાલલાલજી શ્રીમદ્ભાગવત ઉપર શ્રીમહાપ્રભુજીએ સુબોધીની નામની ટીકા કરેલ છે. તેમાં વ્રજભક્ત સબંધી પ્રસંગની ચર્ચા કરી રહ્યાં છે, જે વ્રજભક્તોનો, શ્રીઠાકોરજીએ કેવો અંગીકાર કર્યો અને તે વ્રજભક્તો ભગવદીયોનો ભાવ પણ શ્રીઠાકોરજી પ્રત્યે કેવો છે, તે સુબોધીનીજીના આધારે સમજાવી રહ્યા છે. વ્રજભક્તો એ કેવી પ્રેમલક્ષણા ભક્તિ કરીને શ્રીઠાકો૨જીને વશ કરી લીધા. જે પ્રભુ વ્રજભકતો કહે તેમ જ કરતા તેમને આધીન થઈ રહેલા તેવી જ પ્રેમલક્ષણા ભક્તિનું દાન પુષ્ટિમાર્ગમાં જીવને પ્રાપ્ત થાય છે. અને થયું છે. તેના અનેક દ્રષ્ટાંત આપણા ગુણમાલ ગ્રંથ માંથી મળી રહે છે. આપશ્રી સુબોધિનીજી ઉપરનો પ્રસંગ વ્રજ ભક્તોના ભાવ વિષેનો જયારે સમજાવી રહ્યા છે, ત્યારે અમદાવાદના વૈષ્ણવ કાશીદાસના મનમાં એવો વિચાર આવ્યો, કે શ્રીઠાકોરજી મારો અંગીકાર ક્યારે કરશે ? તે કાશીદાસના મનની વાત શ્રીગોપાલલાલજી એ સાંભળી અને કચ્છ માંડવીના રહીશ કાનદાસ કાયસ્થ નામના વૈષ્ણવ સામે જોયું, ને કહેવા લાગ્યા જીવની કેટલી બધી મુર્ખતા છે. આ કાશીદાસના મનમાં પ્રશ્ન પૂછવાનો ઉપજયો છે, કે મારો અંગીકાર થયો છે કે હવે થશે ? તેના ઉપર આપશ્રી એકાદશસ્કંધનો શ્લોક બોલી સમજાવી રહ્યા છે. જેણે ભારત ખંડમાં જન્મ લીધો અને પુષ્ટિમાર્ગનો જે જીવે આશ્રય ગ્રહણ કર્યો છે અને વ્રજમંડલનો અનુભવ જેને થયો છે, તો પછી અંગીકારમાં શું ખામી રહે ? અને વૈષ્ણવે કોઇ દિવસ એમ ન કહેવું કે હું શું કરું મારામાં તો કંઇ કરવાની શક્તિ નથી. એવો ભાવ ન વિચારવો પણ પોતાના હૃદયને વિષે સત્ય પ્રેમ પ્રભુ ઉપર, પ્રિતિ પૂર્વક એક દઢ વિશ્વાસ હોય તો સર્વ કાર્ય સિદ્ધ થાય. દેહ તો ચિન્તામણીરૂપ છે. જેવો ભાવ ચિતવો તેવું ફળ પ્રાપ્ત કરાવે.
પુષ્ટિમાર્ગીય જીવે ક્યારે પણ પોતાના અંગીકાર બાબતની ચિન્તા કરવાની જરૂર રહેતી નથી. જે જીવ પુષ્ટિમાર્ગનો આશ્રય કરીને રહે છે અને તેના સિદ્ધાંત પ્રમાણે પોતાનું જીવન જીવે છે, તેને ક્યારે પણ પોતાના અંગીકાર બાબતની ચિન્તા કરવાની રહેતી નથી. વૃજભક્તના ભાવ મુજબ જીવ જો પ્રભુ ઉપર પ્રેમ અને વિશ્વાસ રાખે તો પછી અંગીકારમાં શું ખામી રહે.
નવખંડમાં ભારત ખંડની શ્રેષ્ઠતા શ્રીઠાકોરજી બતાવે છે. બીજા ખંડમાં જન્મ લેવાથી પ્રભુની પ્રાપ્તિ થતી નથી. જયારે ભરત ખંડમાં તો પ્રભુએ અનેકવાર અવતાર ધારણ કર્યા છે, જયારે બીજા ખંડમાં તે વાત નથી. ભરત ખંડમાં મહાન ભગવદીઓ સંત મહંત ભક્તો થઇ ગયા છે. નરસી મહેતા એક પદમાં ગાય છે .ભરતખંડ ભુતલમાં જન્મી, જેણે હરીના ગુણ ગાયા રે.
ધન્ય ધન્ય તેના માતપિતાને, સુફલ થઇ તેની કાયા રે. માટે ભરતખંડમાં જન્મ લેવો તે વાત ન્યારી છે તો શ્રીગોપાલલાલજી પણ ભરત ખંડમાં જન્મ લેવાનો દાખલો આપે છે. તેમાં પુષ્ટિમાર્ગનો આશ્રય ગ્રહણ કરીને જેણે એકવાર વ્રજમંડલની ઝાંખી કરી છે. પછી તે જીવને પોતાના અંગીકારમાં કંઇ પણ ખામી નથી તેમ સમજવું. ચિંતા કાપી ન કાર્યા,નિવેદિતાત્મભિઃ કદાપીતી,ભગવાનપિ પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકમ ચ ગતી
શ્રીમહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં સમજાવે છે કે, જે જીવે પ્રભુને નિવેદન કરી સર્વ સમર્પણ કરેલું છે. તેણે કોઈપણ સમયે કોઈપણ જાતની ચિંતા કરવી નહીં. જયાં ભગવાન પુષ્ટિસ્થ છે પછી તે જીવ તેના શરણે આવ્યો છે, તેની લૌકિક ગતિ સર્વથા નહિ કરે. પણ જીવને એક સત્ય વિશ્વાસ જોવે, ભક્તિમાર્ગ એટલે સંપૂર્ણ વિશ્વાસનો જ માર્ગ, તે પણ પ્રિતિપૂર્વક પ્રિતિ સહિતનો વિશ્વાસ જોઈએ. તો જ ભક્તિ ફળે છે. આ મનુષ્ય દેહ રૂપી ઉત્તમ વહાણ આ જીવને પ્રાપ્ત થયું છે તે ભગવદ ઇચ્છાથી જ પ્રાપ્ત થયું છે. જીવ ઇરછે તો મળે તેમ નથી, પણ ભગવદ્ કૃપાથી જ પ્રાપ્ત થાય છે, એવા સુંદર વહાણને પ્રાપ્ત કરીને જે તરવાની ઇચ્છાને બદલે જીવ તે વહાણમાં દુષ્ટ કર્મરૂપી પત્થરા ભરે, તો તે જીવને પોતાનો નાશ કરનારો જ સમજવો. વળી દેહને ચિન્તામણીરૂપ કહ્યો. ચિન્તામણી જેની પાસે હોય છે તે જે ચિતવે તે તેને પ્રાપ્ત થાય છે. તેમ મનુષ્ય પોતાના દેહરૂપી ચિન્તામણીને પ્રાપ્ત કરીને ભગવચરણારવિંદની પ્રાપ્તિની ઇચ્છા કરે તો જરૂર પ્રભુપદની પ્રાપ્તિ થાય અને સંસારના વિષયાદિકની ભાવના કરે તો તે પ્રાપ્ત થાય. માટે દેહને એક વહાણની ઉપમા આપી તેમ જ બીજી ચિન્તામણીની ઉપમા આપીને શ્રીગોપાલલાલજી ચોથા વચનામૃતમાં એ વાત સમજાવી રહ્યાં છે , કે જીવે પોતાના પ્રભુ ઉપરનો વિશ્વાસ છોડીને ક્યારે પણ પોતાના અંગીકારની ચિંતા ન કરવી. જે જીવ પુષ્ટિમાર્ગનો આશ્રય કરીને રહ્યો છે એટલે કે પુષ્ટિમાર્ગના આચરણ મુજબ જે તેના સિદ્ધાંતનું પાલન કરી રહ્યો છે, તેને તો કોઇ દિવસ ચિન્તા કરવાની રહેતી નથી. વળી તે જીવ પુષ્ટિમાર્ગમાં આવ્યો છે તે એક જન્મે બે જન્મે કે ત્રણ જન્મે તેનો નિસ્તાર કર્યા વગર પ્રભુને છુટકો જ નથી. કારણ કે પુષ્ટિમાર્ગનું એવું બિરદ છે. શ્રીઠાકોરજી પુષ્ટિસ્થ છે. અને કૃપા માર્ગ છે. જેથી જીવનું મહદભાગ્ય છે જે પુષ્ટિમાર્ગનો આશ્રય કરીને રહયો છે એવું આ વચનામૃત માં સમજવામાં આવ્યું છે
|| ઇતિ ચતુર્થ વચનામૃત ભાવાર્થ સંપૂર્ણ ||
(પ્રભુ શ્રીગોપાલલાલજીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||