|| શ્રી ગોપાલો જયતે ||
વચનામૃત
એક બિરીયાં આપ શ્રીજી અપુની બેઠકમેં બેઠે હે, ઓર સત્સંગકો વૃત્તાંતકો પ્રસ્તાવ કહે હે. જો વૈષ્ણવ હૈ, ઓર દેવીકો આશ્રય કરે, તાસું ભગવદ્ભ ભક્તિ વૃદ્ધિપાવે, ઓર રસિકાનંદ પુરુષોત્તમકી પ્રાપ્તિ હોય હે , જો એસે ઉપાસિકકો સત્સંગ મિલેતો. ઓર ભાગ્યોદયસો વેદકો સંગી મિલે તો તાકે વૃત્તાંતસૂ ચલે તો બ્રાહ્માનંદકી પ્રાપ્તિ હોય હે. અરુ એસો સૂજવેમેં આવે તો બ્રહ્મપદ પાવે, ઓર પરમહંસ દશા હોય હૈ. કૌ જો સંગકો ફલ હે, ઓર ભગવત સત્યભક્તિ, પ્રેમલક્ષણા ઉપજા બિનું એસી પ્રાપ્તિ કૌ હોય હૈ ? ઓર ભગવદી સંગસો કોઉ બડો સધન નાંહી હે, ઓર જાકે અંગ અંગ, પ્રેમસોં કરકે ફુલે હે, જબ ભગવદીય સંગ મિલે તબ, ઓર અનંત વ્યથા ( પીડા ) હે, સો જાકી દુર ગઇ હે, સો તો પ્રિતિકો લક્ષણ હે, જો મયુર મેઘવત અનંત ( પારવિનાની ) વ્યથા હે, જો પવનકે ઝાકઝોર હે, અરુ પીછેમે વ્યથા હે , પરિજબ ગર્જના સુને, તબ આપ શબ્દ કરે બિનું રહે ન, કૌ જો પ્રિતિ હૈ, સો અપુનો ( ટેક ) નેહ નિભાયે વિના કૌ ચલે ? એસો ( એક જ ઉપર આધાર રાખનાર કોઇ જીવ. ) અનન્ય સત્વ નેહકો પાસે હે. અરુ એસો જાકો પ્રેમ પ્રધાન જો ભક્તિ, તાકો પાયે, પીછે મહા અદ્ભુત પ્રિતિ ઉપજે હે, તાસુ જો શ્રી પુરૂષોત્તમકો વશ કરલે હૈ, એસો બડો સાધન તો પ્રેમ હૈ. તાતે પ્રેમલક્ષણા ભક્તિ સો મુખ્ય હે, જાસો મહા આનંદ હોય હે.
યાતે ( સત્સંગથી ) પ્રેમી,જો વૈષ્ણવ હૈ, તાકું અપુનો જો નિજ ધર્મ હે, તામે પ્રેમ અધિક અધિક એસો બઢતિ જાય હે. અરુ જાકું ભક્તિકો અનુભવ થયો, તાકુ તો કોઉ દિન અવિશ્વાસ ન હોય હે, અરુ વિશ્વાસ, સો પ્રેમકો પેલો સાધન હે. જો પદાર્થ ચિત્ત રૂપકો વિષય અથવા શ્રવણકો વિષય સો દેખો કે સુનો, તામે ચિત્તકો વિશ્વાસ ભયો તો લગે, લગે વિનું પ્રેમ કેસો હોય હૈ? ( કોઈ પદાર્થના રૂપને દેખે અથવા તો તેના રૂપનું વર્ણન સાંભળે ત્યારે ચિત્તમાં તે પદાર્થમાં વિશ્વાસ ઉપજે. ) યાતે પહલે વિશ્વાસનો ભક્તિ હોય હે, અરુ અપુને ઇષ્ટ, તાકો આશ્રય દ્રઢ, સો વિશ્વાસસો હે અરું સત્ય પદાર્થ હે, સોતો વિશ્વાસસો ફલ દીયે છે .
|| ઇતિ સપ્તન્નિશત્તમ વચનામૃત સંપૂર્ણ ||
ભાવાર્થ
ઉપરોકત વચનામૃતમાં શ્રી ગોપાલલાલજી સત્સંગનો મહિમા સમજાવે છે, સત્સંગનો મહિમાં જગતમાં અપાર છે. દરેક ધર્મ ગ્રંથો સત્સંગ ઉપર ખૂબ જ ભાર મૂકે છે, તેટલું જ નહિ પણ શ્રીમદ્ભ ભાગવતમાં એકાદશ સ્કંધમાં ભગવાન પોતે પોતાના શ્રીમુખથી પોતાના ભકત ઉધ્ધવજીને સત્સંગનો અપાર મહિમા સમજાવતા કહે છે કે, હે ઉધ્ધવ ! સત્સંગ જેવો મને વશ કરી શકે છે, તેવા બીજા કોઇ પણ સાધનથી હું વશ થતો નથી. અથવા પ્રસન્ન થતો નથી, સત્સંગ દ્વારા મારી પ્રાપ્તિ તુરત જ થઈ જાય છે. ભગવાન ઉધ્વજીને કહે છે.પ્રિય ઉધ્ધવ , ! જગતમાં જેટલી આસક્તિઓ છે, તેને સત્સંગ નષ્ટ કરી દે છે. તેનું કારણ એક જ છે કે સત્સંગ મારી પ્રસન્નતા અને મને વશ કરી લેવામાં જેટલું સફળ સાધન છે, તેવું બીજું સાધન એકેય નથી. યોગ, સાંખ્ય, ધર્મપાલન, સ્વાધ્યાય, તપસ્યા, ત્યાગ, ઇષ્ટાપૂર્ત અને દક્ષિણાથી હું સત્સંગ જેવો પ્રસન્ન થતો નથી. ક્યાં સુધી કહું વ્રત, યજ્ઞ, વેદ, તીર્થ અને યમનિયમ પણ સત્સંગની સમાન મને વશ કરવામાં સમર્થ નથી, આ એક યુગની નહિ પણ બધા યુગની એક સરખી વાત છે.
સત્સંગ દ્વારા દૈત્ય, રાક્ષસ, પશુપક્ષી, અપ્સરા, નાગ – સિદ્ધય, ચારણ – ગુહયક અને વિદ્યાધરોને, પણ મારી પ્રાપ્તિ થઇ છે. મનુષ્યોમાં વૈશ્ય, શુદ્ર, સ્ત્રી અને અત્યંજ આદી રજોગુણી, તમોગુણી પ્રકૃતિ વાળા ઘણા જીવોએ મારું પરમ પદ પ્રાપ્ત કર્યું છે. વૃત્રાસુર, પ્રહલ્લાદ, વૃષપર્વા બલિ બાણાસુર મયદાનવ, વિભિષણ, સુગ્રીવ, હનુમાન, જામ્બુવાન, ગજેન્દ્ર, જટાયુ. તુલાધાર, વૈશ્ય, ધર્મવ્યાધ, કુન્જા, વ્રજની ગોપીઓ યજ્ઞપત્નિઓ અને બીજા લોકો પણ મને સત્સંગના પ્રભાવથી પ્રાપ્ત કરી શક્યા છે.
હે નિષ્પાપ ઉધ્ધવ ! જુઓ તે લોકોએ વેદનું સ્વાધ્યાય કર્યું નહતું. અને વિધીપૂર્વક મહાપુરૂષોની ઉપાસના કરી ન હતી ,અને તેઓ એ કરછચાંદરાયણ વ્રત અને કોઈ તપસ્યા પણ કરી ન હતી. બસ કેવળ સત્સંગના પ્રભાવથી, તે લોકોને મારી પ્રાપ્તિ થઇ હતી.
જરા તું માની લેકે વૃત્રાસુર ઇત્યાદિ કે અન્ય સાધન પણ પ્રાપ્ત કર્યા હતાં. જયારે ગોપીઓ, ગાય, યમલાર્જુન તથા વૃક્ષ વ્રજના હરણ આદિ પશુ કાલીય આદી નાગ તેતો સાધન કરવામાં સર્વથા મૂઢ બુદ્ધિ હતા. એટલું જ નહિ એવા એવા બીજા પણ ઘણાં થઇ ગયા, જેઓએ કેવળ પ્રેમ પૂર્વક ભાવ દ્વારા અનાયાસ, મારી પ્રાપ્તિ કરીને કૃત્ય કૃત્ય થઇ ગયા.
ઉધ્ધવ ! મોટા મોટા પુરૂષાર્થ કરવાવાળા લોક યોગ, સંખ્ય દાન, વૃત, તપસ્યા યજ્ઞ શ્રુતિયો ( વેદો ) ની વ્યાખ્યા મનન અને સંન્યાસ આદિ સાધનો દ્વારા મને પ્રાપ્ત કરી શકતા નથી પરંતુ સત્સંગ દ્વાર હું અત્યંત સુલભ થઇ જાવ છું.
જેમ મોટી મોટી નદીઓ સમુદ્રમાં ભળી જતાં પોતાનું નામ અને રૂપ ખોઈ નાખે છે, તેમ ગોપીઓ પરમ પ્રેમ પૂર્વક મારામાં એટલી બધી તનમય બની જતી હતી, તેને આ લોક કે પરલોક શરીર અને પોતાના લૌકિક પતિ પુત્રાદીકની પણ શુઘ બુઘ ન ૨હી હતી. તેની તનમયતા મોટા મુનીઓને પણ આદર્શરૂપ હતી, તે સાધન હીન સેંકડો હજારો અબળાઓને કેવળ સંગના પ્રભાવથી મારા પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ થઇ હતી.
ઉદ્ધવ, તું કાંઇપણ વિચાર ન કર, હું તો જે છું તેજ છું એટલે કે મારા પ્યારા સખા ! અત્યારે તું શાસ્ત્રોના વિધનિષેધના કીચડમાં ન પડતાં, પ્રવૃતિ તથા નિવૃતિ માર્ગના સાઘનની તને કોઇ જરૂર નથી. અને તને શું કહું તું જે કોઇ સાઘન અને સાધ્યના વિષયમાં સાંભળી ચુક્યો છે અને કાઇ પણ સાંભળવાનું બાકી છે, તે બધુ ભુલીજા અને તેની ચિન્તા છોડી દે, તું કેવળ મારા શરણમાં આવીજા, સંપૂર્ણ અંતઃકરણથી તું સમજી લે કે બધાના આત્માના રૂપે ભગવાન સ્થિતિ કરી રહ્યા છે. અત્યારે હમણાં તું મારા શરણમાં આવી જા, તું સમસ્ત સંસારના ભયથી મુક્ત થઇ જઇશ તે એક મારા સત્સંગના પ્રભાવથી અને મારા સત્સંગના પ્રભાવથી પ્રેમલક્ષણા ભક્તિ ઉત્પન થશે.
ભગવાને ઉદ્ધવજીને આ અંતિમ ઉપદેશ આપ્યો હતો. સત્સંગના મહિમાનું આથી વધારે પ્રમાણ બીજું શું હોઇ શકે ?
આપણા ભગવદીઓ સત્સંગ ઉપર ખૂબ જ ભાર પુર્વક લખી ગયા છે સમજાવી ગયા છે. પુષ્ટિમાર્ગમાં સંગ સિવાય પ્રેમલક્ષણા ભક્તિ ફલિત થતી જ નથી. તેના વિષે અસંખ્ય, કવત, સાખી, કીર્તનમાં વર્ણન કરવામાં આવ્યું છે, સત્સંગ બરાબર પ્રભુપદને પામવા માટે જગતમાં બીજુ કોઇ શ્રેષ્ઠ સાધન નથી. તે વિષે હવે ભગવદીઓ સમજાવે છે . તે વિચારીએ.
|| કવત || સત્સંગ બરાબર કર્મ કાંડ ન કહાવે , સત્સંગ બરાબર જ્ઞાન ધ્યાન નહિ પાવે સત્સંગ તુલ્ય અષ્ટાંગ યોગહું નાવે , સત્સંગ બરાબર જપતપ નહિ શ્રુતિ ગાવે સત્સંગ બરાબર તીર્થ નેમ ન બનાવે , સત્સંગ તુલ્ય વૃત મંત્રજંત્ર ક્યો આવે . સબસાધન શિરોમણી , સો સત્સંગ સુહાવે , સત્સંગ બડો સુન વેદ નિશાન બજાવે
ઉપરની કવતથી એ સ્પષ્ટ મનાય છે કે સત્સંગ બરાબર કોઇ સાધન છે જ નહી. સત્સંગને વેદ પણ મોટો કહે છે. અને સત્સંગના મહિમા વિષે વેદ પણ નિશાન વગાડીને કહે છે કે, પરમ ભગવદી હરબાઇ કહે છે
” આપતો સંગ તારા દાસનો આપજે , સોંપજે સ્નેહ રસ સહિત મુજને ” ” સાંભળો વિનતી મારી ચિતધરી , સંગ વિના સાયબા કેમ રહીએ ‘ ‘ નિમેષ નિત્ય સત્સંગ પંખે આત્મા અતિ દુઃખી ” સેવ્યતું સંત મન કર્મ વચને કરી અખિલ અભય પદ એજ આપે ”તારા ભક્તનો ભાવ મન કેમ રહે , વાલમાં સંગ વિના સાહેબા સર્વે કાચું ‘ ‘ ‘ સેવક સંગતે સુખદાય સદા , ૨દામાં રિઝવે રંગ રંગે ‘ ‘ “તારા ભક્તના સંગ થકી રંગ રહે , સાહેબા , રીઝવે રંગમાં પ્રીત રીતે ‘ ‘ “ ભક્ત ભગવાનમાં અંતરો આણવો , જાણવો જીવતે દુષ્ટ સંગી ‘ ‘ ‘ ‘ તારી ચરણ રજ પામવા પ્રેમશું , ભક્તનો ભાવ હોય એક અંગી ’ ’ “ મારુ તન મન ભકત પાસે સદા તારું ચિત્ત ત્યાં નિત્ય રાખે “. || જૈસી સંગતિ વશપર્યો , તેસી ગત જીય હોય | પ્રેમ સુહાગ સંગત બિના , અન્ય ઉપાય નહિ કોય || || દોહરા || ||સંગતિકે વશ જો રહે , જયો ઉપજે વિશ્વાસ | || સત્સંગ એહી પાય વો , જો તજે ઓરકી આશ || દોહરા ||
ઉપરોક્ત પ્રભાતિમાં હરબાઇ સમજાવતા શું કહે છે . પ્રભુ પાસે એક સંગની યાચના કરેછે .હેપ્રભુ ! સંગ આપો તો તમારા દાસો આપજો, અને સ્નેહરસ સહિત મુજને સંગ સોપજો જેથી તમારી સ્નેહરસ યુક્ત ભક્તિદ્વારાઆપના રસીક આનંદ રસસ્વરૂપને પ્રાપ્ત કરી શકું લુખી ભક્તિની માગ઼ણી મારી નથી, સ્નેહ અને રસ સહિતની ભક્તિ જેનામાં હોય તેવો સંગ મારે જોવે છે, સોપજો એમ કહ્યું એટલે તે સંગ મને આપી દે, જેથી તે સંગ કાયમ મારો જ રહે, લેશ માત્ર બીજાનો થાય નહિ.
હે પ્રભુ ! મારી વિનંતી સત્સંગ વિના અમે કેમ રહી શકીએ, સંગ વિના આપના સ્વરૂપનું જ્ઞાન ક્યાંથી થાય ?
એક પણ નિમેષ નિત્ય સત્સંગ વિના રહીએ તો આત્મા અતિ દુઃખી થાય છે માટે એક નિમેષ નિત્ય સત્સંગ વિના ન જાવી જોઈએ તેમ કહે છે.
મન,કર્મ અને વચને કરીને તું સંતનું સેવન કરે તો, અભયપદ જે અખીલ ધામનું પરમપદ પ્રાપત થશે, સંતના સેવનથી અભયપદને પ્રાપ્ત કરી શકીશ.
હે વાલમા ! તારા ભક્તનો ભાવ મારા મનમાં કેમ કરીને રહે તે શીખવજો કારણ કે સંગ વિના બધું કાચું છે. સંગ વિના આપની ભક્તિ ફલિત નહિ થાય દ્રઢ નહિ થાય ફલ કાચું છે ત્યાં સ્વાદ શું હોય, માટે પરિપક્વ થવા માટે મને સંગ આપજો અને સંગ ભાવ વિના કેમ રહી શકે ? તારા સેવકનો સંગ સંદા સુખ આપવાવાળો છે, તે પ્રેમ લક્ષણા ભક્તિના રંગે રંગીને હૃદય કમલમાં આનંદ, ઉપજાવે છે. માટે સુખદાયક છે.તારા ભક્તના સંગ થકી ભક્તિનો રંગ રહે છે. મારા સાહેબા ! અને તે પ્રીતીની રીતે તેના રંગમાં રંગી રીઝવે છે, ખુશ કરે છે, આનંદ પમાડે છે.
પણ તારા ભક્તમાં અને તારામાં જે જુદા પણુ જુવે છે, તે તો જીવ દુષ્ટ સંગી છે ભક્ત ભગવાન એક જ છે એમ નથી જાણતો તે જીવનો સંગતો મહાન દુષ્ટ છે, ખરાબ છે તેવો સંગી મારે જોતો નથી. મારે તારા ચરણની રજની પ્રાપ્તિ પ્રેમથી કરવાની ઇચ્છા છે અને તે ઇરછાતો ભક્તનો ભાવ તારા સ્વરૂપે એના અંગમાં જોવામાં આવે તો જ થાય, દવૈત ભાવ મટી જાય, તો તારા ચરણની જ તેના પ્રેમ દ્વારા પ્રાપ્ત થઈ શકે.
પણ આપતો કહો છો કે મારું તન મન સદા ભક્ત પાસે છે, આપસંદા સર્વદા ભક્તના સ્વરૂપમાં બિરાજો છો અને મારું ચિત્ત તેમાં નિત્ય રાખવાની આપની આજ્ઞા છે, તો મારું ચિત્ત સદા આપના ભક્તમાં રહે તો જ આપનો સ્નેહ રસ હું ચાખી શકું, કારણ કે આપતો પ્રેમનું પોષણ કરનાર છો, હરબાઇ આવો ઉત્તમ સંગ પ્રભુ પાસે માગે છે. પણ નીચેની સાખીનો ભાવાર્થ હવે વચનામૃત સાથે લાગુ પડતો જણાય છે. || જૈસી સંગાત વશપર્યો તેસી ગતજીય હોય , પ્રેમ સુહાય સંગત વિના અન્ય ઉપાય નહીં હોય ||
શ્રીગોપાલલાલજી પોતાની બેઠકમાં બિરાજે છે અને સર્વે વૈષ્ણવને સત્સંગનું વર્ણન કરતો પ્રસંગ સમજાવતા કહે છે. ”
વૈષ્ણવ જે છે તેમણે દૈવીજીવ જે ભગવદી તેનો આશ્રય રાખવો. ભગવદીનો આશ્રય કરવાનું કહ્યું, આશ્રય એટલે સ્થાન પ્રાપ્ત કરવું, એટલે અનુભવીના સંગનું સ્થાન પ્રાપ્ત કરવું. કારણ કે તેવા ભગવદીના સંગથી માર્ગનું રહસ્ય સમજાય, પ્રભુનું સ્વરૂપસમજાય, ભક્તિનું લક્ષણ સમજાય, તેથી તેના સંગથી ભગવદ્ ભક્તિની વૃદ્ધિ થાય અને રસિકાનંદ એવા પુરૂષોત્તમની પ્રાપ્તિ થાય, પણ તે ક્યારે કે જે એવા રસીકાનંદસ્વરૂપ ની ઉપાસનાવાળા જે ભગવદી હોય તેનો સંગ મળે, તો રસીકાનંદ પુરૂષોત્તમની પ્રાપ્તિ થાય.
જીવને જેવો સંગ પ્રાપ્ત થાય છે. તેવી તેની ગતી થાય છે. એટલે તેની બુદ્ધિ ભાવના ક્રિયા આચરણ વિગેરે તેને તેવું જ પ્રાપ્ત થાય છે. એટલે શ્રી ગોપાલલાલજી કહે છે, કે રસિકાનંદનો ઉપાસક જે હોય તેનો સત્સંગ મળે તોજ તે રસાત્મિક પુરૂષોત્તમના સ્વરૂપની પ્રાપ્તિ કરાવે. પુષ્ટિમાર્ગમાં સેવાતા પૂર્ણ પુરૂષોત્તમ તે રસાત્મિક સ્વરૂપ જ છે. અને પ્રેમ લક્ષણા ભક્તિનું ફળ રસાત્મિક સ્વરૂપની પ્રાપ્તિનું જ છે. તે “ પ્રેમ સુહાગ સંગત બીના અન્ય ઉપાય નહી કોઇ ” તો તે પ્રેમસુહાગી પ્રેમલક્ષણના ભક્તિવાળો જે જીવ છે તેની સંગત વિના બીજા કોઇ અન્ય ઉપાય સાધનથી પ્રાપ્ત થશે નહિ .રસાત્મિક પુરૂષોતમની પ્રાપ્તિનો ઉપાય તેના તેવા ઉપાસકના સંગ સિવાય ન મળે તે સમજાવ્યા પછી હવે જ્ઞાનનો પ્રસંગ સમજાવે છે.
કોઈ પૂર્વના ભાગ્યોદયના કારણે વેદકો સંગ એટલે જ્ઞાનીનો સંગ મળે અને તે પ્રમાણે વર્તન કરીને ચાલે તો બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય છે. એવી રીતે જ્ઞાનમાર્ગની રીતે જાણવામાં આવે તો પરમહંસ દશર પ્રાપ્ત કરીને બ્રહમપદને પામે છે. કારણ કે સંગનું ફલ છે, તે જેવો સંગ તેવું ફળ તો મળે જ. જયારે પુષ્ટિ જીવ બ્રહમાનંદને ઇચ્છતો નથી, તે તો ભજનાનંદ દ્વારા રસીકાનંદની પ્રાપ્તિને ઇચ્છે છે.
ભગવદ સત્ય ભક્તિ પ્રેમલક્ષણા ઉત્પન થયા સિવાય તેની પ્રાપ્તિ કેમ થાય ? તેવો પ્રશ્ન ઉત્પન્ન થતા કહે છે કે, ભગવદીના સંગથી કોઇ મોટું સાધન બીજું છે જ નહિ. કારણ કે જેના અંગે અંગમાં પ્રેમ ભરેલો છે, પ્રેમથી તરબોળ છે. અને ભગવદીનો સંગ મળે ત્યારે અનેક પ્રકરની જે વ્યથા દુ : ખ પીડા તે જેની દુર થાય છે, તે તો માત્ર એક પ્રિતિનું કારણ અથવા લક્ષણ છે. તેવી પ્રિતિનું લક્ષણ આપતા મોર અને મેઘનું દ્રષ્ટાંત આપી સમજાવે છે, કે પ્રિતિ કેવી હોવી જોઇએ, મોર અને મેઘ જેવી પ્રિતિ હોય તો સંગનું ફળ મળે છે. તે સુંદર પ્રિતિનું લક્ષણ સમજાવે છે. તે તો પ્રિતિનું લક્ષણ છે. જે “ મોર મેઘવત ” મોર અને મેઘને આપાર પ્રિતિ છે. વર્ષા ઋતુમાં જયારે વરસાદ આવવાનો થાય છે, ત્યારે પવન ખૂબ જ જોરથી ફુકાય છે, તે સમયે તે મોરના પીંછામાં પવનના ઝપાટાને કારણે અનંત દુ : ખ થાય છે . પણ જયારે મેઘ ગર્જના કરે અને તે મોર સાંભળે ત્યારે પોતે પણ સામે શબ્દ કર્યા વગર રહી . શકતો નથી, કારણ કે પ્રિતિ છે. તેથી તે આટલું દુઃખ સહન કરીને પણ મેઘની ગર્જના થતા , પોતે સામો ટહુકારો કરે છે અને પોતાના સ્નેહની ટેક નિભાવે છે. વરસાદ તથા પવનના આત્યંત દુ : ખને સહન કરીને પણ મોર મેદાનમાં આવીને પોતના કુળની ટેક પ્રીતીને નિભાવ્યા વિના રહી શકતો નથી.
એવો અનન્ય સ્નેહ પોતાના અંતરમાં જ રાખે છે, જેને પ્રેમ પ્રધાન જે ભક્તિ પ્રેમલક્ષણા તેને પ્રાપ્ત કર્યા પછી મહાન અદ્દભુત પ્રિતિ ઉપજે છે, તેનાથી તે પુરૂષોત્તમને વશ કરી લે છે. એવું મોટામાં મોટું સાધન માત્ર પ્રેમ છે તેથી પ્રેમલક્ષણા ભક્તિ તે પુષ્ટિમાર્ગમાં મુખ્ય છે. જેનાથી મહાઆનંદની પ્રાપ્તિ થાય છે.
તેથી જે પ્રેમી વૈષ્ણવ છે, તેને તો પોતાનો જે નિજધર્મ છે, તેમાં અધીકને અધિક ભાવની વૃદ્ધિ થતી જાય છે. કારણ કે તેને ભક્તિનો અનુભવ સંગ દ્વારા થયો. તેથી તેને કોઇ દિવસ અવિશ્વાસ થતો નથી. અને વિશ્વાસ તો પ્રેમ પ્રાપ્ત કરવાનું મુખ્ય સાધન છે. જીવનનું ચિત્ત કાંઇપણ પદાર્થ અથવા વિષયને જોવે છે. કે સાંભળે છે, ત્યારે તેમાં તેને પ્રથમ વિશ્વાસ ઉપજે છે. અને જયારે વિશ્વાસ ઉપજે છે ત્યારે તેના તરફ તેનું ચિત્ત તેમાં લાગી જાય છે. જયાં સુધી જીવનું ચિત્ત ન લાગે ત્યાં સુધી પ્રેમ ક્યાંથી ઉપજે, માટે પહેલો તો વિશ્વાસ જોઇએ, અને સંગથી તે વિશ્વાસ ઉપજે છે, અને તે બધું ક્યારે પ્રાપ્ત થાય જયારે પોતાના જે ઇષ્ટ – પ્રભુ તેનો દ્રઢ આશ્રય તે પણ વિશ્વાસથી જ પ્રાપ્ત થાય છે. અને જે સત્ય પદાર્થ છે, તે તો માત્ર એક વિશ્વાસથી જ ફળ આપે છે. પણ કાંઇ અસત્ય પદાર્થમાં વિશ્વાસ રાખે તો ફળ ક્યાંથી મળે ,સત્ય પદાર્થમાં વિશ્વાસ રાખવાથી તેનું સેવન કરવાથી જરૂર ફળ મળે છે. તેમ સમજાવી આપશ્રીએ વચનામૃત પુર્ણ કર્યું.
ઉપરના વચનામૃતમાં ભગવદીના સંગ સિવાય ભક્તિની પ્રાપ્તિ નથી, તે ખાસ સમજાવ્યું છે. કારણકે ભક્તિ તો અરસપરસની છે. આપણે જયારે આ પ્રેમલક્ષણા ભક્તિનો અરસપરસ વૈષ્ણવોમાં આપણા કુટુંબીજનો સગાવહાલા મિત્રસંબંધીઓ જે છે તેને સ્વધર્મ પ્રત્યે ભાવ ઉત્પન થાય તેવો પ્રચાર કરશું ત્યારે જરૂર આ સૃષ્ટિ નવપલ્લવ થઇ જશે. સિંચન વગર વૃક્ષ સુકાય જાય છે. આજે ધર્મ પ્રત્યેની અરસપરસ પ્રચાર કરવાની ભાવના રહી નથી, આગળ તે વાત પત્ર દ્વારા પણ સત્સંગ ચાલતો અને ધર્મ પ્રત્યેની ભાવના કેમ વૃદ્ધિ પામે તેવો પ્રચાર અરસપરસ થતો હતો. આજે તો આપણા ઘરમાં આપણાં બાળકોને પણ ખબર નથી કે આપણો ધર્મ શું છે ! આપણા પ્રભુ કોણ છે ! તે વાતની ખામી આપણી પોતાની જ છે . કારણ કે આપણે ઘરમાં સત્સંગ ધર્મના પુસ્તકોનું વાંચન ઇત્યાદિક કાઢવું . જેથી માણસનું મન સ્વધર્મની વાત સાંભળતા, બીજી વાતો સાંભળે તેથી મન ભ્રમિત થવા લાગ્યું. જયારે આગળના જમાનામાં તે વાત ન હતી, ઘરના વડિલો રોજ રાત્રે પોતાના સ્વધર્મનો સત્સંગ કરતા, કરાવતા. રોજ રાત્રે બે ધોળ કીરતન બોલતા પછી સુતા. સવારમાં પણ પ્રાતઃસ્મરણમાં પ્રભાતી વિગેરે બોલાતી, આજે એ જીવતો જાગતો સત્સંગ ક્યાં ? શ્રી ગોપાલલાલજીની સૃષ્ટિ આજ પર્યત જે આ ચાલી રહી છે, તે માત્ર એક અરસપરસના સત્સંગના આધારે. તે આજ આપણે જો થોડો પરિશ્રમ લઇને ચાલુ રાખીશું, તો આપણા બાળગોપાળ પણ આ સ્વધર્મનું પાલન કરવામાં સફળ થશે, દરેક વૈષ્ણવે અરસપરસ સત્સંગ દ્વારા ધર્મની વૃદ્ધિ થાય તે વાતને ખાસ લક્ષમાં રાખી તેનું અનુસરણ કરવા વિનંતી. આ વચનામૃતમનો ખાસ ઉદેશ્ય એ જ છે.
|| ઇતિ સાડત્રીસમાં વચનામૃતનો ભાવાર્થ સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને પ્રદીપભાઈ ગોહેલ ના જય ગોપાલ ||