|| પ્રભુશ્રી ગોપાલલાલજી ના વચનામૃત – ૩૬ ||

0
157

|| શ્રી ગોપાલો જયતે ||

વચનામૃત

અરૂ એક બેર શ્રીગોપાલલાલજી આપ શ્રીમુખસો કાનજી પ્રતિ એક શ્લોક પઢે : – || મુક્તિ મિચ્છસિ યદિ ચેદ્રિષયાન વિષવત્યજ || “ ( જો તું મુક્તિની ઇચ્છા રાખતો હો તો વિષયોને ઝેર માનીને તજી દે.) એસો કહીયો, જો આપ અપુનો દેહકો સ્વાર્થ જો કલ્યાણકું ઇચ્છે, તો વિષયકી વાસનાની ઇચ્છાકો વિષયસે ત્યાગ કરની, તો સબ ફલીભૂત હોય હે. કૌ જો દેહી સબ, તાકું શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ તો સબ હે, પરિ યાકી વાસનાનો ત્યાગ કરનો, તો સબ ફલે હે, અરુ એસે હે, જો ચાર યુગ પર્યત ફરવોઇ કરે, પરિ જબ લગ કામકી કુબુદ્ધિકી વાસના ન ગઇ, તબ લગ કછું સાચ ન હોય, તો પરિ ફલે કહા ? તાકે ઉપર દ્રષ્ટાંત હે.

જે રવિ મંડલમે ( રાત્રિ ) રેન ન હોય , અરુ રેનમેં સૂર્ય કોઉ દિન ન હોય હે . જાકો ભગવદ ભાસભયો તાકો કોઉ દિન કુબુદ્ધિ ઉપજે નાંહિ એસે સુનીકે સબકે મનમેં એસો આયો, જો એસો વૃતાંત કૌ રહે ? જો દૈવીજીવ, અરુ ભગવત અનુગ્રહ સો સબ હોય હે, એસે કાનજીસો કહી, અરુ જીવ તો સદૈવ દેહદર્શી હે, કોઉકોં આત્મદર્શી પદ તો, જાકો શ્રીજીકો ભાસભયો,તાકું અપને અંતઃકરણ મેં ભાસે ઓર સત્સંગ તાકું ફલે, ( ફલઆપનાર થાય છે.) જાકું અપુને જીયામે સાચ હોય હૈ,

અરુ જીવ તો તુચ્છ ( અલ્પ ) સુખકો સ્વાર્થ માન્યો હે, કોં જાકે દેહાભિમાનકો તો ત્યાગ નાહી ભયો, ઓર અહંતા મમતા દોષ પદસો વર્તે હે, તાકું કહા રંચહુ ( થોડી પણ ) ભક્તિ કોઉ દિન હોય હે ? અરુ શ્રીજી આપ તો અઢલક દાન, જો ( નહિં દઇ શકાય તેવું ) અદેયદાનકે દાતા ( દેવાવાળા ), તાકી કહા પેચાન ? કૌ જો ઇશ્વરપદકો જીવ કહા જાને ? જો સાચકી પ્રતિતસો આપ અંતઃકરણમે બિરાજકે જેસે ઉપજાવે, તેસે બને. ( એ ) સુનીકે વૈષ્ણવ બોહોત આનંદ પાયે, એસે આનંદકે પોષક આપ હે, સો અપુને અંતઃકરણમે સદૈવ પ્રતિત ન છોડતી ઓર સર્વોપરિ સાધન વિશ્વાસ આશ્રય હે, એસો કોઉ સાધન નાંહિ, કૌ જો ઓર સાધને સબ સત્યયુગ, ત્રેતા, દ્વાપરયુગકે સાધન કહા કલિયુગમેં બનેગે ? તબ એતો કલિયુગમેં તો કહા એસી પ્રતિતિ રહે ? નાંહિ ( રહે )

તબ આચાર્ય વંશમેં આપ પ્રગટે તાકી આજ્ઞા પાલની, કૌ જેસો યુગ તેસો સાધન હે, સો સબ સાધનમેં મુખ્ય તો પ્રેમલક્ષણાકો દ્રઢ આશ્રય, તાસુ કોઉ ઓર સાધન નાંહી હે. એસે કહી, સો સબસે શ્રેષ્ઠ તો એ પદ હે, જો અપુને સ્વધર્મ, પ્રભુની આજ્ઞા પાલની, સો સત્ય ધર્મ, તતઃ પરઃ ( તેનાથી શ્રેષ્ઠ ), અપર ( બીજું ) સાધન, કોઉ હોય નાહી, એસે હે, જો એક સાચ વિશ્વાસ, અન્ય સાધન કોઉકે પ્રતિ કછુ વિશ્વાસ ઉપજે નાહી, કૌ, જો એસો આપ પ્રેમ પોષક હે.

|| ઇતિ ષટત્રિશત્તમ વચનામૃત સંપૂર્ણ ||

ભાવાર્થ

ઉપરોક્ત વચનામૃતમાં શ્રીજી એવું સરસ સમજાવે છે કે જો જીવ પોતાના કલ્યાણને ઇચ્છતો હોય , તો સંસારના વિષયોમાંથી પોતાની વાસનાને અથવા ઇચ્છાઓનો ત્યાગ કરે, તો સર્વં ફળરૂપ થાય. સંસારીક જીવોને કાંઇ ફલરૂપ થતું નથી. કારણ કે જીવ પોતાના દેહના ધર્મોને સાચવવામાં પડ્યો છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ પંચ તન માત્રાઓ તો દેહધારીઓને હોય જ છે. પણ તેની વાસનાનો ત્યાગ જો, જીવ કરે તો સર્વ ફલરૂપ થાય, તે વિષયોમાંથી વાસનાનો ત્યાગ કરવાનો સુલભ ઉપાય પુષ્ટિમાર્ગમાં બતાવવામાં આવ્યો છે. તમામ વિષયો ભગવદ સમર્પિત થઇ જાય, તો આપ મેળે તેમાંથી વાસના જીવની છુટી જાય છે.
એટલે જીવને પ્રથમ અણસમર્પિત વસ્તુનો ત્યાગ કરવાનો કહ્યો છે. જીવનેસંસારના વિષયોની કામનાને લીધે બુધ્ધિ ક્ષીણ થઇ જાય છે. અને બુદ્ધિમાં તેની વાસના ઘર કરીને બેસી જાય છે. જયાં સુધી તે વાસનાનો નાશ થતો નથી, ત્યાં સુધી જીવને સત્ય સમજાતું નથી. તેમ જ સાચો ભાવ પ્રગટ થતો નથી, તેથી તે જે કાંઇ કરે છે તે ફલ રૂપ થતું નથી. જેમ સૂર્યના પ્રકાશમાં અંધારૂં રહી શકતું નથી તેમ જ રાત્રીમા સુર્યનો પ્રકાશ હોતો નથી, તેમ જયારે જીવ ભગવદ સમર્પણ કરીને વિષયોનો ઉપભોગ કરે તો તે વિષયો જીવને બાધ કરી શકતા નથી. પણ જયારે જીવ સંસારાસક્ત બનીને તે વિષયની કામનાની ઇચ્છાઓ કરે છે, ત્યારે ભક્તિનું ફળ તેને પ્રાપ્ત થતું નથી.

ઉપરના દષ્ટાંતથી સમજાવવામાં આવ્યું છે, જેની બુદ્ધિમાં ભગવદભાસ થયો છે, જે સર્વ વસ્તુ પ્રભુની છે અને પ્રભુને નિવેદન કરીને લે છે, તેને કોઇ દિવસ કુબુદ્ધિ ઉપજતી નથી, તેથી આ માર્ગમાં મુખ્ય અસમર્પિત ત્યાગના સિદ્ધાંતથી જીવની બુદ્ધિસ્થિર થઇ જાય છે. તે તેવી બુદ્ધિમાં અવશ્ય ભગવદભાસ થાય છે, તે નિઃશંસય વાત છે. પણ તેવું વર્તન કેમ રહી શકે ? તેવો પ્રશ્ન ઉત્પન થયો તેનો ખુલાસોં નીચે મુજબ કરવામાં આવ્યો.

જો દૈવી જીવ હોય અને ભગવદ્ કૃપાથી સર્વ થાય છે તેમ કાનજી પ્રત્યે કહ્યું અને જીવતો હંમેશા દેહદર્શી છે એટલે દેહાત્મબુદ્ધિ વાળો, પોતાના દેહના રક્ષણ માટે સર્વ કાંઇ કરે છે. દેહને સત્ય માની રહ્યો છે જયારે દેહ તો અનીત્ય છે. દેહના ધર્મો સાચવવાથી કાંઇ પ્રાપ્તિ થતી નથી, પણ જેને શ્રીજીની કૃપાથી જેવો ભાસ પોતાના અંતઃકરણમાં જોવામાં આવે છે, કે દેહ મિથ્યા છે અને આત્મતત્ત્વ સત્ય છે, તે આત્મદર્શી પદને પ્રાપ્ત કરે છે. અને સત્સંગ તેને જ ફળે છે. જેને પોતાના હૃદયમાં સાચો ભાવ છે. તે સિવાય બીજાને સત્સંગ ફળતો નથી. સત્સંગ કરે અને સત્ય, ન માને, તો સત્સંગ કર્યો શું કામનો ?

સત્ય માનવાથી જ સત્સંગ ફળે છે. અને જેનું અંતઃકરણ શુદ્ધ અને પવિત્ર હોય, તેને જ સત્ય સમજાય છે. બાકી તો આગળ કહ્યા પ્રમાણે “ જે કોઇ જેવું મનમાં ચહાય તેને તેવું દર્શન થાય ‘ ‘ માટે કહ્યું કે સાચા હોય તો સત્સંગ ફળે, એક ક્ષણનો સાચો સત્સંગ કરોડો અપરાધથી મુક્ત કરે છે.

એવી શક્તિ બીજા કોઇ સાધનમાં નથી, તેવો સત્સંગ વિષે દરેકનો મુકત કંઠે મત છે. પણ આજના આસુરાવેશવાળા યુગમાં સાચો સત્સંગ લુપ્ત થઈ ગયો જોવામાં આવે છે. આજના યુગમાં જીવને પોતાના આત્મકલ્યાણની વાત સમજાતી નથી, ત્યાં સત્સંગ ક્યાંથી કરે. સત્સંગ ખરેખર દૈવી જીવો જ પ્રાપ્ત કરી શકે છે. બીજાને તે રસ પાન કરવાનો જયાં અધિકાર નથી, ત્યાં પ્રશ્ન શું ?

જો સત્ય સમજાય તો, સત્સંગ અવશ્ય કરવાની ટેવ રાખશો. તો જીવને ભગવત પ્રાપ્તિમાં નડતા અનેક અંતરાયો શીઘ્રતાથી નષ્ટ થઇ જશે તેમ શ્રીજીનું કહેવું છે. પણ જીવને સત્સંગ કરવાનું મન નથી થાતું તેનું કારણ આગળ સમજાવે છે.

જીવ સંસારના વિષયોના અલ્પ સુખને પોતાનો સ્વાર્થ માન્યો છે. તેથી દેહાભિમાન છુટતું નથી.અને અહંમતા મમતાથી ભરેલો છે, ત્યાં સુધી રંચક પણ ભક્તિની પ્રાપ્તિ કોઇ દિવસ થઇ શકે નહિ. જીવ પોતાનો જ સ્વાર્થની ઇચ્છાએ કરીને તેને પ્રાપ્ત કરવાની મહેનત ઘણી કરે છે, પણ તેમ થઇ શકતું નથી.

પ્રભુતો અઢળક દાનના દેવા વાળા છે, દીનદયાળ છે. તેને જીવ ઓળખતો નથી. પ્રભુના સામર્થને જીવ શું જાણી શકે. પણ જીવને એક પ્રભુમાં જો સત્ય વિશ્વાસ હોય તો પ્રભુ અંતઃકરણમાં બિરાજીને જીવને ઉપજાવે છે, તેવું બને છે. તેવી વાણી સાંભળી સર્વ વૈષ્ણવે બહુ જ આનંદ પામ્યા. પ્રભુ ! આપ તો આનંદના પોષણ કરનારા છો. પણ જીવને પોતાના અંતરમાંથી હંમેશા વિશ્વાસ છોડવો ન જોઈએ. કારણકે સર્વોપરી સાધન એક વિશ્વાસ અને આશ્રય છે. તેની જેવું બીજું કોઇ સાધન નથી. કારણકે બીજા સાધન સર્વ સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગના સાધન કલિયુગમાં થઇ શકે તેમ નથી. અને કલિયુગમાં આવો વિશ્વાસ કોઇથી રહી શકે તેમ નથી. જેથી એ યુગના સાધનો કરવાનો કોઇ અર્થ નથી.

અત્યારે તો આપશ્રી આચાર્ય વંશમાં પ્રગટ્યા છે. તેની આજ્ઞાનું પાલન કરવું તેજ શ્રેષ્ઠ છે. અને જેવો યુગ તેવું સાધન બતાવવામાં આવ્યું છે. અને બધા સાધનોમાં તો મુખ્ય એક અનન્ય પ્રેમલક્ષણા ભક્તિનો દઢ આશ્રય તેનાથી કોઈ બીજું સાધન છે જ નહિ એમ શ્રીમુખથી કહ્યું છે. અને વળીએમ પણ કહ્યું છેઃ જે બધાથી શ્રેષ્ઠ તો એક ટેક જ છે.જે પોતાનો સ્વધર્મ, પોતાના પ્રભુની આજ્ઞા પાળવી તે જ સત્ય ધર્મ, તેનાથી શ્રેષ્ઠ બીજું સાધન કોઇ છે જ નહિ.

એક સત્ય વિશ્વાસ એ સિવાય બીજું સાધન નથી. બીજા કોઇ પ્રત્યે રંચક પણ વિશ્વાસ ઉપજે નહિ, પ્રભુ જીવના એવા પ્રેમના પોષણ કરનારા છે. જીવ જયારે આવો દઢ વિશ્વાસ પોતાના પ્રભુમાં રાખે, એક દઢ આશ્રય રાખે, એ સિવાય અન્ય કોઇ સાધનમાં જીવનું મન ચલાયમાન ન થાય, ત્યારે જીવની એ ભાવનાનું પોષણ પ્રભુ પોતે કરે છે. ભગવદીઓ દઢ આશ્રયવાળા હોય છે અને પ્રેમલક્ષણા ભક્તિને ધારણ કરનારા હોય છે. તેમ જ તેઓ શ્રીઠાકોરજીમાં પૂર્ણ વિશ્વાસવાળા હોય છે. તેથી તેઓનું ચિત્ત પ્રભુ સિવાય અન્ય વિષયમાં લાગતું નથી.

જીવ જયાં સુધી પોતાના દેહના સુખને ઇચ્છે છે, ત્યાં સુધી વિષયોની વાસનાનો નાશ થઇ શકશે નહિ. જીવ પોતાના દેહના માટે કેટલો સમય ગુમાવે છે, તેનો તેને સાચો ખ્યાલ નથી. તેના રક્ષણ અને પોષણ માટે અનેક પ્રકારના કષ્ટ સહન કરી રહ્યો છે, તેનો પણ તેને ખ્યાલ નથી, કે આ દેહતો પડી જવાનો છે મારો નથી હું અને આ દેહ બન્ને અલગ અલગ છીએ. જેને સુખી કરવા માટે હું રાત – દિવસ મહેનત કરી રહ્યો છું, તે અલ્પ સુખ તો એક ક્ષણમાં નાશ થઇ જનાર છે. અને તેની વાસના રહી ગઇ, તો જન્મજન્માંતર ભવાટવીમાં ભટકાવનારી છે. પણ તુચ્છ સુખની પ્રાપ્તિની ખાતરજીવ પોતાપણું ભૂલી જાય છે. કારણ કે મૂળમાં દૈવી અંશવાળો જીવ નથી, નહિ તો શ્રીજીની કૃપાથી

આત્મદર્શી પદને પ્રાપ્ત કરી શકે છે. અને સત્સંગમાં રૂચી ઉત્પન્ન થાય પણ તમામ લક્ષણો જીવના બહિંમુખપણાના હોય, ત્યારે જાણવું કે આ જીવ પ્રવાહી સૃષ્ટિનો હશે.

જીવનું જયારે અંતઃકરણ પવિત્ર થાય, ત્યારે સત્સંગ પ્રાપ્ત થાય અને તે સંગ ટકે, જયારે જીવને દેહાભિમાન અહંમતા મમતા થાય ત્યારે દુબુદ્ધિ ઉપજે છે. દુર્બુદ્ધિ ઉપજે એટલે સત્ય વસ્તુ સમજાયેલી હોય તે પણ છૂટી જાય, જીવ જો પ્રભુમાં એક સાચો વિશ્વાસ રાખીને, એક ટેક રાખીને વળગી રહે, તે ટેક છોડાવવા તમારા ઉપર અનેક આવરણ આવે તો પણ જો જીવ તે વિશ્વાસની ટેક છોડે નહિ, તો તેનાથી શ્રેષ્ઠ સાધન એકેય નથી તેમ શ્રીમુખથી કહે છે. પછી બીજું વધારે સમજવાનું જીવને શું રહે છે. સમજાય તો જ સાચું. વિશ્વાસ, આશ્રય અને સત્સંગ એ મુખ્ય વાત આમાં કહી છે.

|| ઇતિ છત્રીસમાં વચનામૃતનો ભાવાર્થ સંપૂર્ણ ||

(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)

લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને પ્રદીપભાઈ ગોહેલ ના જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here