|| શ્રી ગોપાલો જયતે ||
વચનામૃત
એક સમય આપ શ્રીગોપાલલાલજી શ્રીમુખસે અપુનો સેવક કાનદાસ પ્રતિ કીયો હે. જો સત્ અસત્ કોન ઓર સ્વતંત્ર પરતંત્ર કોન જાને ? એસે સુનીકે કાનદાસને કહી, જો જીવકો અંગીકાર કયો હોત હે ? તબ શ્રીજી કહી. જો અંગીકારકી બાત તો આગે કહી હૈ, તાકુ, પુનરોક્ત ( આગળ કહેવાઈ ગયેલી વાત ફરી ફરી કહેવી તે. ) કૌ કરત હો ? તબ વે કહન લગ્યો, જો એ કહા હે ? સો જીવ બુરિ ઠોર આવે, જો નીચ દેહકે પાયકે, સુધરત હૈ. ઓર કૃતાર્થ હોત હે, સો કહા ? અરિ તુમ એસી કહો હો ? જો કછુક અપરાધસો બુરી ઠોર પાવત હોં ઓર કર્મબંધન તો દેહ હે. શુભ કર્મ વા અશુભ કર્મ, એ દોયસે દેહ બને હે. અરુ સ્વધર્મમેં તો અપરાધ એ હે, જો વૈષ્ણવકી નિદા સિવાય ઓર કોઉ અપરાધ હે નાંહી. ઓર ભગવત દ્રોહીકો અંગીકાર હોત નાંહી, યાતે સર્વથા દ્રોહ ન કરનો.
ઓર મુખ્ય અપરાધ તો વૈષ્ણવકી અવજ્ઞાસોં લગે હે, તો અંગીકાર હોત નાંહી. ઓર આપજો દૈવી જીવ હોય હૈ, ઓર વૈષ્ણવ દેવી હોય, યાકો સંગ કરે તો ધર્મ વૃદ્ધિ પાવે. ઓર ( આશ્રય રહિત ) સલિલકો સંગ કરે તો અપુનકો સલિલ કરે. તાકે ઉપર કોઉ દ્રષ્ટાંત લીખે હે.
|| મહત્વસેવાં દ્વારમાહુંર્વિમુકત સ્તમોધ્વારયોષિતાં સંડિગ સંડમ ” ||
ઇતિ વચનાત ||
મહાત્મા પુરૂષોની સેવા એજ મુકિતનું ધ્વાર છે. અને સ્ત્રીઓના સંગીનો – વ્યભિચારીનો સંગ કરવો એ નરકનું દ્વાર છે. સંગ કરવો એ એસે હે, જો દોષકો વિચારનો, જો યોષીતા સંગી જો પુરુષ, તાકો સંગ સર્વથા ન કરનો. કૌ જો વે જારપનો ( વ્યભિચાર ) શિખાવે, તાતે દોષ લગે.
અરુ વૈષણવકે સંગસો સુધરે તો બ્રહ્માનંદ પાવે, ઓર ચરણકો ઉપાસિક હોય તો નવધા અંગીકારી હોત હૈ, તો એ ફલ કહા ન્યુન હૈ ? તો કુલદામન જો હે, ઓર ચરણામૃતકો એક કણ ઉઠાયકે લેવે હૈ , તો તાકું અન્ય આશ્રય જો હૈ, સો સબ નાશ પાવે હે. સર્વથા ચરણારવિંદનો આશ્રય મુખ્ય હે. એસે સબ પ્રતિ આપ કહ્યો હે. નવધા ફલ હોય, તો પ્રેમલક્ષણાનો અવિર્ભાવ હોય હે કૌ જો સીઢી વિનુ ચઢવો સો કેસે? એસે સુનિકે સબ આનંદ પાયો.
|| ઇતિ ત્રયસત્રીશતમ વચમામૃત સંપૂર્ણ||
ભાવાર્થ
ઉપરોક્ત વચનામૃતમાં ટુંકમાં ઘણું સમજાવવામાં આવ્યું છે. સત્ય અસત્ય શું છે ? સ્વતંત્ર પરતંત્ર શું છે. અને તેને કોણ જાણે છે ? જીવનો અંગીકાર પ્રભુ ક્યારે કરે છે, અને અંગીકાર થવામાં શું બાધક છે તે સમજાવ્યું છે. જીવ કોઇ શુદ્ર યોનીમાં જન્મે અને કૃતાર્થ થઇ જાય છે, સુધરી જાય છે તે શું છે. કર્મનું બંધન દેહને છે. અને સ્વધર્મમાં મહાન અપરાધ શું છે ? વૈષ્ણવની નિદાકે અવજ્ઞા કરવાથી શું ફળ મળે છે. દૈવી જીવ હોય અને વૈષ્ણવ દૈવી જીવનો સંગ કરે તો, શું ફળ મળે, દુષ્ટ માણસના સંગથી શું ફળ મળે છે. અને દોષ લાગે છે. તે સમજાવવામાં આવ્યું છે. વૈષ્ણવના સંગથી અને ચરણારવિંદની સેવાથી ફળ મળે, નવધા ભક્તિ ઉપરાંત દશમી પ્રેમલક્ષણા ભક્તિનો ક્યારે અવિર્ભાવ થાય ? એક ચરણામૃતની કણિકા લેવાથી શું ફળ મળે છે. વિગેરે ઘણું જ ગહન સમજાવ્યું છે .
સત્ય અને અસત્ય શું છે? તે વિષયમાં જ સમજવા જેવું છે અને ઘણું જ લખી શકાય પણ આપણે અહીં મુદ્દાની ચર્ચા વિચારીએ, શ્રીજીનો કહેવાનો આશય અનન્યતા ઉપરનો છે. તેમાં એક પ્રભુનો જે અનન્ય આશ્રય છે, તે જ સત્ય છે અને બાકી બધું અસત્ય છે. દુધ તે સત્ય દુઘ ને વલોવવાથી માખણ નીકળે, પણ જળને વલોવવાથી માખણ નીકળે નહિ, કારણ કે તે અસત્ય છે. તલ માંથી તેલ નીકળે છે. તે સત્ય છે. પણ વેળુ ( રેતી ) પીલવાથી તેલ નીકળે નહિ. કેમ કે તે અસત્ય છે. આપણા કુશળદાસ ‘ પચ્ચીસી’માં અનેક દ્રષ્ટાંત આપીને દઢ આશ્રય વીષે સત્ય અને અસત્ય વિષે ખૂબ જ સમજાવી ગયા છે ‘ જાને શરણે શ્રીગોપાલને ’ તે કુશળદાસે પચ્ચીસી કરીને ખૂબ જ જીવને દઢતા થવા સમજાવ્યું છે .
|| અન્ય દેવની ઉપાસના , મહિષિ સુતનું દુધ, માખણ, પીડો નહિ ઉતરે, ફોગટ નવ કરીએ જુધ || ૩ દેવ માગદમાં શું માંગવું, જયાં છે ભિક્ષાનો ભોગ, પુરૂષોત્તમ છે પુરણતા, ત્યાં અતિરે આનંદના ઓધ ll ૪ વેળું શું પીલસ વેવલા, ખોટો છે, સર્વે ખેલ, પ્રભુ વિના સર્વે છે, પાંપલા, તલ વિના નહિ નીકળે તેલ || ૭
મહિષી કહેતાં ભેંશ અને તેનો સુત કહેતાં પાડો પાડાના દુધમાંથી માખણનો પીંડો ઉતારવાની આશા સર્વથા નિરર્થક છ, તેમ અન્ય દેવની ઉપાસના કરવાથી મહેનત માથે પડે તેમ છે. તેનાથી સંસાર સાગર તરી શકાય તેમ નથી. તેની ઉપાસના ને પાડાના દુધ સાથે સરખાવી કારણ કે તે અસત્ય છે. હવે થોડું સત્ય વિષે સમજાવે છે “.
દેવોની પાસે શું માંગવું ! જયાં પોતે જ માગીને ભોગવે છે તે બીજા ને શું આપી શકે ? દેવો પણ પોતાના લોકમાં પ્રભુ પાસેથી મળેલી ભિક્ષાનો ભોગ ભોગવી રહ્યાં છે. તો તેની ઉપાસનાથી જન્મ મરણનો ભય મટી નહિ શકે. દેવ લોકમાં આનંદ નથી, ત્યાં તો જીવના પુણ્યનો ભોગ ભોગવવાનો છે અને તે પુણ્ય પૂરું થતાં મૃત્યુ લોકમાં પાછા આવવાનું છે. જયારે પુરૂષોત્તમ પ્રભુ તો પુરણ છે, ત્યાં કશી ખામી નથી, તે ગોલોકમાં પ્રભુ બિરાજે છે, ત્યાં અતિ આનંદનો સમુહ છે. માટે પ્રભુ આનંદકંદ કહેવાય છે. જીવ જે આનંદને ઇચ્છે છે તે આનંદ પુરૂષોત્તમની સેવા સ્મરણ કે ભક્તિ સિવાય બીજે ક્યાંયથી મળવાનો નથ. તે સત્ય સ્વરૂપ છે. માટે આગળ કહ્યું છે કે પ્રભુ સીવાય બીજાનો આશ્રય કરવો તે વેવલાપણું છે. માટે કહ્યું છે કે વેળું શું પીલસ, આ સંસારનો ખેલ સર્વે ખાટો છે. જેમ તલ વિના તેલની પ્રાપ્તિ થાય નહિ. તેમ પ્રભુની ભક્તિ સિવાયના બધા આવલા મારવા જેવું છે. પુરૂષોતમના દ્રઢ આશ્રય વિના ભવસાગર તરી શકાય નહી, ખાલી આવલા મારવાથી શું વળે, માટે જીવને શ્રીગોપાલલાલજી સમજાવે છે કે સત્ય અસત્ય શું ? તેને સમજીને જો જીવ ભગવદ ધર્મનું આચરણ કરે તો આવશ્ય ભગવદ પ્રાપ્તિ થાય.
પણ ક્યાં આવા મહાનુભાવી ભગવદીની વાણી અને ક્યાં પામર જીવ એ બન્નેનો સુમેળ કેમ થાય જયાં સુધી આપણે આપણા આવા મહાનુભવી ભગવદીની વાણીમાં વિશ્વાસ નહિ રાખીએ, ત્યાં સુધી જીવની પામરતા છુટવાની નથી. ત્યાં એક સાખી કહી છે કે –
|| માત – પિતા પ્રભુ ગુરૂકી બાની, બીનહિ વિચાર સત્ય કર જાની || ધરકે ઉર અંતર મન માંહિ, અલ્પ મતિ મુંઢ અજ્ઞાની||
આપણાં સ્વપ્રભુ અને આપણાં મહાનુભાવ ભગવદીની અલૌકિક વાણીમાં,જો જીવ વિશ્વાસ રાખે અને તે પ્રમાણે ચાલે તો જરૂર પરમ પદની પ્રાપ્તિ થાય તે નિસંશય છે. કારણ કે જીવ તો અલ્પ મતિવાળો એટલે ટુંકી બુદ્ધિવાળો છે. વળી મુઢ જે, અજ્ઞાની છે. તેથી તે જાજુ વિચારી શકે તેમ નથી. પણ જો પ્રભુ અને પોતાના મહાનુભાવ ભગવદીની વાણીમાં એક વિશ્વાસ રાખે, તો જરૂર તેને સત્યનો ભેદ સમજાઇ જાય અને પરમ આનંદની પ્રાપ્તિ થાય. વિશ્વાસ એક જ જીવને માટે પરમ કલ્યાણનું સાધન છે.
હવે સ્વતંત્ર અને પરતંત્રને કોણ જાણે છે ? એટલે સ્વતંત્ર કોણ છે. અને પરતંત્ર કોણ છે. તે સમજવાનું રહ્યું, આપણે ત્યાં એક કહેવત છે. કે ‘ પરાધીન સ્વપ્રે સુખ નહિ ’ પરાધીનપણામાં તો સ્વપ્રમાં પણ સુખ હોતું નથી. તે પરાધીન કોણ છે ? તો જીવ. જીવ માત્ર પરાધીન છે. તેથી તેને સંસારમાં સ્વપ્રે પણ સુખ નથી તે સુખને મેળવવા ફાંફા મારે છે. પણ સાચું સુખ શું અને તે ક્યાંથી મળે ? તે જાણી શકતો નથી. અને પોતે પરાધીન હોવા છતાં જાણે પોતે સાવ સ્વતંત્ર હોય તેમ માની બેઠો છે, એટલે તે દુઃખી છે. સ્વતંત્ર કોણ છે, તે સમજી શકતો નથી સાચી સ્વતંત્રતા શેમાં છે અને તે શેનાથી મળી શકે તે વિચારતો નથી.
સર્વતંત્ર સ્વતંત્ર તો એક શ્રીઠાકોરજી જ છે. અને જો જીવ તેનો દ્રઢ આશ્રય ગ્રહણ કરીને તેની ભક્તિ કરે તો જીવ સ્વતંત્ર બની શકે છે. તેને આ આખુંય જગત એક તણખલા સમાન લાગે છે.
કારણ કે તેનું સાચું ધ્યેય એક ભગવત ભક્તિનું જ હોય છે. તેથી તેને સંસારના વિષયો બંધન કરી શક્તા નથી. તેથી તે સ્વતંત્ર બની જાય છે .
” અપુનો જન ભગવદી પદ દીનો એ પદમાં બિહારી દાસ કહે છે . ” II નહિ અભિલાષ રહત ઇચ્છા બશ અપુને પ્રભુકે રંગમેં ભીનો બિહારી વર શ્રીગોપેન્દ્ર કૃપા તે , એસો જન ઓર ચૌદમેં ચીનો II કાનડા રાગ કિરતન ૪
જેના મનમાં કોઇ અભિલાષા નથી, જે ભગવદ ઇચ્છાને જ આધીન રહે છે, તે જ ખરી સ્વતંત્રતાને માણી શકે છે. આથી ભગવદ ભક્તો દાસાનુદાસપણું સ્વીકારે છે. દાસનુંદાસપણામાં ખરી સ્વતંત્રતા છે. જે પરાધીનપણું સ્વીકારે છે તે જ સ્વતંત્રતાને જાણી શકે છે. દાસાનુદાસપણું એ પરાધીનપણું છે. પણ તેમાં જ નિશ્ચિતતા છે, ખરી સ્વતંત્રતાને તે જ સમજી શકે છે. માટે દાસાનુદાસપણામાં પરાપીનપણું તેને લાગતું જ નથી. સાચા સ્વતંત્રપણાનો અનુભવ અને આનંદ તે માણી શકે છે.
આમ જુઓ તો ચૌદ બ્રહ્માંડમાં સ્વતંત્રતાની દૃષ્ટિ એ કોઇ સ્વતંત્ર નથી. માત્ર ગોલોકાધિપતિ એક શ્રીઠાકોરજી સર્વ તંત્ર સ્વતંત્ર છે. પણ સર્વ તંત્ર સ્વતંત્ર હોવા છતાં, પોતે પરાધીનપણું સ્વીકારે છે. અને કહે છે કે, “ અહંભકત પરાધીનો ” હું ભક્તને આધિન છું, સ્વતંત્ર નથી, ભક્તની પરાધિનતા સ્વીકારવામાં જ પ્રભુની સ્વતંત્રતા છે. માટે ભગવદ્ ભક્તિ કરનાર ભગવદીઓ સ્વતંત્ર છે. અને તે સ્વતંત્ર અને પરતંત્રનો ભેદ સાચો શું છે તે જાણી શકે છે. સ્વતંત્ર પરતંત્રને કોણ જાણે ?
એ પ્રશ્નન સાંભળીને કાનદાસે ફરીને પુછ્યું કે જીવોનો અંગીકાર આપની લીલામાં કેવી રીતે થાય છે ? ત્યારે શ્રીજીએ કહ્યું કે અંગીકારની વાત તો આગળના વચનામૃતમાં કહેવાઇ ગઇ છે, તે વાતને ફરી વખત શા માટે કરો છો.
ત્યારે કાનદાસ કહેવાને લાગ્યા કે, જે એ શું છે ; જે જીવ ખરાબ ઠેકાણે જન્મે અને નીચ દેહને પ્રાપ્ત કરીને સુધરી જાય છે અને કૃતાર્થ થાય છે તેનું કારણ શું ?
ત્યારે શ્રીજી તેનો જવાબ આપતાં કહે છે અરે ! તું એમ કહે છે ? કોઇ અપરાધને કારણે શુદ્ર ઠેકાણે જન્મ લે છે, પણ તેથી જે જીવમાં હીનતા આવતી નથી. કારણ કે તે જીવ મુળમાં તો દૈવી છે. કોઇ અપરાધને લીધે તેનો જન્મ નીચ યોનિમાં થાય છે. કર્મનું બંધન તો દેહને છે. તેથી મુળભુત દૈવી જીવના લક્ષણો બદલાય જતા નથી. જેમ સુવર્ણ કે હીરો કાદવમાં પડી જાય તો તેથી સુવર્ણ કે હીરાના ગુણ નાશ પામી જતા નથી. દેહ તો શુભાશુભ કર્મથી બને છે. જીવથી કોઇ એવું અશુભ કર્મ કે અપરાધ થયો હોય તો નીચ યોનિમાં અવતાર લે છે. અને તે અપરાધમાંથી છુટી જતાં તે પાછો પોતાના મુળ સ્વરૂપને પ્રાપ્ત કરે છે.
જેમ કે મયા ઢીમર,મલેચ્છ યોનિમાં જન્મ પામ્યો અને માછીમારનો ધંધો કરતો. પણ મુળમાં દેવી જીવ હતો. તો શ્રી ગોપાલલાલનું દર્શન થતાં જ તે શરણે થયો અને પોતાના મુળ સ્વરૂપનું જ્ઞાન થયું અને પોતાનો માછી મારવાનો ધંધો છોડીને સરાણીયાનું કામ કરવા લાગ્યો અને ભગવદ્ ભક્તિ કરીને સુઘરી ગયો.અને કૃતાર્થ થયો , ભલે તેને નીચ યોની કોઇ અપરાધને લીધે પ્રાપ્ત થઇ, પણ મુળમાં દૈવી જીવ હતો. તેથી ભગવદને શરણે થયો અને કૃતાર્થ થયો. આજ પણ તેમના કુટુંબીજનો સરાણીયા વૈષ્ણવ તરીકે ઓળખાય છે. આ રીતે અઘમ યોનિમાં જન્મેલા જીવો ઘણા જ કૃતાર્થ થયાના દષ્ટાંત આપણાં ગુણમાલમાં મળી આવે છે. પ્રભુ તો અઘમોઘાર છે, વળી શ્રીજીએ આગળ સમજવતાં કહ્યું કે, સ્વધર્મનો મુખ્ય અપરાધ તો વૈષ્ણવની નિંદા સિવાય બીજો કોઇ નથી અને ભગવત દ્રોહીનો અંગીકાર થતો નથી. માટે વૈષ્ણવનો કે શ્રીઠાકોરજીનો દ્રોહ સર્વથા ન કરવો. તે અપરાધ મહાન છે. તેને લીધે જીવનો અંગીકાર પ્રભુ કરતા નથી.
વળી શ્રીજી ભારપુર્વક સમજાવે છે, કે મુખ્ય અપરાધ તો વૈષ્ણવની અવજ્ઞા કરવાથી એટલે નિદા કરવાથી લાગે છે. તેથી જીવના તે અપરાધને કારણે ભગવદ લીલામાં અંગીકાર થતો નથી. જીવ ગમે તેટલું સેવા સ્મરણ કરે, પણ વૈષ્ણવની અવજ્ઞા કરે ત્યાં સુધી તેનું કરેલું બધું નકામું થાય છે પ્રભુ તો ભગવદીની કે વૈષ્ણવની સેવા ટેલ કરવાની અને તેની કાની રાખવાથી જેટલા પ્રસન્ન થાય છે તેટલા બીજા કોઇ સાધનથી પ્રસન્ન થતા નથી. માટે વૈષ્ણવની અવજ્ઞા કરવાથી મુખ્ય અપરાધ લાગે છે. અને તેથી તેમનો અંગીકાર થતો નથી. અને જીવને ભગવદ પ્રાપ્તિમાં મહાન અંતરાય પડે છે. તે અપરાધથી બચવા શ્રીજી ભગવદીનો સંગ બતાવે છે. અને તેના સંગથી ધર્મની વૃદ્ધિ થાય , તેમ સમજાવે છે. પોતે દૈવી જીવ હોય અને વૈષણવ દૈવી જીવ હોય અને તેનો સંગ કરે તો ધર્મ વૃદ્ધિ પામે પણ જો સલિલજન એટલે આશ્રય રહિતનો સંગ કરે, તો પોતાને પણ સલિલ કરે, એટલે બર્ણિમુખ કરે. તેના ઉપર દૃષ્ટાંત આપે છે. કે કોઇ નીચ માણસનો સંગ કરે તો, તેના સંગે કુબુદ્ધિ થાય છે, તેમ આશ્રય રહિત સલિલજનનો સંગ કરે તો પોતાનો ધર્મ જય.
“ કામી તરે , ક્રોધી તરે , લોભી કી ગત હોય પણ સલિલજન સંસારમાં , તરતા દીઠા ન કોઇ ”
ભગવદ સ્વરૂપની કામનાવાળો અગર તેના પ્રત્યે દ્વેષ રાખનારો અગર લોભી, એટલી રીતે પ્રભુમાં આસક્તિવાળો જીવ તરી શકે છે, પણ સંસારમાં સલિલજન – આશ્રય રહિત જીવને કોઈ દિવસ સંસારમાંથી તરતા જોવામાં આવતા નથી. માટે તેવા સલિલજનનો સંગ સર્વથા ન કરવો, તેના સંગથી દોષ લાગે તેમ સમજાવ્યું. અને વૈષ્ણવના સંગથી જો સુધરે, તો બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય અને શ્રીઠાકોરજીના ચરણની સેવા કરે, તો નવધા ભક્તિને પ્રાપ્ત કરે તે ફલ શું ઓછું છે ? ભગવદ શરણ સ્વીકાર્યા પછી કોઇ જાતની કુળ મર્યાદાનું પાલન કરવાનું રહેતું નથી. તે સર્વ છૂટી જાય છે. કારણ કે એક ભગવદ સેવામાં જ સર્વનો સમાવેશ થઈ જાય છે. બાકી તો સંસારમાં જીવને અન્યાશ્રય દોષ વારંવાર લાગે છે. તે દોષની નિવૃતિ માટે પ્રભુ કહે છે કે એક ચરણામૃતનો કણ લઇને મુખમાં મેલવાથી સર્વથા અન્યઆશ્રય દોષ નાશ પામે છે. એવું ચરણામૃત લેવાનું અગાઘ મહાત્મય શ્રીજી સમજાવે છે. હવે ચરણામૃત શું છે તે પહેલા વીચારીએ. વ્રજને ગોલોક સમાન ગણવામાં આવ્યું છે અથવા વૃજ તે ગોલોક જ છે. એટલે વ્રજરજનું મહાત્મય અલૌકિક છે. તે સર્વ શાસ્ત્ર સંમત છે. જે ભુમિ ઉપર પ્રભુએ પ્રાકટ્ય લઈ અનેક દિવ્ય લિલાઓ કરી અને પોતાના ખુલા ચરણથી તે રજમાં ખેલ્યા છે. અને વૃજના ગોપબાલકોને જયારે માસી પુતના ગળી ગઇ હતી, ત્યારે ભગવાને પુતનાનું સ્તનપાન કરીને, તે બાળકોને પોતાના સ્વરૂપમાં સમાવી લીધા અને તે બાળકોને માસી પુતનાનો સ્પર્શ થવાથી આસુરાવેશ પ્રાપ્ત થયો હતો તે આસુરાવેશને દૂર કરવા ભગવાને બ્રહ્માંડઘાટની માટી – ૨જ પોતાના મુખમાં મેલીને તેની પ્રાપ્તિ સર્વે વૃજ બાલકોને પોતા દ્વારા કરાવીને તે રજ દ્વારા તે બાલકોનો આસુરાવેશ નાશ કર્યો, તેવું મહાત્મય છે.
બ્રહ્માંડઘાટની માટી – રજ તે ચરણમૃતમાં ખાસ વપરાય છે. તે બ્રહ્માંડઘાટની માટી અને શ્રીઠાકોરજીની ભરાતી જમુના જળની ઝારી, તેનું જળ અને શ્રીઠાકુરજીને કરાવાતા પંચામૃત કેસરસ્નાન તે પ્રસાદી વસ્તુ બ્રહ્માંડઘાટની માટી – રજમાં મેળવીને તેના પેંડા વાળવામાં આવે છે. તે છે , ચરણામૃત. જે વૈષ્ણવો નિત્ય પ્રતિ તેનો સેવા સ્મરણ કરતા ઉપયોગ કરે છે, અને શ્રીજી તેજ ચરણામૃતની એક કણીકાની વાત સમજાવી રહ્યા છે. હવે આપણે તે વૃજરજનું અગાધ મહાત્મય કેવું છે તેનું એક દૃષ્ટાંત સત્ય હકીકતે શું છે, તે જરા વિચારીએ.
એક સમયે એક વિરકત સંન્યાસી કાશીની યાત્રાએ જવા નીકળ્યો. પોતાના મનમાં થયું કે કાશીએ જઇને દેહ પાડું તો ઠીક, તેમ વિચારી કાશી તરફ જવાની વાટ લીધી. રોજ દસથી બાર ગાઉ ચાલે અને સાંજે કોઇ સ્થળે વિશ્રામ કરે. તેમ ચાલતા ચાલતા એક સમય એક ગીચ ઝાડીમાં પસાર થયો, સાંજ પડી ગઇ હતી. ત્યાં સુંદર ઘટાદાર વૃક્ષ અને જળાશય જોયું એટલે તેના મનમાં થયું કે સુંદર રમણીય સ્થાન છે, તો અહીંયા જ રાતવાસો રોકાઇ જાવ તેમ વિચારી ત્યાં મુકામ કર્યો.
સંન્યાસી તો ત્યાં સ્નાનાદિક કાર્યથી પરાવારીને પોતાનું નિત્ય કર્મ કરવા બેઠા. જરા અંધારું થયું, તા સામેની ગીચ ઝાડીમાં પોતાની વાસનાને કારણે પ્રેત યોનીમાં ભટકતા જીવાત્માઓના સમુહને નાચ ગાન કરતા જોયા, સંન્યાસી આ દશ્ય જોઇને પોતાના મનમાં અચંબો પામ્યા અને આ શું છે, તેં જાણવાની ઇચ્છાથી તેની પાસે ગયા અને પોતાના હાથમાં જળની અંજલી લઇને તે પ્રેત યોનીના જીવો ઉપર છાંટી અને તે પ્રેતાત્માઓ નાચગાન કરતા બંધ થયા અને ટોળામાંથી એક પ્રેત સંન્યાસીની પાસે આવ્યો. ત્યારે સંન્યાસીએ તેને પુછ્યું તું કોણ છો ?
ત્યારે પ્રેતે કહ્યું સાધુ મહારાજ, એ જાણવામાં કંઈ મજા નથી અને જાણવાથી આપને ડર લાગશે. માટે તમે તમારા રસ્તે ચાલ્યા જાવ તો સારું. ત્યારે સંન્યાસીએ કહ્યું કે હું ડરીશ નહિ. તમે જે હોય તે કહો. ત્યારે પ્રેતે કહ્યું કે અમે અમારી મલિન વાસનાને કારણે પ્રેત થાય છીએ, આ જે પ્રેત યોનિમાં સ્ત્રી છે તેના કાલે લગ્ન થવાનાછે તેથી અમો નાચ ગાન કરીયે છીએ.
વાત સાંભળીને સંન્યાસીના મનની આતુરતા વિશેષ જાણવાની વઘી અને પુછયું કે લગ્ન થવાના છે તે વળી કોની સાથે ?ત્યારે પ્રેતે કહ્યું કે સાધુ મહારાજ, તે વાત જાણવાથી આપ દુઃખી થશો. માટે તે વાત જાણવામાં મજા નથી.
ત્યારે સંન્યાસીએ તે વાત જાણવાનો ખુબ જ આગ્રહ રાખ્યો. ત્યારે પેલા પ્રેતે કહ્યું કે કાલે પાસેના ગામના નગરશેઠના છોકરાની જાન અહીંયાથી પસાર થશે અને તે જાન અહીંયા વિસામો ખાવા બેસશે, ત્યારે તેમાં જે વરરાજા છે તે જંગલ જવા માટે જશે અને તેની સાથે રહેલા બળદ છે, તેમાંથી એક બળદ તેને શીંગડું પેટમાં મારશે અને તે મરી જશે. તેના જીવાત્માને અમો તેની વાસનાને કારણે લઇ લેશું અને આ પ્રેતડીની સાથે લગ્ન કરીશું. આમ કહીને તે પ્રેત ત્યાંથી ચાલ્યો ગયો. સંન્યાસીના મનમાં આ વાત સાંભળીને તે જાણવાની અને શું બને છે તે જોવાની ખુબ આતુરતા વધી અને ત્યાં જ રોકાઇ જવાનો વિચાર કર્યો.
બીજે દિવસે પ્રેતે કહેલી વાત પ્રમાણે, નિયત સમયે જાન આવી પહોંચી અને સુંદર વૃક્ષ અને જળાશય જોઇને ત્યાં વિસામો કરવા માટે જાને મુકામ કર્યો. આ બાજુ જાનૈયા સર્વે ખાનપાનાદિક નો આનંદ માણી રહ્યાં છે અને તેવામાં વરરાજાને જંગલ જવાની ઇચ્છા થઇ અને તે જંગલ જવા માટે નીકળ્યો. ત્યાં પેલા બળદ બેઠા હતા, તેની પાસેથી પસાર થવા જાય છે, તે વખતે બળદે માથું હલાવીને પોતાનું અણીદાર શીંગડું વરરાજાના પેટમાં માર્યું અને મારતાની સાથે જ વરરાજાનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું, જાનમાં હાહાકાર મચી ગયો. વરરાજાના શબને લઇને જાન પાછી વળી આ બધું દ્રશ્ય પેલા સંન્યાસી મૌન ભાવે જોઇ રહ્યા છે અને હવે શું બને છે તેની રાહ પોતાના મનમાં જોઇ રહ્યાં છે. સાંજ પડી અને જરા અંધારું થયું એટલે પેલી ઝાડીમાં પ્રેતાવળ પ્રગટ થઇ પણ બધું સુમસામ દેશ્ય સંન્યાસીએ જોયું અને પોતે તેની પાસે ગયા ત્યારે પેલો પ્રેત તે સંન્યાસીની પાસે આવ્યો. ત્યારે સન્યાસીએ પેલા પ્રેમને પૂછ્યું કે હવે લગ્ન ક્યારે થશે ? ત્યારે પ્રેતે કહ્યું : સાધુ મહારાજ, જે જીવાત્માને અમે લઇ જવાના હતા, તેને તો ભગવાનના પાર્ષદો આવીને ભગવાનના ધામમાં લઇ ગયા. તેથી અમો બધા સુમસામ છીએ. અને ભગવાનના પાર્ષદોના અમોને દર્શન થયા છે, તેથી હવે અમારી પણ આ યોનિમાંથી મુક્તિ થશે. ત્યારે પેલા સંન્યાસીએ તે પ્રેતને પૂછયું કે તે વરરાજાના જીવાત્માને ભગવાનના પાર્ષદો આવીને લઇ ગયા તેનું કારણ ? તે તું જાણતો હો તો કહે.
ત્યારે પેલો પ્રેત બોલ્યો કે , જે બળદે વરરાજાને શીંગડું માર્યું હતું તે બળદ વ્રજમાં જઇ આવેલો હતો અને તે વ્રજ રજમાં લોટટ્યો હતો. તેથી તેના શીંગડાની ફાડમાં વૃજરજ ભરાયેલી હતી અને વ્રજ રજ પેલા વરરાજાના પેટમાં શીંગડું મારતા ગઇ, તેથી તેના પ્રતાપે તે જીવાત્માને ભગવાનના પાર્ષદો આવીને લઇ ગયા છે. અને તેને ભગવદ્ ધામની પ્રાપ્તિ વ્રજરજના સ્પર્શ માત્રથી થઇ છે. આમ વાત કરીને પેલો પ્રેત અદ્રશ્ય થઇ ગયો
સંન્યાસી પ્રેતની વાત સાંભળીને વિચાર કરવા લાગ્યો કે કાશીએ જઇને દેહ પાડું એ કરતાં વૃજ રજનું આવું અગાઘ મહાત્મ્ય છે તો વ્રજ માં જાવ અને ત્યાં નિવાસ કરૂં વળી વ્રજ રજ તો દેવોને પણ દુર્લભ છે, તે સર્વ શાસ્ત્રો કહે છે. તો કાશી જવાનો વિચાર બંધ રાખીને સંન્યાસી વ્રજમાં ગયા. અને ત્યાં જઈને જાણવા મળ્યું કે અહીંયા શ્રીગુંસાઇજી બિરાજે છે, તો તેની પાસે જાવ અને સર્વ વાત કરૂં. સંન્યાસી ગોકુળ ગયા અને શ્રીગુંસાઇજી પાસે સર્વ હકીકતની વાત કરીને, પોતાને સેવક કરવા વિનંતી કરી.
સંન્યાસી ગુંસાઇજીના સેવક બની વૈષ્ણવ થયા અને નિત્ય ચરણામૃત લેવાનું નિમ રાખ્યું. તેના કારણે તેને ભગવદ્ લીલાનું દર્શન થયું અને ભગવદ્ ધામની પ્રાપ્તિ થઇ. જેમ અગ્નિને કોઈ જાણે અજાણે સ્પર્શ કરે, તો અગ્નિ તેને બાળ્યા વગર રહે જ નહિ. તેમ વૃજરજ ચરણામૃતનો પણ તેવો પ્રતાપ છે , કોઇ પણ તેને ભાવથી કે અગર માટી સમજીને લે, તો પણ વૃજરજ ચરણામૃતનો પ્રભાવ અગર તેનું ફલ તેને અવશ્ય મળે જ, તેવું મહાત્મય છે. આથી સમગ્ર પુષ્ટિમાર્ગમાં સેવામાં જતા પેલા વૃજરજનું ચરણામૃત લેવાનો અવશ્ય નિયમ છે. નિત્ય નિયમ પૂર્વક ચરણામૃત લેવાથી જીવમાંથી આસુરાવેશનો નાશ થાય છે. અને તેને કારણે અન્યાશ્રય દોષ સર્વથા નાશ પામે છે. આથી વૈષ્ણવે સવારમાં સ્નાનાદિક કર્યા પછી અને બપોરે પ્રસાદ લેવા બેસતા પહેલા હાથપગ ધોઇને ચરણામૃત લઇને પછી જ પ્રસાદ લેવા બેસવાનો ખાસ નિયમ છે. રાત્રે સુતી વખતે પણ ચરણામૃત અવશ્ય લેવું જોઈએ. કોઇપણ અનિવાર્ય સંજોગોમાં પણ ચરણામૃત લેવાથી અવશ્ય શુદ્ધિ થાય છે.
આવું મહાત્મય શ્રીજી પોતે સમજાવે છે. વળી ચાલીશમાં વચનામૃતમાં શ્રીજી સમજાવે છે કે ‘ ચરણામૃત નેમ સો તો તીર્થ ” નિયમ પૂર્વક ચરણામૃત લેનારને અન્ય કોઇ તીર્થ કરવા જવાની જરૂર રહેતી નથી.
સર્વ તીર્થના તીર્થરૂપ ચરણામૃત એક જ છે, અને તે લેવાથી સર્વ તીર્થના તીર્થનું ફલ ઘર બેઠા પ્રાપ્ત થાય છે. તેનાથી શ્રીઠાકોરજીના ચરણારવિંદનો આશ્રય દઢ થવાય છે. એક આશ્રય જ મુખ્ય છે. તેનાથી નવધા ભક્તિ ઉપરાંત દશમી પ્રેમ લક્ષણા ભક્તિનો અર્વિભાવ જીવમાં થાય છે. જેમ સીડી વિના ઉપર ચડી શકાય નહિ, તેમ નવધા ભક્તિ સીડીરૂપ છે. તેના દ્વારા દશમી પ્રેમલક્ષણા ભક્તિને પ્રાપ્ત કરી શકાય છે વચનામૃત સાંભળી સર્વ આનંદ પામ્યા.
ઉપરોક્ત વચનામૃત ઘણું જ ટુંકમાં છે, પણ ઘણું જ ગહન અને મનન કરવા જેવું છે. શ્રીગોપાલલાલજીની સૃષ્ટિમાં આ શ્રીજીના વચનામૃત તે જ અમુલ્ય શાસ્ત્ર છે. તેના વાંચન મનનથી સ્વ ધર્મના સિદ્ધાંતનું જ્ઞાન અવશ્ય થાય છે. ઉપરોક્ત વચનામૃતમાં સત્ય, અસત્ય શું છે. સ્વતંત્ર પરતંત્ર કોણ છે ? જીવનો અંગીકાર કેમ થાય છે. નીચ યોનિમાં જન્મેલા જીવ પણ કૃતાર્થ થઇ ભગવદ પ્રાપ્તિ કરી શકે છે અને સ્વઘર્મમાં વૈષ્ણવની નીંદા કરવાથી મહાન અપરાધ પડે છે તેના કારણે જીવનો અંગીકાર થતો નથી. વળી ભગવદદ્રોહીનો પણ અંગીકાર થતો નથી. તેથી જીવે ભગવદ કાર્યનો કે તેની આજ્ઞાનો ક્યારે પણ દ્રોહ ન કરવો તેમ સમજાવ્યું વૈષ્ણવના સંગે અવશ્ય ભગવદ ધર્મની વૃદ્ધિ થાય છે. માટે સંગ કરવો તો વૈષ્ણવ દૈવી જીવ હોય તેનો જ કરવો. સલિલના સંગથી દૂર રહેવું અને ચરણામૃત લેવાથી અન્યાશ્રય દોષ, જે પુષ્ટિમાર્ગમ મહાન દોષરૂપ ગણવામાં આવ્યો છે, તે સર્વથા નાશ પામે છે અને પ્રેમલક્ષણા ભક્તની પ્રાપ્તિ થાય છે.
|| ઇતિ તેંત્રિસમાં વચનામૃત ભાવાર્થ સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને પ્રદીપભાઈ ગોહેલના જય ગોપાલ ||