|| પ્રભુશ્રી ગોપાલલાલજી ના વચનામૃત – ૩૧ ||

0
166

|| શ્રી ગોપાલો જયતે ||

વચનામૃત

એક બિરીયા શ્રીગોપાલલાલજી ગાદી તકીયા ઉપર બિરાજે હે, ઓર પ્રાગદાસ શ્રી મોરબીકો વૈષ્ણવ અરૂ કાનદાસ દોય જને આપસમેં વાતકી ચર્ચા કરે હે. તબ કાનદાસને કહી,જો જીવકો સ્વભાવ તો મહા દુષ્ટ હૈ, ઓર કૃત્ઘ્ની હે. કૌ જો ભગવત ભક્તિકો ચુક્યો હે. સો સુનીકે પ્રાગદાસને કહી, અરિ તુમ એસે નાદાની કે વચન કૌ કહો હોં ? જો અપુને પુષ્ટિ માર્ગમેં તો એસે હે જો જીનુંને નિવેદન કીયો, સો તો કર્મ રહિત ભયો, એસે હે.

સો શ્રીજીને આપ કાન સુનિ. તબ શ્રીમુખ મુસકાયે કે આપ કહી જો પ્રાગદાસ તુમ કહા કહત હો ? તબ વે તો ચૂપ કર રહ્યો, કૌ જો મે પ્રભુમર્યાદા ન રહી, અરૂ બોલ ઉઠવ્યો.

તબ કાનદાસ જેજે એસે કહે કે બોલ ઉઠયો, જો મહારાજ એ કહે હે ( પ્રાગદાસ કહે છે ) જો ઠાકુર પાસ નિવેદન લીયો, સો તો કર્મ રહિત ભયો. તબ શ્રીજીને કહી હા સાંચો હે, જો જીવ પુષ્ટિમાર્ગકે પ્રનાલિકા વૃતાંતસો ચલ્યો, તો કર્મ નિવૃત્ત હૈ. કૌ જો પેંડે ( રસ્તે ) ચલનો . તાકે ઉપર આપ ઇતિહાસકી વાર્તા ( દષ્ટાંત ) સો કહે હે,

જો ચાતુર્માસ હૈ, ( અષાઢ સુદી ૧૧, થી કાર્તિક સુદી ૧૧, સુધી ચાર માસ ) તાસમય ગંગાજીમેં ધારા અન્ય જલકી ભલે ( મળે ) હૈ, સો સબ બ્રહ્મજલ ( પાપનાશક જળ ) ભયો. કૌ ભયો ? જબ પ્રવાહમેં ભલ્યો તબ. ઓર પ્રવાહતે દૂર ચલે તો ? સો કહા ગંગાજલ કહાવે ? ( અર્થાત તે ગંગા જલ ન ગણાય ) તો પાઉ ધરે અરૂ સ્નાન કરે તો અધ હરે ? ( અર્થાત પાપ દૂર ન કરે. ) તેસે આપ સખાભક્તકો ઉપદેશકો અંગ, તેસે શ્રીગીતાજીમેં સખા ભક્ત અર્જુન તા પ્રતિ આપ લીખ્યો શ્લોક :

|| “ સર્વ ધર્માનન – પરિત્યજ્ય , મામેકં શરણં વૃજ |
અહં ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ || ” ગીતા ૧૮ શ્લોક – ૬૬

( બધા ધર્મો છોડી દઈને મારે જ શરણે આવીને રહે. સઘળા પાપોથી તને હું છોડાવીશ, તું ચિંતા નહિ કર ) એસે મુખ કહ્યો જો સર્વ ધર્મ હે , વામેં જો ભગવતુ આશ્રય ધર્મ તેસો કોઉ ઉત્તમ નાંહી. ઓર ભગવત આશ્રય દ્રઢ કરકે વર્તે, સબ વેદકો સાર જાને. એસે અપુને માર્ગમેં શ્રીગોપાલલાલજી દ્રઢપનો બોહત કરકે પ્રગટ કીયો હે. જો શ્રુતિ વેદ વચન, ઓર સ્મૃતિ જો યાજ્ઞવલ્યકે, વ્યાસ – તત્વવેત્તાકે સુત્ર ઓર તાકે ,વચન જો પુરાણ અરુ શ્રીગીતાજી, તા પ્રમાણ પુષ્ટિમાર્ગ હૈં. એસો લીખ્યો હે, જો દ્રઢ આશ્રય, પ્રેમ અરુ ભક્તિ તેસે કોઉ નાંહી. કોં જો સાચ પ્રઘાન હે, યાતે સાચ વિના કછુ ન ફલે, અરે એસો હે, જો જાકી ભક્તિકે સાધન કરે. સો તો પ્રતિતિસો કરનો, કૌ જો પ્રતિતિ છૂટ જાય, ( વિશ્વાસ ) તો સબ ફલ નિર્ધક હોય હે, તાકે ઉપર લીખે હે, જો સત્ય પદાર્થ હૈ, તાકો સાચ ચહિયે, જો જામેં પદાર્થ હે, તાસુ પ્રાપ્તિ હોય હે. તાકો દ્રષ્ટાંત : જો દુઘસો ઘૃતકી પ્રાપ્તિ, પરિ કોઉ દિન એસે સુનિહે, જો જલકે વિલોને સો ધૃતકી પ્રાપ્તિ ? ઓર તિલકે આશ્રય સો તેલકી પ્રાપ્તિ, ઓર પારસકે ( સ્પર્શમણિ ) આશ્રયસો, લોહકો સુવર્ણ હોય, ચિતામણિકે આશ્રયસો ચિતવો મિલે, એસો સત્ય પદાર્થ હૈં, તાસું તો પ્રાપ્તિ હેં. પરિ જામેં ભૂત, ભવિષ્ય, વર્તમાન તિન કાલમેં ન હોહે, તાકુ તુમ સત્ય માનોગે સો કહા ?

જો કોઉ બિરયાં રજજુ ( દોરડો ) હે તામેં સર્પકી સત્તા સ્થાપન કીયે, પરિ ન હોય સો કાંસે હોય, ? સર્પમેં ( દોરડાની ) જેવરાકી સત્તા રાખે, પરિ હે – સો કહાં જાવે ? એસે અનંત ( ઘણાં ) સત્યહે, સો સત્યકો અસત્ય માન્યો હે. કૌ જો ઉલૂકકે ( ઘુડ ) મતસો ( ધુડ સુર્યને માનતું નથી ) સૂર્ય મિવ કહા અસત્ય હે. એસે સત્ય પદાર્થો વિશ્વાસ કરકે દ્રઢ ભાવ રાખનો, ઓર અસત્યકો આશ્રય સર્વથા ન કરનો.

તાકો એ ( સારાંશ ) આશય, એ જો શ્રીપુષ્ટિમાર્ગ સિવાય કાહું એસો સત્ય પદાર્થ ઓર માર્ગ તો કોઉ નાંહી. તાકો આશ્રય કરનો, ઓરકો આશ્રય ન કરનો. કૌ જો અન્ય માર્ગો કો આશ્રય કરે તો જન્મ વૃથા ( નિષ્ફળ ) ઓરસાધન સબ મિથ્યા હોય હૈ. એસે કાનદાસકું કહી કે પ્રાગદાસકો મહાદ્રઢનો દિયો. ઓર માર્ગકી ગત અનંત ચલત હે. ઓર બોહોત હોય હે. કોં જો અનજાનતમે આગે કર્મ ભયો, સો તો આશ્રયસો નાશ હોયહે, ઓર આશ્રય કરકે માર્ગકી પ્રનાલિકા છોડકે ચલે, ઓર એસે જાને જો મેરો કર્મ નાશ ભયો, જો હમારે શ્રીઠાકુરજી શુદ્ધ કરેગે, એસો ન કરનો અરું કહેનો નાહી. તાકે ઉપર એક શ્લોક લીખ્યો હે : – || “ અન્યક્ષેત્રે કૃતં પાપં , તીર્થ ક્ષેત્રે વિનશ્યતી | તીર્થ ક્ષેત્રે કૃતં પાપં વ્રજલેપો ભવિષ્યતિ ” II ( બીજા કોઇ સ્થળમાં કરેલું પાપ તીર્થક્ષેત્રોમાં નાશ પામે છે. અને તીર્થ ક્ષેત્રમાં કરેલું પાપ વજ્રલેપ થાય છે એટલે તે પાપ કોઇપણ શુભ કર્મથી નષ્ટ થતું નથી. તો તીર્થક્ષેત્રમાં ક્યારેય પણ પાપ કરવું નહિ.) એસે હૈં . સો સૂનીકે સાષ્ટાંગ દંડોત કરકે પ્રાગદાસ મહા આનંદ પાયો ધન્ય શ્રીજીકે વચનકો, જો બદ્ધિકો મોહ મિટાવે. ઓર દ્રઢતા, આશ્રય બતાયો, તાસો કરકે ( તેં પ્રમાણે કરવાથી ) કલ્યાણ હે, એસે કહી શ્રીજી ભીતર પધારે.

|| ઇતિ એકત્રિશત્તમ વચનામૃત સંપૂર્ણ||

ભાવાર્થ


ઉપરોક્ત વચનામૃતમાં પુષ્ટિમાર્ગનો મૂળભૂત સિદ્ધાંત જે નિવેદન તેના પ્રકારને સમજાવી રહયા છે. દરેક ધર્મ સંપ્રદાયોમાં પોતપોતાના સિદ્ધાંત મુજબ દીક્ષા આપીને સેવક બનાવવામાં આવે છે. જે સંપ્રદાયની દીક્ષા લે, તે જીવ તે સંપ્રદાયનો ગણાય. અને તેની પ્રણાલિકા મુજબ વર્તવાનું રહે છે. ત્યારે જ તેને તે સંપ્રદાયમાં લીધેલ દીક્ષાનું ફળ મળે છે.

પુષ્ટિ સંપ્રદાયમાં નિવેદનની આજ્ઞા સ્વયં પ્રભુએ જ કરેલી છે. અને તે આજ્ઞા અનુસાર પુષ્ટિ સંપ્રદાયમાં જે જીવને નિવેદન થયું, તે સર્વ કર્મ રહિત થયો. તેને બીજા કોઇ કર્મ પોતાના આત્મકલ્યાણ માટેના કરવાના રહેતા નથી. નિવેદન એટલે પુષ્ટિ સંપ્રદાયમાં અપાતી દીક્ષા છે. અને તે દીક્ષા લીધા પછી ભગવત સેવા એજ એક કર્મ જીવને કરવાનું રહે છે. પુષ્ટિ સંપ્રદાયમાં ભગવત સેવાને જ કર્મ માનવામાં આવ્યું છે. ભગવત દ્રઢ આશ્રય પુર્વક એક ભગવત સેવા કરવાથી સર્વ સિદ્ધ થઇ જાય છે. કારણકે નિવેદન લેતી સમયે સર્વ સંકલ્પ પોતાની કામનાઓ તથા એકાદશ ઇંદ્રીયો સહિત પોતાનું ગણાતુ સર્વસ્વ તે, બધું શ્રીઠાકુરજીના ચરણમાં અર્પણ કરી ચુક્યો છે. અને દાસત્વપણાને પ્રાપ્ત કર્યું છે, તેથી દાસપણાએ જ સર્વ વ્યવહાર કરવો તે જ તેનો મુખ્ય ધર્મ છે. તે સિવાય બીજા ધર્મનું આચરણ કરતા આશ્રય છુટી જાય છે. અને નિવેદન ફલિત થતું નથી. અને કર્મનું બંધન વધારે થાય છે.

શ્રીગોપાલલાલજી ગાદીતકિયા ઉપર બિરાજે છે, તે સમયે મોરબીના પ્રાગદાસ અને કચ્છ માંડવીના રહીશ કાનદાસ એકબીજાથી ચર્ચા કરી રહ્યા છે. તેમાં કાનદાસ કહે છે કે, જીવનો સ્વભાવ મહા દુષ્ટ છે. ‘ જીવા સ્વભાવતો દુષ્ટા ‘ જીવ સ્વભાવથી કેટલો દુષ્ટ છે અને કૃત્ઘ્ની છે, કરેલા ઉપકારોને ભુલી જનારો છે. પ્રભુએ નવ માસ ઉદર માં રક્ષા કરીને, તેને ભક્તિ કરવાનો કોલ આપીને જન્મ લીધો. જન્મ લીધા પછી તે કોલને ભુલી ગયો અને ભક્તિ કરવાને બદલે સંસારના વિષયોમાં ફસાણો. એટલે કૃતઘ્ની કીધો છે. ત્યારે પ્રાગદાસ તે વાત સાંભળીને કહેવા લાગ્યા અરે ? કનદાસ તમે એવા નાદાનીના વચન કેમ કહો છો ! આપણા પુષ્ટિમાર્ગમાં તો કેવો સિદ્ધાંત છે, તે તમે નથી જાણતા ? પુષ્ટિમાર્ગમાં જેણે નિવેદન કર્યું તે જીવ કર્મ રહિત થઈ જાય છે. તેને કર્મનું બંધન રહેતું નથી. આ ચર્ચા શ્રીગોપાલલાલજીએ સાંભળી, અને હસ્યા. અને પ્રાગદાસને કહેવા લાગ્યા તું શું કહે છે ? ત્યારે પ્રાગદાસ મુંગા થઇને રહ્યાં અને પોતાના મનમાં વિચારવા લાગ્યા કે મારાથી પ્રભુની મર્યાદા પણ રહી નહિ. પ્રભુ સનમુખ બિરાજે છે અને હું બોલવા લાગ્યો.

ત્યારે કાનદાસ શ્રીજી પ્રત્યે જે જે કહીને વિનંતી કરીને બોલ્યો. જે મહારાજ ! એ એમ કહે છે, જેણે શ્રીઠાકોરજી પાસે નિવેદન લીધું હોય તે કર્મ રહિત થયો.

ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું હા સાચી વાત છે. જે જીવ પુષ્ટિમાર્ગની પ્રણાલિકા પ્રમાણે વર્તન કરીને ચાલે તે કર્મથી નિવૃત્ત થયો છે. કારણ કે માર્ગની રીત પ્રમાણે અને મેંડ પ્રમાણે ચાલવું જ જોઇએ. તેથી માર્ગમાં ચાલવાની વર્તવાની મેંડ અગર રસ્તો બતાવ્યો છે, તે રસ્તા ઉપર ચાલવાથી જ માર્ગનું ફળ મળે રસ્તા ઉપરથી આડાઅવળા ચાલવાથી ધારેલા સ્થાને પહોંચાય નહિ.

પુષ્ટિમાર્ગમાં નિવેદન લીધું. તે જીવ કર્મ રહિત થાય છે, તે સાચી વાત છે. પણ તે જીવે પુષ્ટિમાર્ગની પ્રણાલિકા પ્રમાણે ચાલે, પણ પ્રણાલિકાથી વિરૂદ્ધ વર્તન કરે, તો તેને નિવેદન ફલિત થાય નહિ. તે ઉપર દૃષ્ટાંત આપી સમજાવે છે.

જેમ ચાતુર્માસ એટલે ચોમાસામાં વરસાદનું જળ અનેક જગ્યાએ પડે છે. તે સર્વ જળ ગંગાજીના પ્રવાહમાં જઇને ભળે છે. તેથી તે ગંગાજળ રૂપે ગણાય છે. અને તે મહાન પવિત્ર ગણાય છે . તે જળમાં ગંગાજીની પાપનાશક શક્તિ આવી જાય છે. તેમ નિવેદન કરેલા જીવમાં વૈષ્ણવતા અને ભગવદીયપણું આવી જાય છે. અને તે જીવના સર્વ કર્મ નાશ થઈ જાય છે. પણ જેમ વરસાદના જળનો ગંગાજીના પ્રવાહથી જુદો પ્રવાહ ચાલે, તો તે ગંગાજલ રૂપ ન ગણાય, તેમ પવિત્ર પણ ન ગણાય, તેમ જીવ નિવેદન લીધા પછી પ્રણાલિકા પ્રમાણે પુષ્ટિ માર્ગની મૅડ પ્રમાણે ન ચાલે, તો માર્ગનું ફળ મળે નહિ. કર્મ રહિત થાય નહીં.

હવે આગળ દ્રઢ આશ્રય ઉપર સમજાવતાં કહે છે કે દ્રઢ આશ્રય ઉપર ગીતાજીમાં ભગવાને અર્જુનને સમજાવતાં કહ્યું છે તે શ્લોક આપ શ્રીએ કહ્યો ‘ સર્વધર્મનું પરિત્યજય ’ આ શ્લોકનો અર્થ સમજાવતાં શ્રીજીએ કહ્યું કે સર્વ ધર્મ છે, તેમાં જે ભગવત દ્રઢ આશ્રય જેવો કોઇ ઉત્તમ ધર્મ છે નહિ, જેમ હાથીના પગલામાં સર્વ પગલાં સમાય જાય છે, તેમ ભગવત દ્રઢ આશ્રયરૂપી ધર્મમાં સર્વ ધર્મ સમાય જાય છે. અને જે જીવ ભગવત દ્રઢ આશ્રય કરીને રહે છે કે વર્તે છે, તેણે સર્વ વેદનો સાર જાણ્યો છે. તેથી આપણા માર્ગમાં શ્રીગોપાલલાજીએ ઘણું જ દ્રઢપણું પ્રગટ કર્યું છે. શ્રુતિ જે વેદવાક્ય, સ્મૃતિ, તેમજ વ્યાસના સૂત્રો, પૂરાણ તેમ જ ગીતાજી, તેના પ્રમાણથી પુષ્ટિમાર્ગ છે , એમ લખ્યું છે. જે દ્રઢ આશ્રય પ્રેમ અને ભક્તિ જેવું કોઇ ઉત્તમ સાધન છે જ નહિ. કારણ કે સર્વમાં સત્ય મુખ્ય છે. સત્ય વિના કાંઇ ફલિત થતું નથી. માટે જેની ભક્તિ કરવી છે, તેનું સાધન કરવુ જોઈએ. તેમાં મુખ્ય તો વિશ્વાસ જોઇએ. જો વિશ્વાસ ન હોય તો કોઇ કાર્યની સિદ્ધિ થતી નથી. અને કરેલું કાર્ય નકામું જાય છે. તેના ઉપર આપશ્રી સમજાવે છે.

જે પદાર્થનું સેવન આપણે કરવું હોય તે ખરેખર સત્ય – સાચો હોવો જોઇએ. તેનું દ્રષ્ટાંત આપીને સમજાવે છે. જેમ કે દુધમાંથી ઘીની પ્રાપ્તિ થાય, પણ જળને વલોવવાથી ધીની પ્રાપ્તિ થાય તેવું ક્યાંય સાંભળ્યું નથી, અને તલમાંથી તેલ નીકળે, પારસમણીના સ્પર્શથી લોઢાનું સોનું બને, ચિન્તામણીના સેવનથી મન ચિંતવ્યું મળે. એવા સંત્ય પદાર્થને મેળવવાથી તેના ફલની પ્રાપ્તિ થાય. પણ જે પદાર્થ સ્વરૂપથી જ ખોટા છે, કે જેમાં ત્રણે કાળમાં તેની સ્થિતિ નથી. તેને તમે સત્ય માની લ્યો અને તેનું સેવન કરો, તો કોઇ કાર્ય સિદ્ધ થાય નહિ.

કોઇ સમયે દોરડાને સર્પ માનીને પકડો તો તે કાંઇ કરડે નહિ. અને સર્પને દોરડું માનીને પકડી લ્યો તો તે કરડ્યા વગર રહે નહિ. કારણ કે દોરડું દોરડું જ છે અને સર્પ તે સર્પ જ છે. એવા ઘણાં સત્યના દાખલા છે . પણ જીવ સત્યને અસત્ય માની રહ્યો છે. જેમ ઘુડને સૂર્ય દેખાતો નથી. તો શું સૂર્ય નથી તે કેમ માની શકાય.
સત્ય અસત્યના પદાર્થનું દ્રષ્ટાંત આપી ભગવત દ્રઢ આશ્રય વિષે સમજાવે છે. જેને પુર્ણ પુરૂષોત્તમની પ્રાપ્તિની ઇચ્છા છે, તે અન્યનો જો આશ્રય કરે તો તેને પુરૂષોત્તમની પ્રાપ્તિ થાય નહિ, તેમ સ્પષ્ટ સમજવું. કારણકે એવો સત્ય પદાર્થ પુષ્ટિમાર્ગ સીવાય બીજે છે, જ નહિ. માટે તેનો જ આશ્રય કરવો, બીજાનો આશ્રય ન કરવો, અને અન્ય માર્ગનો આશ્રય કરે તો જન્મ વૃથા જાય અને સર્વ સાધન મિથ્યા હોય છે. તેથી તો અન્ય માર્ગમાં મન લગાડવું નહિ. પોતાના સ્વધર્મ પરાયણ રહેવું. અને પોતના સ્વપ્રભુનો દ્રઢ આશ્રય રાખવો. એ પ્રમાણે કાનદાસને કહ્યું. અને પ્રાગદાસને મહાન દ્રઢપણું કરાવ્યું. અને માર્ગની રીતતો ઘણી જ ચાલી છે. અને ઘણાં માર્ગની રીત પ્રમાણે ચાલ્યા છે. અને ઘણા છે. અજ્ઞાન દશામાં આગળ જે કાંઇ કર્મ થયા હોય તે એક દ્રઢ આશ્રયથી નાશ પામે છે. અને આશ્રય કરીને માર્ગની પ્રણાલિકા છોડીને જે ચાલે છે અને પોતાના મનમાં એમ સમજે જે મારૂં કર્મ નાશ થયું છે, જે મારા ઠાકોરજી શુદ્ધ કરશે એમ ન કરવું અને કહેવું પણ નહિ. જો પોતાના માર્ગની પ્રણાલિકા પ્રમાણે ચાલવાથી જ જો કર્મ નાશ થતું હોય તો પછી અન્ય માર્ગનો આશ્રય કરવાથી શું ફાયદો. માટે પોતાના માર્ગની પ્રણાલિકા છોડીને ચાલવું નહિ. પ્રણાલિકા છોડીને ચાલનારનું કર્મ નાશ થતું નથી. અને તેઓ એમ સમજે છે કે શ્રી ઠાકોરજી અમારા કર્મને શુદ્ધ કરશે. તેમ કહેવું પણ નહિ. અને કરવું પણ નહિ, તે વાત સાવ ખોટી છે. તેમ સમજાવતાં દ્રષ્ટાંત આપે છે. અન્ય ક્ષેત્રમાં કરેલું કર્મ, તિર્થ ક્ષેત્રમાં નાશ પામે છે. પણ તિર્થ ક્ષેત્રમાં કરેલું કર્મ વજ્રલેપ બને છે, તે નાશ પામતું નથી. તે ભગવત શરણ સ્વીકાર્યા પછી જો દ્રઢ આશ્રય ન રાખે અને માર્ગની પ્રણાલિકા છોડીને ચાલે તો તે દોષ અગર અપરાધ જે લાગે, તે નાશ થતો નથી. તેમ સમજાવે છે . આ રીતનું વચનામૃત સાંભળીને પ્રાગદાસ મહા આનંદ પામ્યા, ને સાક્ષાત દંડવત પ્રણામ કર્યા અને પોતાના મનમાં સરાહના કરવા લાગ્યા જે શ્રીજીના વચન તે બુદ્ધિનો મોહ મટાડવાવાળા છે. અને એક દ્રઢતા અને આશ્રય બતાવ્યો, તેનાથી જ કલ્યાણ છે. એમ કહી શ્રીજી ભીતરમાં પધાર્યા. ઉપરોક્ત વચનામૃતમાં ટુંકમાં એ સમજાવ્યું છે કે, જીવે પુષ્ટિમાર્ગનો આશ્રય કર્યા પછી અને નિવેદન લીધા પછી એક દ્રઢ આશ્રય રાખીને રહે, તો સર્વ કર્મ જીવના નાશ પામે અને ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ થાય.

|| ઇતિ એકત્રીસમા વચનામૃત ભાવાર્થ સંપૂર્ણ ||

(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)

લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને પ્રદીપભાઈ ગોહેલના જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here