સંવત : ૧૭૦૧
સ્થળ : સૂત્રેજ
ભગવદ માર્ગની સમજણ.
જુનાગઢથી ઘેડના પ્રદેશમાં સુત્રેજમાં પધાર્યા. પ્રાગજી મહેતા, રામા, જાદવ, આણંદજી, હરજી, મોહનભટ્ટ, અંદરજી અને ગંગા માસી, સામૈયું લઈને પાદરામાં આવ્યા. અને ભાવપૂર્વક પ્રભુજીનું સામૈયું કરીને ગામમાં પધરાવી લાવ્યા. પ્રભુજી પ્રાગજી મહેતાના ઘરે બિરાજયા. પ્રભુજી ભોજન કરી બેઠકે બિરાજ્યા ત્યાં ગામનો પટેલ તથા બોદો ભુવો અને છીપા સર્વ નામ પામ્યા. પ્રભુજીને અઢળક ભેટ ધરી. ભક્તજન અતિ પ્રસન્ન થઈને ભક્તિના રંગમાં ભીંજાય ગયા. અને અતિ ઉલટ ભેર શ્રીજીને ભેટ ધરી ગાડા, બળદ, વિગેરે ભેટમાં ધર્યું. અને શ્રીજીને અતિ પ્રસન્ન કર્યા. તવારે પ્રાગજી મહેતાએ કહ્યું. રાજ, આ માર્ગ વિષે કાંઈક સમજાવો.
શ્રીજી, પ્રાગજી મહેતાનો પ્રશ્ન સાંભળી અતિ પ્રસન્ન થયાં અને કહ્યું પ્રાગજી, તમો બધા શરણદાન પામી સેવક થયા તે તો ભગવદ્ માર્ગ છે. તે સર્વોપરિ છે, જે માર્ગમાં જીવનો અંગીકાર થયો છે તે માર્ગને જીવ મિથ્યા ભયને વશ થઈને છોડી દે તો મહાન અપરાધ પડે. જે ભગવદ્ માર્ગમાં તથા ભગવદ્ ધર્મને વિષે અંગીકાર થતા જીવને તે માર્ગના અપરાધનો ભય વિશેષ કરીને રાખવાનો છે. જીવમાં વિશેષ કરીને અન્નદોષથી લૌકિક ભય નાશ થતો નથી. જેથી સેવક જનોએ અસમર્પિત અને અન્ય આશ્રય આ બે વાતનો ત્યાગ ખાસ કરવાનો હોય છે. જેનાથી અપરાધ વિશેષ પડે છે. અને લૌકિક ભય જીવને ભગવદ્ ધર્મ અને ભગવદ્ગમાર્ગમાંથી ભ્રષ્ટ કરે છે. તવારે લીલાદેબાઈએ કહ્યું : જે, રાજ, જીવને એ ભય કેમ છુટતો નથી. તેનું કારણ શું ? અને તે ભય મટે કેવી રીતે ? જે તેનો ઉપાય કહોતો સારું.
શ્રીજીએ કહ્યું : લીલાદે, ઉપાયતો બધી વાતનો હોય જ, પણ જીવે તે ઉપાયને જાણીને પછી તેનો ઉપયોગ ભગવદ્ગમાર્ગમાં કરવો જોઈએ. ઔષધના વખાણ કરવાથી વ્યાધી મટે નહિ.
તેનો ઉપયોગ યથા યોગ્ય થાય તો, રોગ મટે. આતો જીવને ભવરોગ મહા વ્યાધિ લાગુ પડ્યો છે. તેને મટાડવાનો ઉપાય એક ભગવદ ધર્મનું આચરણ કરવું તે જ છે. તે થતું નથી તેનું કારણ જીવને પોતાના સ્વરૂપનું શુદ્ધ જ્ઞાન થાય છે, જે મારૂ સ્વરૂપ શું છે? હું કોણ છું? ક્યાંથી આવવું થયું છે? અહિયા મારો સાચો સંબંધ કોની સાથે છે? અને આ દેહ મન, બુદ્ધિ, ઈન્દ્રિયો, પ્રાણ વિગેરેનો સબંધ આ જીવને ક્યાં સુધીનો? આમ પોતાના અસલી સ્વરૂપનો વિચાર જીવને આવે, જો હું તો ભગવદ્ અંશ છું. હું શ્રીજીનો દાસ છું. પણ શુદ્ર, પામર, અધમ સ્વભાવથી જીવ દુષ્ટ અને અભાગી બની જાય છે. પોતાનો સબંધ જેની સાથે સર્વથા છે જ નહિ. તેની સાથે સબંધ બાંધી બેઠો છે. જેથી ભવ બંધન છુટતું નથી. તણખલાની માફક વાયુના ઝપાટાથી આમતેમ ઉડીને અથડાયા કરે છે. ત્રિવિધ પ્રકારના તાપથી તપ્ત થયેલો જીવ, ખોટા પોતાના માની લીધેલા સંબંધીઓથી છૂટો થાય. ત્યારે એ પ્રભુ સાથે સંબંધ બાંધવા લાયક બને છે. જીવનો સાચો સબંધ તો માત્ર એક શ્રીઠાકોરજી સાથેનો જ છે. કારણ કે જીવતો શ્રીજીનો અંશ છે. શ્રીજી સાથે સંબંધ પામેલો જીવ ફરીથી આ સંસારના કોઈ પદાર્થ કે, ક્રિયા સાથે પોતાનો ખરા ભાવથી સબંધ જોડતો નથી. તે જીવ દૈવી કોટિનો છે.
પ્રભુજીનું વચનામૃત સાંભળી સર્વજુથ આશ્ચર્ય ચકિત થઈ ગયું અને પ્રાગજી મહેતા તથા લીલાદેબાઈ શ્રીજીના ચરણમાં પડી દંડવત પ્રણામ કરતા બોલ્યા. રાજ, માર્ગ વિષે, અને જીવના સબંધ વિષેનો ભલો ચોખ પાડ્યો. શ્રીજીને ઘણું ભેટ ધરી. શ્રીજી બે દિવસ બિરાજ્યા. ત્યાંથી માંગરોળ પધાર્યા.
|| ઈતિ શ્રી ગોપેન્દ્રજીનું ૩૦મું વચનામૃત સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને પ્રદીપભાઈ ગોહેલ(જામનગર)ના જય ગોપાલ ||
Leave a Reply