|| શ્રી ગોપાલો જયતે ||
વચનામૃત
એક બિરીયાં શ્રીજી દ્વારકાનાથજીકે વિહા ( લગ્ન ) કરનકે ચલે. સો બરાત ( જાન ) આગ્રેમેં હોયકે નિકસે હે તબ એક કાયસ્થ કે બેટા મોલાત પર બેઠે હે, તાકી દૃષ્ટિસો ( રાજ માર્ગ ) રાહ ચલતે શ્રીજીકે દર્શન ભયો, સોતો બિનું દેખે રહી ન શક્યો. તબ વાંકું માય અરુ બાપ કહે ન લગે, જો તોકુ કહા ભયો ? તબ ઉનબેટાને કહી, જો બરાતિમે ગોકુલી ગયે, તાકી સાથ મેરો મન ગયો, તબ વે અટારિ પર ચઢકે જોવન લગો, તબ દેખે તો તાવડામેં ( તડકામાં ) બેઠો હૈ. તબ માય અરુ બાપ દેખે તો જાન્યો, જો ( ગાંડો ) બાવરો હોય ગયો. તબ શિખ દીની, જો તેરી નજરમેં ઇચ્છા હોય તો વે બરાતિકે સંગ જાયો, તબ બહાર નિકસે તબ ( નોકર )ભ્રત્ય એક સાથ ગયો , ઓર વે છોરાને સાકરકોજું ( સાકર વાળુ માવાનું ગુંજુ. ) એક અરુ શીતલ મેવા આપ મુલ લીયો, કીં જો એ દૈવી જીવ હેં, સો જાને, જો શ્રીઠાકુરજી કછુક સામગ્રી અંગીકાર કરે તો ઠીક હૈ. સો બરાત તો આગ્રે કે ઉપવનમેં આયકે ઉતરી હૈ, તહાં શ્રીજી બેઠે હૈ, સો તા પાસ જાય પહોંચ્યો. તબ આગે જાય કુંજા રાખ્યો ઓર દંડોત સાષ્ટાંગ કીયો. તબ શ્રીદ્વારકાનાથજીને કુંજા લીયો, તબ આરોગને લગે. તબ ઇનકો મન ઘટી ગયો, ફેર દૂસરો કુંજો હતો સો લેકે શ્રીજીકુ કહેન લગો, જો મહારાજારાજ ! આરોગીયે. તબ શ્રીજી કુંજા લીયો. તબ વે ફેર ગામમેં જાયકે મસરિ મોલ ( વેચાતું ) લેકે કુંજા બંધાયકે લાયો. સો એક કુંજા શ્રીદ્વારકાનાથજી આરોગે, ઓર એક કુંજા શ્રીજી પાસ રાખે, ફેર વે ક્ષત્રિકા બેટાને બોહોત વિનતી કરી , જો દીન દયાલ તુમ તો પુરૂષોત્તમ હોં, ઓર દોષ નિધાન જીવ હૈ, સો આપ અંગીકાર કરેંગે તો હોયગો. એસે સુનિકે શ્રીજી આરોગે ઓર બહોત પ્રસન્ન ભયો.
જો યજ્ઞ ભોક્ત શ્રી પુરૂષોત્તમ સો કેસે આરોગે, સો મેં ધન્ય હું. ફેર વે વૈષ્ણવ ભયો .શ્રીગોપાલલાલજીકો સેવક ભયો, તબ વાકો સેવા તત્વકો મહા ઉપદેશ કરકે વાકોં સાક્ષાત્કાર ભક્તિ પાયી. ફેર યાકૂ શ્રીઠાકોરજી સાનુભાવ જતાયો, ભલૉ આનંદીદાસ ભયો. પીછે અપને ઘર જાયકે ભગવત મંદિર બનાયકે નિકી ભાતસો સેવા કરન લગ્યો.
ઓર જબ બરાત ઘેર આઇ, પાછે વે શ્રીગોકુલ આયો, તબ ઉનકુ લીલાપૂર્વક જો વ્રજકી પૃથ્વી હે તાકા દર્શન કરવાયો, સો કેસો સાક્ષાત્કાર ભક્તિ પાયો. તાકી વાર્તા કહાં તાંઇ લીખીયે ?
|| ઇતિ ત્રિશત્તમ વચનમૃત સંપૂર્ણ ||
ભાવાર્થ
ઉપરોક્ત વચનામૃતમાં શ્રીજી દૈવી સૃષ્ટિના જીવોનો અંગીકાર કેવી રીતે પોતાના સ્વરૂપનું દાન આપીને કરે છે, તે બતાવ્યું છે. સાથો સાથ તેને સેવક કરી સેવા તત્ત્વોનો ઉપદેશ આપ્યો એટલે વચનામૃતમાં આ પ્રસંગ લીધો છે. પ્રભુની દિવ્ય લીલા ચરિત્રને કોઇ પાર પામી શક્યું નથી. તેવો આ અલોકિક દિવ્ય લીલા ચરિત્રનો પ્રસંગ છે. દૈવી સૃષ્ટિના જીવો યેનકેન પ્રકારે દેવી સૃષ્ટિમાં જ ભળી જાય છે.
શ્રી ગોપાલલાલજીનું પ્રાકટ્ય દેવી જીવોના અંગીકાર માટે જ થયું છે. તે આ પ્રસંગ ઉપરથી સચોટ સમજાય તેમ છે. તે ક્ષત્રીનો છોકરો દૈવી સૃષ્ટિનો દૈવી જીવ હતો. તેથી શ્રીગોપાલલાલજીનું દર્શન થતાં જ સાક્ષાત પુર્ણ પુરુષોત્તમના સ્વરૂપનું જ્ઞાન થયું. અને તેનું મન તરત જ તેમાં લાગી ગયું. સંસારાસક્તિ સર્વ છુટી ગઇ. અને તે તેની પાછળ ગયો. દેવી જીવ હોવાથી તેના મૂળભુત સંસ્કાર પૂર્વના ખીલી ઉઠયા તેના મનમાં થયું કે શ્રીઠાકોરજી પાસે ખાલી હાથે જવાય નહિ, કાંઇક સામગ્રી અંગીકાર કરાવવી જોઈએ. તે દેવીજીવનું મુખ્ય મુખ્ય લક્ષણ છે. તેથી સાકરનું માવાનું ગુંજુ ઘરવા માટે લીધું. અને શ્રીજી પાસે ગયો, સાક્ષાત દંડવત પ્રણામ કરી સામગ્રી ઘરી, પણ તે દ્વારકાનાથજી શ્રી ગોપાલલાલજીના નાના ભાઇ, તેમણે તે અંગીકાર કરી, તેથી તેનું મન નાખુશ થયું. કારણકે તેનું મન તો શ્રીગોપાલલાલજીમાં લાગ્યું હતું. તે સ્વરૂપમાં તેને પુરૂષોતમના સ્વરૂપનું દર્શન થયું હતું. તેથી તેના મનમાં થયું કે શ્રીજીએ મારી સામગ્રી અંગીકાર કરી નહિ. તેથી બીજુ ગુંજુ હતું તે ઘર્યું ; અને શ્રીજીએ તેની મનુહાર વિનંતીથી અંગીકાર કર્યું અને ફરી બીજા બે ગુંજા લાવીને ધર્યા. તે ગુંજુ ફરી વખત શ્રીજી વિનંતી કરી ને ધર્યું અને તે ગુંજુ અંગીકાર કરીને શ્રીજી તેના પર બહુજ પ્રસન્ન થયા. પછી તે શ્રીગોપાલલાલજીનો સેવક થયો અને શ્રીજીએ તેને સેવાતત્વનો ઉપદેશ આપ્યો અને તેને દશમી પ્રેમલક્ષણા ભક્તિનો સાક્ષાત અનુભવ થયો. પછી તે સેવા કરવા લાગ્યો. શ્રીજી તેને સાનુભાવ જણાવવા લાગ્યા. અને પછી ગોકુલ આવ્યો ત્યારે તેને શ્રીજીએ વ્રજભુમીની સર્વ દિવ્યલીલાનું દર્શન કરાવ્યું અને ભક્તિનો સાક્ષાત્કાર થયો, ભલો આનંદી દાસ થયો.
શ્રીગોપાલલાલજીને ભૂતળમાં પ્રાકટ્ય લઇને પરદેશ કરવાનો મુખ્ય હેતુ દૈવી જીવોને શરણે લેવાનો છે. જેમ છોકરાને શ્રીગોપાલલાલજીના સ્વરૂપનો અનુભવ અને જ્ઞાન થયું, તેમ આપણા વડવાઓને પણ એજ સ્વરૂપનું એ જ રીતે જ્ઞાન અને અનુભવ થયેલો. અને પ્રભુના શરણે જઇને સેવક થયેલા અને પુર્ણ પુરૂષોત્તમની પ્રાપ્તિ થયેલ. આપણો ઇતિહાસ તપાસતાં તે સર્વ વાત મળી આવે છે. આપણા વડવાઓને શ્રીજીનો સાક્ષાત્કાર ભક્તિનો અનુભવ થયેલો. તેના જ વંશવારસો આપણે છીએ, તે આપણું એક સદ્દભાગ્ય ગણાય. અને આજે તે જ પરંપરા એ આપણે પણ આજ શ્રીગોપાલલાલજીના સેવક થવાનું સદ્દભાગ્ય જાળવી રહ્યા છીએ. શ્રીગોપાલલાલજી પોતાના વચનામૃતમાં વારમવાર ભાર પુર્વક સમજાવે છે કે, અનન્ય શ્રદ્ધા, પ્રેમ વિશ્વાસથી એકેય મોટું સાધન નથી. આજ પણ આ સૃષ્ટિ અનન્ય શ્રદ્ધા, પ્રેમ, વિશ્વાસ, ઉપર જ ચાલી રહી છે. માર્ગના મુખ્ય સુકાની તરીકે પ્રભુ અંતરિક્ષમાં બિરાજી રહ્યાં છે. અને તેના કૃપાબળ ઉપર આ સૃષ્ટિ આજે ચાલી રહી છે. પંચભગવદીઓમાં બિરાજીને પ્રત્યક્ષરૂપે આ સૃષ્ટિનું સંચાલન થઇ રહ્યું છે. તે તેની અસીમ કૃપાનું જ કારણ છે. આપણા વડવાઓને જે સ્વરૂપનું જ્ઞાન અને અનુભવ થયો છે , તેનું ગૌરવ આજ આપણે સમજીએ તો ઓછું ન ગણાય. આપણે તેના જ વંશવાસો છીએ. તેથી તેના જેવી અનન્ય ભક્તિને પ્રાપ્ત કરવા આપણે પણ આજ સદભાગી બન્યા છીએ.શ્રીગોપાલલલાજીના વચનામૃતનું નિત્ય અવગાહન કરવાથી આપણું જીવન પણ ખરેખર અમૃતમય બની જશે. તેમાં પ્રભુએ કરેલી આજ્ઞાનું પાલન તેજ આપણા પરમ કલ્યાણનું સાધન છે. તેની આજ્ઞાથી વિરૂદ્ધ વર્તન તે જીવની મંદ બુદ્ધિનું કારણ છે. આપણા સ્વપ્રભુની શ્રીમુખની વાણી છે. અને તેમાં ખુબ જ માર્ગનું ઉંડુ રહસ્ય સમજાવવામાં આવ્યું છે. જે તેના વાંચન મનનથી અષ્ટ સમજાય તેવું છે. નિત્ય તેનું વાંચન કરવાથી ભક્તિ ભાવમાં અનેરી વૃદ્ધિ થાય છે. દ્રઢતા, પ્રેમ વિશ્વાસ , ખુબ જ વધે છે. ભક્તિ માર્ગીય જીવનું મુખ્ય લક્ષણ પોતાના પ્રભુની વાણી ઉપર અનન્ય શ્રદ્ધા, પ્રેમ અને વિશ્વાસ રાખવો તે જ છે.
|| ઇતિ ત્રીસમા વચનામૃત ભાવાર્થ સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||