સંવત : ૧૭૧૧
સ્થળ : જુનાગઢ
વિષય : ભાવનું સ્વરૂપ, લક્ષણ તથા પ્રકાર અને શ્રેષ્ઠ ભાવ કોને કહેવાય.
|| શ્રી ગોપાલો જયતે ||
એક સમયને વિષે શ્રી ગોપેન્દ્રજી જુનાગઢ પધાર્યા હતા. આપશ્રી ગાદી તકીયા ઉપર બિરાજમાન હતા. ત્યારે રાજનો અંગીકૃત ઉપલેટાવાળો કૃષ્ણભટ્ટ શ્રીજી સનમુખ આવીને દંડવત્ કરીને બેઠા, આપશ્રી મુસ્કાયને શ્રીમુખ પ્રસન્ન કરીને કહ્યું. જે કૃષ્ણદાસ આવ્યો?
ત્યારે કૃષ્ણદાસે ફરીને દંડવત્ કરીને હા, કહી. ત્યારે કૃષ્ણ ભટ્ટના મનમાં પૂછવાનું આવ્યું. જે કૃપા સિંધુ, કરુણાના સાગર, જીવના મનમાં એક પ્રશ્ન પુછવાનો ઉપજ્યો છે. તે આપ કૃપા કરી આજ્ઞા આપો તો પુછીએ?
ત્યારે આપશ્રી પ્રાણનાથજીએ મુસ્કાયને કહ્યું. અરે? કૃષ્ણદાસ! પૂછવાનું ઉપજયું છે? તારા મનમાં જે હોય તે પુછ?
જે રાજ ? પુષ્ટિ મારગમાં સર્વ સાધનમાં શ્રેષ્ઠ ભાવ કહ્યો છે, તે ભાવનું શું સ્વરૂપ છે. અને તેનું લક્ષણ શું? અને ભાવના પ્રકાર કેટલા છે. અને તેમાં શ્રેષ્ઠ ભાવ કોને કહીએ? અરુ પ્રથમ ભાવના પછી ભાવ તે શું? તે વાત કૃપા કરીને સમજાવો? તો જીવ સમજે, જીવનમાં એટલી ગમ બુદ્ધિ કયાં છે, ત્યારે કૃપા સિંધુ એવા શ્રી ગોપેન્દ્રજી મહાપ્રભુજીએ કહ્યું કે, અરે, કૃષ્ણદાસ? સાવચેત થઈને શ્રવણ કરો? નહિ તો કાંઈ સમજવામાં આવશે નહિ. સમજ વિના કાંઈ ફલ પ્રાપ્ત થશે નહિ. જીવ બુદ્ધિ છોડીને અહંભાવને ત્યાગીને અને જો વચનામૃત કહે છે. તેના સ્વરૂપમાં આસક્ત થઈને એક નિમિષ દૃષ્ટિ તેનાથી ચલાયમાન ન હોય ત્યારે પ્રસંગ સમજમાં આવે. અને તે હૃદયા રૂઢ થાય.
ત્યારે તેની સ્મૃતિ રહે. ભૂલે નહિ, એવા શ્રવણના અધિકારી હોય ત્યારે પ્રથમ ભાવના આવે, મૂળમાં પોતે સાચો હોય તો સર્વ પદારથ પામે. સર્વ ફલ મળે.
ભાવ જે છે. તે શ્રી સ્વામિનીજીનું મન છે. અને સ્વામિનજીનું મન અનેક પ્રકારનું છે. તેને લીધે ભાવ અનેક પ્રકારનો છે અને ભાવનું લક્ષણ ઘણું મોટું છે. પ્રથમ ભાવ જ છે. તેનું લક્ષણ દીનતા છે.
જે કૃપાનાથ? દીનતાને પણ સ્વામિનીજીનું મન, આપે આગળ કહ્યું. અને ભાવને પણ શ્રી સ્વામિનીજીનું મન કહ્યું. તેનો આશય કાંઈ સમજવામાં આવ્યો નહિ.તો કૃપા કરીને તે સમજાવો?
ત્યારે પ્રભુજી કહેવા લાગ્યા. જે દીનતા શ્રી સ્વામિનીજીનું મન છે. તે વાત કહી. પણ શ્રી સ્વામિનીજીમાં રસાત્મિકભાવ છે તે સર્વોપરિ છે. તેને લીધે ભાવને શ્રી સ્વામિનીજીનું મન કહ્યું, અને સ્વામિનીજીમાં રસાત્મિક ભાવ જ છે. તેનું લક્ષણ એક દીનતા છે. શ્રી સ્વામિનીજી, શ્રી ઠાકોરજી પાસે આવીને પોતાની દીનતાથી શ્રી ઠાકોરજી આગળ રસાત્મિક ભાવથી રમણ કરવાની વિનંતી કરે છે. તે તો સર્વોપરિ વાત છે. તે તો દીનતા વિના ન બને? તેથી ભાવ શ્રી સ્વામિનીજીનું મન છે. અને તેનું લક્ષણ દીનતા, દીનતા વિના ભાવ ક્યારેય ઠરે નહિ. જીવમાં પોતાનો અહંભાવ આવે, ત્યારે ભાવ નષ્ટ થાય છે. તેથી ભાવથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. ભાવ ગયો. તો પ્રાણ વિનાનો દેહ, તેમ સર્વ સમજવું. સર્વ કાર્યમાં ભાવ પ્રધાન છે.
|| ઇતિ શ્રી ગોપેન્દ્રજીનું વચનામૃત ત્રીજું સંપૂર્ણ ||
સાર
પુષ્ટિ માર્ગ ભાવ પ્રધાન છે. || ભાવો ભાવનયા સિદ્ધ, નાન્ય સાધન દિશ્યતે ||
મહાપ્રભુજી આ જ વાત સમજાવે છે કે આ માર્ગમાં કોઈ સાધનથી પ્રભુ વશ થતા નથી. ભાવના દ્વારા ભાવ સિદ્ધ થવાથી પ્રભુ તુરત વશ થાય છે. જીવનું મન અનેક પ્રકારના સાધન માર્ગમાંથી નીકળી જવું જોઈએ. માત્ર પોતાના પ્રભુમાં જ એક ભાવના દ્વારા ભાવ સર્વોપરિ રાખવો જોઈએ. તે સમજાવ્યું છે. વચનામૃત બહુ જ સ્પષ્ટ છે.
(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને પ્રદીપભાઈ ગોહેલ(જામનગર) ના જય ગોપાલ ||