સંવત : ૧૭૨૭
સ્થળ : રવની
વૈષ્ણવ કોને કહેવાય ?
રવનીમાં આપશ્રી પધાર્યા. ત્યાં ભોજા પટેલના ઘરે બિરાજયાં વૈષ્ણવ જુથ અપાર દર્શને આવ્યું. ભેટ ધરી પ્રસન્ન થયાં. ત્યારે ભોજા પટેલે વિનંતી કરી પૂછયું, જે રાજ? વૈષ્ણવ કોને કહેવાય? ત્યારે આપશ્રી ખુબ જ પ્રસન્ન થયાં. અને શ્રીમુખથી વચનામૃત કીધું. ત્યારે આપશ્રીએ કહ્યું. અરે ભોજા? ભલો પ્રશ્ન કીધો. વૈષ્ણવ તો તેને કહીએ, જો પોતે વૈષ્ણવ થાય અને પોતાના સંગમાં બીજાને વૈષ્ણવ કરે, તેનું નામ વૈષ્ણવ કહીએ.
બીજો, વૈષ્ણવ શરણદાન પામ્યા પછી કોઈ વાતની પોતાના મનમાં લૌકિક અપેક્ષા ન રાખે. ભગવદ ચરણારવિંદની ઈચ્છા રાખે. અન્ય આશ્રય ન કરે. અણસમર્પિત ગ્રહણ ન કરે. માર્ગના આચારને પાળેે. મેંડ પ્રણાલિકાને સમજે. પોતાના ઘરમાં પોતાના પ્રભુજીની સેવા કરે. પોતાની પ્રતિષ્ઠા ન ઈચ્છે દાસ થઈને રહે. વૈષ્ણવસુ દીનતા રાખે. ભગવદીના વચન ઉપર વિશ્વાસ ઉપજે. નિત્ય ભગવદીના સંગમા રહે. પોતાની મનમાની ન કરે અને પોતાના પ્રભુજીની નિત્ય આજ્ઞા પાળે, તેનું ઉલ્લંઘન ન કરે, તેને વૈષ્ણવ કહીએ. કોઈ વેશ્યા સતિનો સ્વાંગ ધારણ કરે, તેને સતિ કહેવાય નહિ. સતિના સર્વ લક્ષણને પાળે ત્યારે સતિ કહેવાય. એમ પતિવ્રતાની ટેક જેનામાં નથી. તે જીવ શું? વૈષ્ણવ કહેવાશે ખરો? આપણા માર્ગમાં પતિવ્રતાની ટેક રાખીને રહે તે વૈષ્ણવ કહેવાય. માત્ર સ્વાંગ ધારણ કરવાથી વૈષ્ણવપણું નહિ આવે. વૈષ્ણવ ભેખ ધારણ કર્યા પછી, વૈષ્ણવી આચાર પાળે તેને વૈષ્ણવ કહીએ. જો પોતાના પ્રભુજીની આજ્ઞામાં મન દઢ કરીને રાખે, તે જીવદૈેવી લક્ષણવાળો હોય તે વૈષ્ણવ કહીએ.આપશ્રીના વચનામૃતનું પાન કરી સર્વના નેત્રમાં જલ ભરાઈ આવ્યું. અને અનેક જીવે પ્રભુજી સનમુખ એક ટેક લીધી. અને પ્રભુજીની ખુબ જ સરાહના કરવા લાગ્યા. જે રાજ? આપ વિના જીવનો સંદેહ કોણ નિવૃત્ત કરે.
|| ઈતિ શ્રી ગોપેન્દ્રજીનું ૨૫ મું વચનામૃત સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને કિંજલ બેન તન્ના (જામનગર) ના જય ગોપાલ ||
Leave a Reply