|| શ્રી ગોપાલો જયતે ||
વચનામૃત
અરુ એક બેર શ્રીજી ધર્મશાસ્ત્રકે ગ્રંથકી ચર્ચા કરે હેં, તાબિરીયા સબ ભગવદીય અપુને જો વૈષ્ણવ, સો સુને હે. તામે સેવક ધર્મોત્તરકો વૃતાંત આયો, જો સર્વથા સેવક જો સ્વામીકો દાસભાવ સો વર્તનો, પરિ સખાભાવ ન આચરનો, જો, સખાભાવસુ સેવા હોય. પરિ જેસે દાસ સેવકકો ધર્મ નિર્વિઘ્ન હે. જો સેવક અપુને સ્વામીકી આજ્ઞા પાલની, જો આજ્ઞા પાલે તાકું તો કોઉ બાધ નાંહી, અરુ એસે હેં જો સ્વામી આજ્ઞા કીયે પીછે સેવકને કાર્ય કીયો, સો કહા ઉત્તમ હે ? ઉત્તમ તો કહા, જો મનમેં ધારે તબ ચિત્તકી જાનકે આજ્ઞા પાલન કરે, તબ ઉત્તમ અરુ સખાભાવ પાવે.
એસે શ્રીમુખકે વચન સુનિકે સબ આનંદ પાયે. પરિ મનમેં એસો આયો, જો સેવકભાવ જો આપ રાખો તો રહે. એસી સબ મનસો કરકે વિજ્ઞપ્તિ કીયે. તબ શ્રીમુખ આપ ભાષણ કીયે, જો હમારે પુષ્ટિમાર્ગમેં તો એસે હૈ, જો સબકુ સેવા સેવકભાવ, હમ કર દેખાયો હેં. યાતે હમારે સેવક હોં, પરિ સખા હોનેકો નાંહિ હેં. કૌ જો મિત્રાઇ કરકે સેવક હોવત હોં ? જો સેવક તો કેસી કહીયે, જેસી સમાધાન સ્નેહી. જો ભગવત રેહસ લીલોકો જાકો ભાસ હે, તબ મિત્રભાવ પાયો, સો દાસાનુદાસ ભાવ મિત્ર હે. એસો ભાવ જબ આપ ઉપજાવે તબ આયે હેં, સો તો સેવક ભયો. ( સેવક થયા પછી મિત્ર થવાય છે, સેવા કરવાથી સેવકપણું સિદ્ધ થાય છે, જેને શ્રીઠાકોરજીના આનંદ રસનો અનુભવ થાય છે, તેને મિત્ર ભાવ પ્રાપ્ત થયો માનવો.)
એ ભગવત કૃપાસુ પ્રાપ્તિ હોત હે. એસે સદૈવ ભગવત કૃપાકી “ સુસમીક્ષમાણો ” એસે આપ શ્લોક પઢે : –
|| તત્તેડનુમ્પા સુસમીક્ષમાણો , ભુગ઼જાન એવાત્મકૃતં વિપાકમ્ |
હદ્રાગ્વપુર્ભિર્વિદ્રધન્નમસ્તે, જીવેતયોમુક્તિપદેસદાયમાક્ ||
( ‘જે જીવ ઇશ્વર ક્યારે કૃપા કરશે ‘ આમ તમારી કૃપાની વાટ જોતો પોતે કરેલા કર્મના ફળને ભોગવ્યા કરે છે. તથા મન વાણી કાયાથી આપને નમસ્કાર કરતાં જીવન ગાળે છે, તેને મુક્તિનો અધિકારી જાણવો.) યાતે ભગવત કૃપાકૂ સદૈવ ઇચ્છા કરની, જો મોકું કબ કૃપા હોયગી ? ઓર મેરે ભવાટવી કબ મિટેગે ? એસો વિચાર સદૈવ રાખનો, જો ભગવત કૃપા બિનુ અપર એસો સૌભાગ્ય દૂસરો કહા હેં ? તેસે શ્રીમુખ કહે હે. સુનિકે સબકે મનમેં દ્રઢતા આયે.જો શ્રીમુખકે વચન સો શાસ્ત્ર હૈ. ઓર જાકે ચરણરજસો ગંગાદિ જો તીર્થ હૈ, તાકો મલ નાશ પાવે. એસે ધર્મકી રક્ષા કરવેકું પ્રગટે હે. એસો સ્વભાવ જેસે સૂર્ય કિરણસા “અન્ધકારમિવ” ( સૂર્યના કિરણથી અંધકાર નાશ પામે છે, તેમ શ્રી ઠાકોરજીની સેવાથી પાપ નાશ પામે છે.) સો અબ કલિયુગમે વ્યાસકે વચન જો સદ ગ્રંથ તાકો માને હેં, એસે શ્રીમુખ કહીકે આપ ભીતર પધારે.
|| ઇતિ ચતુર્વિશતિતમ વચનામૃત સંપૂર્ણ ||
ભાવાર્થ
આ ચોવીસમાં વચનામૃતમાં શ્રીગોપાલલાલજી પુષ્ટિમાર્ગના મૂળભૂત સિદ્ધાંતને ઘર્મશાસ્ત્રના ગ્રંથના આધારે સમજાવે છે. વચનામૃત પોતાની સૃષ્ટિના ભગવદીઓ અને વૈષ્ણવો સાંભળી રહ્યાં છે. તેમાં સેવકનો ધર્મ કેવો હોવો જોઇએ તે વિષે પ્રસંગ સમજાવે છે. તેમાં પ્રથમ સેવકે હંમેશા પોતાના સ્વામી એવા પ્રભુ સાથે દાસભાવથી વર્તવું, પણ સખા ભાવ ન રાખવો. પુષ્ટિમાર્ગમાં મુખ્ય પ્રભુ સાથે દાસભાવ રાખવાનો છે. દાસભાવથી હંમેશા સેવા સ્મરણ અને ભક્તિભાવનું આચરણ પ્રભુ સાથે કરવું. સખાભાવથી સેવા થાય, પણ જેવો દાસભાવનો ધર્મ નિર્વિઘ્ન છે, ભયરહિત છે. તેવો સખાભાવનો ધર્મ ભયરહિત નથી. સખાભાવમાં બરાબરીપણું થઇ જાય તેવો ભય હોય છે. પ્રભુ સાથે સમાન ભાવ થવાથી દાસપણું છુટી જાય છે. તેથી દોષ લાગે માટે દાસભાવ મુખ્ય કહ્યો છે.
અને સેવકે હંમેશા પોતાના સ્વામીની એટલે પ્રભુની આજ્ઞાનું પાલન કરવું. જે આજ્ઞાનું પાલન કરે તેને કોઇપણ પ્રકારનો દોષ બાધ કરતો નથી. તેવો દાસપણાનો ધર્મ છે. અને દાસપણાનો ધર્મ સર્વથી ઉત્તમ છે. તેમાય સ્વામી જે આજ્ઞા કરે અને સેવક તે પ્રમાણે કાર્ય કરે તે ઉત્તમ નથી. ઉત્તમ દાસ ધર્મ તો એ જ છે કે સ્વામીના મનની ઇચ્છા પોતે સમજીને ચિત્તમાં વિચારીને તે આજ્ઞાનું પાલન કરે તે ઉત્તમ દાસધર્મ છે. અને તેવા પ્રકારનો દાસ ધર્મ જયારે પ્રાપ્ત થાય ત્યારે સખાભાવ આપોઆપ સિધ્ધ થઇ જાય છે. પુષ્ટિમાર્ગમાં પ્રભુની સેવામાં મુખ્ય પ્રભુના સુખનો જ વિચાર કરવામાં આવે છે. તે જ સાચી સેવા છે. તેથી પુષ્ટિમાર્ગમાં દરેક ઋતુ અનુસાર જ શીગાર ભોગ, અને રાગ, ઇત્યાદીનો વિચાર કરવામાં આવ્યો છે. તે દાસનો મુખ્ય ધર્મ છે. જે ક્ષણે ક્ષણે પ્રભુના સુખનો વિચાર કરીને જ સેવા કરવી. તે ઉત્તમ દાસ ધર્મ છે. જે પ્રભુને અત્યારે આ ઋતુમાં શું સોહાય છે, તેવો મનમાં વિચાર કરી ને જે સેવા સેવકે કરે છે, તે ઉત્તમ પ્રકારની છે.
શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિકૃમા કરતા હતા ત્યારે કૃષ્ણદાસ મેઘન સાથે હતા. તેવામાં એક સમય શ્રીમહાપ્રભુજી ગંગાજીના તટ પર રાત્રે પોઢયા છે. અને કૃષ્ણદાસ ચરણ સેવા કરી રહ્યાં છે. તે મધ્ય રાત્રીએ શ્રીમહાપ્રભુજીના મનામાં ઇચ્છા થઇ કે ધાનના મુરમુરા હોય તો પ્રભુને આરોગાવીએ શ્રીમહાપ્રભુજીના મનની વાત કૃષ્ણદાસ જાણી ગયા. અને ત્યાંથી મુંગા મુંગા ઉઠીને ગંગા કીનારે આવ્યાં ત્યાં એક નાવવાળો નાવ લઇને ઉભો હતો તેમાં બેસીને સામે કીનારે ગયા અને એક ખેતરવાળા પાસેથી ધાનના મુરમુરા લઇ તેને સિદ્ધ કરાવીને પાછા ગંગા કીનારે આવીને નાવમાં બેસી પાછા આવ્યા અને મહાપ્રભુજીના ચરણ દબાવીને જગાડયા અને ઘાનના મુરમુરા આગળ ધર્યા. એટલે મહાપ્રભુજી ખુબ જ પ્રસન્ન થયાં અને કહ્યું કે, કૃષ્નદાસ તમે તો મારા મનની ઇચ્છાને જાણી ગયા. માટે હું તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન છું, તમે કાંઇ માગો. ત્યારે કૃષ્ણદાસે ત્રણ વસ્તુ માગી. કે, પ્રથમ મારો મુખરતા દોષ જાય. અને માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય. અને મારા ગુરૂ ઘરે પધારો, તેવું માગ્યું. એટલે મહાપ્રભુજીએ પેલી બે વાતની હા પાડી ને ગુરૂના ઘેર પધારવાની ના પાડી. આ છે દાસ ધર્મ પોતાના સ્વામીના મનની ઇચ્છા કૃષ્ણ દાસ જાણી ગયા અને તે પ્રમાણે ધાનના મુરમુરા સિધ્ધ કરાવીલાવીને પોતાનો દાસ ધર્મ સાચવ્યો. તેવો દાસ ધર્મ ઉત્તમ પ્રકારનો કહ્યો. અને તેવો દાસ ધર્મ સિદ્ધ થતાં સખાભાવની પ્રાપ્તિ સહજમાં થઇ જાય છે. મૂળ સિદ્ધાંતમાંતો સ્વામીની આજ્ઞાનું પાલન તેના મનનું હાર્દ સમજીને પોતાના ચિત્તમાં વિચારે તો જ ઉત્તમ પ્રકારનો દાસભાવ પ્રાપ્ત થાય.એવા શ્રીમુખના વચન સાંભળીને સર્વે આનંદ પામ્યા.પણ મનમાં એમ થયું કે, જે સેવક ભાવ તો આપ ૨ખાવે તો રહે, એવું સર્વેએ મનમાં વિચારીને વિનંતી કરી.
ત્યારે શ્રીમુખેથી કહ્યું કે, જે અમારા પુષ્ટિમાર્ગમાં તો એમ છે. જે બધાને સેવા અને સેવકભાવ તો અમે કરીને દેખાડ્યો છે. અમે પોતે જ સેવા અને સેવકભાવ કરીને સર્વેને દેખાડ્યો છે.’આપ સેવા કરી શીખવે શ્રીહરી’ પોતે જ સેવા કરીને પોતાના દાસને શીખવવા માટે પોતે સેવા કરીને દેખાડે છે કે, દાસભાવ અગર સેવકભાવ આવો હોવો જોઇએ. પ્રભુને સેવા કરવાની કોઇ જરૂર નથી. છતાં પોતે સેવા કરીને શીખવે છે. પુષ્ટિમાર્ગમાં સેવા છે, પુજા નથી. તેથી સેવા સેવકે કેવી રીતે કરવી જોઇએ, તે વાત પ્રભુ પોતે જ પ્રત્યક્ષરૂપે દેખાડે છે. તેથી પ્રભુ પોતે જ કહે છે.
તેથી અમારા સેવકો છો, પણ સખા થવાનું નથી. જે મિત્રતાથી સેવક થાય છે તે બરાબર નથી. પણ સેવક કોને કહીએ, જેવું સમાધાન સ્નેહી કરે, તેવું સમાધાન સ્નેહયુક્ત સેવામાં કરવું જોઇએ. જેને ભગવત રહસ્ય લીલાનું જ્ઞાન છે અનુભવ છે, તે મિત્રતાના ભાવને પ્રાપ્ત કરી શકે છે. દાસાનું દાસ ભાવ છે તે મિત્ર છે. એવો ભાવ આપ ઉપજાવો ત્યારે આવે, તે સેવક થયો.
અલૌકિક ભાવનું દાન ભગવત કૃપા દ્વારા જ થાય છે અને તે કૃપા ભગવદીના કહ્યાના વિશ્વાસથી તેનું કારણ ઉપજવાથી પ્રાપ્ત થાય છે. તે સિવાય અન્ય કોઇ ઉપાય છે જ નહિ અને તેવો ઉત્તમ દાસાનું દાસ ભાવ, અને સખા ભાવ ભગવદ કૃપાથી જ પ્રાપ્ત થાય છે, માટે જીવે હંમેશા તેવી ભગવદ કૃપાની પ્રાપ્તિની ઇચ્છા રાખવી. જે મારા ઉપર ભગવદ કૃપા ક્યારે પ્રાપ્ત થશે.અને મારી આ ભવાટવી ક્યારે છુટશે ? એવો વિચાર હંમેશા કરવો. જે ભગવદ કૃપા સિવાય બીજુ સદભાગ્ય કોઇ જ નહિ. તેવું શ્રીમુખથી કહ્યું. તેવા વચન શ્રીમુખના સાંભળીને સર્વના મનમાં દઢતા આવી, કે શ્રીમુખના વચન તે જ શાસ્ત્ર છે અને જેના ચરણની રજથી ગંગાદિક તીર્થોના દોષ નાશ થાય છે. તો તેનું સેવન કરનારને શું પ્રાપ્ત ન થાય. આપતો ધર્મની રક્ષા કરવા માટે પ્રકટ્યા છે. એવો સ્વભાવ મહાન ઉદાર અને દયાળુ છે. જેમ સુર્યના પ્રકાશથી અંધકાર સર્વથા નાશ પામી જાય છે, તેમ પ્રભુની દાસભાવે સેવા કરવાથી સર્વે પાપોનો નાશ થઇ જાય છે, કલિયુગમાં વ્યાસ ભગવાને જે સત્ય ગ્રંથ સાતવીક લખ્યા છે, તેને પુષ્ટિમાર્ગમાં પ્રમાણ તરીકે માને છે, બીજાને નહિ. એવા શ્રીમુખના વચન સાંભળી સર્વે આનંદ પામ્યા અને આપશ્રી ભીતર પધાર્યા. ઉપરના વચનામૃતમાં મુખ્ય દાસભાવથી શ્રીઠાકોરજીની સેવા કરવી, અને ભગવદ આજ્ઞાનું હાર્દ સમજીને તે આજ્ઞાનું પાલન કરવું. સદેવ ભગવત કૃપાની ઇચ્છા રાખવી. પુષ્ટિમાર્ગમાં ભગવદ લીલાના રહસ્યના અનુભવીને જ સાચો સેવકભાવ તથા સખાભાવ પ્રાપ્ત થાય છે. ભગવદીની કૃપા સિવાય ભગવંત કૃપાનું દાન થતું નથી. જીવ ગમેતે યોનીમાં જન્મ્યો હોય પણ તેમાં તેની ઉપર ભગવત કૃપા થાય, તો તે ઉત્તમ પ્રકારનો જીવ છે એમ સમજવું. શ્રી ઠાકોરજીના ચરણારવિંદની રજ સમસ્તતીર્થોને પાવન કરનારી છે, તો પોતાના દાસ તેનું સેવન કરે, તેના દોષ અવશ્ય નાશ પામી જાય છે. સુર્યના પ્રકાશથી જેમ અંધકાર નાશ પામે, તેમ ભગવદ વાણીના શ્રવણથી મનનથી જીવનું અજ્ઞાન રૂપી અંધારૂં નાશ પામે છે. માટે ભગવદવાણી તેજ આપણું સત્ય શાસ્ત્ર છે. બીજા શાસ્ત્રો કામના નથી .
|| ઇતિ ચોવીસમા વચનામૃત ભાવાર્થ સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||