|| પ્રભુશ્રી ગોપાલલાલજી ના વચનામૃત – ૨૨ ||

0
154

|| શ્રી ગોપાલો જયતે ||

વચનામૃત

એક સમય શ્રીજી વૈષ્ણવકો વૃતાન્ત કહે હે જો વૈષ્ણવ કહા મનુષ્ય? અરૂ કામધેનુ કહા પશુ હે ? અરુ અશ્વત્ય( પીપળો ) કહા વૃક્ષ હે

એસે બોહોત શ્રી ગીતાજીકે વિભુતિ (ગીતાજી અધ્યાય ૧૦) અધ્યાયકી વ્યાખ્યા કહી સો સુનીકે કાનજી ભરોચી કહન લગે, જો મહારાજ ? એસે તુમ પરમહંસ પદ કહ્યો.તાકું શિગરા(શીંગડા) હે ? તબ શ્રીજી મુસકાયકે કહી, જો હા શિગરા હે, સોઉ દેખીયત નાંહી, તબ શ્રીજી કહે હૈં, સ્વધર્મી વૈષ્ણવ હે સો તો તો દુઃસંગ, માયા, મોહાદિ સો સબ અપને દ્રઢ વૃતસો કરકે દૂર કરે હૈ, સો તો શીંગ હે. કૌ જો માયા, મોહકો ઉલ્લંઘન કરવો, સો સીંગ બિનું કૌ હોઇ હે ?

ઓર મનકો ધર્મ તો કલ્પનાકો (સંકલ્પ વિકલ્પ કરવાનો ધર્મ) હે. સો કેસી કલ્પના કરે હે? જો (ભુતકાળ ,વર્તમાનકાળ અને ભવિષ્યકાળ ) તીનકાલમેં યામેં કોઉ પદ પદાર્થ ન હોઇ હે, તાકો કલ્પ હે, સો કહા સત્ય હે ?

જન્તો દૈવહતાનનપિ ” ( મન પોતાના લાભમાં મનોરથ ધારે, પણ પ્રભુ કૃપા વિના તે સિધ્ધ થાય નહી) જો જીવકો મનોરથ અદ્રુંષ્ટસો કરકે હને હે.

પરિ જો દૈવી જીવ હૈ, સો તો કછુ વાસના ન કરે, ઓર જો કરે તો કછું અલભ્ય (ન મેળવી શકાય તેવું નથી) નાંહી હૈ. એસે કહીકે શ્રીમુખ ગર્ભ સ્તુતિકો શ્લોક પઢે : !! તથા ન તે માધવ તાવકાઃ કવચિત્ બૃશ્યત્તિ માર્ગોત્ત્વયિ બદ્ધસૌહદાઃ!!! ત્વયાભિગુપ્તા વિચરન્તી નિર્ભયા વિનાયકાની કપમૂર્ધસુ પ્રભો ! ” ( પરંતુ હે માધવ ! જેઓએ તમારે વિષે સ્નેહ બાંધલો છે અને તમારા જ ભકત છે , તેઓ કોઇપણ વખતે માર્ગથી ભ્રષ્ટ થતા નથી, પરંતુ હે પ્રભો તમારાથી રક્ષાયેલા થકા નિર્ભય થઈ ને વિઘ્ન કરનારાઓની સેનાના અધિપતિઓના માથા ઉપર ફરે છે. ભા. સ્ક. ૧૦ અ 2 શ્લોક 33) .

સો કહા શિંગ બિનું હોય હે ? એસે સુનિકે તબ વે ભરૂચી વૈષ્ણવ આનંદ પાયો. જો મેને તો ખ્યાલ કીયો, પરિ ઇશ્વરને કેસો સત્ય કર્યો.

|| ઇતિ દ્રાવિશતિતમ વચનામૃત સંપૂર્ણ ||

ભાવાર્થ

એક સમય શ્રીગોપાલલાલજી વૈષ્ણવના સ્વરૂપ સંબંધી વર્ણન કરી સમજાવી રહ્યા છે કે વૈષ્ણવ શું મનુષ્ય છે ? તે વૈષ્ણવનું સ્વરૂપ સમજાવવા બીજા પણ દ્રષ્ટાંતો ગીતાજીના વિભુતિયોગમાંથી આપે છે. તેમાં પિપળો તે શું વૃક્ષ છે ? અને કામધેનું શું પશુ છે ?

પીપળો વૃક્ષ છે છતાં સામાન્ય વૃક્ષની માફક તે ફક્ત વૃક્ષ રૂપે જ નથી , બીજા વૃક્ષો કરતાં તેમાં પવિત્રતા છે. જેથી લોકો પીપળાનું પૂજન કરે છે. કામધેનું પશુ છે, છતાં બીજા પશુ કરતાં તેમાં અધિકતા છે. કામધેનું મનનું ચિતવ્યું આપે છે. જયારે બીજા પશુમાં તે ગુણ નથી. તેમ વૈષ્ણવ તે મનુષ્ય છે, પણ બીજા સામાન્ય મનુષ્ય કરતાં તેમાં શ્રેષ્ઠતા છે. વૈષ્ણવની શ્રેષ્ઠતા બાબતમાં તો તમામ શાસ્ત્ર પુરાણો તેમજ વૈદોમાં અસંખ્ય પુરાવાઓ મળી આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ શ્રીમુખથી ઉધ્ધવજીને સમજાવતા કહે છે કે ઉધ્ધવ મને લક્ષ્મીજી, બ્રહ્મા, કે વૈકુંઠ અગર મારા આત્મા સ્વરૂપ વિષ્ણુ પણ જેવો મને પ્રિય નથી, તેવા વૈષ્ણવ મને બહુ પ્રિય છે. મનુષ્ય જન્મમાં વૈષ્ણવ બનવું તે તો પ્રભુ કૃપા અને પૂર્વનાં મહાન સુકૃતિ હોય, તોજ વૈષ્ણવ બની શકાય છે. વૈષ્ણવ બનવું તે સાધારણ વાત નથી. ભગવાન પણ કહે છે કે , વૈષ્ણવની ચરણ ૨જને પ્રાપ્ત કરવા હું તેની પાછળ પાછળ જાઉં છું . ‘ અનુવૃજામ્યહ . ‘ જેમ ગાયની રજ પવિત્ર છે તેમ વૈષ્ણવના ચરણની ૨જ ત્રણલોકને શું પણ ચૌદ બ્રહ્માંડને પણ પાવન કરનારી છે. આવું અગાધ મહાત્મય વૈષ્ણવના સ્વરૂપનું છે વૈષ્ણવના સ્વરૂપને ઓળખવું મુશ્કેલ છે. આપણા મહાન ભગવદીઓએ વૈષ્ણવના સ્વરૂપનું , તેમની ચરણરજનું અગાધ મહાત્મય ધણા કીર્તનોમાં સમજાવ્યું છે.

વંદુ પદ વૈષ્ણવ તમારા શોભા શિરોમણ સબલજ સારા “ પુષ્ટિજનને પાયે લાગું , “ પુષ્ટિજનના ગ્રહીએ પાય , શ્રીજી તત્ક્ષણહોયે સહાય ” ભગવદીઓનો આવે ભાવ ચરણ નામ તણું સુખ નાવ . ”

મનુષ્ય દેહ દુર્લભ છે. તેમાંય વૈષ્ણવતા પ્રાપ્ત કરવી અતિ દુર્લભ છે. વૈષ્ણવથી પછી પરકોટિ ( શ્રેષ્ઠ કોટી ) કોઇ છે જ નહિ. જેની શ્રેષ્ઠતાનું વર્ણન જયારે આપ શ્રીમુખથી કરી રહ્યાં છે, પછી બીજા જાજા પ્રમાણો આપવાની જરૂર રહેતી નથી.

ત્યારે કાનજી ભરૂચી નામના વૈષ્ણવે, શ્રીગોપાલલાલજીને પ્રશ્ન પુછ્યો જુવો મહારાજ વૈષ્ણવને તેમે એવા પરમહંસની પદવી આપી, તેને શું શીંગડા છે ? એટલે તેઓ પરમહંસ પદને ધારણ કરનારા વૈષ્ણવ ઓળખાય કેવી રીતે એટલે તેની નીશાની શું ? તેને નિશાની કાંઇ છે. કોઇ વસ્તુને ઓળખવી હોય તો તે તેના ગુણ લક્ષણ અથવા કોઇ ચોક્કસ નિશાનીથી ઓળખી શકાય, તેમ કાનજી ભરૂચીએ પુછ્યું છે. શું નિશાનીરૂપે શીગડા છે ? જેથી તેવા પરમહંસ પદવાળા વૈષ્ણવને ઓળખી શકીએ.

ત્યારે શ્રીજીએ હસીને કહ્યું : હા શિંગડા છે, પણ તે દેખાતા નથી. હવે શીંગડા છે પણ દેખાતા નથી. એમ કહ્યું તો ઓળખવા શી રીતે ! અમુક વસ્તુ કે પદાર્થને તેના અમુક ગુણ, લક્ષણ કે અમુક નિશાની દ્વારા ઓળખી શકાય અમુક વસ્તુને ચાખીને ઓળખી શકાય જયારે અમુક પદાર્થને કોઇ બીજી નિશાની દેખાય તેવી ન હોય, તો તેને કેવી રીતે ઓળખી શકાય, જેમ કે હીરા, માણેક, મોતી, પન્ના, સોનું વિગેરે . સોનું છે એમ આપણે જાણીએ પણ કેટલું વધુ છે, તે આપણે જાણી શકીએ નહિ ‘ તે તેના અનુભવી દ્વારા જાણી શકાય. ઉપર લખેલી વસ્તુ તેના અનુભવી દ્વારા અનુભવ કરવાથી જાણી શકાય છે કે આ હિરો કેટલી કિંમતનો છે.

હીરા મુખસે ના કહે લાખ હમારા મુલ ‘પણ તેનું મુલ ઝવેરી કરી શકે કારણકે ઝવેરીને હીરાનો અનુભવ છે તે તેની ખરી કીમત શું છે તે આંકી શકે છે, કારણ તે ઝવેરી છે. તેમ શીંગડા છે, પણ દેખાતા નથી, તેનો અર્થ એવો થયો કે વૈષ્ણવના સ્વરૂપને ઓળખવા માટે પેલા પોતે સાચા વૈષ્ણવ બનવું જોઇએ તો વૈષ્ણવના સ્વરૂપને ઓળખતા વાર શી ? પણ પોતાને જ જયાં વૈષ્ણવ તરીકેનો કાંઈ અનુભવ નથી ત્યાં વૈષ્ણવ સ્વરૂપને ક્યાંથી ઓળખી શકાય.

કોઇ સાચો અનુભવી મળે અને સાચો અનુભવ થાય તો વૈષ્ણવનું સ્વરૂપ શું છે તે સમજાય, પણ અનુભવી ખોટો હોય તો સાચો અનુભવ થાય ક્યાંથી જયાં વાત કરવામાં વાણીનાં મિથ્યા અનુભવી. મળે તો સાચો અનુભવ ન થાય, પોતાને કાંઇ અનુભવ હોય નહિ અને મિથ્યા અનુભવિ તરીકે ઓળખાવે તો સત્ય પદાર્થ સમજવામાં આવે નહિ. આજે મિથ્યા અનુભવીના સંગમાં જીવ ફસાય છે, તેથી સાચુ વૈષ્ણવનું સ્વરૂપ કે લક્ષણ સમજાતા નથી, તેવા મિથ્યા અનુભવીનું જરા દૃષ્ટાંત જોઇએ.

એક ગામમાં એક પટેલ ભાભા રહે, ગામમાં ભાભાથી વધારે મોટું ઉમરમાં કોઇ નહિ. એટલે ગામના લોકો ભાભાને જુના અનુભવી તરીકે માને, અને ભાભા પણ પોતાના મનમાં અનુભવી તરીકેનું અભિમાન રાખે, કારણકે ગામમાં વૃધ્ધ ઉમરમાં ભાભા એક જ તેથી અનુભવીમાં ખપે.

એવામાં ચોમાસાની ઋતુ આવી, ને વરસાદ થયો. વરસાદ થતાં જ દેડકાંઓ જીવંત થઇ જાય. તેમાં ગામના ચોરે થોડા જુવાનિયા ભેગા થઇને વાતો કરતાં હતાં , તેવામાં ત્યાં એક મોટો દેડકો નિકળ્યો , અને જુવાનિયાની દ્રષ્ટિએ પડ્યો . એટલે તે બોલ્યો એલ્યા પાંસીયા જોતો ખરો આ પ્રાણી નીહાર્યું ? ત્યારે વહતો બોલ્યો કે “ એલા આ તો સસલું છે. ” ત્યારે બીજો બોલ્યો, એલ્યા સસલું આવું ન હોય, આતો શીયાળીયું છે. ત્યારે ત્રીજો બોલ્યો ના રે ના, શીયાળીયું આવું ન હોય, એમ સૌ સૌની રીતે બોલવા માંડ્યા, ત્યાં એક શહેરમાં રહેતો છોકરો નિકળ્યો, અને તેણે કહ્યું શું છે ભાઇ, જો ને, આ પ્રાણી ક્યું છે, તેની વાતો થાય છે, ત્યારે શહેરી છોકરાએ કહ્યું : ભાઇ આતો દેડકો છે અને અમારે શહેરમાં આવા મોટા દેડકા હોય છે. જા, જા ભાઇ તું તારે રસ્તે અમને ગામડાંવાળાને આવું ખોટું સમજાવવા શું હાલી નિકળ્યો છે . એટલે છોકરો ચુપ થઇને એક બાજુ ઉભો રહ્યો કે આમાં આપણું કામ નથી.

પાંસીએ કહ્યું એલા બોલાવોને પટેલભાભાને હમણા જેવું હશે તેવું કહી દેશે, એટલે પટેલ ભાભાને બોલાવ્યા. અને પૂછ્યુ ભાભા આ પ્રાણી ક્યું છે ? એલ્યા આમાં મને શું બોલાવ્યો. આટલું કળી ન હક્યા નાખોને સપટી દાણા ચણે તો ચકલું નહિ તો મોર તો ખરો જ, જુવાનિયા ભાભાની વાતસાંભળી બોલ્યા જોયુ ભાભાને કેવો અનુભવ તરત કળી ગયા, ને કહી દીધું માળો ભાભો ભારે અનુંભવી હો અનુભવી જાજા મળે ત્યાં સાચા અનુંભવીની વાત કોણ સાંભળે.

આજે અન્યાશ્રય જ્યાં ઘર કરીને બેઠો હોય ,ત્યાં દ્રઢઆશ્રયવાળા અનુભવીની વાત કોણ સાંભળે શ્રીગોપાલલાલજી તે જ વાતનું દૃષ્ટાંત આપીને આગળ સમજાવે છે કે તેવા વૈષ્ણવને હા શીગડા છે પણ દેખાતા નથી કારણ કે અનુભવી વગર માર્ગનું સાચું રહસ્ય ક્યાંથી સમજાય.

ત્યારે શ્રીજીએ તેવા વૈષ્ણવને ઓળખવા માટે તેના લક્ષણો બતાવ્યા. જે સ્વઘર્મી વૈષ્ણવ છે તે તો દુ :સંગ, માયા મોહાદિ બધા દોષોને પોતાના દ્રઢ આશયથી દુર કરે છે. તેજ તેના શીંગડા છે, માયા, મોહનો નાશ કરવો તે તો શીગડા વિના કેમ થઈ શકે ?

સાચા વૈષ્ણવના લક્ષણ બતાવતા શ્રીજી પોતે શ્રીમુખથી કહે છે જે સ્વધર્મી વેષ્ણવ છે, જે પોતાના ધર્મનું યથાર્થપણે પાલન કરે છે, તે સ્વઘર્મી છે. જેને પોતના ધર્મ પ્રત્યે ખૂબ જ માન છે, વિશ્વાસ છે , પ્રભુની આજ્ઞાનું હાર્દ સમજીને તેનું બરાબર જે પાલન કરે છે, તેવા સ્વધર્મી વૈષ્ણવ દુઃસંગથી સદાને માટે દુર રહે છે, હવે દુઃસંગ માટે તો ખૂબ જ લખાય પણ ટુંકમાં તેનો સાચો અર્થ સમજીએ .

દુઃસંગ વિષે તો કાંઇ કેવા જેવું જ નથી, દુ :સંગ જેને લાગ્યો , તેનું પતન થયું છે , દુ :સંગ ભલભલાને પાડી દીધા છે તેના દૃષ્ટાંતો પણ ઘણા શાસ્ત્રોમાંથી મળી આવે છે . દુ સંગ એટલો બધો ખરાબ છે કે તેની પકડમાં જે કોઇ આવ્યો તેનું અધ:પતન થયા વગર રહે નહિ, દુઃસંગની પકડમાંથી છૂટવું મુશ્કેલ છે. તે એટલો બધો સરળ છે કે મનુષ્યને લાગી જતાં વાર નથી લાગતી. અને મનુષ્યને પોતાને દુઃસંગ લાગ્યો છે તેની ખબર પણ જલદી પડવા દેતો નથી, માટે શ્રીજીએ પ્રથમ દુ:સંગને મુક્યો, કારણ કે દુ : એટલે બે, પછી સંગ એટલે બે પણાનો સંગે, બે પણુ પ્રથમ મનમાં થાય છે અને તે દુ:સંગે ડગાવી દે છે . પછી મનમાં ખોટા સંકલ્પો થવા લાગે છે, એટલે મનને તે સ્થિર થવા દેતો નથી , દુ : . એટલે બે પણુ થાય, એટલે આ સાચુ કે તે સાચુની ભ્રમણા મનમાં ઉત્પન થાય. પ્રથમ તો સ્વધર્મી વૈષ્ણવે તે ખાસ ધ્યાનમાં રાખવા જેવું, કે પરધર્મીનો સંગ થયો કે દુ:સંગને મનમાં સ્થાન લેતા વાર નથી લાગતી. શ્રીજી એ મુખ્ય સ્વધર્મી વૈષ્ણવ એમ શબ્દ વાપર્યો છે , તે પરધર્મનું જોવા જાય એટલે મનમાં લોમ વિલોમ થાય, કારણ કે પોતાનું મન દ્રઢ નથી, તેથી બીજાનું જોવા જાય છે. અને દુ:સંગ થતાં પોતાનું ભુલી બીજા નું અનુકરણ કરવા લાગી જાય છે. માટે સ્વધર્મી વૈષ્ણવેતો પોતાના દ્રઢ આશ્રયથી દુઃસગ માયા મોહાદિનો નાશ કરી નાખ્યો છે. તે તેના શીંગડા કહ્યા, તેથી તેને દુ:સંગ કે માયા મોહાદિ દોષો બાધ કરતા નથી, જો દ્રઢ આશ્રય ન હોય તો ઉપરના દોષો બાધ કરે. માટે શ્રીજીએ કહ્યું કે, તેવા સ્વધર્મી વૈષ્ણવને શીંગડા છે, તે શીંગડા એટલે લક્ષન તે ક્યા ? તો એક દ્રઢ આશ્રય, તેમાંથી જરાય ચલાયમાન થાય નહિ. કારણ કે તેણે દુ:સંગનો નાશ કર્યો છે, તેથી માયા મોહાદિ તો પાંગળા બની જાય છે. દુઃસંગ થાય તો માયા મોહાદિ જોર કરે, પણ જયાં દ્રઢ આશ્રય છે, ત્યાં કોઇ પણ દુઃસંગ જેવા દોષ ટકી શકતા નથી, કારણ કે માયા મોહાદિનો નાશ કરવા તે શીંગડા વિના થઇ શકે ખરો ! તે દ્રઢ આશ્રય તેજ શીંગડા અને મનનો ઘર્મ તો કલ્પના કરવાનો છે જ અને તે કેવી કલ્પના કરે છે. જે ત્રણે કાળમાં કોઇ વસ્તુ કે પદાર્થ ન હોય. જે કોઈ દિવસ બનવું અસંભવ જ હોય, તેવી કલ્પના કરે છે. તે શું સત્ય છે. જીવ એટલું નથી સમજતો કે જેને માટે તે કલ્પના કરી રહ્યો છે તે દેહ જ અનીત્ય છે. છતાં કલ્પનાના ઘોડાને દોડાવે છે. તે થાકી જાય છે, પાછા વળે છે, છતાં ફરીને પાછા દોડાવે છે. છતાં કોઇ કલ્પના પાર પડતી નથી. ત્યારે જીવ પોતાનું ધાર્યું કરવા અનેક ભ્રમણામાં પડીને ભગવદ આશ્રય છોડી દે છે. તેથી તેને દુઃસંગ લાગે છે અને દુઃસંગ થતાં માયા એટલે મમતા મારૂ એવું જ્ઞાન ઉત્પન થાય છે. ને તેને કારણે માયાનો પુત્ર મોહ તરત પ્રગટ થાય છે તે મોહમાં ને મોહમાં ફસાયને પોતાનું સર્વસ્વ ખોઇ નાખે છે. ભગવદ આશ્રયનું બળ છુટી જતાં પોતાની બુદ્ધિ બળ અને શક્તિનું અભિમાન ધરાવે છે. તેથી અનેક પ્રકારની યાતનાનો ભોગ જીવ બને છે. એક ભગવદ આશ્રયનું જો બળ હોય તે મિથ્યા કલ્પના દ્વારા ગમે તેટલા મનોરથ ઇચ્છા મનમાં કરે પણ તે સિદ્ધ થવા અથવા ન થવા તે જીવના હાથની વાત નથી. કારણકે પોતાનું અદ્રષ્ટ એટલે કે પ્રારબ્ધ કર્મ કેવું છે તે પોતાને ખબર નથી. અને પ્રારબ્ધ કર્મનું ફળ શું આપવું તે તો પ્રભુના હાથની વાત છે. માટે જીવનો મનોરથ ગમે તેવો હોય પણ તે સિદ્ધ થવો તે તેના પરબ્ધ કર્મના આધારે છે. પણ દૈવી જીવ છે તે તો કોઇ પણ પ્રકારની ભૌતિક કામના, ઇચ્છા કે વાસના રાખતો જ નથી. જે કાંઇ થાય છે, બને છે તેમાં ભગવત ઇચ્છાને જ પ્રાધાન્ય માને છે . વળી કદાચ દૈવી જીવ કોઇ મનોરથ મનમાં ધારે તો તેને તે અવશ્ય પ્રાપ્ત થાય છે, કારણ કે તેને ભગવદ દ્રઢ આશ્રયનું બળ છે. એવા દાખલા આપણા ગુણમાલની અંદર અસંખ્ય મળી આવે છે.

પરંતું જેણે ભગવત સાથે સ્નેહ બાંધેલો છે અને જેને પ્રભુનો દૃઢ આશ્રય છે, તેવા દૈવી જીવો પ્રભુના ભક્તો કોઇ દિવસ પોતાના સ્વધર્મથી ભ્રષ્ટ થતા નથી, તેઓ સદા જ પ્રભુથી રક્ષાયેલા છે. તેથી નિર્ભય છે. અને કાળના મસ્તક ઉપર પગ મુકીને પરમધામને પ્રાપ્ત કરે છે આ વચનામૃતમાં વૈષ્ણવનું શું સ્વરૂપ છે, તે વાત અને વૈષણવ એક દ્રઢ આશ્રયવાળા હોવાથી દુઃસંગ અને માયા મોહાદિનો નાશ કરી પ્રભુના પરમ પદને પામે છે એ વાત મુખ્ય સમજાવવામાં આવી છે. વૈષ્ણવના સ્વરૂપનું મહત્ત્વ કેટલું છે તેના ઉપરની એક શ્રી ગોકુલનાથજીના સેવકની વાર્તા વિચારીએ.

એક ગામમાં એક વાણિયો રહે. તેને એક પુત્ર હતો. શ્રી ગોકુલનાથજીનો સેવક થઇ વૈષ્ણવ થયો હતો. તે જયારથી વૈષ્ણવ થયો ત્યારથી જયાં ભગવદ વાર્તા નિત્ય થતી ત્યાં રોજ રાત્રે ભગવદ વાર્તા સાંભળવા માટે જાય, એક દિવસ પણ ભગવદ વાર્તા સાંભળવાની ચુકે નહિ. તેમ કરતાં એક દિવસ તે વાણીયાનો દિકરો માંદો પડ્યો અને તેની દેહ છૂટી ગઇ. ત્યારે તેનો અગ્નિસંસ્કાર એક નદીના કિનારે એક વૃક્ષ નીચે કર્યો તે વૃક્ષ ઉપર બે પ્રેત રહે. તેમાં એક પ્રેત પોતાની વાસનાને લીધે બહાર ભટકવા ગયો હતો અને એક વૃક્ષ ઉપર બેઠો હતો. તે વૃક્ષ ઉપર બેઠેલા પ્રેતને આ વૈષ્ણવની દેહનો અગ્નિ સંસ્કાર કર્યો છે, તેનો ધુમાડો તે પ્રેતને લાગ્યો એટલે તે પ્રેત યોનીમાંથી છૂટી ગયો, અને તેનો મોક્ષ થઈ ગયો. જયારે બીજો પ્રેત બહારથી આવ્યો ત્યારે તેણે પેલા પ્રેતને જોયો નહિ, તેથી તેણે વિચાર્યું ‘ કે આનો તો મોક્ષ થઈ ગયો છે. તેવું તેણે જાણ્યું એટલે તે વિચાર કરવા લાગ્યો કે, હજુ અગ્નિ સાવ ઠરી નથી ગયો અને આમાં જો આ લાકડાં ને છાણાં કોઇ નાખે તો તેના ધુમાડાથી મારો પણ મોક્ષ થઇ જાય, તેમ વિચારીને તે પ્રેત વૃક્ષની નિચે આવીને ઉભો રહ્યો.

એટલામાં એક બ્રાહ્મણ કાશીની યાત્રાએ જવા નિકળ્યો હતો, તે ત્યાંથી નિકળ્યો અને સુંદર નદીનો કિનારો જોઇને તેના મનમાં થયું કે અહિયા સ્નાન સંધ્યા કરીને પછી આગળ ચાલુ. તેમ વિચારીને તે બ્રાહ્મણે પોતાનો ખડિયો ખંભેથી નિચે મુક્યો અને સ્નાન કરવા માટે કપડા ઉતારવા લાગ્યો તેવો પેલો પ્રેત તે બ્રાહ્મણ પાસે આવ્યો અને કહ્યું કે ભાઇ તમે મારું એક કામ કરશો. અને તમે બીવો નહિ, તો એક વાત કરું. ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે અમારે બ્રાહ્મણને વળી ભય શાનો. ત્યારે પ્રેતે કહ્યું કે આ જે અગ્નિ છે, તેમાં આ લાકડાને છાણાં પડ્યા છે , તે તેમાં નાખો. અને તેનો ધુમાડો મને લાગશે એટલે મારી પ્રેત યોનીમાંથી મુક્તિ થશે. તે વાત સાંભળીને બ્રાહ્મણ આશ્ચર્ય પામ્યો, અને પ્રેતને સઘળી વાત પુછી ત્યારે પ્રેતે કહ્યું કે આ ગામમાં આજે એક વાણિયાનો છોકરો હતો. તેની દેહ છૂટી તેનો અગ્નિસંસ્કાર અહિંયા કર્યો છે. તેથી આ વૃક્ષ પર અમે બે પ્રેત હતા, તેમાંથી એક પ્રેત તે સમયે આ વૃક્ષ ઉપર બેઠો હતો. તેથી તેનો ધુમાડો તેને લાગ્યો. અને તેનો મોક્ષ થઇ ગયો. અને હું બહાર ગયો હતો. જયારે હું બહારથી આવ્યો ત્યારે પેલા પ્રેતને મેં જોયો નહિ અને મને માલમ પડ્યું કે આના ધુમાડાથી આનો મોક્ષ થઇ ગયો છે. માટે તમે આમાં લાકડા છાણાં નાખો અને તેનો ધુમાડો મને લાગે, તો મારો પણ મોક્ષ પ્રેત યોનીમાંથી થાય,ત્યારે બ્રાહ્મણે વિચાર્યું કે લાવને જોવ તો ખરો વાત શું છે. ત્યારે પેલા બ્રાહ્મણે ત્યાં પડેલા છાંણાં તે અગ્નિમાં નાખ્યા અને પેલો પ્રેત વૃક્ષ ઉપર બેઠો અને તેને ધુમાડો લાગતાં તે પ્રેત યોનીમાંથી છૂટીને દિવ્ય દેહ ધારણ કરી આકાશ માર્ગે ચાલ્યો ગયો. આ બધું દ્રશ્ય પેલા બ્રાહ્મણે નજરે જોયું. ને મનમાં વિચારવા લાગ્યો કે કાશીની યાત્રા કરીને ત્યાં દેહ પાડવાથી મોક્ષ મળશે, તેની શું ખબર, પણ આ વાતની સાચી તપાસ કરીને હું પણ તે ધર્મનું પાલન કરું તો મારો પણ ઉધ્ધાર થાય. જેના ધુમાડાથી પ્રેત યોનીમાં રહેલા જીવો મુક્તિ પામ્યા. તો તેવા ધર્મનું પાલન કરનારને તે અધિક ફળ મળે તેમાં શું નવાઇ. આમ વિચારીને બ્રાહ્મણ સ્નાન સંધ્યા પતાવી ગામમાં ગયો. તપાસ કરતાં એક વાણિયાનો છોકરો ગુજરી ગયો છે, તેમ માલમ પડ્યું. તેથી તે બ્રાહ્મણ તે વાણિયાના ઘરે ગયો. અને સઘળી બનેલી હકીકતની વાત વાણિયાને કહી. અને તેને પુછયુ કે તે ક્યો ધર્મ પાળતો હતો, ત્યારે વાણિયાએ કહ્યું કે ગોકુળના ગુંસાઇ શ્રીગોકુલનાથજીનો તે સેવક થઇ વૈષ્ણવ થયો હતો. અને નિત્ય ભગવદ મંડળીમાં ભગવદ વાર્તા સાંભળવા જતો, એટલી મને ખબર છે. બીજું હું જાજુ જાણતો નથી . તેથી તે બ્રાહ્મણે કાશી જવાનો વિચાર માંડીવાળી ને ગોકુલ ગયો. અને ગોકુલ જઇને શ્રીગોકુલનાથજીને બનેલી હકિકતની સર્વ વાત કરી. ત્યારે ગોકુલનાથજીએ તેની સરાહના કરતાં કહ્યું કે તે વૈષ્ણવ એવો જ હતો. તે નિત્ય ભગવદ મંડળીમાં ભગવદ વાર્તા સાંભળવા જતો તેથી તેના હૃદયમાં પ્રભુ બિરાજતા અને તેથી તેની દેહ શુદ્ધ થઈ હતી. ભગવદવાર્તા સાંભળવાનું એવું પ્રતાપબળ છે. તે વૈષ્ણવ થયો, તેથી તેની ઉપર ભગવદ કૃપા થઇ. માટે વૈષ્ણવની દેહ ઉત્તમ છે. તેવું વૈષ્ણવ સંબંધી વૃતાંત સાંભળીને તે બ્રાહ્મણ ગોકુલનાથજીનો સેવક થઇ ગયો. વૈષ્ણવની દેહ પ્રાકૃત નથી, અલૌકિક છે. તે ઉપરની વાર્તામાં વૈષ્ણવનાં સ્વરૂપનાં સિદ્ધાંતને સમજાવે છે કે વૈષ્ણવ સ્વરૂપનું કેટલું મહાત્મય છે , ધન્ય છે જેની દેહ વૈષ્ણવની છે .

|| ઇતિ બાવીસમા વચનામૃત ભાવાર્થ સંપૂર્ણ ||

(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)

લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here