સંવત : ૧૭૧૯
સ્થળ : જૂનાગઢ
પ્રવાહી, મર્યાદા અને પુષ્ટિ જીવોનું સ્વરૂપ.
|| શ્રી ગોપાલો જયતે ||
એક સમયને વિષે આપશ્રી ગાદિતકીયા ઉપર બિરાજી રહ્યા છે. અને સેવા ફલશ્રુતિ કહીને – વચનામૃત કરે છે. જીવનું સ્વરૂપ સમજાવ્યું.
ત્યારે દ્વારકાદાસ દેસાઈએ વિનતી કરી પૂછયું. રાજ ! જીવનું સ્વરૂપ શું? અને દોષ શુ? એ કૃપા કરીને સમજાવો?
ત્યારે શ્રીજી શ્રીમુખથી સર્વે પ્રમાણ દઈ સિદ્ધ કરીને કહેવા લાગ્યા. જે જીવનું સ્વરૂપ આત્મભાવથી એક છે. પણ સૃષ્ટિની ઉત્પત્તિ પ્રકાર ન્યારો-ન્યારો છે. અને જયારે પંચમહાભૂતમાં પ્રવેશ થયા. ત્યારે સ્વરૂપ, લક્ષણ, ગુણ, કાર્ય, સ્વભાવ અને જ્ઞાન એ સર્વે ન્યારા ન્યારા થઈ જાય છે. તેથી અમારા પુષ્ટીમાર્ગમાં દાદાજી મહાપ્રભુજીને તેનો સર્વ પ્રકાર બતાવી દીધો છે. અને ભગવત ગીતા, અને ભાગવતજી ભગવતશાસ્ત્ર આ સિવાય બીજું કોઈ એવું ભગવત ધર્મશાસ્ત્ર નથી, જેથી તેનું પ્રમાણ આપી શકાય. તેથી મહાપ્રભુજી દાદાજીને પુષ્ટિજીવનું સ્વરૂપ લક્ષણ, ગુણ, કાર્ય, સર્વ બતાવ્યું છે. જો પુષ્ટિ, શુદ્ધ પુષ્ટિ પુષ્ટિ પુષ્ટિ, મર્યાદાપુષ્ટિ પ્રવાહપુષ્ટિ અને ગીતામાં તેના દૈવી અને આસુરી એમ બે પ્રકાર બતાવ્યા છે. તેવું જીવનું સ્વરૂપ છે. તેમ જીવનું સ્વરૂપ બદલાતું નથી પણ સ્વભાવ બદલાય છે. તેથી જીવને સ્વભાવથી દુષ્ટ કહ્યો છે. સ્વરૂપથી નહિ.
પણ જે જીવની ઉત્પત્તિ જેવી છે. તેવો સ્વભાવ, ગુણ, કર્મ, લક્ષણ, દીસે છે. જો મનથી ઉત્પન્ન થયા તે પ્રવાહી છે. વાણીથી પ્રગટ થયા તે મર્યાદા છે. અને શ્રી અંગમાંથી પ્રગટ થયા તે પુષ્ટિ છે. તેથી પુષ્ટિ, મર્યાદા, પ્રવાહી એ સામાન્ય ભેદ છે. પણ જેમાં જેટલો શુદ્ધ ભાવ અને લક્ષણ, આચરણ તેનું તેટલું સ્વરૂપ બદલાય જાય છે. જે આગળ કહ્યું તેમ.
ત્યારે કહ્યું જે પ્રવાહી છે તે તો સંસારમાં આસક્ત છે. જેમ પ્રવાહ ચાલ્યો જાય તેમ જન્મ-મરણના કષ્ટને ભોગવ્યા કરે છે. પણ કોઈ વિષયની કામના – વાસના છુટે નહિ. વિષયમાં લુબ્ધાઈ રહે. તેથી પોતાનું કલ્યાણ ઈચ્છે નહિ. અને દૂર ગતિને પામે. અને મર્યાદા જીવ છે. તે પોતાના કલ્યાણની ઈચ્છા રાખે છે. અને ઘણા પ્રકારના સાધન માર્ગમાં રહે છે. રાત-દિનજપ-તપ, દાન-પુણ્ય, કર્મ, તીર્થ, એવા કર્મ કરવામાં રહે, કાંઈ ભગવત સ્વરૂપને જાણે નહિ. તે મોક્ષના ફલને ઈચ્છે છે. કોઈ લોકની ઈચ્છા હોય છે. જો હું સ્વર્ગમાં જાવું. એવી વિવિધ ચેષ્ટા કરે છે. પણ તેને ભગવત ભક્તિ પ્રાપ્ત થતી નથી. અને મર્યાદાપુષ્ટિ જીવ છે. તે મર્યાદાભક્તિને પામે છે. કામના કરીને રહે છે. મારો ઉદ્ધાર હોય. મોક્ષ હોય અને ભગવાનને પોતાની બધી કામના પૂર્ણ કરવા માટે કાર્યને માટે પરિશ્રમ આપે. તે તો મર્યાદા જીવ પોતાના સુખને ઈચ્છે. પ્રભુના સ્વરૂપનો પ્રભુના સુખનો વિચાર તેને નથી આવતો. તે મર્યાદા જીવ છે. મર્યાદા ભક્તિમાં પણ ઉત્તમ જ્ઞાની ભક્ત છે.
અને જે પુષ્ટિજીવ છે. તે તો કોઈની બરાબરીમા નથી. તેનું સ્વરૂપ, લક્ષણ, ગુણ, કર્મ, સર્વ ન્યારા છે. (જુદા પ્રકારનું છે). ભગવદ્ સદશ છે. (ભગવરૂપ) શ્રી ઠાકોરજીના શ્રી અંગની સૃષ્ટિનો જીવ છે તેને શ્રીજીએ પોતાની સેવા માટે પ્રગટ કર્યો છે. તેથી તેને બીજુ કોઈ કર્મ વેદ, પુરાણ, શાસ્ત્રમાં કહ્યું છે, તે તેને કરવાનું નથી. તે તો પોતાના સ્વામી એવા શ્રી ઠાકોરજીના સુખને વિચારે છે. સર્વ સાધનભાવ પોતાના પ્રભુમાં જ દેખે છે. અને તેનું સાધન પણ સેવા. અને ફલ પણ ભગવદ્ સેવા જ છે. તેનું લક્ષણ જો પોતાના પ્રભુ વિના કોઈ વાતને જાણે નહિ. માને નહિ. સુને નહિ. ભગવદ સ્વરૂપમાં અને તેની લીલામાં તેના યશ ગુણગાનમાં તેનું ચિત્ત લાગ્યું રહે. અને નિઃસાધન થઈ ને રહે. પોતાના પ્રભુનો આશ્રય, વિશ્વાસ, પ્રેમ, સ્નેહ તે ક્યારેય છાંડે નહિ. દાસપણાથી સદૈવ વર્તે. નિજ ઈચ્છા કરીને રહે. તેને કોઈ કર્મ બાધા કરી શકે નહિ. સમરપણના ભાવને નિત્ય વિચારે. ભગવદીનો સંગ ઈચ્છે. તેમાં મન લગાવે. પોતાના સ્વપ્રભુ સ્વધર્મથી વિશેષ કોઈને જાણે નહિ. જો સદૈવ ભગવદ્ કૃપાની અપેક્ષા (ઈચ્છા) રાખીને રહે. તે પુષ્ટિ જીવ કહેવાય.
અને જેમ ભાવ-ભાવના અધિક વધે. તેમ શુદ્ધ પુષ્ટિ, પુષ્ટિ પુષ્ટિના અધિકારને પ્રાપ્ત કરે. તેમાં સંશય નથી. પણ પુષ્ટિ જીવ પુષ્ટિ જ રહેશે. તે તો નિજ ગોલોક ધામની લીલા રમણનો જીવ છે. તેને જ ઈચ્છે છે. સર્વ પુષ્ટિના ગુણ, ધર્મ, સ્વભાવ, કાર્ય, તેમાં પ્રગટ દીસે છે. અને સર્વોપરિ લક્ષણ તેનું નિઃસાધનતાનું છે. અને પોતાના પ્રભુમાં જ પ્રેમ, આસક્તિ અને વ્યસન હોય છે. બીજું કાંઈ પણ જાણે નહિ. તે પુષ્ટિ પુષ્ટિ અને શુદ્ધ પુષ્ટિ જીવ પ્રગટ સ્વરૂપને જ જાણે છે. તેની સેવાટેલમાં લાગ્યો રહે છે. તેને બીજું કાંઈ રૂચતું જ નથી. તે શુદ્ધ પુષ્ટિ. તમે બધા શ્રીયમુનાજીના જુથના પુષ્ટિ પુષ્ટિ અને શુદ્ધ પુષ્ટિજીવ છો. તેથી શ્રીયમુનાજીના સ્વરૂપમાં તમને એટલો ભર છે. તે અન્નાજીએ બતાવ્યું છે. તે પ્રકાર સર્વ તમો જાણો છો તેથી કૃતાર્થ છો, અને પુષ્ટીપણાને પામ્યા છો.
|| ઈતિ શ્રીગોપેન્દ્રજીનું વચનામૃત ૨૦મું સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને પ્રદીપ ભાઈ ગોહેલ(જામનગર) ના જય ગોપાલ ||