|| પ્રભુશ્રી ગોપાલલાલજી ના વચનામૃત – ૨૦ ||

|| શ્રી ગોપાલો જયતે ||

વચનામૃત

એક સમય કાનજીભાઈ કે મનમેં એસી આઇ, જો સંગસો કલ્યાણ હે કે સત્ય માનેસો ? એસે આઈ. તબ શ્રીજી તો દયાલ હે, સો જાન્યો જો યાકે હૃદયમેં સંકલ્પ ભયો, જો પૂર્વ પ્રારબ્ધસે સત્ય ભક્તિ દેવીકો એસો તો ન આયો.

તબ સત્યભામાજીને એક આસુરી એસે નાયણકો ખવાસણ રાખી, સો ખવાસીપણો કરે હે પરી વે બહિર્મુખ હે. એસે તે શ્રીઠાકુરજી અપ્રસન્ન, સો દર્શનકું પઠવે ન દેતે. એસે ખવાસણ જાય કે વહુજીની આગે કહી .જો મોંકુ તો બેઠકમેં પેઠવે ન દેતે. એસે સુનિકે કાનજીકુ શ્રીવહુજી બોલાયકે કહી અરિ ! તેરે ઠાકુર હમારી ખવાસણસો દર્શન કૌ ન દેતે ? જો તુમ વિનતિ કીજીયો, પરિ હમારો નામ મત લીજીયો. તબ કહી જો ભલે.

ફેર શ્રીગોપાલલાલજી આપ જબ ભોજન કરકે પોઢે તબ કાનજી ચરણસેવા કરવેકુ ગીયો, તબ વિનતિ કરી જો રાજ ? હવેલીમેં એક બેઠી હે સો તો મેરે આગે નિત્ય રોવત હે જો મોકુ શ્રીજી બેઠકમેં પેઠવે ન દેતે, સો મેરો કોન અપરાધ ? તબ શ્રીજી મુસકાયકે કહી, અજી ! તુમ યા બાતમેં કહા લગો ? જો ઈનકો બેઠકમેં બોલાવેગે તબ વે ભીતર જાયગી, તબ મોકુ દુખ દીયેગી, કૌ જો વે તો બહિર્મુખ હે.

તબ યાકે મનમેં સંગસો કલ્યાણ, એસો સંદેહ નાશ ભયો. જો સત્યકું માને સો સદગતિ તબ વે ચૂપ કરી રહ્યો. તબ શ્રીજી કહી, જો તોકું યાને તો કહ્યો નાંહી હે, પરિ તોકું ભીતરસે પઠાયો,હે તબ વે ચૂપ કરી રહ્યો. તબ આપુ કહે, જો એસે કહીયો, જો મોકું તો ના કહી હૈ .

પીછે શ્રીવહુજીને બોલાયો, તબ કાનજીને કહી, જો મોકું તો શ્રીઠાકુરજીકો પુછો ન જાય. કૌ તોયું કછું બરજે (ઠપકો)હોયગે ? તુમ ઉનસો મતિ કહીયો.

તબ કાનજી કહી મહારાજ ? તુમ મહા ચતુર વે તો ચુતર શિરોમણિ યાકો આશય કેમેં સમજાય ? અરે ? કાનજી યે જીવ દૈવી ન હોયગો, તબ એસે કહી, જો બહિર્મુખકે સંગતે અપુનો દ્રઢપનો છૂટ જાય. એસે યાકું દૂર કરો. તબ વાકું દૂર કરી, કાનજીકુ કહી, ભગવત આજ્ઞા ભંગ કરે, તાતે ઓર નરક નાહિ.

|| ઇતિ વિંશતિતમ વચનામૃત સંપૂર્ણ ||

ઉપરોક્ત વચનામૃતમાં બે વાત સ્પષ્ટ સમજાય છે. એક તો સંગ કર્યા પછી સત્ય માનવાથી કલ્યાણ છે. તે પ્રસંગને સીદ્ધાંતિક રીતે સમજાવવા શ્રીગોપાલલાલજીએ પોતાનું અદભૂત લીલા ચરિત્ર દેખાડ્યું,અને અવૈશ્ણવ સાથે સંગ સર્વથા ન કરવો, તેના સંગથી પોતાનું દ્રઢપણુ છુટી જાય છે. ભગવદ આજ્ઞાનો ભંગ કરવો તે જ નરક સમાન છે. સંગ કરીને સત્ય માને તો જ કલ્યાણ થાય છે. નહિ તો નહિ. તેમ સમજાવ્યું છે. પ્રભુ અંતરયામી છે સર્વ વાત જાણે છે. તેનાથી કોઈ વાત છૂપી રહેતી નથી, તે પણ કાનદાસને સ્પષ્ટ સમજાઈ ગયું. શ્રીગોપાલલાલના અનન્ય સેવક કાનદાસના મનમાં સંગથી કલ્યાણ કે સત્ય માનવાથી કલ્યાણ ? તેવો સંદેહ થયો. ત્યારે શ્રીજી તો દયાલુ છે, અંતર્યામી છે. તેથી કાનદાસના મનમાં જે સંશય થયો તે આપ જાણી ગયા, કે કાનદાસના મનમાં આવો સંકલ્પ થયો છે. પણ તેના મનમાં એમ કેમ ન આવ્યું કે પૂર્વના સુકૃતિને લીધે દૈવી જીવને સત્ય ભક્તિની પ્રાપ્તિ થાય છે. માટે સંગથી કલ્યાણ નથી, પણ સંગ કર્યા પછી સત્ય માનવાથી કલ્યાણ છે. તે વાત સમજાવવા માટે આપશ્રીએ એક કોયડો રચ્યો.

શ્રી ગોપાલલાલજીના વહુજી સત્યભામાજીએ એક નાયણ જાતની બાઇને ખવાસણ તરીકે રાખી હતી અને તે વહુજીનું ખવાસીપણું કરતી હતી તે બહિર્મુખ હતી, એટલે તે વૈષ્ણવ ન થઇ હતી. ( માળા બંધાવી ન હતી ) તેથી શ્રીઠાકોરજી તેનાથી નારાજ હતા, અને તેને પોતાની બેઠકમાં દર્શન કરવા માટે આવવા દેતા નહિ. તે ખવાસણે તે વાત વહુજીના આગળ જઈને કહી જે મને શ્રીગુંસાઇજી બેઠકમાં આવવા દેતા નથી. તેમ સાંભળીને વહુજીએ કાનજીને બોલાવીને કહ્યું અરે ! તારા ઠાકોરજી અમારી ખવાસણને દર્શન કેમ દેતા નથી, જે તે વિનંતી કરીને પૂછી જોજે, પણ અમારું નામ ન લેતો. ત્યારે કાનદાસે કહ્યું જે ભલે. શ્રીગોપાલલાલજી જયારે ભોજન કરીને પોઢવા પધાર્યા , ત્યારે કાનદાસ ચરણ સેવા કરવા ગયો. ત્યારે વિનંતી કરીને પુછયું જે રાજ ? હવેલીમાં એક બાઇ બેઠી છે. તે તો રોજ મારી આગળ રોવે છે. અને કહે છે કે શ્રીજી મને બેઠકમાં આવવા દેતા નથી. તો મારો શું અપરાધ છે .

ત્યારે શ્રીજીએ હસીને કહ્યું અરે ! તું એ વાતમાં કેમ લાગ્યો છે ? જો તેને બેઠકમાં આવવા દેશું તો તે ભીતર પણ જશે. અને મને દુઃખ દેશે. કારણ કે તે તો વૈષ્ણવ નથી, બહિર્મુખ છે. તેવી વાત સાંભળીને કાનદાસના મનમાં સંગથી કલ્યાણ થાય છે એમ જે સંદેહ હતો , તે નાશ થયો. અને સત્ય માનવાથી જ સદગતિ છે, એમ સમજીને કાનદાસ ચૂપ થઈ રહ્યા.

ત્યારે શ્રીજીએ કહ્યું, જે તને તેણે તો કહ્યું નથી, પણ તને ભીતરથી કહ્યું છે. તે વાત સાંભળી કાનદાસ સાવ મુંગા થઈ ગયા, ત્યારે શ્રીજીએ કહ્યું જો તું એમ કહેજે, જે , મને તો ના કહી છે .

પછી વહુજીએ કાનદાસને બોલાવીને પુછ્યું, ત્યારે કાનદાસે કહ્યું જે મારાથી શ્રી ઠાકોરજીને પુછ્યું જાય તેમ નથી. ત્યારે વહુજીએ કહ્યું , તેને ખીજયા લાગે છે ? અને હું તેમને કહીશ નહિ, તેમ કહ્યું લાગે છે . ત્યારે કાનજીએ કહ્યું જે મહારાજ ; તમે મહા ચતુર છો અને તે તો ચતુર શીરોમણી છે. આપનો આ કોયડો મારાથી સમજી શકાય તેમ નથી.

અરે ! કાનજી તે તો દૈવી જીવ નહિ હોય, તેમ કહ્યું , જે બહિર્મુખના સંગથી આપણું દ્રઢપણું છૂટી જાય, માટે તેને દુર કરો એમ કહ્યું છે, ત્યારે તે ખવાસણને રજા આપી દીધી . અને કાનજીને કહયું જે ભગવત આજ્ઞાનો ભંગ કરે, તેનું ઉલ્લંઘન કરે, તેની સમાન બીજું એકેય નરક નથી.

ઉપરોક્ત વચનામૃતમાં ખાસ મહત્વની વાત એ સમજવાની છે કે માત્ર સંગ કરવાથી કલ્યાણ નથી સંગ કર્યા પછી સત્ય માને અને સત્ય સમજાય તોજ કલ્યાણ થાય. કારણ કે વહુજીની પાસે જે ખવાસણ રહેતી હતી તેથી થોડું તેનું કલ્યાણ થઇ જાય. પણ જો તેને સમજાય કે, આ તો સાક્ષાત પુરણ પુરૂષોત્તમ છે. તેની મને સેવા ટહેલ મળી છે, એમ જો સમજીને કરે અને હું તેને શરણે જાઉ તો મારૂં કલ્યાણ થઇ જશે એવું તો તે ખવાસણના મનમાં હતું નહિ, કારણ તે દૈવી જીવ પુર્વનો હતો નહિ. આથી એ પણ નકકી થયુ કે પુર્વનો દૈવી જીવ ખાતાનો હોય તો તેને સત્ય ભક્તિની પ્રાપ્તિ થાય છે.

સત્સંગ શબ્દમાં જ પ્રથમ સત્ય અને પછી સંગ છે. સંગ કર્યા પહેલા જ સત્ય કરીને માનવાની તૈયારી હોય તો જ સંગનું ફળ મળે. દુધને દુધ જાણવાથી કે, દુધથી નહાવાથી શરીરમાં પુષ્ટિ કે શક્તિ આવતાં નથી, પણ દુધને તેના સત્ય સ્વરૂપમાં સમજીને તેનો ઉપયોગ યથાર્થ કરવામાં આવે તો તે શક્તિ આપે છે. તેમ સંગ કર્યા પછી જીવને એટલું મનમાં જરૂર થવું જોઇએ કે, મેં કોનો સંગ કર્યો છે ? શા માટે કર્યો છે, અને તેના સંગમાં રહીને મારું જરૂર કલ્યાણ અને સદ્ગતિ થશે. તેવું સત્ય અન દ્રઢ માને તો સંગથી કલ્યાણ થાય. બાકી તો હાલ તો જયાં બહિર્મુખનો સંગ કે, બહિર્મુખતાના વિચારો મનમાં ઉદભવે ત્યાં આસુરી બુદ્ધિનો પ્રવેશ થાય. આસુરી બુદ્ધિને ખવાસણ તરીકે આપણે રાખી હોય ત્યાં શ્રી ઠાકોરજી તેને પોતાના નામ સ્મરણ રૂપી બેઠકમાં ક્યાંથી પ્રવેશ કરવા દે ? કે તેને સત્ય કયાંથી સમજાય , સત્ય સમજાયા સિવાય કે, સત્ય કરીને માન્યા સિવાય ભગવદ આજ્ઞાનું પાલન થઇ શકે નહિ. ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન તેજ નરક બતાવ્યું. ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન જે જીવ કરે તે તો અસદ આચરણમાં પ્રવૃત્તિવાળો હોય. તેનું કલ્યાણ કે સદગતિ ન થાય, તે જ તેને માટે નરક છે. અને ભગવદ આજ્ઞાનું પાલન તે જ તેનું સત્ય, અને સદાચરણ તેનાથી જ તેનું કલ્યાણ અને સદગતિ થાય છે. સંગ થાય પણ જયારે જીવમાંથી અહંપદ જાય ત્યારે સત્ય સમજાય. “ પારસમણીના સ્પર્શથી કંચન થઈ તલવાર, અહંપદને ધારતા રહ્યા મારધાર આકાર ” પારસમણીના સ્પર્શથી લોઢાની તલવાર સોનાની બની, પણ તલવારપણું હતું. ત્યાં સુધી મારવાનો ગુણ તેમાંથી ન ગયો. સત્ય સમજાણા પછી જીવમાં અહમ પદ રહેતું જ નથી. સંગ કરો તો સત્ય સમજવાને માટે, અને સત્ય સિદ્ધાંત કાનદાસને સમજાવવા માટે પ્રભુએ કૃપા કરી તેવી કૃપા આપણાં ઉપર પણ થાય, જો આ વચનામૃતનો સારગ્રહણ કરીએ તો.

|| ઇતિ વીસમા વચનામૃત ભાવાર્થ સંપૂર્ણ ||

(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)

લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||



Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *