સંવત : ૧૭૧૧
સ્થળ : સોરઠ
વિષય : પ્રભુની સત્વર પ્રાપ્તીનો ઉપાય તથા દોષ કે અપરાધ થયા હોય તેમાંથી કેમ છુટાય.
|| શ્રી ગોપાલો જયતે ||
જીવે એકવાર શ્રીજી આગળ પ્રશ્ન કર્યો. “જે રાજ? આપ કૃપા નિધાન છો. આપનું સ્વરૂપ અથાહ છે. આપનું પ્રાકટ્ય દેવી જીવોના હિત માટે થયું છે? તો રાજ જીવને આપની પ્રાપ્તિ સત્વર કેમ થાય ? તે ઉપાય કહો? તેમજ જીવથી જાણે અજાણ્યે કોઈ દોષ કે અપરાધ થયા હોય તો તે કેમ છુટે?
ત્યારે રાજ શ્રીમુખથી કહેવા લાગ્યા કે, “પુષ્ટિ માર્ગમાં મોટો પદારથ ભગવદીનો સંગ છે.
જે પુષ્ટિ ભગવદી હોય. તેનો સંગ હિતકારી છે અને જો ભગવદી વિષે સ્નેહ હોય તો પરમ કલ્યાણકારી છે. અને જો ભગવદી વિષે અમારા સ્વરૂપનો ભર ઉપજે, અને તેમાં ભગવદ્ ભાવ આવે, તેની આજ્ઞાનું હાર્દ સમજી સેવા ટહેલ કરે અને તેના સ્વરૂપનું ધ્યાન અહોનિશ રહે તો અમારી પ્રાણી વેગે થાય. તેમાં કોઈ સંદેહ નથી !
કારણ કે જેના હાથમાં મોટો પદારથ આવ્યો તો તેનું શું કહેવું? લૌકિકમાં જેની પાસે એવો કોઈ પદારથ હોય તો લોક તેને માને છે. અને તેને મોટો કરીને જાણે છે. તો લૌકિક કાર્ય થાય છે. તો આ તો અલૌકિક પદારથ ભગવદી સ્વરૂપનો જેણે પ્રાપ્ત કર્યો તો તેના ભાગ્યનું શું કહેવું?
અને ભગવદી વિષે સાક્ષાત સ્વરૂપનો રસાત્મિક ભાવ આવ્યો તો તેના સકલ દોષ તત્કાલ નિવૃત થાય. અને જન્મ જન્માંતરના દોષ ક્ષણમાં ભોગવાવીને છોડે અને એક જ જન્મમાં ભગવદ લીલાની પ્રાપ્તી થઈ જાય. જન્મ મરણનો ભય મટે. પણ ભાવ વિશુદ્ધ જોવે – એવોભાવ ભગવદી કૃપા કરે ત્યારે દાન થાય છે.
જે રાજ એવો ભાવ ક્યારે આવે? અને કેમ રહે?
ત્યારે આપે શ્રીમુખથી કહ્યું. જો ભાવ સર્વોપરિ છે. જીવ પોતાનું અભિમાન – અહંતા -મમતા છોડી દે. અને પોતાનું સર્વસ્વ સોંપી દે. દૈન્ય થઈને રહે. અલૌકિક પદારથ પ્રાપ્ત કરવામાં મન લલચાય રહે. તો ભાવ ફલ રૂપ થાય. પણ જીવને સર્વોપરિ સાચ સાચ એક વિશ્વાસ હોય, તો સર્વ કાર્ય સિદ્ધ થાય.
પુષ્ટિ માર્ગમાં રસાત્મિક ભાવ છે તે મુખ્ય છે, તેનાથી પ્રભુ શીધ્ર પ્રસન્ન થાય છે. તેથી આ માર્ગ જે છે, તે સર્વોપરિ તેને લીધે કહેવાય છે. જે આ માર્ગમાં સર્વ કાંઈ રસાત્મક છે. શ્રીઠાકોરજીની લીલા સર્વ રસિક છે. અને તેને અંતરંગ રસિક ભગવદી જાણે છે. જીવમાં શુદ્ર (હલકો) ભાવ આવ્યો, ત્યારે આસુર થયો જાણવો. એમ તાદરથી ભગવદીનું અગાધ મહાત્મય છે. તેના જુઠણની એક કણકા બરાબર કોઈ પદાર્થ બ્રહ્માંડમાં નથી. જેના માટે બ્રહ્મા મચ્છ થયા. અને એવા ભગવદીની જુઠણની આશા કરી. અને મચ્છ થયા. પણ અધિકાર વિના કેમ મળે? જો બ્રહ્માજી ભગવદીના જુઠણનો મહિમા જાણતા હતા. તેથી તેને પ્રાપ્ત કરવા માટે મચ્છ થયા. બ્રહ્માના પદને છોડ્યું. અને તુચ્છ મચ્છનું પદ લીધું. પણ અધિકાર નહિ તો કેમ મળે? પણ કોઈ કૃપાથી ભગવદી પોતાની જુઠણનો કણ લઈને આપે, ત્યારે જાણવું, જે મારો જન્મ સુફલ છે. પણ મહાત્મ્ય મનમાં આવે તો ભાવ સિદ્ધ થાય. ત્યારે ફલ પ્રાપ્ત કરે. કોટિ સાધનથી જે અપરાધ છુટે નહિ, તે ભગવદીની કૃપાથી દીન થઈને તેની પાસે જાય ને કહે, ત્યારે સર્વ અપરાધ તે દોષ સર્વ દુક્રિત નાશ થાય.
જેમ જલના સ્પર્શથી પવિત્ર થાય. તેમ ભગવદીના સંગથી પવિત્ર થાય. જે સામર્થ્ય શ્રી ઠાકોરજીમાં નથી. તે સામર્થ્ય ભગવદીને આપ્યું છે. તેથી શ્રી ઠાકોરજી ભગવદીને વશ છે, એવા ભગવદી જે સંસાર આસક્તિથી નિવૃત્ત છે. અન્ય આશ્રય, અસમર્પિત જો પુષ્ટિના અંગનું લક્ષણ છે. તે સર્વ તેનામાં છે. પણ શુદ્ધ ભાવ, અને દૈવી દષ્ટિવિના જોવામાં આવે નહિ. કારણ તે સુક્ષમ છે. તેના માટે સુક્ષમ દષ્ટિ હોય તો જોવામાં આવે. આપશ્રી વચનામૃત કરી. પોઢવા પધાર્યા.
|| ઈતિ શ્રી ગોપેન્દ્રજીનું વચનામૃત દ્વિતીય સંપૂર્ણ ||
સાર
આ વચનામૃતનો સાર બહુ જ સ્પષ્ટ છે. જીવથી જાણે અજાણ્યે દોષ, અપરાધ થાય તો કેમ છુટે તે પ્રશ્ન છે. તેમજ ભગવદ્ પ્રાપ્તિ જલ્દી કેમ થાય ?
જીવ ને જ્યાં સુધી સ્વસંપ્રદાયનું જ્ઞાન નથી. માર્ગમાં નિષ્ઠા નથી. ત્યાં સુધી જીવથી જાણ્ય કે, અજાણ્યે, દોષ, અપરાધ થવાના જ છે. તે દોષ અપરાધ ન પડે તે માટે તેની સાવધાની રહે. તેથી માર્ગની દીક્ષા પ્રાપ્ત કરવા માટે મહાનુભાવી ભગવદીનો સંગ નિત્ય પ્રતિ કરવા કહ્યું. જેથી તેના દ્વારા માર્ગનું ખરુ જ્ઞાન પ્રાપ્ત થાય, તો દોષ, અપરાધમાંથી બચી શકાય.
આજ વચનામૃતનો સાર હાકલમાં પણ જણાય આવે છે.
II તરવાની પેર એક જ કહીએ, જો મન વાત વિચારી લઈએ.
ભગવદીઓનો આવે ભાવ, ચરણ નામ તણું સુખ નાવ.
પુષ્ટિ જનના રહીએ પાય, શ્રીજી તતક્ષણ હોએ સહાય II
તેમાં બીજા પ્રશ્નનો ખુલાસો પણ આવી જાય છે. શ્રીજીની પ્રાપ્તિ જલ્દી કેમ થાય તો તેના જવાબમાં પુષ્ટિ ભગવદીનો સંગ અને તેનો આશ્રયગ્રહણ કરે તો શ્રીજીની પ્રાપ્તિ જલદી સત્વાર થાય. તતક્ષણ શબ્દ વાપર્યો છે તુરતમાં જ.
તેમજ ભગવદીની જુઠણનો મહિમા સમજાવ્યો. જુઠણ એટલે ભગવદ પ્રસાદ પેલા ભગવદીને લેવરાવીએ અને પછી જે વધે તે ભગવદીનું જુઠણ મહા પ્રસાદ કહેવાય છે. તેની બરાબરીમાં કોઈ પદાર્થ બ્રહ્માંડમાં આવી શકે તેમ નથી તે સમજાવ્યું.
પ્રભુજીની સર્વ લીલા અલૌકિક રસાત્મિક છે. તેમાં વિપરીતભાવ ન લાવવો તેમજ લૌકિક બુદ્ધિ ન કરવી.
II પુષ્ટિ જનકો પ્રબલ બલ, ભજનાનંદ ભરપુર
પ્રગટ પુષ્ટીકે પદ ગ્રહે, લોકલજ્જા ચકચૂર II
લોકલાજ અને કુલકાન છૂટે ત્યારે પુષ્ટિ ભગવદી વિષે ભર ઉત્પન્નથાય. અને તેના સંગમાં નિત્ય રહેવાથી માર્ગ નિષ્ઠા કેળવાય. આ બધુ પોતાના ઘરના સાહિત્ય અને સત્સંગ દ્વારા જ પ્રાપ્ત થાય છે. તેમાં અન્ય સાહિત્ય કાંઈ કામનું નથી. જેથી પ્રભુજીના વચનામૃતનો નિત્ય અનુભવ કરવો જેથી સ્વમાર્ગની રીત-ભાત પ્રણાલિકા હૃદયા રૂઢ થશે.
આજે દિન પ્રતિદિન સત્સંગનો અભાવ વધતો જાય છે સ્વમાર્ગના ગ્રંથોનું વાચન નથી રહ્યું. જેથી દિન પ્રતિદિન સ્વમાર્ગથી વિચલિત થતું જવાય તેમાં જરા પણ શંકાને સ્થાન નથી પરિણામે બહિમુર્ખતા વધતી જાય છે તેના કારણે સ્વમાર્ગનું આચરણ શીથીલ થઈ ગયું. અને અનેક ભ્રમણાઓ ખોટી ઘુસી ગઈ. માત્ર પોતાના ઘરના સત્સંગનો અભાવ જ જોવામાં આવે છે. તેના કારણે મિથ્યા અભિમાન જાણકારીનું વધુને વધુ વધતું જાય છે. તે અટકાવા માટે પ્રભુજીના વચનામૃત તેમજ મહાનુભાવી ભગવદીની વાણી તે જ આ બધુ અટકાવી શકે અને સાચા માર્ગે વાળી શકે તેમ છે.
(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને પ્રદીપભાઈ ગોહેલ ના જય ગોપાલ ||