સંવત :
સ્થળ : ગોકુળ
શ્રી ગોપાલલાલના ઘરમાં યમુનામાહારાણીજીનું સ્વરૂપ માહત્મય. તથા યમુનાજીની લોટીજી ભરીને સેવનમાં પધરાવવાનો પ્રકાર.
|| શ્રી ગોપાલો જયતે ||
એક સમયને વિષે આપશ્રી શ્રીઠકરાણી ઘાટ ઉપર સર્વ જુથ સહિત બિરાજી રહ્યા છે. અને સર્વ ભોગ સામગ્રી શ્રી યમુનાજીને આરોગાવી (ધરાવી) પછી સર્વને શ્રી યમુના જલનું પાન કરાવ્યું. અને શ્રી યમુનાષ્ટક ઉપર પોતે શ્રીમુખથી કાંઈક વચનામૃત કરીને સંભળાવ્યું, તે વચનામૃત લખ્યું છે.
આપશ્રીએ શ્રીમુખથી વચનામૃત પ્રગટ કર્યું. જો શ્રી યમુનાજીના મહાત્મયને સર્વલોક જાણે છે, પણ તેનું સ્વરૂપ મહાત્મય એટલું બધું ગોપ્ય છે. તેથી તેનું વર્ણન કોઈ કરી શકે નહિ. પણ શ્રી યમુનાજીએ કૃપા કરીને દર્શન દાદાજી મહાપ્રભુજીને આપ્યું. તે સ્વરૂપનું વર્ણન શ્રીદાદાજી મહાપ્રભુજીને સર્વ શ્રી યમુનાષ્ટકમાં કરી દેખાડ્યું. તે અષ્ટકનો પાઠ કરવાનું ફલ શ્રી દાદાજી મહાપ્રભુજીને તેની ફલશ્રુતિમાં કહી બતાવ્યું. જો જીવના સર્વ દુકૃિત નાશ કરીને ભગવદ્ સેવા ઉપયોગી નૂતન દેહનું દાન કરીને જીવના સ્વભાવને બદલી નાખે છે. સ્વભાવનો સર્વ દુષ્ટ દોષ જે છે તે સર્વ નષ્ટ થઈ જાય છે. અને સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરે છે. સ્વભાવને જીતી લે છે. અને જીવને સર્વ અલૌકિક સિદ્ધિનું દાન તે સમયે કરે છે. જે હર્ષપૂર્વક આનંદથી તેનો પાઠ કરે, તેના ભાગ્યનું શું કહેવું. ? જેના ઉપર શ્રી યમુનાજી કૃપા કરે, પછી તે જીવને ભગવદ્ પ્રાપ્તિમાં થતા અંતરાયને દૂર કરીને શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ જલ્દી કરાવી આપે છે.
શ્રી યમુનાજી રસરૂપ છે. રાસ રાસેશ્વરી છે. સર્વ સ્વામીનીઓમાં મુખ્ય પટરાણી, પ્રિયા, મહારાણી છે. જેનો પાદુર્ભાવ રસાત્મિક પુરૂષોત્તમના હૃદય કમલમાંથી થયો છે. તેને લીધે તેનું પ્રાકટ્ય બીજી કોઈ જગ્યાએ નથી. જે સ્થાનમાંથી ભુતલમાં પધાર્યા તે સ્થાનની ઉપમા આપી છે. એમ છે. જો ગોલોકમાંથી શ્રી સ્વામિનીજીની કાનીથી ભુતલમાં પધાર્યા. લીલા રમણ કરવાને માટે. બીજુ કોઈ પ્રયોજન નથી. બીજુ કોઈ કારણ નથી. તેથી તે સર્વતંત્ર સ્વતંત્ર પણ છે. તેનું સેવન-સમરણ સર્વ ગોપ્ય છે. ભગવદી જન જાણે છે. તેણે પ્રગટ કરીને ગાયું છે. અને ગોવિંદ સ્વામીને, આન્નાજીએ નિજ ધામમાં લઈ જઈને સ્વરૂપદાન દઈને સાક્ષાત્ દરશન કરાવ્યા. તે ગોવિંદ સ્વામીએ સર્વ વાત ગોપ્ય , અધિકારી જીવની આગળ પ્રગટ કરીને દેખાડી. અને બીજાને ગમ નથી. એટલું સ્વરૂપ ગોપ્ય શ્રી યમુનાજીનું છે. જો શ્રી યમુનાજલનું પાન કર્યું. જ્યાં સુધી આયુષ ભોગવી ત્યાં સુધી કોઈ દિવસ શ્રી યમુનાજીમાં પગ ન મૂક્યાં.
આપણા ઘરમાં શ્રી યમુનાજી શ્રી સ્વામીનીરૂપ છે તેથી તેનું સેવન મુખ્ય અન્નાજીએ બતાવ્યું છે. તમે બધા તેના જુથના સખીગુણરૂપ જીવ છો, દાસીરૂપ છો. હરિ તેની સખી લલિતા છે. બિહારી વિશાખા છે. તેથી તેણે તેનું સ્વરૂપ જાણ્યું છે. અને આપણા ઘરની સર્વ પ્રણાલિકા શ્રીયમુનાજીના ભાવ અને જુથની છે. તેથી સર્વથી જુદી દીસે છે. જો અન્નાજીએ સર્વ પ્રણાલિકા બાંધીને દેખાડી છે. તે પ્રમાણે શ્રીયમુનાજી આપણા ઘરના છે. સર્વ તેની કાનીથી રહે છે. અને દાન પામે છે.
શ્રી યમુનાજીનું, સ્વામીનીજી સ્વરૂપ સર્વ ગોપ્ય છે. કોઈ રાજાને અસંખ્ય રાણી હોય. પણ તેમાં પ્રિયાનો ભાવ ન્યારો છે. રાજા મુખ્ય રાણીને વશ ન રહે. તેનું કહ્યું ન કરે. પણ પ્રિયાનું મન મનાવવામાં લાગ્યો રહે. એમ શ્રી ઠાકોરજી મુખ્ય સ્વામિનીજીનો સંગ છોડીને શ્રી યમુનાજીના સંગમાં સદૈવ (હંમેશા) રહે છે. એક ક્ષણ પણ દૂર રહેતા નથી, એવો શ્રી યમુનાજીનો સર્વોપરી અધિકાર મુખ્ય છે. તેથી પ્રિયા કહેવાય છે. સ્વકીયભાવમાં અને પરકીય ભાવમાં મોટું અંતર છે તેથી તમે બધા પરકીય ભાવથી સ્નેહ રાખો છો. તેથી માનનીય છે. જેની ઉપર શ્રી યમુનાજીની કૃપા થઈ તેને તો સકલ સિદ્ધિ હાથ આવી ગઈ. તેનાથી કોઈ અપરાધ થઈ જાય ત્યારે શ્રી યમુનાજીનું સમરણ નિષ્કામભાવથી કરે અને ભગવદીનું સમરણ બેઉ બરાબર છે. તો તે અપરાધથી મુક્ત થઈ જાય છે. એવો શ્રી યમુનાજીનો સ્વભાવ પરમ દયાળું છે. પરમોદાર એનું ચરિત્ર છે. તેથી અદ્ભુત કહ્યું છે. જેના એક બુંદનું પાન કરવાથી યમયાતના જીવની છુટી જાય છે. પણ સમજીને પાન કરે તો અવશ્ય ફલદાયી છે. વિના સમજનું ફલ મળે. પણ મહાત્મય જાણીને કરે તો શીઘ્ર ફળ મળે તેમાં સંશય નથી.
પણ શ્રી યમુનાજીના સ્વરૂપ સંબધમાં સાવધાની બહુ જ રાખવી જરૂરની છે સર્વ સુલભ અને સુગમ છે. પણ એનો અપરાધ મોટો દંડ દેવાવાળો છે. તેથી સમજી-વિચારીને ચાલવું. આગળનું દૃષ્ટાંત જે છે તેને જોતા રહેવું. જો કીશોરીબાઈ નંદરાયજીના ઘરની લીંડી (દાસી) પૂર્વ જન્મમાં હતી. જુઠા વાસણ નંદરાયના ઘરના શ્રી યમુનાજીના જળથી માંજ્યા. તેના કરાણે અસહ્ય દંડ બીજા જન્મમાં ભોગવવો પડ્યો. પૂર્વનું સર્વ સુકૃિત-સાધન નિષ્ફલ ગયું. આ અપરાધમાંથી શ્રી યમુનાજી વિના બીજુ કોણ છોડાવે ! જ્યારે શ્રી યમુનાષ્ટકના અડધા શ્લોકનો પાઠ નિત્ય કરતી ત્યારે શ્રી યમુનાજીએ કૃપા કરી. ત્યારે અપરાધ છુટ્યો. એવા જીવની ગતિ જુવો. પેલાનું સર્વ સુકૃિત નાશ થઈ ગયું. અને પછી શ્રી યમુનાજી દ્વારા તે દોષ નિવૃત્ત થયો. ત્યારે તેની દેહી અલૌકિક થઈ. તો સાધારણ જીવની શું ગતિ? માટે સાવધાની પૂર્વક રહેવું. તો ફલ અવશ્ય મળે. પણ તેને નદીના જલ સમાન ગણીને વહેવાર કરે તો અપરાધ પડ્યા વિના રહે નહિ. તેથી આપણા ઘરમાં શ્રી યમુનાજી સર્વોપરિ માનનીય છે. તેના અપરાધથી ડરતા રહેવું. શ્રી યમુનાજીનો અપરાધ જે જીવે કર્યો. તો કોઈ પ્રાયશ્ચિતથી છુટી શકે નહિ. દંડ ભોગવે છુટે. જયારે ભગવદી કૃપા કરે, ત્યારે શ્રી યમુનાજી વિચારે, ત્યારે છુટે. તેથી શ્રી યમુનાજીના સ્વરૂપનું મહાત્મય જાણીને રહેવું. પણ અપરાધ ન પડે એવો ડર સેવામાં રાખવો. પણ સેવા છોડવી નહિ.
શ્રી યમુનાજીનું સ્વરૂપ મહાત્મય બહુજ અગાધ તે તો ષોડેશ્વરી, ષોડષ સિંગારેશ્વરી, ષોડષ ચિહ્નયુક્ત ચરણ છે. અષ્ટગુણ સંપન્ન છે. શ્રીજીથી બે ગુણ અધિક છે. જે જીવને રાસાદિક રમણની પ્રાપ્તી શીઘ કરાવે છે. તેના અંતરાયને દૂર કરે છે. બીજુ જીવનો સ્વભાવ બદલીને પોતાનો કરે છે. એવી પરમ દયાલુતા વિશેષ છે. અને સકલ અલૌકિક સિદ્ધિના દાતા છે. તે વિના એ બીજુ કોઈ ન આપી શકે. એવો એનો પ્રતાપ અને સામર્થ્ય છે. સકલ ઐશ્વર્ય તેની પાસે છે.
જેના ઘરમાં શ્રી યમુનાજી બિરાજી રહ્યા છે. અને શ્રી યમુનાજીનું સેવન અને એના નામનું સમરણ હોય તે ઘરમાં સર્વધામ રૂપ ગોલોક આવીને વસે છે. “શ્યામ સુખ ધામ જહાં નામ ઈનકે” ભગવદી જનને કીર્તનનમાં ગાયને બતાવ્યું છે. અન્ય આશ્રય છોડીને શ્રી યમુનાજીનો આશ્રય કરીને રહેવું. તે સર્વ મનોરથ પૂર્ણ કરશે. તેથી આપણા ઘરમાં અને પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજીની (જે બોલાય છે.) જે, જેકાર બોલી જાય છે – તે મહારાણી છે. મૈયા નથી. તેને મૈયા કહેવાથી પુષ્ટિ સંબંધ છુટી જાય છે. તેથી અપરાધ પડે. તેથી જેવું સ્વરૂપ છે. તેમ રહેવું. આપણા માર્ગમાં મર્યાદાભાવ શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી પ્રતિ નથી. તે તો જીવના (આપણા) સ્વામી છે. તેથી બીજા લોકના આચારને નહિ જોવા પોતાના પુષ્ટિ આચારથી (ભાવથી) રહેવું. જે પુષ્ટિભાવ અને સંબંધ સર્વથી અધિક અને ન્યારો છે. તે છોડવો નહિ. શ્રી યમુનાજીના જલથી બીજો કોઈ વહેવાર ન કરવો. શ્રીજીની ઝારી ભરી જાય. પણ તેનાથી બીજુ કોઈ કામ ન કરે. શ્રી યમુનાજલ તે માત્ર જલ નથી. શ્રીજી અને શ્રી સ્વામીનીજીના શ્રમજલ રૂપ છે. તેથી તે ભાવથી રહેવું.
જ્યાં શ્રી યમુનાજીના સ્વરૂ૫ની કોઈ નિંદા કરે તો ત્યાંથી શીઘ દૂર રહેવું. ત્યાં જવું ઉચિત નથી. નરકનો અધિકાર મળે. જે શ્રી યમુનાજી સર્વોપરિ છે. તેથી શ્રી ઠકરાણી ઘાટે પોતાનું સ્વરૂપ શ્રીમહાપ્રભુજીને પ્રગટ દેખાડ્યું એ શ્રી ઠકરાણી ઘાટે પોતાનો વિશેષ ભાવ સંબધ પ્રગટ કર્યો. તેથી આપણા ઘરમાં એ ઘાટનું મહાત્મય સર્વથી અધિક માન્યું જાય છે.
તેથી દાદાજીના ઘરની સૃષ્ટિના વૈષ્ણવ તે સંબધં અને ભાવથી જાણ્યાં જાય છે. જે શ્રી ઠકરાણી ઘાટના જુગોજુગને સંબંધી-સ્નેહી. અને આ ઘાટેથી શ્રી યમુનાજીને “જલની લોટીજી ભરે છે. શ્રી યમુના જલને પધરાવી પહેલા છાનીને ગાળીને) ભરવું. અને પોતાના મંદિરમાં શ્રીજીની આગળ પધરાવીને લોટીજી ભરે છે. અને કંતાનથી સમેટીને સાથમાં પધરાવીને લઈ જાય છે. અને શ્રીજી અને ભગવદીની કાનીથી ભરે છે. શ્રીજી અને શ્રી યમુનાજીની ભેટ કાઢીને ભરે છે. પછી પોતાના ઘરે પધરાવી પાંચસાત ભગવદી-વૈષ્ણવને બોલાવી ભલીભાંતિ ઉત્સવ-મનોરથ મનાવે : અને વાઘા-વસ્ત્ર, સિંગાર ધરાવે, ભોગે સામગ્રી સર્વ ધરે. પછી તેમાંથી સર્વ વૈષ્ણવ ભગવદીને પાન કરાવે કાંઈક ભેટ કાઢે. અને આ રીતી કરીને ભલીભાંતિ નિત્ય સેવા કરે. કાંઈક ફલકુલ, લીલા સુકામેવા અને અનસખડી-નાગરીનો ભોગ નિત્ય ધરે. સાંવકાશ હોય તો સખડી ભોગ ધરે. સાવકાશ ન હોય તો એટલી સેવા નિત્ય પોતાની સંપત બરાબર કરે. અને તેનું અધરામૃત સર્વ સખડીમાં પહેલા માનસિક ભોગ ધરીને પધરાવે. પધરાવીને લેવું. એવો ઠરાવ રાખવો. તો શ્રી યમુનાજી કૃપા કરીને દૂર-બુદ્ધિ સર્વ દૂર કરે અને અસમર્પિત પણ છુટી જાય.
શ્રી યમુનાજીનો સેવનભાવ જુગલ સ્વરૂપનો છે. નિત્ય સર્વ કાર્યમાં પહેલા તેનું સમરણ કરીને ભેટ કાઢીને સર્વ લૌકિક માંગલિક કાર્ય કરવું. તે સમરપણનો ભાવ મુખ્ય છે. આપણા માર્ગમાં ક્યાં સુધી કહીએ જા શીર શ્રી યમુનાજીની છાપ ધરી છે. તે તો મહાન ભાગ્યવંત કહેવાય છે.
ત્યારે હરિબાઈએ શ્રી યમુનાજીના ભાવ આવેશે એક પદ કરીને ગાયું, “શ્રી યમુનાજીકી છાપ મેરે શીર” અને માધવદાસ વીરડીયાએ શ્રી યમુનાજીના ષોડષ સિંગારયુક્ત સ્વરૂપનું વર્ણન કરીને ગાયું. “જે જે શ્રી યમુનાજી જતા જન્મ સુધાર્યો એવો ભાવ તેણે મહાત્મય જાણીને પ્રગટ કર્યો. ત્યારે શ્રીજી તે સાંભળી બહુ જ પ્રસન્ન થયા.
ત્યારે શ્રીજીએ શ્રીમુખથી કહ્યું જુવો એ વૈષ્ણવનો ભાવ કેવો, શ્રી યમુનાજીનો જાણવામાં -આવ્યો. સર્વના નેત્રમાં તે સાંભળતા જ જલ ભરાય આવ્યો. સર્વની દેહદશા વિકલ થઈ ગઈ. સર્વને પોતાના મનમાં શ્રી યમુનાજીના સુહાગીનો અનુભવ થયો. અને તેના જુથનો ભાવાનુભવ થયો સર્વ શ્રીજીની સરાહના કરવા લાગ્યા. પછી મંદિરે સર્વે પધાર્યા. પણ તે ભાવનું સર્વ કોઈ વારંવાર ઉચ્ચાર કરતા રહ્યા. શ્રી યમુનાજી પરમ દયાલુ છે. પોતાના જીવન માટે સદા કૃપા વિચારે છે. અને શ્રીજીનો સંબંધ શીઘ કરાવીને હર્ષિત થાય છે. (હરખાય છે) તેવું નેમ પોતાના જીવને માટે છે. પણ જીવને ગમનથી. સર્વે ભગવદી જનને ગાયું છે. પણ જેની દિવ્ય દૃષ્ટિ અને અલૌકિક ભાવ હોય તે જાણે તેમાં કાંઈ સંશય નથી
|| ઈતિ શ્રી ગોપેન્દ્રજીનું વચનામૃત ૧૯મું સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને પ્રદીપ ભાઈ ગોહેલ(જામનગર) ના જય ગોપાલ ||