સ્થળઃ ગોકુલ
અનન્યતાનું સ્વરૂપ.
|| શ્રી ગોપાલો જયતે ||
આપશ્રી ગોકુલમાં બિરાજી રહ્યા છે. ત્યારે સોરઠના સર્વે વૈષ્ણવ આપના જન્મોત્સવ ઉપર ગોકુલ આવ્યા. જેમાં બનું, વજું, કૃષ્ણદાસ, સવીરા, હરિ, જાની, કકીબાઈ, હરજી-કેશવ, અને અમદાવાદી, ગોહિલવાડી, રાઓલજી એ સર્વે પાંચસોના આશરે જુથ આવ્યું સર્વ કોઈએ શ્રીજીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને શ્રીફળ-મીશ્રી ભેટ ધરીને રાજના દર્શન કર્યો. અને આપે સર્વના કુશળ સમાચાર પૂછયાં અને હાસ્ય વિનોદ કરીને સર્વને પ્રસન્ન કર્યા. આપની લીલા સ્વરૂપ અથાહ છે. તેથી સર્વ કોઈ પોતાનું મહદ ભાગ્ય સમજવા લાગ્યા.
આપશ્રી ઉત્થાપનના સમયે બેઠકમાં બિરાજી સર્વ કોઈને દર્શન સુખદાન દીધું. ત્યારે ગોહિલવાડી વૈષ્ણવ લક્ષ્મીદાસ અને મોસરદાસે પ્રભુજી આગળ આવીને વિનતી કરી,જે રાજ, આપણા પુષ્ટિમાર્ગમાં અનન્યતાનું સ્વરૂપ શું? અને અન્ય આશરો કોને કહેવાય? તે રાજ કૃપા કરીને સમજાવો તો વારુ?
ત્યારે આપશ્રી તેના ઉપર ખુબ જ પ્રસન્ન થયા. અને હાસ્ય કરીને વચનામૃત કરીને કહ્યું.જો કોઈ વૃદ્ધા સ્ત્રી પોતાના પતિના સંબધમાં પુછે. તેવો પ્રશ્ન તમારા પૂછવાનો છે.
આ સાંભળી સર્વ જુથ હાસ્ય કરવા અને કહ્યું કે શ્રીજીને ઠીક ટોણો લગાવ્યો.
ત્યારે શ્રીજીએ પ્રસન્ન થઈને કહ્યું. જે તું તો દાદાજીનો અનન્ય નિકટવર્તી છો. તમારું મન તો દાદાજીના સ્વરૂપમાં રાતદીન લાગ્યું રહે છે. તેજ અનન્યતાનું સ્વરૂપ સમજવું. અને અન્ય આશરો છે તો તેનાથી વિરૂદ્ધ તે અન્ય આશરો છે, અને અન્ય આશરો તે તો જીવનો બગાડ કરવાવાળો છે. અને દઢ અનન્ય આશ્રય તો સર્વોપરિ પ્રેમલક્ષણા ભક્તિનું સ્વરૂપ લક્ષણ છે. જે ગોપીજનોએ ઉદ્ધવજીને બતાવી દીધો. જે ઉદ્ધવજી મથુરાથી ગોકુલ આવ્યા ભગવાનનો સંદેશો દેવા માટે. અને કાંઈક પોતાના જ્ઞાનનો ઉપદેશ દેવાની ઈચ્છાથી અને ઉપદેશની વાત કરવા લાગ્યા. પણ ઉદ્ધવજીને જ્ઞાનનો ભાર હતો ગર્વ હતો. તે થોડો હળવો કરવા માટે ભગવાને ગોપીકાઓની પાસે મોકલ્યા. ત્યારે ઉદ્ધવજીનો સંદેશો સાંભળી ગોપીઓએ કહ્યું. “ઉધ્યો, હીયમેં, જાની ન પરે, પ્રાનહૈ કે કાન હૈ” તું તારા જ્ઞાનને તારા વશમાં (પાસ) રાખી લે. અમારા કોઈ કામનું નથી. તે જ્ઞાન સર્વ અમો પેલા જાણી ચુક્યા છીએ. હવે તો અમારા હૈયામાં એવી કોઈ જગ્યા નથી. તે જ્ઞાન ત્યાં રાખીએ. અત્યારે તો “પ્રાણ ભયે કાન મઈ, કાન ભયે પ્રાણ મઈ” તે વાત તમે ઉદ્ધવજી શું સમજશો? ત્યારે ઉદ્ધવજીનો જ્ઞાનનો ભાર હળવો સર્વ થઈ ગયો. તે ગોપીજનોની વાત સાંભળતા પ્રેમવિવશ થઈ ગયા. અને તેના ચરણની ધુળ-રજ પોતાના શીર ઉપર રાખી અને કહેવા લાગ્યા. આ વ્રજમાં ગોપી પ્રેમની ધ્વજા છે. અને હું આ વ્રજમાં ગુલ્મ-લતા કેમ ન થયો ! જે એના ચરણની રજ નિત્ય મારા ઉપર લાગી રહે. એ પ્રકાર અનન્યતાનો સિદ્ધ છે. તેના પ્રસંગના ઘણા મહાનુભાવી ભગવદીઓએ કીર્તન કર્યા છે. તે સર્વ તેનું શ્રેષ્ઠ પ્રમાણ છે.
અને પોતાના પ્રભુનો આશ્રય છોડીને કોઈ લૌકિક વિષયની કામનાથી જીવ ભટકે તો તે અન્ય આશ્રય છે. અને અનન્યતાનું સ્વરૂપ, લક્ષણ તો ઘણું મોટું છે. મોટા મોટા ભગવદીઓએ તેની ખુબ-ખુબ પ્રશંશા કરી છે. જે, સર્વ જગતના વિષયની ઈચ્છા અને ચૌદ બ્રહ્માંડના વૈભવ સુખને ઈચ્છે નહિ તે અનન્યતાનું સ્વરૂપ લક્ષણ છે. નિજધામ ગોલોકની પ્રાપ્તિની ઈચ્છા સદા રાખીને રહે તે અનીન ભગવદી કહેવાય.
ત્યારે મોરારદાસે સાષ્ટાંગ દંડવત કર્યા. જે રાજ ! આપ સદેવ કૃપાવંત છો. જીવનો નીસ્તાર કરવાવાળા આપ છો. આપના શરણે આવ્યો તેને ભયે શાનો હોય. !! ત્યારે શ્રીજી પ્રસન્ન થયા.
|| ઈતિ શ્રીગોપેન્દ્રજીનું વચનામૃત ૧૮ મું સંપુર્ણ ||
(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને પ્રદીપભાઈ ગોહેલ(જામનગર)ના જય ગોપાલ ||