વચનામૃત
એક બે૨ શ્રીગોપાલલાલજી અપુની બેઠકમેં બિરાજે હે, ઓર આપ શ્રીમુખસો સબ પ્રત્યે સેવા પ્રકારકી ચર્ચા કહે હૈ. જો દાદાજીને (શ્રીમહાપ્રભુજી) તો શ્રી ભાગવત પ્રમાન પંચ પ્રકારકી સેવા લખી હે. ઘાતુ સુવર્ણરૂપકે આદિ ||૧|| પાષાણ ||ર|| પાદુકાજી ||3|| છબિ ચિત્ર લેખ્ય ||4|| વસ્ત્ર સેવ્ય ||5|| ઓર ઠોર વ્યાસજીને તો અષ્ટપ્રકાર લીખે હે ,
સો જબ શ્રીપ્રભુ સ્વહસ્ત સેવ્યસો વામે પુરૂષોત્તમ અવિભાર્વ હૈ. તાકુ તો શ્રીજી તુલ ( પૂર્ણ પુરૂષોત્તમ સરખી ) સેવા હે, ઓર સાતો મંદિરકી સેવા પ્રનાલિકા , સો તો પૃથક પૃથક હેં . જો જા ઘરકો સેવક હે,તિનકું તીન રીતીસું, કરની. જો જા ધરકો સેવક હે, તીનકું તીન ઘરકો નામ સમર્પણ ૨હેનો. શ્રીજી હેં તો ( યજ્ઞભુક્તા ) જગન ભુક્તા, પરિ જાકું સમર્પણ માલા હે, તાકે હાથસો આરોગે. તાકો નિત્ય કૃત્ય, સો તો ભાવનામેં લીખેહે. એસે સુનીકે કાનજી પ્રસન્ન હોયકે પૂછી : જો મહારાજ શ્રીઠાકુરજીકે કોન ભાવ સેવા ઓર કોન ભાવ આરોગાવીયે ? તબ શ્રીજી કહી : જો વ્યાપી વૈકુંઠકે ભાવસું તો નિજ મંદિર હેં , તામે શ્રીઠાકોરજી બિરાજે હે. સત્વન ( શ્રીઠાકોરજીની જો ઇચ્છા અનુસાર સેવા જલ્દી કરનાર ) જો અપૂનો ગ્વાલ સબ સેવા કરે હેં, ઓર જીનકું સમર્પણ ભયો, તાકે હાથ પ્રભુ આરોગે હેં . કૌ જાકું દ્રઢભાવ હેં , જો પ્રભુ મેરે અપુને, પ્રભુ વિનુ ઓર પદાર્થ નેનસુ દેખે, તામે ચિત્ત લાગે, તો ફેર ડારે .( હટાવી લીયે ) અપને પ્રભુ બિનું અન્ય નામ રસનાસુ લેવે, તામે ચિત્ત લગે તો કાટ ડારે. એસે દશ ઇન્દ્રિય સેવામે અંગીકાર કરવાયો હે , જાકે અંગ અંગ પુરૂષોત્તમકો ભાસ રહ્યો હે , સો તો સમર્પણ .
ફેર કાનજીને કહી જો મહારાજ, જીવકો સામર્થ્ય તો કહા ? આપ તો કરુણાનિધાન સકલગુણ સંપન્ન હો , ઓર જીવતો દોષનિધાન હે . આપકી કૃપા તે અનુગ્રહ હોઇ . તબ મુસકાયકે અલકાવલી લટકાયકે કહી, જો એસી તુમ નાદાની કૌ કહો ? જો અપુનો કહાયો , યાકુ કૌ છોડેંગે ? જો હમારો ભયો ઓર હમારો હોય રહ્યો , તાકુ તો કબ ન છોડે , પરિ હોવો સો ઠીક ચહીયે . ઇનકે સાધન તો બોહોત હે પરિ વામે એક મુખ્ય તો પ્રિતિ ચહીયે , ઓર વિશ્વાસ , ઓર દ્રઢતા , એક આશ્રય ન છોડનો . અત એવ અન્યાશ્રય ન કરનો , ઓર અસમર્પિત વસ્તુ ન લેની. દ્રઢતાસો અપુને પ્રભુકો પન ઓર નેમ , વૃત એક ભગવત ધર્મ , તપ ઓર તીર્થ , વૃત , દાન , સંયમ , સબ અપુને શ્રીપ્રભુમેં દેખે. ઓર કછું વાંચ્છે નાંહી. ( કોઇપણ વસ્તુની ઇચ્છા ન કરે. ) તાકે ઉપર શ્લોક પઢે :-
||”નનાકપુષ્ટં ન ચ પારમેષ્ટયં, ન સાર્વભૌમં ન રાધિપત્યમ ||
|| ન યોગ સિદ્ધિરપુનર્ભવંવા , સમજ્જસ ત્વા વિરહસ્યકાંક્ષે” ||
( હે સંપૂર્ણ સૌભાગ્યના ભંડાર , તમારો વિયોગ કરવનારા સ્વર્ગને , બ્રહ્માના સ્થાનને , ચકવર્તીપણાને , પાતાળના અધિપતિપણાને , અણિમાદિક સિદ્ધિઓને અથવા તો મોક્ષને પણ હું ઇચ્છતો નથી , અર્થાત તમારા ચરણ શરણની આકાંક્ષા કરું છું. )
અર્થ :- જો ભગવત ધર્મ કેસો ? સ્વર્ગ , મૃત્યુ , પાતાલ , દેવ , મનુજ , યક્ષ, તીનકે સુખકુ ન ઇચ્છે, યોગકી સિદ્ધિ, ઓર મોક્ષકો ન ઇચ્છે ; તીનને ચરણારવિંદકો મહાત્મય જાન્યો, તો ઓરકી ઉપાસના કૌ કરે ? એસી રીતિસો જો વર્તે તાકુ કેસે છોડે ?
ઓર કોઉ કર્મકી ગતિસે ઉત્તમ, માધ્યમ અવતાર હોય હૈ. અબ જાકો નિશ્વે આશ્રય આયો, તો સમર્પણકો ફલ પાયો. એક વૃત દ્રઢ આશ્રય વિનું સમર્પણ કહાં? અત એવ સાચ વિશ્વાસસો અપુને માર્ગમેં રેનો સો તો મુખ્ય ભાવ હે, એસેકું સમર્પણ ભયો , તાકે હાથ આરોગે. ઓર ભોગ સમર્પણ અરુ સેવા, તામે, એસે જો મોકું ચુક પડેગો, તો આરોગે નાંહી. સો ભાવપૂર્વક || યથા દેહે તથા દેવે || ઇતિ વચનાતII ( જેવી રીતે મનુષ્ય પોતાના દેહને માટે અનેક પ્રકારની સુંદર વસ્તુઓ એકઠી કરે છે અને ભોગવે છે . તે જ પ્રમાણે પ્રભુને માટે દરેક વસ્તુઓ સારામાં સારી હોવી જોઇએ . )
ઓર શ્રીઠાકુરજીકુ તાતી સામગ્રી ન આરોગાવની કૌ શ્રીઠાકુરજીકો સ્વભાવ બાલકકો હૈ, સો દેખીકે ધીરજ ન કરે વે તો ઉઠકે આરોગે. તો ઇતનો શ્રમ કૌ કરવાઇએ. એસી સુનીકે સબ વૈષ્ણવ પ્રસન્ન ભયે. જો મહારાજ ! તુમ તો જગતોદ્ધારાર્થ આપુ પ્રગટે હો, ઓર અપુને દાસકે કર્મ સંદેહ મિટાયવેકુ કથા સમાપ્તિ કરકે આપુ શ્રીચંદ્રમાજીકે દર્શનકું પધારે.
અબ કાનજીભાઇ ઉતરા પર આયકે ભગવત વચનામૃતકો ધ્યાન કરે હૈ. જો જાકે વચન સો તો શાસ્ત્ર હે, પરિ જીવકી મૂર્ખતાસો અપુને અનેક જન્મકે કર્મ તાકો આવરણ બોહોત હે, સો વિશ્વાસ ઉપજે નાહી, વારંવાર કહે હે. પરિ જો આશ્રય દ્રઢ ન હોય, તો તાકી અભાગ્ય. એસે કાનજી સબકો વૃતાંત ઉપદેશી કહે હે.
|| ઇતિ સપ્તદશ વચનામૃત સંપૂર્ણ ||
ભાવાર્થ
ઉપરોક્ત સત્તરમું વચનામૃત ખૂબ જ મહત્વનું છે. અને વારંવાર વાંચવા વિચારવા જેવું છે. જેના વાંચનથી મુખ્ય સમર્પણનો ભાવ ખાસ સમજાય તેવું છે.
શ્રીગોપાલલાલજી પોતાની બેઠકમાં બિરાજી રહ્યાં છે. અને સર્વને સેવા પ્રકારની ચર્ચા સંભળાવી રહ્યાં છે. જેમાં પુષ્ટિમાર્ગમાં બતાવેલ સેવન શ્રીમહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ તે પાંચ પ્રકારના લખ્યા નીચે મુજબના છે. ઘાતુ સુવર્ણરૂપે આદિ ||૧|| પાષાણ મણીયમ ||૨|| પાદુકાજી ||૩|| છબી ચિત્ર સેવન હસ્ત લેખિત ||૪|| વસ્ત્ર સેવા ||પ|| આ પ્રકારે પષ્ટિમાર્ગમાં પાંચ પ્રકારના સેવન છે. બીજે ઠેકાણે વ્યાસજીએ આઠ પ્રકારનો લખ્યા છે. (જે બાકીના ત્રણ પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગમાં છે. )
જે સેવન શ્રીજી પોતાના હસ્તથી સેવ્ય કરીને પઘરાવી આપે , તેમાં સાક્ષાત પૂર્ણ પુરૂષોત્તમનો અવિર્ભાવ હોય છે. તે સેવન શ્રીજીની બરાબર છે. અથવા ઠાકોરજી તુલ્ય છે. પુષ્ટિમાર્ગમાં ગમે તે સેવન ગમે તે રીતે પધરાવીને સેવા ન કરવી. તેમ ઉપરના પ્રસંગમાંથી સમજાય છે. સેવન હંમેશા પુષ્ટાવેલું હોવું જોઇએ અને તે પોતાના ઘરની મેંડ પ્રમાણે હોવું જોઇએ .
સાતે મંદિરની સેવાની મેંડ અને પ્રણાલિકા જુદી જુદી છે. તેથી જે ઘરનો સેવક હોય તેમણે તે રીતથી સેવા કરવી. અને જે ઘરનો સેવક હોય તેણે તે જ ધરનું નામ સમર્પણ લેવું. શ્રીઠાકોરજીતો યજ્ઞભોક્તા છે , પણ જેને સમર્પણ માળા છે , તેના જ હાથનું આરોગે છે.તેનું નિત્ય કર્તવ્ય ભાવ ભાવનામાં લખ્યું છે , તે પ્રમાણે સેવા કરવી. એવું સાંભળીને કાનદાસે પ્રસન્ન થઇને પ્રશ્ન પૂછ્યો. જે મહારાજ ! શ્રી ઠાકોરજીની સેવા કેવા ભાવથી કરવી અને કેવા ભાવથી આરોગાવીયે. ત્યારે શ્રીજીએ કહ્યું ગોલોક સમાનતો નિજ મંદિર છે , (જે વૈષ્ણવના ઘરમાં શ્રીઠાકોરજીની સેવા બિરાજે છે. તેટલો ભાગ ગોલોક સમાન સમજવો ) તેમાં શ્રીઠાકોરજી બિરાજે છે . તેમાં પોતાના ગ્વાલ સખા જે છે તે શ્રીઠાકોરજીની સેવા કરે છે , એવી ભાવના કરવી. અને જેને સમર્પણ થયું છે , તેના હાથથી પ્રભુ આરોગે છે.કારણ કે જેને એક દ્રઢ ભાવ છે. જે પ્રભુ મારા, પોતાના પ્રભુ સિવાય નેત્રથી બીજો પદાર્થ જોવે અને તેમાં તે ચિત્ત લાગે તો ત્યાંથી ચિત્ત ફેરવીને પોતાના પ્રભુમાં જોડે પોતાના પ્રભુ સિવાય બીજાનું નામ પણ રસનાથી લે અને તેમાં જો ચિત્ત લાગે તો, ત્યાંથી ચિત્તને હટાવી લે અને પોતાના પ્રભુમાં જોડી દે. એવી દ્રઢ ભાવનાથી જેણે પોતાની એકાદશ ઇન્દ્રીઓને સેવામાં અંગીકાર કરાવી છે તેના અંગઅંગમાં પુરૂષોત્તમનો ભાસ થઇ રહ્યો છે. તે જ સમર્પણ ( ઉપરોક્ત ભાવના સિવાય સમર્પણનું ફલ મળતું નથી ) કાનદાસે ફરીને કહયું જે મહારાજ ! પણ જીવનું સામર્થ્ય શું ? આપતો કરૂણાનિધાન સકલગુણ સંપન્ન છો. અને જીવ તો દોષ નિધાન છે . આપની કૃપાથી અનુગ્રહ હોય . ત્યારે શ્રીજી હસ્યા અને અલકાવલી લટકાવીને કહયું. (માથાના કેશની લટ) જે તું એવી નાદાની કેમ કહે છે ? પુષ્ટિમાર્ગમાં જીવે કોઈ દિવસ નીચી ભાવના કરવી નહિ . જે હું શું કરું પણ દીનતા રાખીને ઉંચા પ્રકારની ભાવના રાખવી . નાદાનીની ભાવના કરવાથી જીવ બહિર્મુખ થઇ જાય છે .
ત્યારે શ્રીગોપાલલાલજી કાનદાસ પ્રતિ કહેવા લાગ્યા કે, જેને પોતાનો કહ્યો તેને કેમ છોડીએ ? જે અમારો થયો , અને અમારો થઇ રહ્યો , તેને તો ક્યારેય ન છોડીએ . પણ તે યોગ્ય થવો જોવે . યોગ્ય થવા માટે સાધનતો ઘણાં છે . પણ તેમાં એક મુખ્ય પ્રિતિ જોવે અને વિશ્વાસ , દ્રઢતા , એક આશ્રય ન છોડવો અને એટલે કે ખાસ અન્યાશ્રય ન કરવો . અને અસમર્પિત વસ્તુ ન લેવી.
(તે ખાસ આચરણ જોવે. તે આચરણ ન હોય તો સમર્પણનો કોઈ અર્થ નથી.) એક દ્રઢતાથી પોતાના પ્રભુની ટેક અને પણ , વૃત એક ભગવત ધર્મ , તપ અને તીર્થ, વ્રત, દાન,સંયમ , એ બધુ પોતાના પ્રભુમાં જોવે , બીજી કોઇ ઇચ્છા રાખે નહિ તેના ઉપર આપશ્રીએ શ્લોક કહ્યો : વર્ણાશ્રમ ધર્મ કરતાં આત્મધર્મ શ્રેષ્ઠ છે. અને આત્મ ધર્મ કરતાં ભગવત ધર્મ શ્રેષ્ઠ છે. વૈષ્ણવો હંમેશા ભગવત ધર્મનું જ પાલન કરતાં હોય છે. તે ભગવત ધર્મ કેવો છે ? સ્વર્ગ , મૃત્યુ , પાતાલ દેવ , મનુષ્ય , યક્ષ , તેના સુખની ઇચ્છા ન રાખે તેમ જ યોગની સિદ્ધિ અને મોક્ષને પણ ન ઇચ્છે તેણે જ ભગવત ધર્મને જાણ્યો ગણાય. અને તેવા ભગવત ધર્મને જાણનાર ભગવદીઓ માત્ર એક શ્રીઠાકોરજીના ચરણારવિંદના મહાત્મયને જ જાણે છે . તો તે બીજાની ઉપાસના કેમ કરે ? એવી રીતે જે ભગવત ધર્મનું પાલન કરે છે, તેવા જીવને કેમ છોડે. તેમ શ્રીગોપાલલાલજી કહી રહ્યા છે.
અને કોઇ કર્મની ગતિને લીધે મનુષ્ય અવતાર ઉત્તમ મધ્યમ યોનીમાં થાય. પણ જેને દ્રઢ આશ્રય થયો તે સમર્પણનું ફલ પ્રાપ્ત કરે છે. એક દ્રઢ વૃત દ્રઢ આશ્રય સિવાય સમર્પણ કહેવાય ખરૂં ? ન જ કહેવાય. એક સત્ય વિશ્વાસથી જ પોતાના માર્ગમાં રહેવું તે મુખ્ય ભાવ છે. તેને સમર્પણ થયું છે, તેના હાથથી શ્રીઠાકોરજી આરોગે. અને ભોગ સમર્પણ અને સેવા, તેમાં એવું વિચારવું જે મારાથી કાંઇ ભૂલ થશે , તો આરોગશે નહિ. તો ભાવપુર્વક સેવા કરવી. યથા દેહે તથા દેવે. જેવી રીતે પોતાના દેહને માટે સુખ વિચારવામાં આવે છે, તેવી જ રીતે શ્રીઠાકરોજીનું સુખ સેવામાં વિચારવું અને ઉત્તમ ભાવના રાખીને સેવા કરવી. પણ અપરાધના ભયથી સેવા છોડવી નહિ. સેવામાં શ્રી ઠાકોરજીને ગરમ સામગ્રી ન ધરાવવી. કારણકે શ્રી ઠાકોરજીનો સ્વભાવ બાલક સમાન છે , તેથી સમર્પણી ભગવદી જે સામગ્રી ભાવથી શ્રી ઠાકોરજીને ધરે છે, તે દેખીને ધીરજ રાખતા નથી અને તરત જ આરોગવા લાગે છે. તો તેવો શ્રમ શ્રીઠાકોરજીને ન કરાવવો. રાજભોગ ધરતી વખતે દરેક સામગ્રી ઠંડી થયા પછી ધરાવવી. અને રાજભોગમાં સખડી અણસખડીના થાળ જુદા જુદા ધરાવવા. સખડી અણસખડી એક થાળમાં ભેગી ન ધરવી. સખડી વાળા હાથે અણસખડીને ન અડવું તેવો વિવેક રાખીને રાજભોગ ધરાવવો.
તેવું સાંભળીને સર્વે વૈષ્ણવ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા જે મહારાજ ! આપતો જગતના જીવોનો ઉધ્ધાર કરવા માટે અને આપના દાસના કર્મના સંશયને મટાડવા માટે ભુતલમાં આપ પ્રગટ્યા છો .
પછી કાનજીભાઇ પોતના ઉતારે આવીને ભગવત્ વચનામૃતનું ધ્યાન કરે છે. જે જેના વચન તેજ શાસ્ત્ર છે. પછી બીજા શાસ્ત્રના પ્રમાણની શું જરૂર છે. પણ જીવની મુર્ખતા છે. અને અનેક જન્મના કર્મના આવરણ બહુ જ છે. તેથી ભગવત્ ધર્મમાં અંતરાય પડે છે. અને વિશ્વાસ ઉપજતો નથી. શ્રીજીતો વારંવાર ભારપૂર્વક કહે છે. પણ જો આશ્રય દ્રઢ ન હોય તો તેનું અભાગ્ય. એવો કાનદાસ સર્વને વચનામૃતનો રહસ્યમય ઉપદેશ સમજાવીને કહે છે.
ઉપરના વચનામૃતમાં શ્રીગોપાલલાલજી નીચે મુજબની સ્પષ્ટતા કરે છે. પુષ્ટિમાર્ગમાં સેવન પાંચ પ્રકારનાં છે. તેમજ જે સેવન વૈષ્ણવને ત્યાં બીરાજે છે , તે સાક્ષાત પુરૂષોત્તમરૂપ છે. તે સેવન પુષ્ટાવેલું હોવું જોઇએ. સાતે મંદિરની મેંડ પ્રણાલિકા જુદીજુદી છે. તેમાં આપણે શ્રીગોપાલલાલજીની સૃષ્ટિને શ્રીગોપાલલાલજીના ઘરને મેંડ પ્રમાણે વર્તવું જોઇએ અને તેના જ ઘરનું એટલે શ્રીગોપાલલાલજીનું જ સમર્પણ હોવું જોઇએ. જે ઘરનું સમર્પણ હોય તો જ તે ધરમાં બિરાજતા શ્રીઠાકોરજી તેના હાથનું આરોગે , બીજાના ઘરનું સમર્પણ હોય, તો તેના હાથની સેવા સામગ્રી શ્રીઠાકોરજી અંગીકાર કરે નહિ. એક દ્રઢ આશ્રય વિના સમર્પણનું ફલ મળતું નથી. સમર્પણ લીધા પછી અન્યાશ્રય તેમ જ અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો જોવે. જે ન બને તો સમર્પણનું ફલ મળતું નથી. ભગવદીઓ કોઇ સુખની ઇચ્છા કરતા નથી. તે તો વૃત, તપ, દાન, તીર્થ, સંયમ, એ સર્વે, એક પોતાના પ્રભુના ચરણારવિંદના દ્રઢ આશ્રયમાં જ માને છે દ્રઢ આશ્રયવાળા જીવનો પ્રભુ અંગીકાર કરે છે . પોતાના ઘરમાં બિરાજતા શ્રીઠાકોરજી તેનું જે મંદિર છે , તે ગોલોકસમાન છે ધન્યભાગી જીવના ઘરમાં આવું ગોલોક હોય. ભગવદીઓ એક માત્ર ભગવદ ધર્મને જ શ્રેષ્ઠ માને છે. શ્રીજીના વચન તેજ સત શાસ્ત્ર છે. જીવના અનેક કર્મના સંશયને આપશ્રી વચનામૃત દ્વારા દૂર કરે છે. જીવને જયાં સુધી અનેક કર્મના આવરણરૂપ અંતરાય દૂર ન થાય ત્યાં સુધી દ્રઢ આશ્રય થાય નહિ અને દ્રઢ આશ્રય થાય તો અનેક જન્મના આવરણ રૂપ અંતરાય દુર થઇ જાય. આ વચનામૃત ખૂબજ મનન કરવા જેવું છે .
|| ઇતિ સપ્તદશ વચનામૃત ભાવાર્થ સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જાનકી ગોરડીયા (શિહોર) ના જય ગોપાલ ||