સંવત : ૧૭૨૯
સ્થળ : ડુંગરપુર
અધિકારનું સ્વરૂપ અને અધિકારની પ્રાપ્તી.
|| શ્રી ગોપાલો જયતે ||
આપશ્રી ડુંગરપુરમાં બિરાજી રહ્યા છે. ત્યારે રાજના દર્શને સોરઠી વૈષ્ણવ આવ્યા.કચ્છનો બોતો રાજા વલ્લભ નંદાણી, વિરભાણ નવરંગી,તેજપાળનો બેટો નાથો, બોતો રાજા એકાંગી અને મામો કાનજી, વાછો કંસારો, ભણશાલી વિરજી, અને હરજી, કેશવ, વિગેરે ડુંગરપુર આવ્યા, ડુંગરપુરમાં રાઓલજીની બેઠકમાં બેઠા છે. જે વેળા પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ આપ બેઠકમાં પધાર્યા ને ગાદિ-તકીએ બિરાજી વૈષ્ણવની પ્રસન્નતા પૂછી અને ભગવદ્ ચર્ચાનો આરંભ કર્યો.
ત્યારે હરજી, કેશવે વિનતી કરી, જે જે કૃપાનાથ! આગળ અધિકારીની વાત કહી તે અધિકાર કેવો? તેનો પ્રકાર અને તે અધિકાર ક્યારે પ્રાપ્ત થાય છે ! અને અધિકારી કોને કહેવાય ! તે કૃપા કરીને સમજાવો.
ત્યારે આપશ્રી ઘણું જ મુસ્કાયા. (હસ્યા) અને વચનામૃત કરવા લાગ્યા. ઠીક છે, હરજી તે પૂછયું. જો અધિકારના વિષયમાં ઘણી વાત આગળની છે. અધિકાર સર્વેમાં શ્રેષ્ઠ માન્યો ગયો છે. કોઈ વાત, અથવા કાર્યનો અધિકાર અવશ્ય હોવો જોઈએ. પેલા તો કોઈ ચપરાસી, (નોકર) ખવાસીમાં (સેવા ટેહલમાં) રાખવો હોય તો ચપરાસી કરવાનો અધિકારી છે કે નહિ તે જોઈને રાખવો જોઈએ. કારણ કે, ચપરાસી ખુબ તેજ, (ચાલાક) હોવો જોઈએ. જે દોઢી (દ્વાર ઉપર) ઉપર ચોકી કરે. અને તેને જોઈને તસ્કર (ચોર) ભય પામે. એવું ચપરાસીપણું કરે તેને ચપરાસીનો અધિકાર મળે. અને બીજાને જોઈને પોતે ભય પામે તે ચપરાસીપણું કેમ કરી શકે? અને તેને તે અધિકાર ક્યાંથી મળે. તેમ સેવકને ભાવ હોવો જોઈએ. જે પોતાના પ્રભુનો સેવક થયો. વૈષ્ણવ થયો તો તેનાથી તો જમ ડરે, કાલ પણ અકાલ બને. ભય પામે. ચૌદ બ્રહ્માંડના દેવલોક તેને શીર ઝુકાવીને રહે. પછી આગળ ચાલે. એવો અમારા સેવકનો અધિકાર આ પુષ્ટિમાર્ગની શરણાગતિમાં છે-તે અધિકારી, જે સેવક થયો પછી કોઈ વાતનો ડર-ભય ન રહે. રાજાના ચપરાસીને તસ્કરનો ભય ન રહે. તે અધિકારનો પ્રકાર છે. અને પોતાના મનમાં અધિકાર દ્રઢ હોય ત્યારે અધિકારકો પ્રાપ્ત કરે. જે આગળ શ્રી દાદાજી (શ્રી ગોપાલલાલજીની) કૃપાથી સર્વ વાતના સેવાકાર્યના અધિકારી થયા છે. તે અધિકારી કહેવાય છે.
હવે રહી વાત આગળના અધિકારીની જે સુત પુરાણી અનુલોમ-પ્રતિલોમ જાતિના હતા. પણ વ્યાસજીની પાસેથી તેણે સર્વ અધિકાર પ્રાપ્ત કર્યો હતો. સર્વ ભગવત શાસ્ત્ર અને ભગવત ધર્મનું, લીલાનું જ્ઞાન-ધ્યાન, ગાન સંપૂર્ણ ઈતિહાસ સહિત પ્રાપ્ત કર્યું.
નૈમિષારણમાં જે યજ્ઞોપવિતધારી મોટા મોટા ઋષીમુનિ અગ્નિહોત્રી. જે સહસ્ત્ર વર્ષનો જ્ઞાન સત્ર અને યજ્ઞ કરવા બેઠા હતા. ત્યાં સુતપુરાણી આવ્યા. ન કોઈ જાતિવિશેષ ન કોઈ કુલ વિશેષ પણ ઉચ્ચ અધિકાર પ્રાપ્ત કરવાના કારણે સર્વ ઋષીશ્વર મુનિશ્વર મોટા મોટા બ્રહ્મનિષ્ઠ, કર્મનિષ્ઠ તે ઉભા થઈ ગયા. અને ઘણા જ આદરભાવથી પ્રણામ કરીને આશ્રમમાં લઈ આવ્યા. અને દીન થઈને નમ્રતાથી બહુ જ પ્રશંસા કરીને વિનતી કરી. જે સુતજી આપતો ભગવતશાસ્ત્ર, અને ભગવદ્ ધર્મ અને ભગવદ લીલાના મહાન જ્ઞાતા અનુભવી છો. તે સાંભળવાની અમારી ઈચ્છા છે. આપ કૃપા કરી અમારી વિનંતીનો સ્વિકાર કરો. અને અમને એ સત્સંગ સરિતાથી અમારી પ્યાસ બુઝાવો. એવી કૃપા કરો.
ત્યારે સુકજીએ ઘણા જ ભાવથી તેની વિનંતીનો સ્વિકાર કર્યો. અને વ્યાસપીઠ ઉપર ઉચ્ચ આસને બિરાજી સર્વ ભગવત ધર્મ શાસ્ત્ર અને ભગવદ્ લીલાનું શ્રવણપાન કરાવા લાગ્યા. સર્વ ઋષીશ્વર, મહામુની, બ્રહ્મર્ષ, સર્વ તેની આગળ હાથ જોડીને પાસે ભુમિ ઉપર બેઠા. અને કથા સાંભળવા લાગ્યા. જે અધિકારી હતા તે વ્યાસાસન ઉપર બેઠા જે અધિકારી ન હતા. તે ભુમિ ઉપર આસન ગ્રહણ કરીને બેઠા. જુવો અધિકાર શ્રેષ્ઠ થયો કોઈ જાતિ કુલવિશેષ ન થયું.
નારદે અધિકાર પ્રાપ્ત કર્યો તે કેવી રીતે પ્રાપ્ત કર્યો. સંતની સેવા કરી. અને જુઠણ લીધી તેથી પહેલા જન્મમાં તે શુદ્ર હતા. અધિકારી બનવા માટે પહેલા આચરણ જોવે. પછી લક્ષણ સિદ્ધ થાય.ત્યારે અધિકાર આપમેળે સિદ્ધ થાય. તેમાં સંદેહ નથી. તમે સર્વે અધિકાર પ્રાપ્ત કરવા યોગ્ય છો. પણ અધિકારી બનવા માટે જેમ સ્નાતક (વિદ્યાર્થી) વિદ્યાને પઢે તેમ અધિકાર આગળ વધે. તે પ્રકાર તમારે સમજવો. પઢતા પઢતા પંડિત થાય છે. તે અધિકારી થયો. વાત તો સુલભ છે. પણ સમજમાં બેસે તેવી જગ્યા હોય તો બેસે.
તેમ સેવક હોય વૈષ્ણવની સંગતી કરે તો વૈષ્ણવતાને પ્રાપ્ત કરે. વૈષ્ણવતા આવી ત્યારે ભગવદીનો સંગ કરે તો ભગવદીપણું આવે. ભગવદીપણું પ્રાપ્ત કરી પુષ્ટિજનનો સંગ કરે તો પુષ્ટિ પદ પ્રાપ્ત કરે. પછી તાદરશીનો સંગ કરે ત્યારે તાદરશીપણું આવે. પછી વિરકતનો સંગ કરે ત્યારે વિરકત ભાવને પામે. ત્યારે સર્વસ્વરૂપ ભાવના, લીલાભાવના, ભાવભાવના, જાણવાનો અધિકારી થઈ જાય. પછી આ માર્ગની સર્વ રીત-ભાત પ્રણાલિકા સર્વ સમજવામાં આવે. તેનું દ્રષ્ટાંત જુવો.
જેમ કોઈ રાજા હોય પણ રાજ્યનો કારોબાર ચલાવા માટે યોગ્યતા અને તેનું લક્ષણ અને તેના આચરણનું જ્ઞાન હોવું જોઈએ. નહિ તો રાજા હોવા છતાં રાજાના અધિકારને પ્રાપ્ત ન કરી શકે. અને પ્રધાનજીનું પદ, અને કરભારીનું પદ, અને ચપરાસીનું પદ એક સમાન તો નથી. કારણ કે, એ બધા રાજાના પરિચારક કહેવાય. પણ જેને જેટલો અધિકાર તેટલું કાર્ય તેનાથી બને. ચપરાસીનું કાર્ય પ્રધાનજીથી નહિ બને. અને પ્રધાનજી અને કારભારીનું કાર્ય ચપરાસીથી શું બનશે? નહિ બને ! જે જેવો અધિકારી, તેવા કાર્યનું જ્ઞાન હોય. તે તેવા લક્ષણ અને આચરણથી રહે. તેવું આગળ જે વાત બતાવી તેનું પ્રમાણ છે.
સેવક બનવા માટે મુખ્ય અધિકાર પ્રાપ્ત કરવા માટે મુખ્ય લક્ષણ અને આચરણ હોવું જોઈએ. ત્યારે સર્વ અધિકારી થાય. અને સર્વ અધિકારને પ્રાપ્ત કરે એ સર્વ એક ભગવદીના સંગથી પ્રાપ્ત થાય છે. તે વિના ગમ પડે નહિ.
શ્રેષ્ઠ અધિકારના સંબંધમાં ભક્ત પ્રહલાદજીએ કહ્યું છે. જો દ્વાદશ ગુણ યુક્ત વિપ્ર (બ્રહ્મણ) હોય. પણ ભગવદ વિમુખ હોય, તેથી (તેના કરતા) ભક્ત ચાંડાલ અધિક છે, વિશેષ છે. જે ભગવત સનમુખ છે. તેથી વિપ્રનો કોઈ જાતિ અધિકાર નથી. ભગવત ભક્તનો શ્રેષ્ઠ અધિકાર છે. આતો પ્રેમલક્ષણા ભક્તિ માર્ગ છે. તેમાં આહિર જાતનો કેટલો ઉચ્ચો અધિકાર તે સર્વ અધિકારી થયા. ભક્તિ માર્ગની સમસ્યા સમજવી ઘણી મુશ્કેલ છે દુર્ઘટ છે. તે તો ભક્તિ માર્ગીય સમજે, જો અનન્ય ઉપાસક હોય. અનન્યતાનો શ્રેષ્ઠ અધિકાર આ માર્ગમાં છે. તેનું દષ્ટાંત જુવો.
પાંડવોના રાજ સુય યજ્ઞમાં કેટલાય, ઘણા વિપ્ર (બ્રાહ્મણ) ભોજન કરી ચુક્યા. પણ જે પંચજન્ય શંખ ધ્વની હોવો જોઈએ તે ન થયો. ત્યારે પાંડવોએ ભગવાનને પૂછયું મહારાજ? આનું કારણ સમજવામાં આવતું નથી.
ત્યારે ભગવાને કહ્યું કે, કોઈ મારા ભક્ત વૈષ્ણવે આમાં ભોજન કર્યું નથી તેથી પંચજન્ય વાગ્યો નહિ.
ત્યારે પાંડવોએ ભગવાનને પૂછયું તો હવે શું ઉપાય કરીએ ! તે આપ બતાવો?
ત્યારે ભગવાને કહ્યું કે મારો ભક્ત શ્વપચ (ચાંડાલ) છે તેને ભોજન કરાવો. ત્યારે પાંડવોએ તે ભક્તને આદર સહિત લઈ આવ્યા. અને ભોજન કરવા બેસાર્યા. ભોજનનો ગ્રાસ મુખમાં મુક્તા પંચજન્ય વાગ્યો. અને પાછો તુરત બંધ થઈ ગયો. ત્યારે ભગવાને પૂછયું કેમ બંધ થઈ ગયો? ત્યારે શંખે કહ્યું કે મારો અપરાધ કાંઈ નથી. દ્રૌપદીએ ભક્તના જાતિકુલનો દોષ વિચાર્યો, તે દોષને કારણે મારું મુખ બંધ થઈ ગયું.
ત્યારે દ્રૌપદીએ ભગવાનના ચરણમાં જઈને ભક્તના અપરાધની ક્ષમા માગી ત્યારે પંચાન વાગ્યો. જુવો અધિકાર શ્રેષ્ઠ થયો. જાતિવિશેષ વિપ્ર નહિ.અધિકાર વિશેષ થયો.અને આગળ દાદાજીના કૃપાપાત્ર ઘણા સેવક મોટા મોટા અધિકારી થયા જે કસીયા રાજગરને પોતાથી અધિકતા આપી દીધી. જીવન, લક્ષ્મીદાસ, મોરારદાસે કેવો અધિકાર પ્રાપ્ત કર્યો કાનદાસ, રાઘોદાસ, કેશોદાસ સર્વ સમર્પણી થયા. ગોપાલદાસની એટલી અધિકતા હતી જે અષ્ટાંગ ભગવદી થયા. જે દાદાજીના નિકટવર્તી થયા. અને અંગીકૃત અષ્ટ સખામાં ગણાયા.
આજ અમારા સેવક હરિબાઈ, જાની, કૃષ્ણભટ્ટ તમો હરજી, કેશવ, રાઓલજી એ સર્વો છે. અને દાદાજીએ તો કોઈ જાતિવિશેષ નહિ, એવા જીવનો અંગીકાર કર્યો છે. જેમાં મયાઢીમર, અને મહોબતખાન, પુષ્ટિમાર્ગમાં યવનને પણ અધિકાર દીધો છે. જો રસખાન, અલીખાન , તાજ, એ બધા આગળ હીન જાતિના ઉચ્ચ અધિકારને પામ્યા છે. જે લક્ષણ અને આચરણથી થાય છે. મુખ્ય તો પોતાને પોતાપણું ભૂલવું જોઈએ, કોઈ જાતિ વિશેષપણાનો ગર્વ ન હોવો જોઈએ. તો પ્રભુની અનન્યતા ઉપજે પછી અધિકારી થવામાં શું વાર લાગે? જગતના જીવનો માર્ગ જુદો છે. અને પુષ્ટિનો તો સર્વથા અલગ છે. એક મનની દઢતાથી સર્વ અધિકાર પામી શકાય.
ત્યારે હરજી, કેશવે, કહ્યું. ધન્ય મહારાજ ! આવી પ્રસંગની સુલભતા કોઈ પ્રસંગમાં કોઈની પાસેથી સાંભળી નથી. રાજ! આપ વિના આવો સુલભ પ્રસંગ કોણ કહી શકે ? આપતો રાજરાજેશ્વર, મુનેશ્વર, સર્વેશ્વર છો તેથી અમારો અધિકાર શ્રેષ્ઠ થયો છે. તે વાત આજ અમોને સમજવામાં આપની કૃપાથી આવી. ધન્યમહારજા ! એમ કહીને રાજના ચરણમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા.
|| ઈતિ શ્રીગોપેન્દ્રજીનું ૧૬મું વચનામૃત સંપૂર્ણ ||
(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)
લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને પ્રદીપભાઈ ગોહેલ(જામનગર)ના જય ગોપાલ ||