|| પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજીના વચનામૃત – ૧૫ ||

0
161

 સંવત : ૧૭૧૯
 સ્થળ : જૂનાગઢ

ધ્રાંઠ ક્રાસની માળાનું પ્રમાણ તથા પ્રભુ શ્રી ગોપાલલાલના સેવકની વિસ્તારની રીત-ભાત.

આ વચનામૃતમાં વચનામૃત તથા પુષ્ટિ દઢાવ સાથે છે. વચનામૃત વ્રજભાષામાં છે. તે ગુજરાતી ભાષામાં લખ્યું છે. એક સમયને વિષે ભટ્ટ કૃષ્ણજી તથા ગાંધી કુંરજી તથા હરિબાઈએ ત્રણ જણાએ શ્રી ગોપેન્દ્રજીને પૂછયું.
હે કૃપાનાથ ! વૈષ્ણવના વિસ્તારની રીત-ભાત કહો? ત્યારે શ્રીજી કહેવા લાગ્યા. જે અમારા સેવક છે. તેની તો નોખી-જુદી-રીત કહીએ છીએ. તે પેલી રીત શું છે. પ્રથમ તો શાસ્ત્ર જોવા નહિ. તેની રીત ન કરવી જોઈએ. તે તો અમારા તથા શ્રી ગોપાલલાલજીના ગ્રંથ છે, તે જોઈને તે માર્ગે ચાલવું. તો શ્રી ઠાકોરજી મનોરથ પૂરણ કરે. તે જીવે નિશ્ર્વે જાણવું. જે કૃપાનાથ ! તે તો ખરું, પણ જે જીવ તમારું ચિતવન એક મને દઢ કરીને કરે તો તેની રીત કેવી હોય તે કહો. તે કહે છે તે અમારા કહેવાની વાત તો બહુજ કઠણ છે. તે તો જીવથી બનશે નહિ.

 ત્યારે હરિબાઈ તથા ગાંધીકુંરજી તથા ભટ્ટ કૃષ્ણજીએ કહ્યું. જે કૃપાનાથ ? તે તો ખરું પણ જીવ બીજા કોને પૂછે? ત્યારે શ્રી ઠાકોરજી કહે છે, જે અમારા સેવક પાકા ચાર ભગવદી મળીને આ ગ્રંથ વાંચશો. કાચાને વાંચવા દેશોમાં. સર્વ પાકા અનુભવી મળીને વાંચજો. તે તો અમે કહીએ છીએ.જે કૃપાનાથ કહો !
ત્યારે કહે છે. તમે વૈષ્ણવો સાંભળો, તે કહે છે – જે અમારા સેવકને શાસ્ત્રની રીતી ન કરવી. તો શું કરવું? તે શાસ્ત્રમાં તો તુલસીનું પ્રમાણ ઘણું કીધું છે. અને અમારા સેવક હોય તેણે માલા ત્રણસરી બાંધવી. તે કેવી ! ઢુંગલા ત્રણ, અને ઠાંસીયા ચાર, એવી બાંધવી જોઈએ. તે શેની ! તેતો ધ્રાંઠથી બાંધવી જોઈએ કે જે કૃપાનાથ ! ધ્રાંઠનું પ્રમાણ એવું શું છે? તે અમને કહો? તે ધ્રાંઠ શ્રીઆચાર્ય મહાપ્રભુજીએ પવિત્ર કર્યો છે. તેથી ધ્રાંઠ નું ઘણું પ્રમાણ છે. જે કૃપાનાથ શ્રીઆચાર્ય મહાપ્રભુજીએ પ્રમાણ વધાર્યું તે શા માટે? ત્યારે શ્રીઠાકોરજી કહે છે, કે વૈષ્ણવો ! તમે સર્વ સાવચેત થઈને સાંભળજો જે ઇલ્મગારૂને ઉદરથી શ્રીઆચાર્ય મહાપ્રભુ પ્રગટ્યા, ત્યારે પલાસના – ખાખરાના પત્રમાં ગર્ભને મૂકીને ધ્રાંઠના વેલા લઈને ગર્ભને વીટીને બાંધ્યા હતા. તે શમી વૃક્ષ નિચે મૂક્યો. તે ગર્ભ માસ છ લગી અગ્નિ કુંડમાં રહ્યો. ત્યાર પછી શ્રીઆચાર્યજી અગ્નિ કુંડમાંથી પ્રગટ થયા. ને સ્વરૂપનું પ્રમાણ થયું. તે પ્રકારે કરીને ધ્રાંઠ નું પ્રમાણ કરીને શ્રીઆચાર્ય મહાપ્રભુજીએ પ્રથમતો એકસરી કરીને માલા પોતાના કંઠમાં બાંધી છે. તે પ્રમાણે કરીને શ્રીગોકુલનાથજીએ. શ્રીગોપાલાલજીએ માલા ત્રણસરી કરીને બાંધી છે. એટલું પ્રમાણ શ્રીજીએ વધાર્યું છે.

 તેતો ઠીક, પણ જે કૃપાનાથ? ધ્રાંઠ નું પ્રમાણ કહ્યું તે તો અમોએ જાણ્યું. અને તમે જે ઠાંસીયાચાર કાસના નાખો છો તેનું કારણ કહો? ત્યારે શ્રીજી કહે છે. કે વૈષ્ણવો? કાસમાં અલૌકિક સ્વાદ છે. જે કૃપાનાથ ? અલૌકિક સ્વાદ તે શું? તે અમને કૃપા કરીને કહો?
તે કહે છે. પ્રથમ તો જલમાં રહે છે. અને અમૃત રસ છે, તે તો કાસમાં છે. જે કૃપાનાથ?
 અમૃતરસ તે શું? (ભાગવત ત્રીજા સ્કંધમાં વરાહ અવતારની ઉત્પતિમાં ધ્રાંઠ તથા કાસનું પ્રમાણ આપ્યું છે.)

 ત્યારે શ્રી ઠાકોરજી કહે છે. પ્રથમ તો શેરડી, કાસમાંથી થાએ છે. તે શેરડીમાંથી ગોળ થાય છે. તથા મીશ્રી પણ થાય છે, એણે પ્રકારે પણ કાસ ઉત્તમ છે. પણ પાછું કાસને અભિમાન નથી. દીનતા ઘણી છે. તે ખરી દીનતા છે. જે હું માંથી અમૃતરૂપી મીશ્રી, ગોળ, સર્વ વસ્તુ નિપજે છે. આ સર્વ વસ્તુ હું માંથી થાય છે. તેથી શેરડીએથી આળસ ત્યાર પછી કાસે ગયાની લાલચ કરે પણ ઉંચે ચડાવાનું મન નથી. એટલી દીનતા કાસમાં છે. એવી દીનતા આજે બીજામાં નથી. તે માટે વૈષ્ણવો, એ, માલા બાંધે છે, તે વૈષ્ણવને અંહકાર તથા અભિમાન ન આવે ને દીનતા ઘણી વધે. વળી, વનસ્પતે, વૈષ્ણવાશ્ર્વ કહ્યું છે. વનસ્પતિ વૈષ્ણવ છે. શુદ્ધ કાષ્ટનું સ્વરૂપ વૈષ્ણવનું છે. તેથી વૈષ્ણવો શુદ્ધ કાષ્ટની માલા પહેરે છે. તેની ઉપર કોઈની સત્તા નથી. એવું પ્રમાણ ધ્રાંઠ અને કાસનું છે. અને દીનતાનો ગુણ મોટો છે. દીનતા શ્રી સ્વામિનીજીનું મન છે. તે માટે વૈષ્ણવો, એ પ્રકાર રાખજો . મન શુદ્ધ કરીને જાણજો. જે શ્રી ગોપેન્દ્રજી સમાન બીજું કોયે નિશ્ચે નથી.

 || પ્રસંગ ૧ લો સંપૂર્ણ ||

 પ્રસંગ ર

ત્રીસરી માળાનું સ્વરૂપ તથા તેલ-તિલકનું સ્વરૂપ.

 વળી હરિબાઈ તથા ગાંધી કુવરજી તથા ભટ્ટ કૃષ્ણજી કહે છે. જે કૃપાનાથ વૈષ્ણવો છો ત્રણસરી માલા અને ઢુંંગલા ત્રણ અને ઠાંસીયા ચાર એવી બાંધવી. તેનું કારણ શું? તે કહો? ત્યારે શ્રી ઠાકોરજી કહે છે. તેનું તો ઘણું મોટું કારણ છે. તે તો અમારાથી કહ્યું જાય તેમ નથી. પણ શ્રી ગોકુલનાથજીને કલ્યાણ ભટ્ટે પૂછયુ ત્યારે ગોકુલનાથજીએ કહ્યું છે તે કહું છું તે કહે છે. જે ઠાંસીયા ચાર છે તે તો પરમ ભગવદી છે. અને જે પારા છે તે તો વૈષ્ણવ છે.

 જે કૃપાનાથ ? દોરો તે શું? ત્યારે કહે છે દોરો છે. તે તો શ્રી ઠાકોરજીનું સ્વરૂપ છે. તેમાં ભગવદી વૈષ્ણવ સર્વ પરોવાઈને રહ્યા છે. એવું પ્રમાણ શ્રી ગોકુલનાથજીએ કહ્યું છે. જે કૃપાનાથ ? તે તો ખરું પણ દોરો, પારા, ઠાંસીયા તે ત્રણે વસ્તુ તો પુરુષ નામ થયું. અને તેનું નામ માલા, કેમ ધર્યું – રાખ્યું. એતો સ્ત્રી નામ છે. અરે ! વૈષ્ણવો તમે સાંભળો, ત્યારે શ્રી ઠાકોરજી કહે છે એ વાત અલૌકિક છે. એ ત્રણે વસ્તુ ભેગી થાય ત્યારે એક શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ થાય છે. તેમાં સંદેહ જાણશોમાં-રાખશોમાં. અલૌકિક નિધી છે. વળી આગળ તમને કોઈ પૂછશે. ! જે આ તેલ તિલક તે શું છે! ને તેનું પ્રમાણ શું છે.? ત્યાં જવાબ છે. જે, માલા છે. તે શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે. તેને માથે શ્રી ઠાકોરજી જેવા પતી છે. તેણે થઈને માલાને તેલ ચડે છે. તે શ્રી સ્વામિનીજીની વેણુમાં નિત્ય સખી પ્યાલામાંથી પોતાને હાથે સોધો તેલ લઈને વેણુમાં સમારી-નાખી જાય છે. તે શ્રી સ્વામિનીજીની વેણુમાંથી ફુલેલ તેલની સુગંધ આવે છે. (વણમાં એટલે મસ્તકમાં) ત્યારે શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય છે. તેણે પ્રકારે કરીને શ્રી દાદાજીના સેવકે, ખષ્ટિ તથા ચતુરાદશી તથા દશમીને દિવસે શ્રી ઠાકોરજીને (રાજભોગ પછી) તેલતિલક ધરવા ધરીને પોતાના જે વૈષ્ણવ પણધારી હોએ તે સાથે મળીને તેલ તિલક કરવા, તે વિના રહેવું નહિ. તેવા શ્રી ઠાકોરજીના (શ્રી ગોપાલલાલજીના) અને સ્વામિનીજીના નિશ્ર્વે વચન છે તે પ્રમાણે ચાલજો વારે વારે કહીએ છીએ. જે આ ગ્રંથ જોઈને તે મારગે ચાલજો તો શ્રી ગોપેન્દ્રજી મનના મનોરથ પૂરશે. પછી તો જે ગમે તે કરજો પણ શ્રી ગોપેન્દ્રજી મહાપ્રભુજીનું અતુલબલ પ્રાકટ્ય છે તે માટે વૈષ્ણવો ભગવદીને અર્થે આ પુષ્ટિ દ્રઢાવનું પ્રમાણ શ્રી ગોપેન્દ્રજીના શ્રીમુખના વચને બાંધ્યું છે. (લખ્યું છે)

  પ્રસંગ 2 જો સંપૂર્ણ

  પ્રસંગ ૩

લૌકિકની તુચ્છતા તથા જુગલરેખાના છૂટા તિલકનું માહત્મય.

 હે કૃપાનાથ!તે તો સર્વે ઠીક પણ? વૈષ્ણવતો સર્વે સંસારમાં રહે છે. તે સર્વેને લૌકિક સબંધ વળગ્યો છે. તે લૌકિકને કેમ મૂકે તે કહો? (લૌકિક વ્યવહારમાં કેમ કરવું તે ઉપર સમજાવે છે)  ત્યારે શ્રીગોપેન્દ્રજી કહે છે. જે લૌકિક તો સર્વ તુચ્છ છે. અને અસત છે. અને સત્ય તો સર્વોપરિ છે, સત્યતો ભગવદ્ ધર્મ છે. લૌકિક તો જીવે અહંતા-મમતાથી પોતાના મનથી માન્યું છે. તે સર્વથા શરણદાન પામ્યા પછી અલૌકિક થયું નિવેદન કરતા સર્વ સમર્પણ થયું પછી લૌકિક સબંધ ક્યાં રહ્યો? સર્વ વહેવાર-સબંધ અલૌકિક થયો. લોક મટીને વૈષ્ણવ થયો. તો, તેને તો વૈષ્ણવની રીત-ભાત, ખાન-પાન, અને સર્વ વહેવાર સબંધ કરવો જોઈએ. જેમાં જે ભળે તેવો હોવો જોઈએ. તે પ્રમાણે ન ચાલે-વર્તે તો દોષ લાગે. જેમ ગંગાજલમાં અન્ય પ્રવાહ મળે ત્યારે તે ગંગાજલ રૂપ થાય છે. જુદો ચાલે તો ગંગાજલ કહેવાય નહિ. તેતો આગળ જેવો હતો તેવો રહે. પણ તેની છીંટછાંટો કોઈ ન લે. કારણ કે તે ગંગાજલ કહેવાતું નથી. તેમ પોતાના મારગમાં રહે તો જીવને ભગવદ્ પ્રાપ્તી થાય.

 જીવને તો આનંદ જોવે છે. તે આનંદ સ્વરૂપ ભગવત છે. તેને મળે તો આનંદ થાય. લૌકિક સબંધ વહેવારમાં આનંદ અને સુખ ક્યાં છે? તે તજીને અમારા શરણે આવ્યો છે. અને વૈષ્ણવ થયો. તેને ચિન્તા કેવી. જે સર્વ સમર્થનો આશ્રય ગ્રહણ કરે, પછી ભય કઈ વાતનો હોય? જંબુકના (શીયાળના) ડરથી શું, કેસરીસિંહ ભાગી જશે? જો અમારો સેવક થયો તેતો આ રીતી-ભતી રાખશે, વાતતો ઘણી કઠીન છે. પણ જે અમારો સેવક થયો છે તે આ વાતમાં મુંઝાશે નહિ. એને બીજી વાત તો સુલભ થઈ જશે. તેને આ રીત તો બહુજ સુંદર લાગશે. ગમશે. વળી શ્રીગોપેન્દ્રજી કહે છે, જે અમારા સેવકોએ એટલુ રાખવું જોઈએ? તે શું? અમારા સેવકોએ ત્રણસરી માલા અને તિલક રેખા જુગલ તે છૂટી રાખવી. બાંધવી નહિ. એવું તિલક કરવું જોઈએ. તેનું પ્રમાણ છે. તેનું દરશન કરે જો કોઈ લોક તેની દેહ છૂટે તો તે જીવ પાસે જમ ઢુંકડા ન જાય એવી ટેક વૈષ્ણવને હોય તો તેની દેહી છુટે તો તે જીવ પાસે જમ ઢુંકડા ન આવે. જે દિવસે દાન થયું હોએ તે દિવસે તેની દેહ છૂટી જાએ તે પાસે જમ ટુકંડા ન આવે. (તેને યમનું તેડુ ન હોય) એવું એ વૈષ્ણવનું મહાત્મય અને તિલકનું પ્રમાણ છે. હે કૃપાનાથ ! તે તો ખરું. પણ જે તમે કહો છો. જે છૂટું તિલક તેતો વૈષ્ણવદાદાજીના (શ્રી ગોપાલલાલજીના) સેવક રાખે છે કરે છે. પણ આગળ કોઈ વૈષ્ણવ પૂછે અને કહે તો તેને શું કહેવું ? જે કૃપાનાથ ! જીવને એટલી ગમ ખબર ક્યાંથી હોય? જે જવાબ આપે !  ત્યારે શ્રી ઠાકોરજી કહે છે. આગળ દાદાજીના ઘરના સેવક એવા હશે. શ્રી દાદાજીના ઘરના સેવકની બરાબરીમાં સરખામણી પણની તથા ટેકની તથા સ્નેહની કોઈ કરી નહિ શકે. તો પૂછશે કોણ ? જે  કૃપાનાથ, તે તો સત્ય કહો છો. પણ કોક આવીને પૂછે, ત્યારે જે કૃપાનાથ ! શું કહેવું?
 ત્યાં સાખી લખી છે.

 “જુગલ સ્વરૂપ ઉદે હુવો, ઉર્ધ્વ રેખા શીરધારી II
 તાથે અધિક સ્નેહ, બઢત આનંદ કારી” II

 તે માટે ઉર્ધ્વ રેખા જુગલ સ્વરૂપની, એક રેખા શ્રી ઠાકોરજીના ચરણાવિંદની એક બીજી શ્રી સ્વામીનીજીના ચરણારવિંદની રેખા. તેને ધારણ કરે છે. તે શ્રી યમુનાજીના સ્વરૂપ અને તટની ભાવનાથી કરે છે. તેથી અધિક તિલક કોઈ નથી, જે સર્વદા સર્વ કાલમાં સમયમાં ધારણ કરી જાય છે. જેને કોઈ વિધિ નિષેધ લાગે નહિ. જે સર્વોપરિ છે. માટે દાદાજીના સેવકની રીત તથા બરાબરીમાં કોઈ નહિ આવે. આગળ તમને કોઈ પૂછે તેમ નથી. તમને વારે વારે કહું છું. જે પૂછશે નહિ. તે નિશ્ર્વે વિશે જાણશો. જે વળી કહું છું જે વૈષ્ણવો! તમો કોઈને માનશોમાં. ફરી ફરીને કહીએ છીએ. જે માનશોમાં. આગળ પોરો ખોટો આવશે. ધરમ નવા પંથ નવા મત નવા ઘણા થાશે. તમને ચળાવશે. માયાનો લોભ દેખાડશે. દીઠામાં પણ ઉજવળ ધરમ લાગશે. જગત બધુ તેને માનશે. વળી પાખંડ શીખીને હથેળીમાં પ્રભુ દેખાડશે. પણ તમે તેને જોવા જાશોમાં ફરી ફરીને કરીએ છીએ જે ધરતીથી અદ્ધર હાલી આવશે અને જહાં બેસશે તીહાં ધરતીથી વેત એક સિંગાસન ઉંચુ રહશે. ને પોતે બેસશે. તેથી ફરી ફરીને કહીએ છીએ. પછી તો જે તમને ગમે તે કરજો. પણ વૈષ્ણવો તમે જીવરાજભાઈએ જે સોળ ચિહ્ન જોયા છે. તેવા ચિહ્ન જેના ચરણારવિંદમાં સોલ પુરા હોય તેને માનજો. પણ પાખંડ દેશ મધે ઘણા થાશે. સર્વ માર્ગ પાખંડથી ભરેલા હશે. ખલ પુરુષો ધરમના સ્થાને બેસીને પાખંડ કરશે. ને પુંજાવશે. પોતાને પ્રભુ કરી મનાવશે તમો સાવધાન રહેશો.
 પોતાના પતિ એવા શ્રી ગોપાલલાલજીની ટેક, પણ, તેનું બાનું છોડી બીજે જોશોમાં તો નિહાલ થાશો. તે માટે તમે વૈષ્ણવો, જે હરિબાઈ તથા જીવરાજભાઈ તથા ભાણજીભાઈ તથા બનુભાઈ તથા લક્ષ્મીદાસ જે કવિ. પંચ ભગવદી મહાન થયા છે તે ગ્રંથ દાદાજીના ઘરના જોઈને તે મારગે ચાલજો. વળી પ્રમાણ રૂપે બીજો ગ્રંથ જોવો હોય તો શ્રી ગોકુલનાથજીના ઘરનો કલ્યાણ ભટ્ટે શ્રી ગોકુલનાથજીને પૂછીને જે શ્રીમુખે કહ્યો છે તે જોશો. અને તે પ્રમાણે ચાલજો. પણ શ્રી ગોપેન્દ્રજી તથા શ્રી ગોપાલલાલજી સમાન બીજા કોઈ આપણા ધણી નથી. તે નેશ્ર્વે જાણજો.

 || પ્રસંગ ૩ જો સંપૂર્ણ ||

પ્રસંગ ૪

  અન્ય આશરો કોને કહેવાય ?

 વળી હરબાઈ તથા કુંવરજી ગાંધી તથા કૃષ્ણભટ્ટે પૂછયું જેે હે કૃપાનાથ ! અન્ય આશરો કોને કહેવાય? તે અમને કૃપા કરીને સમજાવીને કહો?  ત્યારે શ્રીઠાકોરજી (શ્રીગોપેન્દ્રજી) કહે છે. જે હૈ વૈષ્ણવો ! અન્ય આશરાનું તમે જે પૂછો છો તે તો ખરું, પણ એ વાત તો ઘણી કઠણ છે. જે જીવથી બનવી મુશ્કેલ છે. (પુષ્ટિ માર્ગમાં અન આશરો મહાબાધક છે)

 પ્રથમતો વૈષ્ણવને એક નિમ. (ટેક) જોઈએ. એક ટેક રાખવી જોઈએ. એક પણ રાખવું જોઈએ. એક પતિવૃતાપણું રાખવું જોઈએ. એક વિશ્વાસ રાખવો જોઈએ. એવો સબંધ ઘણો રાખવાનો છે. એ અનન્ય એક આશ્રયનો પ્રકાર છે. તે માટે વૈષ્ણવો પણ, ટેક છે, તેતો મોટા ધરમનું મુળ છે. તે કહું છું. પ્રથમ તો પુષ્ટિમાર્ગ એ અનન્ય પ્રેમ લક્ષણાનો ભક્તિ માર્ગ છે. તેમાં કાંઈ જ્ઞાન, અને કર્મ વિધાન ચાલે નહિ. જે મોટા કહી ગયા છે. તેમાં અમારા સેવકને આટલું અવશ્ય રાખવું જોઈએ જે કોઈ કર્મ પ્રકાર કરવો નહિ. જો એકતો મુંછ બોડી. (મુંડાવવી નહિ.) કરાવવી નહિ. અને સરવણું કરવું નહિ. અને શ્રાદ્ધાદિક ક્રીયા કરી વાસ નાખવી નહિ. અને શ્રીને (સ્ત્રીને) માથું બોડું (મુંડાવવું નહિ) કરાવવું નહિ. એવો સર્વ કર્મ માર્ગનો પ્રકાર તજીને રહે તે અમારો સેવક છે. એ અન્યઆશરો મોટો છે.

તે તો ખરું પણ હે કૃપાનાથ? તેનું પ્રમાણ શું?  હે વૈષ્ણવો? તમે પૂછો છો તે તો સારું છે. પણ અમો કહીએ છીએ એમ કહીને સ્નાન કરવા પધાર્યા. પછી સ્નાન કરીને પાછા પધાર્યા. ત્યારે વૈષ્ણવોએ પૂછયું જે કૃપાનાથ ! તે પ્રસંગ કહો! ત્યારે શ્રીગોપેન્દ્રજી આપ શ્રીમુખથી કહે છે. વૈષ્ણવો તમે સાંભળો. જે અમે કહીએ છીએ. તમને સુંદર રીતી ભાત તે કહું છું. તે હૃદય શુદ્ધ રાખીને સાંભળો? તે ભુલશો નહિ. જો ભુલશો તો બધુ જાશે. પછી હાથ આવશે નહિ. તે માટે આ ગ્રંથ ચાર વૈષ્ણવ દાદાજીના સેવક પાકા પણધારી હોય તે વાંચજો. તેના કામનો ગ્રંથ છે. તેના માટે શ્રીગોપેન્દ્રજીના વચનામૃત લખ્યું છે.એ તો ખરૂ પણ હે કૃપાનાથ ! મારગની રીત કહો. ત્યારે શ્રીઠાકોરજી કહે છે. જે અમારા સેવકોએ મૂછ બોડીક રાખવી નહિ. જે કૃપાનાથ? તેનું પ્રમાણ શું? તે કહો? સાંભળો વૈષ્ણવો! જે અમોએ જાણ્યું છે તે તમને કહું છું. તે સાંભળો. શ્રી ગોકુલનાથજીને કલ્યાણ ભટ્ટે પૂછયું. હે કૃપાનાથ ! મૂંછ બોડી કરાવાની ના કહો છો તેનું પ્રમાણ શું. તે અમને કહો? ત્યારે શ્રીગોકુલનાથજીએ શ્રીમુખે કહ્યું. જે અમારો સેવક છે તેતો ઉત્તમ પુરુષમાં પુરુષ છે. તેતો અમારો સેવક છે. ( અહિંયા પુરુષ શબ્દ આત્માને માટે કહ્યો છે. પછી તે આત્મા અથવા જીવ સ્વરૂપ નર કે નારીના દેહમાં હોય તો તે એકજ સરખો છે) તે દૈવી જીવ પુષ્ટિ જીવ તે અમારો સેવક છે. તેને મુંછ બોડી કરાવવી નહિ. શા કારણે? તે તો મુંછ બોડી કરાવ્યા પછી તે પુરુષ તો સ્ત્રી સમાન થયો. (બહિર્મુખ) તે અમારો સેવક છે તેતો પુરુષ છે.( દૈવી પુષ્ટિજીવ) તેને ચિન્તા ન હોય. તેનો વિસ્તાર કરવા વાળા તો શ્રીજી છે. મુંછ શું નિસ્તાર કરશે? જે અમને પ્રભુ કરીને જાણે છે-માને છે. તેણે તો અમારા મારગની રીતે રહેવું. આ રીત ભાત શ્રીગોકુલનાથજીને કહી છે. તે અમો તમને કહીએ છીએ. તે માટે દાદાજીના સેવકને તો તેનાથી અધિક ટેક પાળવી જોઈએ તે અમારો સેવક છે. અને તમને દાનતો જ્યારથી બુંદ પડ્યું છે તે સમયે બે જીવને દાન થયું છે.
 તેથી અમારો સેવક થઈને મુંછ બોડી કરાવવી નહિ. જો મુંછ બોડી કરાવે તેનો અંગીકાર અમો ક્યારેય કરતા નથી. એ અન્યઆશરો મોટો છે. અમારો સેવક જે છે, તે તો અલૌકિક પુરુષ છે. તેથી તેની પાસે સકલ પદારથ છે. તે સકલ પદારથ તે શું? ક્યા? ત્યારે શ્રીઠાકોરજી કહે છે. જે તે સકલ પદારથ જેની પાસે છે. તેતો અમારુ સ્વરૂપ છે. (સેવન સ્વરૂપે બિરાજે છે તે) તેના હરદામાં અમો બિરાજીએ છીએ. તેની અમો રૂડી દશા કરીએ છીએ. એવું મુંછ ન બોડી કરાવવાનું પ્રમાણ છે. તેના જીવને કોઈ ગાંજી શકે નહિ. તેને કોઈનો ભય અથવા ડર નથી. તેની બરાબરી સાત મંદિરના સેવક કરી શકશે નહિ. તેતો પ્રમાણ શ્રીઠાકોરજી એ વધાર્યું છે. તેતો જીવનું ઘટાડ્યું શું ઘટવાનું છે? એ વૈષ્ણવ તો અલૌકિક થયો. હમારો થયો.

|| ૪ થો સંપૂર્ણ ||

|| ઈતિ શ્રીગોપેન્દ્રજીનું ૧૫ મું વચનામૃત સંપૂર્ણ ||

(પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)

લેખન પ.વૈ. શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને કિંજલ બેન તન્ના (જામનગર) ના જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here