|| પ્રભુશ્રી ગોપાલલાલજી ના વચનામૃત – ૧૫ ||

0
164

|| શ્રી ગોપાલો જયતે ||

વચનામૃત

ઓર એક સમયે આપ રાસ પંચાધ્યાયીકી કથાકી ચર્ચા શ્રીમુખસુ કરે હે, તબ સબ સ્વવૈષ્ણવ સુને હે, તામે એસો વૃતાંત આયો, જો શ્રી પુરૂષોત્તમ ગોપવધુનસો રાસ ક્રીડા મનોગ્રાહ્ય (મનોહર સુંદર), આપ કામ ભાવસો જાકો મનોરથ સબ પૂરે, એસે શ્રીશુકજીકે વચન સુનીકે , રાજા કે મનમેં આયો , તાકો પ્રશ્ન કરકે પૂછો

એસી સુનકે વિચાર્યો, ભગવત ઇચ્છા. પરિ યોકો પ્રશ્નનકો ઉત્તર કર્યો , પરિ મનમેં એસો આયો જો!! પાત્રાનુંરુપ ફલમ!! ઇતિ વચનાત ‘ (જેવું પાત્ર તેવું ફલ ) જો ભગવત ૨હસ્ય શ્રીશુકજીને કહી, અરૂં પરિક્ષીતને સુન્યો, સો તાકો કછુ શ્રીશુકજી કો ગર્વ નાહી, અરુ પરિક્ષીત કો પૂછવે કો અપરાધ નાહી, જો ભગવદ ઇરછા આપુકો ઉપજાયો,સો કહ્યો હે તબ પરિક્ષીતકુ કહી, જો કાનતે આપુ સુને ઓર આપુ કહ્યો હે ઓરકુ તો ગમ, નાહી, એસે શ્રીમુખ શ્રીગોપાલલાલજી કહે હે, તાકો આશય કહા ?

જો હમારે પુષ્ટિમાર્ગમે તો એસે શ્રી દાદાજીને લીખ્યો હે, જો પુષ્ટિ પુષ્ટિ હે તાકો ઓરકો સંગ, અરું ચર્ચા કેહવે કો અરૂ સૂનવેકો નાહી કૌ જો ભીગો જે આલો કપરો પરે હે, તાકુ જો કોરો મિલે તો વાકું ભીગોવે હે . એસો જો સંગસુ પુષ્ટિ બુદ્ધિ આવે તાકે ઉપર આપ ભાષાકો દોહો લીખ્યો “ રેક લોહ તરુ કીટકો , સંગત પલટત અંગઃ

તાકો આશય કહા , જો વૈષ્ણવકે સંગસુ અવૈષ્ણવ હુ વૈષ્ણવ હોઇ , હે તો એસો પરિ જાકું દ્રઢતા હોય, તાકુ, ઓર તો વૈષ્ણવ હોય , અવૈષ્ણવકે સંગતે અપુનો દ્રઢતા છૂટે એસો હે, તાકે ઉપર આપશ્રીમુખ તે કહ્યો છે , શ્લોક : – !! મદાશ્રિતાશ્ચ યે ભક્તા વેષ્ણવાશ્વ તથેવ ચ તેષાં તુ દુષ્ટ સંગેન ધર્મહાનિ “ ભ્રવેદ ધ્રુવમ્ ” ( શ્રી ગોપાલલાલજી કહે છે કે અરે સેવકો મારા આશ્રયવાળા જે ભક્તો તથા વૈષ્ણવો છે ; તેઓ કોઇ દુષ્ટ મનુષ્યોનો જો સંગ કરે , તો અવશ્ય પોતાનો ધર્મ ચુકશે અને ધર્મની હાની થશે. )

એસે લીખે હે. જો હમારી સૃષ્ટિકો વૈષ્ણવ હૈ, તાકું અન્ય ધર્મકો જે આશ્રિત, તાકો સંગ તો કેસે કરે ? પરિ અપુને સ્વધર્મ સત્સંગ બિનું ઓરકે વચન ન સુને તાકે ઉપર શ્રીગીતાજીકે શ્લોક પઢે : !! “ શ્રેયાન સ્વધર્મો વિગુણ : ” !! ઇતિ વચનાત | જો અપુને સ્વગુરુ જો ઇશ્વર આપ પ્રગટ હૈ, તાકે વચનસો કલ્યાણ હે. તેસે સુનીકે આપ શ્રી મુખ સુ બોલે, જો !! ઇશ્વરાણાં વચઃ સત્ય , તથે વાચરિત કવચિત ! ઇતિવચનાત

એસે હે, જે અપુને જો ઈષ્ટ ( જેના ઉપર આપણો ભરોસે છે તે આરાધ્ય ) તાકો વચન પ્રમાણ ચલનો , ઓર કોઉ ઠોર એસો હૈ , જો વેદ વચન પ્રમાન ચલનો એસો ધર્મ શાસ્ત્રકે વચનસો ચલનો , એસો લીખ્યો હૈ . યાકો કાર્ય વિચારનો , જો ( અલ્પ કષ્ટ ) આપતકાલ અરૂ ( મહા કષ્ટ ) વિપત્કાલ દોય સમેમેં તો મર્યાદા ઉલ્લંધન કરની એસો હે , જો રેણુકાકે સંબંધ તે જમદગ્નિ ઋષિ , જેસે મહાભગવદીય જીનુંને કાલ ક્રોધકો અપને દેહમેંસું દૂર કીયો, જો મેં બ્રહ્મવેત્તા હો, જો મેરે ક્રોધકો કછુ કામ હે ? એ તો ચાંડાલ હૈ, જાસો સર્વસ્વ કાર્યકો નાશ કરે હે.

તબ સહસ્ત્રાર્જુન આયો, તાકો સ્ત્રીકે સબંધકો નોતો ( જમવાનું નોતરું ) જમવેકો દેવાયો . કૉ જો સ્ત્રીને બોહોત દીનતા , જો દુર્બલતા કરી , જો મેં કહા કરું ? હમતો ( નિર્ધન ) નિષ્કિચન હૈ , પરિ વે રાજા હૈ . એસે આઇ , જો ઋષિતો રજોગુણી હે સો સુનકે કહી , અરે તુમ એસો કૌ કહ્યો ? તબ નોતા દીયો , જમવેકું બોલાયે , વામે તો બોહોત વિક્ષેપ ભયો , તબ રુષીકુ ક્રોધ આયો ; તબ અપને જયેષ્ઠ પુત્રકુ કહી, જો એ રંડેકો માર દે, તબ ઉન બેટે કહી, જો મહારાજ ? આપતો મુનિશ્વર હો, પરિ વે બી માતુશ્રી હે, તાકો અપરાધકો તો વેદશાસ્ત્ર ને મહાનિષેધ કીયો હે, તબ વાને ક્રોઘ ભયો , જો !! ‘ ભસ્મોદ્ભવ!! ઇતિવચનાત્ II ( હે પુત્ર તું બળી ભસ્મ થા.) તબ દુસરેકો એસે નાશ ભયો, તબ પરશુરામ આયકે દંડોત કીયો ઓર દેખે તો નેત્ર રક્ત હોય રહે હૈ, સો કહી, કૌ હે ? તબ કહી જો એ રંડેકો માર દે, તબ વિચાર્યો . જો આપતધર્મ હે, તામે વેદ શાસ્ત્રકો કહા વિચાર ?

તબ પરશુ જો કુઠાર હે , તાસુ મસ્તક છેદ દીયો , તબ ઋષિ પ્રસન્ન ભયે, જો તુંમને વેદ મર્યાદા ઉલ્લંઘકે મેરો વચન માન્યો, તેરે ઉપર મેં પ્રસન્ન હો. તબ કહી, જો યાકું તુમ સજીવન કરો તબ વે સજીવન ભયે એસે અપુને અપુને પ્રભુકી આજ્ઞા પાલની તેસે કહી હે શ્રીજી ચર્ચા કો સબંધ સમાપ્ત કિયો અપુને પ્રભુ ઉપરસો દ્રઢતા ચૂકે તા ઉપરાંત આપત્કાલ કોન ? જાસો સર્વસ્વ ભજનકો વિશ્વાસ ચૂકે, તો પીછે કહા રહો ? તો વૈષ્ણવકો અવૈષ્ણવકો સંગ ન કરનો , “ અવધુત પ્રસંગ મિવ ” ( અવધુતદાસને વેશ્યાનો સંગ થતાં ભક્તિ છૂટી પણ દૈવી જીવને ઠેકાણે લાવવા શ્રીમહાપ્રભુજીએ તેની યાદ દેવરાવી તેથી તે પાછા હતા તે સ્થિતિમાં આવી ગયા આવો દુઃસંગનો પ્રભાવ બતાવ્યો છે.) અત: એવ દુઃસંગ ન કરો.

|| ઇતિ પંચદશ વચનામૃત સંપૂર્ણ ||

ભાવાર્થ

શ્રીગોપાલલાલજી શ્રીમુખથી રાસ પંચાધ્યાયની કથાનો પ્રસંગ પોતાના વૈષ્ણવોને સંભળાવી રહ્યા છે. પંદરમાં વચનામૃતમાં સૌ પ્રથમ શ્રવણનો અધિકાર સમજાવ્યો છે. ભગવદ કથા સાંભળનાર ઉપર કથાનો પ્રસંગ કહેવામાં આવે છે, તે વાત પરિક્ષત રાજાના દ્રષ્ટાતથી સમજાવી શ્રવણ કરનાર ઉત્તમ, મધ્યમ અને કનિષ્ટ એમ ત્રણ પ્રકારના હોય છે જેવું પાત્ર હોય તેવું ફળ મળે.

શુકદેવજી જ્યારે પરિક્ષીત રાજાને શ્રીમદ ભાગવતની કથા સંભળાવે છે, ત્યારે રાસલીલાનો પ્રસંગ આવ્યો ત્યારે તો પરિક્ષીત રાજા મુક્તિના અધિકારી હતા તે કાઇ ભગવદલીલાના અધિકારી ન હતા વળી રાસલીલાનો પ્રસંગ સાંભળીને થાય કે ગોપવધુઓ સાથે કેમ રાસક્રિડા કરી પ્રભુતો ધર્મનું સ્થાપન કરનારા છે, તેં આવું પરસ્ત્રી સાથે રમણ કેમ કરે? તેવી શંકા થઈ, ત્યારે શુકદેવજીએ તેનો ખુલાસો કર્યો અને આગળ કથાનો પ્રસંગ બંધ કર્યો અને એમ જાણ્યું, જે આ તો મધ્યમ અધિકારી મુક્તિનો છે અને તેમાં ભગવદ ઇચ્છા બતાવી કે ભગવદ ઇચ્છાએ શુકદેવજીને જે ઉપજયુ તે કહ્યું અને ભગવદ ઇચ્છાએ પરિક્ષીતને જે ઉપજયું તે પૂછ્યું. તેમાં બન્ને માથી કોઇનો અપરાધ નહિ પણ જેવો પરિક્ષીતનો અધિકાર હતો, તેવું ભગવદ ઇચ્છાએ ઉપજયુ. તેવું સાંભળ્યું શ્રવણના અધિકાર પ્રમાણે ફળ પ્રાપ્ત થાય જે શુકદેવજીએ કહ્યું તેનો કોઈ તેને ગર્વ નથી અને પરિક્ષીતે પોતાના અધિકાર પ્રમાણે પૂછ્યું તેનો કોઇ અપરાધ નથી બીજાને તો આ પ્રસંગમાં કાંઇ ખબર નથી તે ઉપર તેનો ગુઢ આશય શ્રીગોપાલલાલજી સમજાવી રહ્યા છે કે તેનો અર્થ શું ?

જે અમારા પુષ્ટિ માર્ગમાં તો શ્રી મહાપ્રભુજીએ એવો સિદ્ધાંત લખ્યો છે. જે પુષ્ટિ પુષ્ટિ (પૂર્ણ કૃપા પાત્ર અનન્ય ભગવદી) જીવ છે, તેણે તો બીજા નો સંગ અને બીજાની સાથે પોતાના માર્ગની ચર્ચા કહેવાની કે, સાંભળવાની ના કહી છે કારણકે ભીનું કપડું કોરા કપડાને અડે તો ભીનું કરે, તેમ પોતાના ધર્મની પુરી ખબર ન હોય તેવા માણસની પાસે પોતાના ધર્મની વાત કરે કે સાંભળે તો પોતાનું મન કાચું હોય તો સ્વધર્મથી ચલાયમાન થઇ જાય, માટે સંગ કરવો તો પુષ્ટિમાર્ગી ભગવદીનો કરવો તેમ કહ્યું છે તેનાથી પુરિ બુદ્ધિ થાય અને પુષ્ટિમાર્ગનું રહસ્ય સમજાય માટે સંગ કરવો તો સ્વમાર્ગીય પુષ્ટિ ભગવદીનો જ કરવો, તેનાથી સ્વઘર્મનું જ્ઞાન થાય, પોતાના પ્રભુ પ્રત્યે દ્રઢ ભાવના થાય ઉત્તમ સંગથી ઉત્તમ ફળ મળે, માટે ઉત્તમ સત્સંગ કહ્યો તે ઉત્તમ સંગ કરવા વિષે એક દોહો કહ્યો: રંક લોહ તરુ કીટકો , સંગત પલટત અંગ પુષ્ટિમાર્ગમાં ઉત્તમ એવા ભગવદીનો સંગ કરવા વિશે ખાસ ભાર મુક્યો છે. નિવેદન લીધા પછી તાદ્રશી ભગવદીનો સંગ કરવો તો જ નિવેદન ફલિત થાય તેમ શ્રીઆચાર્યમહાપ્રભુજી સમજાવે છે હાકલમાં પણ ડોસાભાઈએ કહ્યું કે, તાદરશી સંગ મલણ જ કરે, અન્ય મારગ પગલું નવ ભરે ” તાદરસી ભગવદીનો મેલાપ રાખે, તેના સંગમાં રહે, અને અન્ય મારગમાં એટલે બીજા ધર્મ પ્રત્યે જરા પણ પગલું ભરે નહિ જેને સ્વધર્મ વહાલો છે, તેને બીજાનું શું છે તે જાણવાની કોઇ ઇચ્છા રહેતી નથી તે તો પોતાના સ્વધર્મના આચરણ મગ્ન રહે છે. તે બધું એક સત્સંગથી સમજાય છે. તે ઉપરના દોહરામા સ્વરે કહ્યું છે – રંક : રાંક માણસને ધનની પ્રાપ્તિ થયા પછી એને બીજું શું જરૂર રહે છે. તે પછી બીજાની પરવા રાખતો નથી, તેમ જેને સ્વધર્મનું આચરણ કરવું છે, તેને બીજા મારગની સાથે કશો સંબંધ નથી.

લોહ : જેમ લોઢાને પારસમણી અડતા તે લોઢૂ સોનું બની જાય છે તેની દેહ ! બદલાઇ જાય છે તેમ જીવ ઉત્તમ ભગવદીનો સંગ કરે તો તે પણ ઉત્તમ ભગવદી બની જાય છે તેવો પ્રભાવ ભગવદીના સંગનો છે!! આપ સરખો કરે અઘમને ઓધારે , વિમલ વિચારી મુખ વાણી ભાખે !!પ્રભાતી . તરું : મલાયચલ પર્વત ઉપર સુખડના ઝાડ સાથે બીજા ઝાડ પણ તેની સુગંધવાળા થઇ જાય છે . કીટ ઇયળને પણ ભમરીનો સંગ થતાં ઇયળ મટીને પણ ભમરી બની જાય છે , ઉપરના ચારે દ્રષ્ટાંતથી સત્સંગનું બળ અને ફળ અને સ્વરૂપ સમજાવ્યું છે

તેનો આશય એ છે કે, વૈષ્ણવના સંગથી અવૈષ્ણવ પણ વૈષ્ણવ બની જાય છે , જેને એવી દ્રઢતા હોય તેવા વૈષ્ણવના સંગથી, પણ વૈષ્ણવ હોય અને અવૈષ્ણવનો સંગ કરે તો પોતાની દ્રઢતા છુટી જાય, એમ પણ બને માટે વૈષ્ણવે અવૈષ્ણવનો સંગ ક્યારે પણ ન કરવો. અવૈષ્ણવના સંગથી પોત્તાની દ્રઢતા અને આશ્રય છુટી જાય તેમ ભાર દઇને શ્રીમુખથી સમજાવ્યું છે. તેની ઉપર એક શ્લોક કહ્યો !! મધાશ્રીતાશ્વ યે ભક્તા વૈષ્ણવાશ્વ તથેવ ચ | તેષાં તુ દુષ્ટ સંગેન ધર્મ હાનિ ભંવેદધ્રુવમ || શ્રીગોપાલલાલજી કહે છે કે અરે વૈષ્ણવો ( સેવકો ) મારા આશ્રયવાળા જે ભક્તો તથા વૈષ્ણવો છે , તેઓ કોઇ દુષ્ટ (અન્ય માર્ગનો) મનુષ્યનો જો સંગ કરે તો અવશ્ય પોતાનો ધર્મ ચુકશે, અથવા તો પોતાના ધર્મની હાની ચોક્કસ થશે. શ્રીગોપાલલાલજી શ્રીમુખથી પોતાની સૃષ્ટિના વૈષ્ણવોને ભાર પૂર્વક કહે છે કે, જે અમારી સૃષ્ટિનો વૈષ્ણવ છે તેણે અન્ય ધર્મનો (એટલે બીજા ધર્મનો ) જે આશ્રિત છે (સેવક છે) તેનો સંગ ન કરવો, અને પોતાના સ્વધર્મી સિવાય બીજાની સાથે સત્સંગ પણ ન કરવો, અને તેની વાણી પણ ન સાંભળવી તેનો સત્સંગ કરવાથી કે, તેની વાણી સાંભળવાથી સ્વધર્મથી ચલાયમાન થઇ જવાય, માટે તેની ઉપર ગીતાનો શ્લોક શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધમાંતસ્વાનુષ્ટિતાત સ્વધર્મેનિધન શ્રેયઃ પરધર્મો ભયાવહઃ!!(પારકા ધર્મ કરતાં પોતાનો ધર્મ ઓછા ગુણ વાળો હોય તો પણ પોતાનો ધર્મ સારો છે. પોતાના જ ધર્મમાં જ કલ્યાણ છે પોતાના ધર્મનું પાલન કરતાં મૃત્યુ થાય તે વધારે સારું છે. પણ બીજાનો ધર્મ ભયકારક અને ખુબજ જોખમવાળો છે.)

તે ગીતાનો શ્લોક બોલીને કહ્યું , જે કોઇ સ્વધર્મ પોતાનો ચુક્યો, તેનો સર્વસ્વ નાશ થાય છે. તેવું સાંભળીને કાનદાસભાઇ તથા બીજા વૈષ્ણવો જે સાંભળે છે, તે બહુ જ પ્રસન્ન થયા અને કહ્યું જે આપણા સ્વગુરુ જે ઇશ્વર પોતે પ્રગટયા છે, તેના વચનથી જ કલ્યાણ છે .

(પુષ્ટિમાર્ગમાં ગુરુ એ જ ઇશ્વર છે અને ઈશ્વર એ જ ગુરુ છે. બીજા કોઇ જીવ પુષ્ટિમાર્ગમાં ગુરુ નથી મર્યાદા માર્ગમાં એટલે બીજા માર્ગમાં ગુરુ જીવ છે. અને ઉપાસના ઇશ્વરની છે, જયારે પુષ્ટિમાર્ગમાં ગુરૂ પુર્ણપુરૂષોત્તમ છે. અને સેવા પણ પુર્ણ પુરુષોત્તમની છે. દ્વારકેશજીની ભાવભાવનામાં પણ ઉપરોક્ત ખુલાસો છે.)

તેવું સાંભળીને આપ શ્રીમુખેથી બોલ્યા જે !! ઇશ્વરાણાં વચ સત્યં તથેવાચરિત કવચિત “!! પોતાના પ્રભુના વચન પ્રમાણે (આજ્ઞાનું પાલન કરવું) તે કહે તેમ કરવું, પણ તે કરે તેમ ન કરવાની આજ્ઞા છે. કારણ કે તેની જેવું આચરણ જીવથી બની શકે નહીં.

જે પોતાના ઇષ્ટ પ્રભુ, તેના વચન પ્રમાણે ચાલવું, અને ક્યારેક કોઇ જગ્યાએ એટલે કોઇ સમયે જે વેદ વચન પ્રમાણે ચાલવું અને ધર્મશાસ્ત્ર ના વચન પ્રમાણે ચાલવું એમ પણ લખ્યું છે. પણ તેમાં કર્મનો વિચાર કરીને ચાલવું, જેમાં પોતાના સ્વધર્મનું રક્ષણ થતું હોય તેમ વિચારીને ચાલવું, જે આપાતકાલ અને વિપતકાલ સમયે ધર્મ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરવા વિશેનું દ્રષ્ટાંત આપી સમજાવે છે. તેમાં રેણુકા અને જમદગ્ની ઋષિના સંબંધની વાત કહે છે. જમદગ્નિ ઋષિ મહાન ભગવદી હતા જેમણે કાળ ક્રોઘને પોતાના દેહમાંથી દૂર કર્યો હતો અને પોતે એમ માનતા હતા કે હું બ્રહ્મવેતા છું. મારે કાળ ક્રોધનું શું કામ છે, એ તો ચાંડાલ છે, જેનાથી સર્વ કાર્ય નાશ થાય છે.

એક સમય સહષ્ત્રાજૂન નામનો રાજા ઋષિના આશ્રમમાં આવ્યો તે રેણુકાનો બનેવી થાય તેના કારણે રેણુકાએ જમદગ્નિ ઋષિને દીનતાથી વિનંતી કરીને કહ્યું કે આને જમવાનું નોતરૂં આપો અને કહ્યું કે હું શું કરું હું તો નિષ્કચન છું અને એ તો રાજા છે એમ સ્ત્રીના મનમાં આવ્યું ત્યારે ઋષિ તો રજો ગુણી હતા, તેમણે સાંભળીને કહ્યું કે તું એમ શા માટે કહે છે. જમવાનું નોતરૂ આપો ત્યારે જમદગ્નિ ઋષિએ કામદુગ્ઘા ગાયને સ્વર્ગમાંથી બોલાવીને પોતાના આશ્રમમાં બધો વૈભવ ખડો કરી દીધો અને રાજાને જમવા બોલાવ્યો રાજ તો આ બધો વૈભવ જોઇને મનમાં વિચાર કરવા લાગ્યો કે આ ઋષિ છે અને આની પાસે આ વૈભવ ઘડીકમાં ક્યાંથી ખડો થઇ ગયો. ત્યારે તેણે રેણુકાને પુછયુ કે , ઋષિ તો નિષ્કાંચન છે. અને આ વૈભવ ક્યાંથી પ્રાપ્ત થયો, ત્યારે રેણુકાએ જે હકિકત કહી તે સત્ય કહી કે, સ્વર્ગમાંથી કામધેનુ ગાયને બાલાવીને આ વૈભવ ખડો કર્યો છે, આપને જમાડવા માટે, ત્યારે રાજાએ તે કામધેનુની માંગણી ઋષિ પાસે કરી, ત્યારે ઋષિએ ના કહી અને રાજા ની સાથે યુદ્ધ થયું. અને તેની સધળી સેનાનો નાશ કર્યો , અને ઋષિને પોતાની સ્ત્રી પર ખુબ ક્રોધ થયો તે સમયે પોતાનો મોટો પુત્ર આવ્યો અને તેને કહ્યું કે આ રાંડને મારી નાખ, ત્યારે તેના મોટા પુત્રે કહ્યું જે મહારાજ ! આપ તો મુનિશ્વર છો, અને એ મારા માતુશ્રી છે, તેનો અપરાધ કરવો તે તો વેદશાસ્ત્રમાં મહાન નિષેધ કહ્યો છે . ત્યારે ઋષિને ક્રોધ થયો. અને તે મોટા પુત્રને બાળીને ભસ્મ કરી નાખ્યો, ત્યારે બીજો પુત્ર આવ્યો. તેનો પણ તેવી રીતે નાશ કર્યો.

ત્યારે ત્રીજા પુત્ર પરશુરામે આવીને દંડવત કર્યા, અને જોવે છે તો આખુ લાલ ચોળ થઇ ગઇ છે અને કહ્યું શું છે ? ત્યારે ઋષિએ કહ્યું કે એ રાંડને મારી નાખ્ય ? ત્યારે પરશુરામે મનમાં વિચાર્યું ! જે આપતધર્મ છે, તેમાં વેદશાસ્ત્રનો શું વિચાર કરવો ?

ત્યારે પરશુરામે તેમ વિચાર કરીને પોતાની પાસે જે પરશુ – કુહાડી હતી, તેનાથી મસ્તક કાપી નાખ્યું. ત્યારે ઋષિ પ્રસન્ન થયા, બોલ્યા જે તમે વેદ મર્યાદાનું ઉલ્લંઘન કરીને મારી આજ્ઞાનું પાલન કર્યું છે, તો હું તમારા પર પ્રસન્ન છું. ત્યારે પરશુરામે કહ્યું કે આ ત્રણેયને તમે સજીવન કરો, ત્યારે ઋષિએ એ ત્રણેને સજીવન કર્યા, એમ પોતાના પ્રભુની આજ્ઞાનું પાલન કરવું. તેમ કહીને શ્રીજીએ તે ચર્ચાનો પ્રસંગ સમાપ્ત કર્યો.

પોતાના પ્રભુ ઉપરથી વિશ્વાસ અને દ્રઢતા ઉઠી જાય તેનાથી બીજો આપત્કાલ વધારે શુ છે ? તે જ આપતકાલ વધુમાં વધુ ગણાય, જેનાથી સર્વથા ભજન સ્મરણ અને ભક્તિમાંથી વિશ્વાસ જાય, તો પછી જીવને બાકી શું રહે માટે વૈષ્ણવે ક્યારેય પણ અવૈષ્ણવનો સંગ ન કરવો. અને ઘણું કરીને દુઃસંગ પણ સર્વથા ન કરવો, તેમ આ વચનામૃતમાં ખાસ માર્ગના સિદ્ધાંતરૂપ રહસ્ય સમજાવવામાં આવ્યું છે. આ વચનામૃતને વૈષ્ણવે ખાસ વારંવાર મનન કરી લક્ષ્યમાં રાખવા જેવું છે ! પોતાના પ્રભુની આજ્ઞાનું પાલન કરવું તે જ ખાસ સ્વધર્મ બતાવવામાં આવ્યો છે. તેની આજ્ઞાનો પાલનથી જ જીવનું સર્વથા કલ્યાણ છે, જે કોઇ પોતાનો સ્વધર્મ ચુકે તેનાથી વધારે દુઃખ બીજું શું હોઈ શકે પરશુરામે આપતકાલમાં પોતાના પિતાની આજ્ઞાનું પાલન કર્યું તો સર્વસ્વ પ્રાપ્ત કરી શક્યા, તેમ જીવ પોતાના પ્રભુની આજ્ઞાનું પાલન કરે તો પ્રભુના પદને જરૂર પ્રાપ્ત કરી શકે. વળી ! ભગવદલીલાનું શ્રવણ કરતાં કોઈ જાતની શંકા ન લાવવી તેનાથી ઉત્તમ ભાવનો નાશ થાય છે. શ્રીગોપાલલાલજીના વચનામૃત ખરેખર પોતાની સુષ્ટિના વૈષ્ણવને તેમજ પુષ્ટિમાર્ગીય જીવ માટે અમૃત સમાન છે. જે અમૃત મળતા નિસ્ચેતન પ્રાણને પોષણ મળે, તેમ આ પ્રભુના વચનામૃતરૂપી અમૃત પાન કરનાર જીવને જરૂર ઘર્મરૂપી પ્રાણનો હદયમાં સંચાર થાય.

|| ઇતિ પંચદશ વચનામૃત ભાવાર્થ સંપૂર્ણ ||

(પ્રભુશ્રી ગોપાલલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત માંથી)

લેખન પ.ભ.વૈષ્ણવ શ્રી ગોપાલભાઈ જોશી(પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીનું મંદિર, શિહોર) દ્વારા

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here